હું ઝેર ખાઇને નહીં મરું, મરવા માટેના બીજા રસ્તાઓ છે. જતાં-જતાં હું તને એક પાઇનોયે ખર્ચ કરાવવા નથી માગતી.
રંજિશને લાગ્યું કે હવે આ સ્વાર્થની દુનિયામાં જીવતા રહેવાનો કશો અર્થ નથી. એણે આત્મહત્યા કરવાનો દ્રઢ નિર્ણય કરી લીધો. એ શહેરથી દૂર સૂમસામ વિસ્તારમાં આવેલા એક અવાવરું કૂવાની દિશામાં ચાલી નીકળી.
સાંજ સમાપ્તિના આરે હતી. ધરતી ઉપર અંધકારનો ગાલીચો પથરાવા માંડ્યો હતો. ચોમેર નીરવતાનું સામ્રાજ્ય વ્યાપ્ત હતું, પણ રંજિશના દિમાગમાં વિચારોનો ધમધમાટ ચાલુ હતો. પ્રહર સાથેની આખરી મુલાકાત વખતની વાતચીત એના મગજમાં હજુયે ઘૂમરાતી હતી.
‘પ્રહર, મને લાગે છે કે હું...’ આજે બપોરે જ એણે પ્રહરના આ®લેષમાં રહીને ધીમા સ્વરમાં વાત કાઢી હતી.
‘હા, હા, હું સમજી ગયો, તને લાગે છે કે તું ખૂબસૂરત છો, નાજુક છો, નમણાશનો અવતાર છો. આ જ કે’વું છે ને તારે? આમાં તેં નવું શું કહ્યું? આવું તો હું છેલ્લાં ચાર વર્ષથી કે’તો આવ્યો છું. ડાર્લિંગ, તારા વિશે તું જે માને છે એવું તો આખું શહેર માને છે. તો પછી પ્રોબ્લેમ ક્યાં છે?’ પ્રહર રોમેન્ટિક હતો, એની દરેક વાત રોમાન્સ ભરેલી હતી અને એ વાત કહેવાની એની હર એક અદા લાજવાબ હતી. આટલું બોલતી વખતે પણ એના હાથ તો રંજિશના દેહની ભૂગોળ ફંફોસી રહ્યા હતા.
અન્ય સંજોગોમાં પ્રેમીની આવી હરક્ત રંજિશને ખૂબ ભાવી હોત, પણ અત્યારે એ ગંભીર ‘મૂડ’માં હતી, ‘પ્રહર, તું માને છે એવું નથી. હું કંઇક બીજી જ વાત કહેવા માગું છું. તું મને છોડ અને મારી સામે બેસીને સાંભળ, તો જ...’
‘તું મારી સાથે હોય અને હું તારી સામે બેસું? અશક્ય. તારાથી દૂર રહેવાનું મારા માટે નામુમકીન છે. બોલી નાખ, તારે શું કહેવું છે?’ પ્રહર આટલું બોલીને ફરી પાછો રંજિશની લિસ્સી ડોક ચૂમવા લાગ્યો.
રંજિશે શરમના માર્યા આંખો મીંચી દીધી, પછી માંડ હિંમત એકઠી કરીને એકશ્વાસે બોલી ગઇ, ‘મને લાગે છે કે હું પ્રેગ્નન્ટ થઇ ગઇ છું... આ મહિને હજુ સુધી હું...’
રંજિશના એક અધૂરા વાક્યથી જ પ્રહર ઝટકા સાથે એનાથી દૂર થઇ ગયો. એના ચહેરા પરના બદલાયેલા હાવ-ભાવ જોઇને રંજિશને પણ કારમો ધક્કો લાગ્યો.
પ્રહરે નારાજગી સાથે પૂછ્યું, ‘હવે? તું શું કરીશ?’
‘હું શું કરીશ?! અરે, એમ કેમ નથી પૂછતો કે આપણે શું કરીશું? આ પ્રેગ્નન્સી કંઇ મારી એકલીના હાથે ઊભી થયેલી મુસીબત થોડી છે? એમાં તારો પણ ભાગ છે.’ રંજિશનો સ્વર ઊંચો થયો.
