કિશોરની વાતો ધ્યાનથી સાંભળતી કવિતાને લાગ્યું કે એ જીવનથી નિરાશ થઇ ગયો હતો.
કેતકી સાથે લગ્ન થયા પછી પણ કવિતા માટે કિશોરના મનમાં એક ખાસ સ્થાન હતું. એ એની પ્રેરણામૂર્તિ હતી. આજે એ જ પ્રેરણામૂર્તિને સામે ઊભેલી જોઇને કિશોર સ્તબ્ધ થઇ ગયો. અંતે શું થયું?
‘પેલી તમારી વોટરબેગમાંથી પાણી આપશો?’ સામેની સીટ પર બેઠેલી યુવતીએ કિશોર પાસે પાણી માંગ્યું.‘હા, હા, કેમ નહીં? લો...’ કહીને કિશોરે વોટરબેગ તે યુવતી સામે ધરી. પાણી પીને વોટરબેગ કિશોરને પાછી આપતાં ‘થેન્કયૂ’ કહીને સ્મિત રેલાવ્યું. યુવતીનું નામ કવિતા હતું. ‘તમારું નામ પૂછી શકું?’ કવિતાએ વાત આગળ લંબાવી.‘કિશોર.’ ‘વાહ! સરસ નામ છે.’ કવિતાએ જવાબ આપ્યો.
‘હં...’ કિશોરે વાતમાં રસ લીધો નહીં. હજી તો સાંજના છ વાગ્યા હતા. વાંકાનેરથી પોણા છ વાગ્યે ઉપડેલા સૌરાષ્ટ્ર મેલમાં કિશોર બેઠો ત્યારે સામે બેઠેલી કવિતાને લાગ્યું હતું કે, ચાલો, સાથ મળવાથી ટાઇમ પસાર થઇ જશે. પરંતુ કિશોર વાતમાં કંઇ રસ લેતો નહોતો. કવિતાએ વળી વાતનો તંતુ હાથમાં લીધો, ‘ક્યાં સુધી જવાના?’
‘દાદર સુધી.’ કિશોરનો જવાબ. કવિતાએ ખુશ થઇને કહ્યું, ‘હું પણ મુંબઇ એકલી જાઉં છું. એકથી બે ભલા. તમારી કંપનીમાં સમય સારી રીતે પસાર થઇ જશે.’ કિશોરના મુખ પર ખાસ આનંદ આવ્યો નહીં. કવિતાને થયું, જરૂર કંઇ મુસીબતમાં મુકાયેલો લાગે છે. વાત ખરેખર એમ જ હતી. કિશોર માટુંગામાં આવેલી ‘શ્રીજી ડાઇઝ કંપની’માં ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યો હતો. બી.એસસી. પૂરું કર્યા પછી છેલ્લા દોઢ વર્ષમાં તેણે જુદી જુદી જગ્યાએ વીસેક ઇન્ટરવ્યૂ આપ્યા હતા, પણ ક્યાંય તેનો સિતારો ચમકયો નહોતો.
આજે એકવીસમી વખત તે ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યો હતો. તેને નોકરી કર્યા સિવાય ચાલે તેમ નહોતું. વાંકાનેરમાં પિતાજી નાની હાટડી ચલાવતાં હતાં, પણ તેમાં ખાસ કંઇ આવક નહોતી. કોઇ ધંધો કરવા માટે પૈસા કે અનુભવ કે ટેકેદાર હતા નહીં. ઘરમાં નાના ભાઇઓને ભણાવવાના હતા. બે બહેનો મોટી થઇ રહી હતી. તેમનાં લગ્ન વિશે પણ વિચારવાનું બહુ દૂર નહોતું. આ પરિસ્થિતિમાં કિશોરને નોકરીની ખૂબ જરૂર હતી.
