Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Jokes
 

ગરીબ બિચારા સાંસદો

 
Source: Idam Trutiyam, Vinod Bhatt   |   Last Updated 1:44 AM [IST](30/08/2010)
 
 
 
 
 
ગાંધીજીએ કહ્યું છે કે નિ:સ્વાર્થભાવે સેવા કરવી હોય તેણે જ રાજકારણમાં આવવું જોઇએ. પણ ગાંધીબાપુ આજે અપ્રસ્તુત થઇ ગયા છે. ભૂખ્યા પેટે ભજન ન થાય.

ગરીબ બિચારા સાંસદો. દયાજનક હાલતમાં જીવી રહ્યા છે. સંસદ જેવી સંસદ તેમનું શોષણ કરી રહી છે. સાંસદોને મહિને દહાડે માંડ સોળ હજાર રૂપરડી મહેનતાણું પકડાવે છે. આવી ચામડાતોડ મોંઘવારીમાં આટલી ક્ષુલ્લક રકમથી બે સાંધા કેવી રીતે મળે! કોઇ કારખાના-માલિક તેના મજૂરો પાસે કાળી મજૂરી કરાવી પૂરતું વેતન ન આપે તો એ લોકો હડતાળ પાડે, કારખાના પર પથ્થરમારો કરે, શેઠને ટીપી નાખે, લેબરકોર્ટમાં જઇ ન્યાય માગે. જ્યારે આ સાંસદોનું દુર્ભાગ્ય તો જુઓ! તેમનાં પર મહેતો મારેય નહીં કે ભણાવે પણ નહીં એવા પ્રાઇમ મિનિસ્ટર મનમોહનસિંહ છે.

પ્રચંડ મોંઘવારી જે પહેલાં કરતાં પાંચ ગણી વધી ગઇ છે એટલે કહી દીધું કે મોંઘવારીને આંખ સામે રાખીને પગાર પણ સોળ હજારથી વધારીને એંસી હજાર કરી નાખો. પણ આ ગભરુ પ્રધાનમંત્રીને કેબિનેટના કેટલાક મંત્રીઓએ બીવડાવ્યા કે ખબરદાર! પ્રજા આજ-કાલ મોંઘવારી અને ગરીબી વચ્ચે પિસાઇ રહી છે, ગોડાઉનોમાં અનાજ સડી રહ્યું છે, ખેડૂતોએ પાડેલ પરસેવો ગોદામોમાં પડ્યો પડ્યો ગંધાઇ રહ્યો છે, દેશમાં ચોતરફ લૂંટફાટ થઇ રહી છે, એમાં આપણા જ પ્રજાસેવકોનેય પ્રજાને લૂંટવી છે, તો આ લૂંટમાંથી તો દેશવાસીઓને બચાવો!

આ પ્રજા પાસે આપણે ગમે ત્યારે મત માગવા જવાનું થશે ત્યારે આ લોકો પૂછશે કે અમે પેટ પર પાટા બાંધી ટેક્સ આપ્યો એ રૂપિયાની અમને પૂછ્યા વિના સાંસદોને વગર દિવાળીએ લહાણી કરી દીધી! કોઇ કદાચ એવી ખરાબ કહેવત પણ ઉચ્ચારશે કે ‘ગાયને દોહીને— (વગેરે)’. સાહેબ, સાંસદોનો પગાર વધારવા જતાં આપણે સાવ નોકરી વગરના ન થઇ જઇએ એ પણ જોજો. આ નોકરી વગરના થઇ જવાવાળી દલીલ વડાપ્રધાનના ગળે ઊતરી ગઇ. તેમની પાસે તો ચૂંટણીઓ હારવાનોય અનુભવ છે. એટલે પછી થયું એવું કે જે મોંઘવારીને કારણે સાંસદોએ પગારવધારો માગ્યો એ જ મોંઘવારીનું કારણ આગળ ધરીને કેબિનેટે પગારવધારા પર બ્રેક મારતાં કહી દીધું કે સોરી, મોંઘવારીથી લોકો ત્રસ્ત છે ત્યારે સાંસદોનો પગાર વધારી શકાય નહીં.

