રાતરાણીનો એ છોડ આરતીએ બગીચામાં જાતે જ રોપી, જતન કરીને ઉછેર્યો હતો. આજે એ જ રાતરાણીનો છોડ મારી વહાલસોયી દીકરી અને મારા જીવનના ખાલીપાને પોતાની સુગંધથી ભરી રહ્યો છે. સોળે કળાએ ખીલેલા ચંદ્ર સામે જોઇ મારી દીકરીને છાતીસરસી ચાંપીને એ સુગંધને મનમાં ભરતાં આરતીના સાંનિધ્યનો અનુભવ કરી રહ્યો હોઉં એવું લાગે છે...
પ્રકૃતિ પ્રત્યેના અમારા બંનેના લગાવને લીધે જ હુ અને આરતી એક બન્યાં હતાં. આજે પણ એ દિવસ યાદ આવે છે, જ્યારે બાયોપ્સીનો રિપોર્ટ લઇ હું ઘરે આવ્યો, ત્યારે આરતીએ મને કેવી હૈયાધારણ આપી હતી... એ જ બગીચો છે અને એ જ ફૂલો છે, પણ મારી આરતી ક્યાં?
શિયાળાની જામતી પોષી પૂનમની રિઢયાળી રાત્રિ હતી. હિમાલય પર હિમવર્ષાની ઉદ્ભવેલી ઠંડી લહેરોથી આખું શહેર ધ્રુજી રહ્યું હતું. લોહી પણ થીજાવી દે તેવા ઠંડા પવનના સૂસવાટાથી શહેરના રસ્તાઓ જાણે ટૂંટિયું વાળીને પડ્યા હતા! હિમ જેવા શિયાળાએ શહેરને બાનમાં લીધું હતું. ઝાકળ પડવાથી જમીન પણ ભીની થઇ ગઇ હતી.આકાશમાંથી દૂધ જેવી પૂનમની ચાંદની વરસી રહી હતી અને ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો. આવી કડકડતી ઠંડીમાં પણ હું ચાંદનીભર્યા આકાશને નિરખતો મારા બંગલાના ગાર્ડનમાં ઊભો હતો.
ખીલેલી પ્રકૃત્તિની પળોને હું એકલો, મન ભરીને પી રહ્યો હતો. મારી પત્ની આરતી તેની નાતંદુરસ્ત તબિયતના કારણે રૂમમાં સૂતી હતી. થોડા સમયથી તેના માથાના ઉપરના ભાગે કંઇક ગૂમડા જેવું થયું હતું. થોડો થાક અને થોડો દુખાવો હતો એટલે ફેમિલી ડોક્ટરે આપેલી પેઇન કિલર લઇ તે સૂતી હતી. મેં ડિસ્ટર્બ ન કરવાના હેતુથી શાંતિથી તેને સૂવા દીધી.
આરતી પણ મારી જેમ પ્રકૃતિપ્રેમી હતી. તેને પણ પ્રકૃતિની મનોહર લીલા પ્રત્યે અપાર લગાવ હતો. અમારાં બંનેનાં સ્વભાવ અને વિચારો સરખા જ હતા, તેથી જ અમે કોલેજકાળ દરમિયાન એકમેકના સંગાથી બનવાની કસમ ખાધી હતી. આરતી ગરીબ ઘરની લાડલી દીકરી હતી. મારા મનમાં જે સ્વપ્નસુંદરી રમતી હતી, તેવી જ મનગમતી સર્વગુણસંપન્ન આરતી હતી. આથી જ વડીલોની અસહમતિ હતી છતાં મેં આરતીને મારી જીવનસંગિની બનાવી હતી.