પોતે ભણેલો, સંસ્કારી અને સમજદાર હોવા છતાં સંજોગોએ તેને વિવશ બનાવી દીધો હતો. શરૂઆતમાં તો તેને ઇન્ટરવ્યૂ આપવામાં ઉમંગ રહેતો હતો, પણ હવે તેમાં નિરાશા ઉમેરાઇ હતી. તે થોડો નંખાઇ ગયેલો લાગતો હતો. મુંબઇ તરફ ધસમસતા મેલમાં, તરવરાટ અનુભવતી કવિતાની સામે, પોતાના નસીબને વિચારી રહેલો કિશોર સૂનમૂન બેઠો હતો.
કવિતા કિશોરના ચહેરા પરના ભાવો વાંચી રહી હતી. બીજા મુસાફરો પોતપોતાની તરેહથી વાતોએ વળગ્યા હતા. અહીં બારી આગળ આમનેસામને કિશોર-કવિતા પોતપોતાની રીતે વ્યસ્ત હતાં, પણ કવિતાને આ શાંતિ પસંદ નહોતી. સુરેન્દ્રનગર આવ્યું. કવિતાએ બે ચાનો ઓર્ડર આપ્યો. હવે બોલ્યા વગર ચાલે તેમ નહોતું. ‘અરે! બે ચા શા માટે? મને ચા પીવાની ટેવ નથી.’
‘ચાની આદત ભલે ન હોય, પણ ચા પીવાથી તાજગી આવી જશે. તમે કંઇક હળવા થશો.’ ચા આવી. કવિતા અનુભવી અદાથી ચા પી રહી હતી. કિશોર દવાની જેમ ગટગટાવી ગયો. કવિતાએ ચા પીતાં પીતાં કહ્યું, ‘કિશોર, તમને પસંદ હોય તો આપણે વાતો કરીએ.’ ‘ભલે, કરીએ.’
‘જુઓ કિશોર, હમણાં જ સંધ્યા સલૂણી સરી ગઇ. કેવી સુંદર સાંજ હતી! સૂર્ય બીજી દુુનિયાને પ્રકાશિત કરવા આગળ દોડી ગયો. આપણી ટ્રેન દોડી રહી છે. તે પણ, આપણા જીવનને પ્રકાશિત કરવા માટે જ હશે અથૉત આપણી આવતી કાલ ઉજળી હશે. આવતી કાલે કંઇક કરવા માટે આપણે આ મુસાફરી કરી રહ્યાં હોઇશું. આવા ઉજજવળ ભાવિની આશામાં આનંદિત રહેવાને બદલે, તમે આ ઉદાસીનો અંચળો શાને ઓઢી લીધો છે? હું કંઇક વધુ બોલી ગઇ હોઉં તો માફ કરશો.’ કવિતાના લાંબા ભાષણ પછી કિશોર બોલ્યો, ‘આવતી કાલ કદાચ, તમે ધારો છો તેમ, ઉજળી જ હોય, તેમ કોણે કહ્યું?’
કિશોરના નિરાશાવાદી મનને કવિતાએ પકડી પાડ્યું. કિશોર શા માટે મુંબઇ જઇ રહ્યો છે, અત્યાર સુધીના ઇન્ટરવ્યૂની નિષ્ફળતા, ઘરની પરિસ્થિતિ - એવી બધી વાતો ધીરે ધીરે કવિતાને તેની પાસેથી જાણવા મળી. તે બોલી, ‘કિશોર, કરોળિયો વારંવાર પડે છે, છતાંય ફરીથી પોતાનું જાળું બાંધે જ છે. ચકલીનો માળો તમે ફેંદી નાખો તો પણ તે ફરીથી બાંધે છે. જીવજંતુ અને પક્ષીઓમાં પણ જો આટલી હિંમત હોય તો તમે તો માણસ છો. પુરુષ છો. ભણેલા છો. એ એકવીસ તો શું, એક્સો એક નિષ્ફળતા મળે તો પણ હિંમત હારે નહીં.’