આને લીધે સાંસદો સિવાયના લોકો મનમોહનસિંહ પર પ્રસન્ન થયા છે. રાજકારણમાં પડેલા માણસોના મુકાબલે તેમની છાપ સૌમ્ય અને સાલસ સજ્જનની છે, એમાંય ગમે તેની ખબર લઇ નાખનાર, દુરાધ્ય ગણાતા ખુશવંતસિંહ તો મનમોહનસિંહજીને પ્રામાણિક રાજકારણીનું સર્ટિફિકેટ ર્દષ્ટાંત સાથે આપ્યું છે. ૧૯૯૯ની સાલમાં મનમોહનજી દિલ્હીમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા ને હારી પણ ગયા હતા. આ ચૂંટણી માટે ટેક્સીઓ ભાડે રાખવા તેમણે ખુશવંતસિંહ પાસેથી રૂપિયા બે લાખ ઉછીના લીધા હતા. એક લેખક પાસેથી રાજકારણીએ બે લાખ રૂપિયા ઉછીના મેળવ્યા હતા, આ તો કૃષ્ણ સુદામા પાસે કશું લેવા ગયા જેવો ઘાટ થયો.

ચૂંટણીમાં જીત્યા પછી ઉમેદવારે અગાઉ આપેલ વચનો ભૂલી જાય અને હારેલ ઉમેદવાર ચૂંટણી અગાઉ કરેલ ઉધારી ચૂકવવાનું ભૂલી જાય છે, પરંતુ આ મનમોહનસિંહજી આ દેવું વીસર્યા નહીં ને ‘મને કેમ વીસરે રે’ એવું મનમાં બબડી ખુશવંતસિંહજીની રૂપિયા બે લાખની લોન રૂબરૂ મળીને તરત જ પરત કરી દીધી. મનમોહનસિંહની આવી અ-રાજકીય પ્રામાણિકતાને બિરદાવતાં પોતાના તાજા પુસ્તકમાં ખુશવંતસિંહે લખ્યું છે કે લોકો જ્યારે પ્રામાણિકતાની વાત કરે છે ત્યારે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ વડાપ્રધાનની ખુરસીમાં બેઠેલ વ્યક્તિએ આપેલ છે. ઉપરાંત મનમોહનસિંહને શ્રેષ્ઠ પંડિત જવાહરલાલ નહેરુથી પણ શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે બિરદાવી નોંધ્યું છે કે નહેરુ અનેક અવગુણો ધરાવતા હતા, તેમનામાં ધીરજનો અભાવ હતો, જવાહરલાલ તેમજ ઇન્દિરાજી પર સગાંવાદનો આક્ષેપ થાય છે એવો કોઇ આક્ષેપ મનમોહનસિંહ સામે થઇ શકે તેમ નથી.

મને લાગે છે કે કોઇ સોનિયા-કોંગ્રેસ-પ્રેમીએ પંડિત જવાહરલાલ નહેરુ માટે બદનક્ષીભર્યા વિધાનો કરવા બદલ ખુશવંતસિંહ પર બદનક્ષીનો દાવો ઠોકી દેવો જોઇએ. જો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી પર જવાહરલાલજીની ઇજજત ઓછી કરવા સબબે ડેફેમેશનનો કેસ ઠોકી શકાતો હોય તો ખુશવંતસિંહ સામે કેમ નહીં? ૧૪ નવેમ્બરે જવાહરલાલજીના નામ સાથે જોડીને વર્ષોથી બાળદિન ઊજવવામાં આવે છે. એની સામે બાળસહજ કુતૂહલથી નરેન્દ્રભાઇએ પૂછ્યું હતું કે બાળદિન સાથે જવાહરલાલનું નામ કેમ જોડવામાં આવે છે?

તેમણે બાળકો માટે શું કર્યું? (બાળ-દિન નિમિત્તે બાળકોને શાળામાં રજા ય ક્યાં પડે છે? જોકે આ મારા ગીધુકાકાની ફરિયાદ છે.) અને આ કારણે એક જણે મોદી સામે પંડિત નહેરુની બદનક્ષીનો કેસ કર્યો હતો પણ એ કેસ ઊડી ગયો હતો. પરંતુ ખુશવંતસિંહ સામે કોઇ ડેફેમેશનનો ખટલો નહીં માંડે, કારણ કે ક્યાં હસી નાખવું ને કોના પર કેસ ઠોકી દેવો એની અમુક લોકોને આગોતરી ખબર હોય છે.