ખીલેલી પૂનમની રાત્રિમાં ગાર્ડનના ખૂણામાં આરતીએ રોપેલાં રાતરાણીના છોડમાંથી નીકળતી સુગંધને ઠંડો પવન વાતાવરણમાં પ્રસારી રહ્યો હતો. મને રાતરાણીની સુગંધ બહુ જ ગમતી હતી એટલે આરતીએ ગાર્ડનમાં રાતરાણીનો છોડ રોપીને ઉછેર્યો હતો. તે જાતે જ છોડની માવજત કરતી. રાત્રિ ખરેખર ખીલી હોય ત્યારે રાતરાણીની સુગંધ બેડરૂમની દીવાલોને વીંધીને અમારા રૂમમાં પ્રવેશતી.... ને એ જ સમયે મારી છાતી પર માથું ઢાળીને મને પ્રેમરસથી તળબોળ કરતી આરતી મૃદુ સ્વરે ટીખળ કરતી કહેતી, ‘એય...! તમારી બીજી પત્નીના સુગંધના દરિયામાં ડૂબકી મારવી નથી?’
‘મારવી છે ને! તેં જ મને બીજી પત્ની લાવી આપી છે, તો શું કામ તેના સુગંધના દરિયામાં ડૂબકી ન મારું?’ હું તેના ગોરા ગાલ પર હળવેકથી ટપલી મારીને કહેતો અને તે એકદમ હસી પડતી. હાસ્યથી તેના ભરાવદાર ગાલ પર ખંજન ઉપસી આવતા, ત્યારે હું તેના ચંદ્ર જેવા જ ખીલેલા મુખમંડળને અમિનેષ જોઇ રહેતો. થોડી વારે તેનું અનુપમ હાસ્ય સંકેલી આરતી મારો હાથ પકડીને અધીઁ રાત્રિએ રાતરાણીના છોડ સુધી લઇ જતી. નીરવ શાંતિમાં રાતરાણીના મઘમઘતા છોડ સામે ઊભા રહીને હું આરતીને મારી તરફ ખેંચીને કહેતો, ‘આરતી! તું અને આ રાતરાણીનો છોડ બંને જુદા નથી, પણ એક જ છો. આ રાતરાણી ઘરના બાગને મહેકાવે છે, તો તું મારા જીવનબાગને મહેકાવે છે.’
‘ઓહ...! આઇ વેરી... વેરી મચ લવ યુ, સૂરજ!’ કહેતી એકદમ ભાવુક બની આરતી મને વળગી પડતી.... ક્યાંય સુધી. આવી તો કેટલીય સુગંધિત રાત્રિઓ અમે રાતરાણીના છોડના સાંનિધ્યમાં વીતાવી હતી. મનમાં થતું હતું કે કાશ... આજે પોષી પૂનમની ખીલેલી રસભરી રિઢયાળી રાત્રિએ આરતી મારી સાથે હોત! મનમાં ઉદ્ભવેલી આશાને મક્કમ મન કરી મેં જાણીજોઇને આરતીને તેની નાતંદુરસ્ત તબિયતના કારણે સૂવા દીધી હતી. આજે સવારે જ ડોક્ટરે બાયોપ્સી માટે સેમ્પલ લઇ, ડ્રેસિંગ કરી પાટો બાંધ્યો હતો.
થોડી પીડા થતી હતી, પરંતુ પેઇનકિલરની અસરથી રાહત થતાં આરતી સૂઇ ગઇ હતી અને હું એકલો જ બગીચાની ખૂશ્બુભરી ક્ષણો માણી રહ્યો હતો. મારી નજર સામે જ આરતીએ માત્ર મારા માટે જ બાળકની જેમ જતન કરી ઉછેરેલો રાતરાણીનો છોડ મઘમઘતો હતો. સુગંધના દરિયામાં નહાતા મેં ઊંચે આકાશમાં ખીલેલા પોષી પૂનમના ચંદ્ર પર નજર કરી ત્યાં જ......અચાનક આરતીની એક તીણી ચીસ મને સંભળાઇ, ‘સૂરજ...!!’ મારા નામ સાથે ચીસ સાંભળતાં જ બરફ જેવી રાત્રિએ મારા કલીનસેવ્ડ ચહેરા પર પરસેવાના બિંદુ ફૂટી નીકળ્યા.