પ્રહર સમજી ગયો કે વાત બગડી જશે, એણે પ્રેમિકાને શાંતિથી સમજાવવાની કોશિશ આદરી, ‘જો, ડાર્લિંગ! તું સમજવાનો પ્રયત્ન કર. પ્રેમનો સંબંધ એટલે એક યુવાન પુરુષ અને એક યુવાન સ્ત્રી વચ્ચે પાંગરતો લાગણીનો વેપાર. એમાં બેય જણાંની પચાસ-પચાસ ટકાની ભાગીદારી હોય છે. પણ જ્યારે એ ધંધો પ્રેમને બદલે દેહ સુધી પહોંચી જાય છે ત્યારે સાવચેતીની જવાબદારી સો એ સો ટકા સ્ત્રીની ઉપર જ આવી જાય છે. તારે એ બાબતનું ધ્યાન રાખવા જેવું હતું કે તું પ્રેગ્નન્ટ ન બની જાય.’
‘પણ જ્યારે હું બની ગઇ છું ત્યારે...?’
‘ત્યારે મારે શું કરવાનું છે? પડાવી નાખ! શહેરમાં ગલીએ-ગલીએ ગાયનેકના નર્સિંગ હોમ્સ છે.’ પ્રહરે પાછો મિજાજ ગુમાવ્યો.‘તું આ શું બોલે છે, પ્રહર! આપણા આવનારા બાળકનું ખૂન કરવાની સલાહ આપે છે તું? આ આપણા પાપનું ફળ નથી, આ તો આપણા પ્રેમનું પરિણામ છે.’
‘તો તું કહેવા શું માગે છે? તું કુંવારી અવસ્થામાં બચ્ચું જણે અને હું એ અનૈતિક બાળક માટે ઝભલું ખરીદીને, રમકડાં લઇને એને રમાડવા આવું, એમ? બહુ થયું હવે! દલીલબાજી બંધ કર અને એક-બે દિવસમાં ડોક્ટર પાસે જઇને તારા પેટનો નિકાલ કરાવી આવ. પૈસાની ચિંતા ન કરીશ, બિલ હું ભોગવીશ.’
‘પહેલાં મને ભોગવી, હવે બિલ ભોગવીશ. પ્રહર, મને સાફ-સાફ એટલું કહી દે, તું મારી સાથે લગ્ન ક્યારે કરીશ?’
‘લગ્ન?’ પ્રહર ખલનાયકની અદાથી હસ્યો, ‘હું ક્યારે લગ્ન કરીશ, કોની સાથે કરીશ એ બધાંની તો મને પણ ખબર નથી. તું જાણતી નથી, રંજિશ, મારા પરિવાર વિશે આજ સુધી મેં તને ક્યાં કશુંય કહ્યું જ છે! મારા પપ્પા બહુ કડક માણસ છે. લગ્ન તો મારે એમની પસંદગીની કન્યા સાથે જ કરવા પડશે. તું મને ગમે છે, પણ બહુ-બહુ તો હું તને એટલું વચન આપી શકું કે જ્યારે મારા પપ્પા મારા માટે છોકરીઓ જોવાનું શરૂ કરશે, ત્યારે હું તારા માટે રજૂઆત જરૂર કરીશ.
પણ છેવટનો ફેંસલો પપ્પાનો હશે, મારો નહીં, પ્રહરે આડકતરી રીતે હાથ ઊંચા કરી દીધા. પછી ખિસ્સામાંથી પાકીટ કાઢયું,’ હજાર આપું? કે બે હજાર? ડોક્ટરનું બિલ કેટલું થશે?’
રંજિશનું દિલ ચકનાચૂર થઇ ગયું, ‘બિલ’ની વાતમાં એને શું રસ પડે? એણે કહી દીધું, ‘તારી અસલિયત મેં જોઇ લીધી, પ્રહર! ગૂડ બાય! હું તારી જિંદગીમાંથી પણ વિદાય લઇ રહી છું અને આ જગતમાંથી પણ!’
‘ઝેર ખરીદવા જેટલા પૈસા તો લેતી જા!’
‘ના, હું ઝેર ખાઇને નહીં મરું, મરવા માટેના બીજા રસ્તાઓ છે. જતાં-જતાં હું તને એક પાઇનોયે ખર્ચ કરાવવા નથી માગતી.’ અને રંજિશે પીઠ ફેરવી લીધી.
અત્યારે સાંજ સમાપિ્તના આરે હતી અને ધરતી ઉપર અંધકારનો ગાલીચો પથરાઇ રહ્યો હતો. રંજિશ શહેરથી દૂર આવેલા એક અવાવરું કૂવાના કાંઠા પાસે આવી પહોંચી. એણે અંદર ડોકિયું કર્યું. ખૂબ ઊંડે આસમાની ચાંદાનું પ્રતિબિંબ ઝળકર્યું. મતલબ કે કૂવામાં ડૂબવા જેટલું પાણી હતું!