કિશોરે હકારો ભણ્યો. તેનામાં ચેતના આવી. કવિતાએ આગળ ચલાવ્યું, ‘મને તો વાત કર્યા સિવાય ચેન પડે જ નહીં. તમારા જેવા અજાણ્યા પુરુષ સાથે હિંમતથી વાત કરી શકું છું કારણ કે મને મારી જાત પર વિશ્વાસ છે. તમે પણ ધારો તો જિંદગીમાં જરૂર સફળ થઇ શકો.’ કિશોરને તેની વાતમાં રસ પડ્યો. તે કવિતાની વાણીમાં ખેંચાવા લાગ્યો. ‘કિશોર, તમે ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યાં છો ને? તમે જરૂર પાસ થઇ જશો. ઇન્ટરવ્યૂ દેતી વખતે તમારું સમગ્ર ધ્યાન ઇન્ટરવ્યૂ પર કેન્દ્રિત કરો. ઇન્ટરવ્યૂ લેનારને આંજી દે એવી સબળ પ્રતિભા ઉપસાવો.’
કવિતા બોલ્યે જતી હતી અને કિશોર એકચિત્તે સાંભળી રહ્યો હતો. ‘તમારા સુઘડ કપડાં, ચહેરા પર તરવરતી સુરખી, વર્તન, જવાબ આપવાની છટા, આત્મવિશ્વાસ, સામાન્ય જ્ઞાન - આ બધા પરથી જરૂર સફળ થવાય. તેમાં ફકત ભણતર જ કામ નથી લાગતું. મોટા ભાગની સફળતા તો આ બધા પર અવલંબે છે.’
કિશોરને પોતાનો કોલેજકાળ યાદ આવી ગયો. પોતે કોલેજ ઇલેકશનમાં જીતવા જે જોશજોરથી પ્રચાર કરતો હતો તે યાદ આવી ગયું. રાતના દસ વાગ્યે અમદાવાદ પસાર થયું અને પોતાની બર્થ પર સૂતી વખતે તેણે કવિતાને સસ્મિત ‘ગુડનાઇટ’ કહ્યું, ત્યારે પોતે ઉત્સાહથી થનગનતો હોવાનું તેણે અનુભવ્યું. રાત ખૂબ શાંતિથી પસાર થઇ ગઇ અને ઇન્ટરવ્યૂ સફળ થવાની શ્રદ્ધા સહિત સવારે દાદરના પ્લેટફોર્મ પર ઊતર્યો. કવિતાને લઇને ટ્રેન આગળ વધી.
માટુંગા શ્રીજી ડાઇઝ કંપનીમાં અધિકારીઓ સમક્ષ કિશોર બેઠો હતો અને પ્રશ્નોત્તરીનો સામનો કરી રહ્યો હતો. ‘મિ. કિશોર, તમારી બધી વાત બરાબર, પણ તમને પસંદ કરીને શ્રીજી કંપનીને શું લાભ થશે એ કહેશો?’‘જી સર, શ્રીજી ડાઇઝ કંપની હાલ જ્યાં છે, ત્યાંથી વધુ ને વધુ પ્રગતિના સોપાન સર કરે, એ જ મારું કર્તવ્ય હશે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા ધરાવતા ડાઇઝ (રંગ) તૈયાર કરવાની મારી તૈયારી રહેશે.’કિશોરનો આત્મવિશ્વાસ જોઇને તેને પસંદ કરવામાં આવ્યો.