*****

જોયું! દેશના પ્રશ્નોમાં અટવાઇ ગયેલા મનમોહનસિંહમાં મારી કલમ અટવાઇ ગઇ, પરંતુ જેમનો જઠરાગિ્ન બરાબરનો જાગી ઊઠ્યો છે એ સાંસદોની વાત આ લખનાર ભૂલ્યો નથી. સંસદની ભસ્મ કણી ન લાધશે એવી કાળમુખી આગાહી કરવાનું તેને ગમતું નથી. સાંસદો રોષે તો બરાબરના ભરાયા છે, કિન્તુ પોતાના અસલી સ્વભાવ પર રાબેતા મુજબ હજી સુધી તે ગયા નથી. પગારવધારા માટે હજી લગણ તેમણે સંસદનાં માઇકસ તોડ્યાં નથી, કે નથી પગારવધારાનો વિરોધ કરનારાઓનાં માથાં પર ખુરસીઓ ફેંકી તેમને લોહીલુહાણ કર્યા.

તેમના સંયમને આપણે દાદ એટલા માટે આપવી જોઇએ કે તેમની શક્તિની, તું ધારે તો શું કરી કરી શકે એની આપણને જાણ છે, અને આ તો રોટીનો, પેટનો સવાલ છે, જેને માટે તો નમાલો માણસ પણ જીવ પર આવી જાય. ધારો કે કોઇ સામાન્ય માણસ એક શેઠને ત્યાં નોકરી કરતો હોય ને શેઠ જોડે પગાર બાબત માથાકૂટ થાય તો તે બીજો શેઠ શોધીને એને ત્યાં નોકરીએ લાગી જશે, જ્યારે અહીં તો એવો કોઇ વિકલ્પ નથી, આમને નોકરીએ રાખેય કોણ!

શું તે અમેરિકન પ્રેસિડન્ટને એસએમએસ કરી જણાવે કે અમારી અનુભવી સેવાઓની જરૂર પડે તો ઓબામાભાઇ, તમને સસ્તામાં આપીશું? ઓબામા તો આપણા હાથની છીંકણી પણ ન લે.અને પગાર નહીં વધારવા માટે કેબિનેટ મોંઘવારીનું બહાનું આગળ ધરે છે. પ્રજા માટે ગરીબી, ભૂખમરો, મોંઘવારી અને બેકારીની ક્યાં નવાઇ છે! છેલ્લા છ-છ દસકાથી આ બધાંની વચ્ચે લોકો ફરિયાદ કર્યા વગર પોતાની રીતે જીવી રહ્યા છે ને આવા ક્ષુલ્લક કારણસર ભારત ભાગ્યવિધાતા એવા સાંસદોના પગાર નહીં વધારવાના!

ઓશિયાળા સાંસદોને કોઇ સિદ્ધાંત ખાતર નહીં, પણ પાપી પેટને વાસ્તે થઇને પોતાનાં સ્વમાનને તડકે મૂકીને સંસદમાંથી વોક આઉટ કરવો પડ્યો. આમાં સાંસદોને સહેજ પણ શરમાવા જેવું નથી. શરમાવા જેવું હોય તો તે સંસદ માટે છે. સાંસદોની સેવાની કદર કરવામાં તે ઊણી ઊતરી. આવું કશું થાય ત્યારે કેટલાક ચોખલિયાઓ વગર લેવે-દેવે ગાંધીબાપુને વચ્ચે લાવે છે.

ગાંધીજીએ કહ્યું છે કે નિ:સ્વાર્થભાવે સેવા કરવી હોય તેણે જ રાજકારણમાં આવવું જોઇએ. પણ ગાંધીબાપુ આજે અપ્રસ્તુત થઇ ગયા છે. ભૂખ્યા પેટે ભજન ન થાય. અહીં સારંુ એ થયું છે કે આમ વાતે વાતે કૂતરાં-બિલાડાંની પેઠે લડતા સાંસદો પગાર વધારવાના મુદ્દે એક સંપ છે એટલે સંસદને કાયમી તાળાં નહીં વાગે ને સાંસદો લાંબો વખત ભૂખે નહીં મરે...

(તા.ક. : તારીખ ૨૧મી ઓગસ્ટના છાપામાં સમાચાર છે કે કેબિનેટ સાંસદોને માંડ ૩૦૦ ટકા પગારવધારો આપવાનું ઠરાવ્યું છે, કિન્તુ સાંસદો આટલાથી રાજી નથી, તેમની બાકીની અડધી ભૂખનું શું?)

ઈદમ્ તૃતીયમ્ , વિનોદ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.