હું અદ્ધર શ્વાસે દોડીને બેડરૂમમાં આવ્યો. આરતી બેબાકળી થઇને બેડ પર બેઠી હતી. તેની છાતી ધમણની જેમ ધબકતી હતી. મને જોતાં જ ‘સૂરજ...!’ કહીને ગભરાયેલી હરણીની જેમ મને વળગી પડી. મેં તેના માથા પર હેતપૂર્વક હાથ ફેરવતાં પૂછ્યું, ‘શું થયું?.... પીડા બહુ થાય છે? કંઇ તકલીફ હોય તો ડોક્ટરને ફોન કરું?’‘હા.’ અચાનક તેના મોઢામાંથી આકસ્મિક રીતે મારા પ્રશ્નાર્થના જવાબમાં શબ્દ સરી પડ્યો.‘સપનામાં શું જોયું?’ મેં તેની નજરમાં નજર પરોવી પૂછ્યું.‘બસ,... ખાસ કંઇ નહીં.’ કહેતાં તેના ચહેરા પર સ્મિત રેલાયું.
‘ભલે!... પણ તોય તું કહ્યા વગર તો નહીં રહે.’ તેના સ્મિતથી ઉપસેલાં ખંજનને નીરખતાં મેં કહ્યું. પછી એની આંખમાં ભરેલી ઊંઘ જોઇ આલિંગન આપી સૂવડાવી દીધી. બહાર ચાંદની રાત સોળે કળાએ ખીલી હતી. થોડી ક્ષણો પહેલાં જ મન ભરીને માણેલી પ્રકૃતિની મનોહર ક્ષણોને વાગોળતો હું જાગતો સૂતો હતો.થોડી વારે આરતી સળવળી અને બોલી, ‘એય! તમને કહું છું. સાંભળો છો?’‘હા, સાંભળું છું. બોલ, શું કહેવું છે?’‘સપનું સાચું તો નહીં પડે ને?’ કહી તેણે ચિંતાભરી એક દ્રષ્ટિ મારી પર કરી.
‘તું સપનાની મને વાત કહે તો ખબર પડે ને?’‘મને...’‘અટકી કેમ ગઇ?... કહે ને!’ કહેતાં મેં તેને હમદર્દી આપી.‘કહું છું...’ ફરી વાર તે અટકી ગઇ.‘બોલ... બોલ! નિશ્વિંત બનીને કહી દે!’‘મને... કેન્સર તો નહીં હોય ને?’ કહેતા તેની આંખો ભીની થઇ ગઇ અને મને વળગી પડી.‘લે...! તુંય શું, યાર? તેં તો સપનામાંય કોઇનું ખરાબ નથી કર્યું.’‘પણ...’‘પણ ને બણ કર્યા વગર મનમાંથી વહેમ કાઢી નાખ... આ તો ડોક્ટરની એક શંકાને કારણે બાયોપ્સી કરાવવી પડી. ચિંતા ન કરીશ. કાલે રીપોર્ટ આવશે ત્યારે તું જ કહીશ કે સપના સાચા પડતા નથી.’ કહી મેં ફરી વાર ગાઢ આલિંગન આપી એને સૂવડાવી દીધી. પોષી પૂનમની હિમરાત્રિ રાતરાણીની સોડમ સાથે ધીરે ધીરે પસાર થતી રહી.