કિશોરની ઇચ્છા પૂરી થઇ હતી. મનોમન તે કવિતાને યાદ કરી રહ્યો હતો. તેને થયું, જેણે મારામાં આટલી ચપળતા પેદા કરી, આટલી પ્રેરણા આપી, તેને મેં તેના પોતાના વિશે કંઇ પૂછ્યું નહીં! એ કોણ હતી, શું કરતી હતી, એ વિશે મેં કંઇ જાણ્યું નહીં! અરે! મેં એનું નામ સુદ્ધાં પૂછ્યું નહીં! જેને લીધે હું ઇન્ટરવ્યૂમાં પસંદ થયો. તેને મળવું જોઇએ, પણ આવડા મોટા મુંબઇમાં તેને ક્યાં શોધવી? તેના દિલમાં કવિતા માટે લાગણી પેદા થઇ રહી હતી. કદાચ તેને મનોમન કવિતા પ્રત્યે પ્રેમ થઇ ગયો.
તેની નોકરી શરૂ થઇ ગઇ હતી. તે જોમવંતો યુવાન બની ગયો હતો, પણ કવિતાને ભૂલી શકતો નહોતો. મુંબઇમાં મકાન ભાડે લીધું હતું. શ્રીજી ડાઇઝ કંપનીમાં ઊંચા હોદ્દા પર બિરાજતાં મનુભાઇ સાથે તેને સારો ઘરોબો થઇ ગયો હતો. મનુભાઇ વડીલ હતા. તેના હિતેચ્છુ હતા.
બેએક વર્ષ પછી કિશોર તેના પિતાએ બતાવેલી કેતકી નામની છોકરી સાથે પરણી ગયો. તેને મનમાં કવિતા યાદ આવી હતી. તેની જિંદગીમાં બે-ચાર કલાક અલપઝલપ આવીને, પ્રેરણામૂર્તિ બનીને, દિલના એક ખૂણામાં સ્થાન જમાવીને તે ઊડી ગઇ. હવે વાસ્તવિકતા સ્વીકાર્યા વિના બીજો કોઇ રસ્તો નહોતો. કિશોરનો કેતકી સાથેનો સંસાર સરસ ચાલ્યો. તેમને એક પુત્ર જન્મ્યો. નામ રાખ્યું, કાવ્ય.
વર્ષો વહી ગયાં. કાવ્ય સ્કૂલમાં હતો ત્યારે અચાનક કેતકીને એવી માંદગી આવી કે તે સાજી ન થઇ શકી. કિશોર અને કાવ્યને વિલાપ કરતાં મૂકી, તે મૃત્યુ પામી. કાવ્યને ઉછેરવાની જવાબદારી કિશોરના માથે આવી પડી. મનુભાઇ કિશોરને સાંત્વન આપતાં. એક વાર મનુભાઇએ કહ્યું, ‘કિશોર, એક વિધવા સ્ત્રી મારા ધ્યાનમાં છે. તારી જ ઉંમરની છે. એક પુત્રની મા છે. જો તારી ફરી લગ્ન કરવાની ઇચ્છા હોય તો હું વાત કરું. કાવ્યને મા અને ભાઇ મળશે. જીવન સુધરી જશે.’ કિશોરે અનિચ્છા દર્શાવી. સાવકી મા મારા કાવ્યને સારી રીતે ન રાખે તો?
કાવ્યને સ્કૂલમાં ખાસ દોસ્ત હતો પ્રતીક. પ્રતીક અવારનવાર કાવ્યને ત્યાં આવતો. પ્રતીકના પપ્પા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા એટલે કિશોરઅંકલ તેને પપ્પા જેવા લાગતા. એક વાર સ્કૂલમાં બાળકોનો પ્રોગ્રામ હતો. કાવ્ય અને પ્રતીકે તેમાં ભાગ લીધો હતો. પ્રોગ્રામનો દિવસ આવી પહોંચ્યો. પ્રોગ્રામ જોવા માટે કાવ્યના પપ્પા કિશોર અને પ્રતીકનાં મમ્મી પણ સ્કૂલે પહોંચ્યાં. મનુભાઇ પણ આવ્યા હતા. પ્રોગ્રામ સરસ હતો. ઇન્ટરવલમાં કાવ્ય અને પ્રતીક, કિશોર પાસે આવ્યા. પ્રતીક કહે, ‘અંકલ, ચાલો મારી મમ્મીની ઓળખાણ કરાવું.’