રંજિશ પાળમાંથી અંદર છલાંગ મારવાની તૈયારીમાં હતી, ત્યાં જ પાછળથી કોઇનો અવાજ સંભળાયો, ‘સબૂર! કૂવામાં કૂદકો ના મારશો! એ અવાજમાં પ્રૌઢી હતી, આર્જવ હતું, એક પ્રકારની સંસ્કારી અપીલ હતી, રંજિશના પગ થંભી ગયા. આપઘાતનો નિર્ણય એકાદ ક્ષણની જ રમત હોય છે. પાછળથી આવેલા એક આધેડ પુરુષે એ ક્ષણને સાચવી લીધી.’
પુરુષની વય લગભગ પંચાવન વર્ષ હશે. રંજિશનો હાથ પકડીને એણે કૂવાથી દૂર ખેંચી લીધી. પછી આત્મહત્યા કરવાનો આશય પૂછ્યો. સહાનુભૂતિના બે જ બુંદ મરવા જઇ રહેલી રંજિશ માટે આખેઆખું ચોમાસું બની ગયા. એણે પોતાની વિતકની વ્યથા એના તારણહાર સમક્ષ ઠાલવી નાખી. એ તારણહારનું નામ કાંતિલાલ શેઠ.
‘કોણ છે એ નાલાયક?’ કાંતિલાલે પૂછ્યું, ‘મને એનું નામ આપ. આપણે પોલીસકેસ કરીએ. હું એને તારી સાથે પરણવા માટે મજબૂર...’
‘મજબૂરીથી સોદો થઇ શકે, મહોબ્બત નહીં! આમ પણ એ હવે મારા માટે મરી ગયો છે. નામ માણસોનાં હોય, મડદાંનાં નહીં!’
શેઠ સમજી ગયા કે આ સ્ત્રી મર્યા વગર નહીં રહે. એમણે ફેંસલો કરી નાખ્યો, ‘તું એટલા માટે મરવા માગે છે કેમ કે તારા મતે જગતમાં એક પણ પુરુષ સારો નથી. હું તારો ભ્રમ ભાંગવા માગું છું. મારું નામ કાંતિલાલ શેઠ છે. બાજુના ગામમાં મારી વિશાળ હવેલી છે. પૂરા દેશમાં મારો વેપાર ફેલાયેલો છે. હું તારો હાથ પકડવા તૈયાર છું. હું વિધુર છું, પણ તને વચન આપું છું કે ક્યારેય તારા દેહને સ્પર્શ પણ નહીં કરું. મારે તો ગમે તે ભોગે બે જીવને બચાવવા છે.’
‘તમારે સંતાનો નથી?’ રંજિશે પૂછ્યું.
‘ત્રણ દીકરીઓ છે, પણ સાસરિયે છે. એક દીકરો છે, પણ વંઠેલો છે. મારી તમામ સંપત્તિનો વારસો તને અને તારા આવનાર બાળકને મળશે અને મારાં દીકરા-દીકરીઓ આપણાં લગ્ન વિશે શું કે’શે એની ચિંતા તું છોડી દે! આ કાંતિલાલ કાયમ પોતાના આત્માના અવાજને જ અનુસર્યો છે. લોકનિંદાની મને પરવા નથી.’
રંજિશ મૃત્યુની સરહદ પરથી પાછી વળી ગઇ. બીજે દિવસે રજિસ્ટર્ડ વિધિથી બંને પરણી ગયાં. ચારેક દિવસ પછી શેઠે નાનકડી પાર્ટીનું આયોજન કર્યું. એમાં નિકટના મિત્રો, સ્વજનો અને સંતાનોને આમંત્રણ આપ્યાં. તમામની સાથે રંજિશનો પરિચય કરાવતાં એક જુવાન પાસે તે અટક્યા, ‘આવ રંજિશ! આ મારો દીકરો...!’ રંજિશે આંખો ફાડીને પોતાના ઓરમાન દીકરાને જોયા જ કર્યો, જોયા જ કર્યો. ઉપસ્થિત મહેમાનોને માત્ર બે જ વાક્યો સંભળાયાં : ‘પ્રહર, તું?!’ અને, ‘રંજિશ, તું?!