મિત્રો, તમે જ્યારે દસમા ધોરણમાં હો, ત્યારે તમારો કોઇ મિત્ર કોલેજની પરીક્ષા આપતો હોય તો તમને આશ્ચર્ય થાય ને? પણ તમને ખબર છે બિહારના પટનામાં રહેતા તથાગત તુલસી નામના છોકરાએ માત્ર એકવીસ વર્ષની વયે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’માં સૌથી નાની વયના પીએચ.ડી. ધારક તરીકે સ્થાન મેળવ્યું છે. માંડ દસ વર્ષની ઉંમરે તથાગતે ફિઝિકસ સાથે બી.એસસી.ની ડીગ્રી મેળવી અને બાર વર્ષનો થયો ત્યારે તો એણે એમ.એસસી. પાસ કરી લીધું હતું. તે પછી તેણે ફિઝિકસમાં જ ડોક્ટરેટની પદવી એકવીસ વર્ષે મેળવી અને ૩૩ પાનાંની થિસિસ લખીને પી.એચડી.ની પદવી મેળવી. તમને નવાઇ લાગશે કે તથાગત ક્યારેય કલાસીસમાં નથી ગયો કે ટ્યૂશનનો આધાર પણ નથી લીધો. માત્ર પોતાની યાદશક્તિના આધારે તુલસીએ આ સન્માન મેળવ્યું છે.
જેલી ફિશના શરીરમાં હાડકાં નથી હોતાં
તમે જાણો છો કે જેલી ફિશના શરીરમાં એક પણ હાડકું નથી હોતું. તેના શરીરનો આકાર પાણીના આધારે તેમાં રહેલા ટિશ્યૂ દ્વારા બને છે, જેના ઉપર એક પડ ખેંચાયેલું હોય છે. જો તમે જેલી ફિશને પાણીમાંથી બહાર કાઢીને જોશો, તો તમને તે માત્ર જેલી જેવી જ દેખાશે.
સૌથી ઊંડું તળાવ
રશિયાના સાઇબેરિયામાં આવેલું બૈકલ તળાવ દુનિયામાં સૌથી ઊંડું તળાવ છે. આ તળાવની ઊંડાઇ ૧,૬૨૦ મીટર છે. આ ઉપરાંત, આ તળાવ લગભગ ૨૫ લાખ વર્ષ જુનું હોવાથી તે દુનિયાનું સૌથી પ્રાચીન તળાવ હોવાનું પણ કહેવાય છે.
વીજળી ઉત્પન્ન કરતો વિશ્વવિખ્યાત બંધ
બ્રાઝિલ દેશથી થોડોક નજીક ઈટાઈપૂ બંધ આવેલો છે. આ બંધ ૧૯૭૫થી ૧૯૯૧ના સમયગાળામાં બંધાયો હતો. આ વિશાળ બંધ વિશ્વમાં સૌથી વધુ વીજળી ઉત્પન્ન કરનારા બંધમાંનો એક છે. ઉપરાંત ઈટાઈપૂ ઊર્જા બંધ તરીકે પણ વિશ્વવિખ્યાત છે.
વિશ્વનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય
દુનિયાનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય ઇંગ્લેન્ડના લંડન શહેરમાં ઇ.સ. ૧૮૨૯માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.