તે કિશોરને તેની મમ્મી પાસે લઇ ગયો. કિશોરે પ્રતીકની મમ્મીને જોઇ. તે એકદમ ચમકયો. સામે ઊભી હતી તે બીજી કોઇ જ નહીં, પણ સૌરાષ્ટ્ર મેલની સહપ્રવાસી કવિતા હતી! તેની પ્રેરણામૂર્તિ હતી! જેને ક્યારેય મળી નહીં શકાય એવી ધારણા દ્રઢ થઇ ગઇ હતી. એ આજે સાક્ષાત, સદેહે સામે ઊભી હતી! અને વધુમાં તે કાવ્યના મિત્રની માતા હતી. કુદરત કેવા સંજોગો સજેઁ છે. કવિતાએ કિશોરને તરત તો ઓળખ્યો નહીં, પણ કિશોરે, પોતે સૌરાષ્ટ્ર મેલમાં બેસી ઇન્ટરવ્યૂ આપવા જઇ રહેલો ત્યારે તેણે તેને પ્રેરણા આપી હતી, એ યાદ કરાવ્યું.
કવિતા ભાવવિભોર બની ગઇ. કિશોરની જિંદગી બની ગઇ, તે જાણીને કવિતાને આનંદ થયો. તેના પોતાના જીવનમાં કેવા ઝંઝાવાત આવ્યા અને તેના પતિ, પ્રતીકને મૂકીને કેવી રીતે મૃત્યુ પામ્યા એ બધી વાતો કરી મન હળવું કર્યું. એક બાજુ સ્ટેજ પર બાળકોનો પ્રોગ્રામ ચાલતો રહ્યો અને આ બાજુ કિશોર અને કવિતા એકબીજાને પોતાના ભૂતકાળની વાતો કહેતાં રહ્યાં. એટલામાં મનુભાઇ ત્યાં આવીને બોલ્યા, ‘બેટા કવિતા, હવે પ્રોગ્રામ પૂરો થવા આવ્યો છે. આપણે પ્રતીકને લઇને ઘરે જઇએ. ઓહો! કિશોર, તું પણ અહીં છે? તને ઓળખાણ કરાવું. આ છે મારી પુત્રી કવિતા. અમે સાથે જ રહીએ છીએ.’
કિશોર માટે આ બીજું આશ્ચર્ય હતું. કવિતા મનુભાઇની જ પુત્રી હતી અને પ્રતીક તેમનો પૌત્ર હતો! મનુભાઇએ, કિશોરને ફરી લગ્ન કરી લેવા માટે એક વિધવા સ્ત્રીનો પ્રસ્તાવ મૂક્યો હતો, તે યાદ આવી ગયું. એ કદાચ આ કવિતાની જ વાત હશે. કવિતા, મનુભાઇ અને પ્રતીકની સાથે જ રહેતી હતી. પોતાનાથી આટલી નજીક હતી, તો પણ તે આજ દિન સુધી જાણતો નહોતો! બીજા દિવસે કિશોરે મનુભાઇને કહ્યું, ‘અંકલ, તે દિવસે તમે મને કહેતા હતા, તે વિધવા સ્ત્રી કવિતા જ છે ને?’ મનુભાઇની આંખોમાં ‘હા’ વંચાતી હતી. કિશોરે જવાબ આપ્યો, ‘અંકલ, હું લગ્ન કરવા તૈયાર છું.’ બંને પરણી ગયાં. બંને ખુશ હતા. તેમનું લગ્નજીવન કેટલું બધું સુખમય હશે, તે કહેવાની જરૂર ખરી? કિશોરને પ્રેમિકા મળી, કવિતાને પતિ મળ્યો. કાવ્યને મમ્મી અને પ્રતીકને પપ્પા મળ્યા અને બધાંને મનુભાઇના આશીર્વાદ મળ્યાં.