બીજા દિવસની બપોરે હું બાયોપ્સીનો પોઝિટિવ રીપોર્ટ લઇ, ડોક્ટરને બતાવી ઘરે આવી નિસ્તેજ ભાવે સોફા પર ઢગલો થઇ બેસી ગયો. આરતી ટગર-ટગર મારી સામે જોઇ રહી. પછી ચહેરા પર સ્મિત રેલાવી બોલી, ‘મારું સપનું સાચું પડ્યું ને?’હું કંઇ પણ બોલી ન શક્યો. મારી આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. આરતીએ એકદમ મને છાતીએ વળગાડી તેના પાલવ વડે મારી આંખો લૂછતાં કહ્યું, ‘તમે નાહકના રડો છો. હું તો હજી જીવું છું!... ને હા, કાલે રાતે સપનામાં મેં બીજી બાબત પણ જોઇ હતી જે મેં તમને કહી નથી.’‘કઇ બાબત?’ મારાથી આશ્ચર્ય અને જિજ્ઞાસા ભાવે બોલાઇ ગયું.‘હું અને તમે પારણું ઝૂલાવતા હતા.’ આરતી સહજ ભાવે બોલી.
‘એટલે...?’‘હા, સૂરજ! હું પ્રેગ્નન્ટ છું. આપણા સંતાનને જન્મ આપ્યા વગર મરવાની નથી. મારું સપનું સાચું જ પડશે.’ કહેતાંની સાથે જ તે એકદમ બહાવરી બની મને વળગી પડી.... ક્યાંય સુધી...સમયનો પ્રવાહ વહેતા પાણીની જેમ વહેતો રહ્યો. પૂરા મહિને આરતીએ રાતરાણીના છોડ જેવી દીકરીને જન્મ આપ્યો..... પણ દીકરીના જન્મ પછીના પંદરમા દિવસે મારા મનની મૂર્તિ હંમેશાં માટે મને અને મારી રાતરાણીના છોડ જેવી દીકરીને એકલા મૂકી અમારી નજર સામેથી ચાલી ગઇ. દિવસો વીતતા ગયા. મને આરતીની યાદ સતાવે ત્યારે હું મારી ફૂલ જેવી કોમળ દીકરીને લઇ મારા બંગલાના બગીચામાં આવું છું. બગીચો પણ એ જ છે, એ જ ગુલાબ, એ જ ચમેલી અને ચંપો છે છતાં પણ મને આરતી વગર અજંપો લાગે છે.
અજંપાભરી સ્થિતિમાં હું રાતરાણીના છોડ સામે ઊભો રહું છું. રાતરાણીને જોતાં જ આરતી મારી સામે પ્રત્યક્ષ આવી ઊભી રહે છે ને જાણે મને કહે છે, ‘એય, સૂરજ! હું નથી તો શું થયું? આ રાતરાણી તો છે ને? મેં જ તમને લાવી આપેલી તમારી બીજી પત્ની.’ ....ને મારી આંખો અષાઢની જેમ વરસવા લાગે છે. હું ભગ્ન હૃદયે મારી વહાલસોયી દીકરી સાથે રાતરાણીના છોડને વળગી પડું છું ત્યારે મને આરતીના સાંનિધ્યનો અહેસાસ થાય છે.
મારી અશ્રુભીની આંખો ઉપર ઊઠે છે. આકાશમાં ઇશ્વર હશે એવું સમજી મારું મન ફરિયાદ કરે છે, ‘હે ઇશ્વર! ગમતા માણસને તું જલદી શા માટે બોલાવી લે છે?’ પ્રશ્નનો પ્રત્યુત્તર ન મળતાં ફરી મારી નજર નિરાશાસહ રાતરાણીના છોડ પર મંડાય છે અને હિબકાં સાથે આંખોમાં આંસુનો ઊભરો આવે છે. થોડાં હિબકાં પછી મન શાંત થતાં મારા જ અંતરમાંથી અવાજ ઊઠે છે: ‘હે ઇશ્વર! આરતીના આત્માને પરમ શાંતિ આપજે!’રાતરાણીની સુગંધ વાતાવરણમાં પ્રસરતી રહેવાની સાથે મારા જીવન અને મનને પણ મહેકાવતી રહે છે.