પાંચમા ધોરણમાં ભણતા અમનને વારંવાર પેન્સિલ મોઢામાં નાખવાની કુટેવ. કલાસમાં ટીચર કંઈક લખાવે ત્યારે પણ એક લાઈન લખે ને પેન્સિલ મોઢામાં નાખે. હોમવર્ક કરવા બેસે પણ આવી જ હાલત! એક દિવસ અમન ઘરે હોમવર્ક કરવા બેઠો હતો.
અમનના પપ્પા ત્યાં જ બેસીને છાપું વાંચી રહ્યા હતા. અચાનક તેમની નજર અમન પર ગઈ. તેમણે જોયું કે તે
વારંવાર મોઢામાં પેન્સિલ નાખે છે. તેની આ કુટેવ છોડાવવા માટે અમનના પપ્પાએ તેને સમજાવતા કહ્યું, ‘બેટા, તને ખબર છે પેન્સિલમાં ગ્રેફાઈટ
નામનો પદાર્થ હોય છે. એના કારણે લખી શકાય છે. આ પદાર્થ મોઢામાં જાય તો શરીરને નુકસાન થાય. ધીરે-ધીરે એ ગ્રેફાઈટ તારા પેટમાં ભેગો થાય અને તું માંદો પડે. પેન્સિલ લખવા માટે છે મોઢામાં નાખવા માટે નહીં.’
પપ્પાની વાત અમનને સમજાઈ ગઈ. તેણે એ ક્ષણથી જ તેની આ કુટેવ છોડવાનો દ્રઢ નિર્ણય લીધો. શરૂઆતમાં થોડું અઘરું લાગ્યું પણ ધીરે-ધીરે આ કુટેવ છોડવામાં તે સફળ થયો.