Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

પગલે પગલે રણ પ્રકરણ-૩૦

 
Source: Varsha Pathak   |   Last Updated 1:25 AM [IST](24/08/2010)
 
 
 
 
 

એકા પાસે રહેલા નલિનીના નંબર પર પુરુષનો અવાજ ક્યાંથી આવ્યો?


દિબાંગે આપેલા પચાસ હજાર જોઇને એકાને શંકા જાગી.એણે દિબાંગને પૂછ્યું પણ ખરું કે તમે ખરેખર એ મંગળસૂત્ર વેચી દીધું છે?


‘મારનારાએ સ્ત્રીનું ગળું પકડીને ચાર-પાંચ વાર દીવાલ સાથે અફાળ્યું હશે. લાગે છે કે પહેલી કે બીજી વાર માથું ભટકાયું હશે, ત્યારે જ જીવ ઊડી ગયો હશે.’ વેંકટેશે પોસ્ટમોર્ટમ રૂમમાંથી બહાર નીકળીને હોસ્પિટલની લોબીમાં જ મળી ગયેલા ઇન્સપેકટર મહારાવને કહ્યું. સત્તાવાર રીપોર્ટ આવતાં હજી સાંજ પડી જવાની હતી, પરંતુ મહારાવને ખાતરી હતી કે ડોક્ટરે પોસ્ટમોર્ટમ બાદ તરત જણાવેલું પ્રાથમિક નિરીક્ષણ સાચું જ હશે. એક્સપર્ટ તરીકે વેંકટેશની રેપ્યુટેશન હોસ્પિટલથી માંડીને પોલીસ ડીપાર્ટમેન્ટ સુધી ફેલાયેલી હતી. ‘હસબન્ડે મારી કે બોયફ્રેન્ડે?’ વેંકટેશે પૂછ્યું. ગૃહિણીની હત્યા એના ઘરમાં જ થઇ હતી અને ખોપરી જે રીતે તૂટેલી તે જોતાં મારનાર કેટલા ઝનૂનમાં હશે, એ કલ્પી લેવાનું મુશ્કેલ નહોતું. આવું ઝનૂન ભયાનક ગુસ્સે થયેલી વ્યક્તિમાં જ હોઇ શકે. એની ધારણા સાચી ઠરી. મહારાવે જવાબ આપ્યો, ‘હસબન્ડે! અને એને શોધવા માટે મહેનત ન કરવી પડી. પત્નીની હત્યા કર્યા બાદ એણે સામેથી પોલીસ સ્ટેશને ફોન કર્યો.’


વેંકટેશ હસ્યો, ‘કહ્યું હશે કે મારી વાઇફને કોઇની સાથે આડા સંબંધ હતા, રાઇટ?’ મહારાવે માથું ધૂણાવ્યું, ‘રોંગ એન્ડ રાઇટ! સ્ત્રીને એના હસબન્ડના ખાસ દોસ્ત સાથે સંબંધ હતો, એ વાત સાચી, પણ હસબન્ડ એ વિશે હજી કંઇ બોલ્યો નથી. એણે તો એક જ વાત પકડી રાખી છે કે ઝઘડો થયો અને ગુસ્સામાં એણે પત્નીને મારી નાખી. હકીકતની જાણ તો અડોશપડોશમાંથી થઇ. પતિ ઓફિસે જાય પછી આ ફ્રેન્ડ ઘરે પહોંચી જતો! લોકોને નવાઇ તો એ વાતની લાગે છે કે આ છ-સાત મહિનાથી ચાલતું હતું તોય પતિને ખબર કેમ ન પડી? જોવાનું એ છે કે એને પકડ્યોતો બધો દોષ એણે મરનાર સ્ત્રી પર ઢોળી દીધો. કહે છે કે એ જ પાછળ પડી ગયેલી, બાઇનું કેરેકટર સારું નહોતું, વગેરે. મારું તો માથું ફરી ગયું. પેલા માણસે એની વાઇફને નહીં, આ નાલાયકને મારી નાખવાની જરૂર હતી.’


મહારાવનો ગુસ્સો જોઇને વેંકટેશ મશ્કરીના સૂરે એ બોલ્યો, ‘હાથમાં ગન પકડાવી બે કલાક લોકઅપમાંથી બહાર જવા દો, કામ પતી જશે.’ મહારાવનો અવાજ ગંભીર બની ગયો, ‘એ બાપડો અત્યારે માખી મારવાનીય હાલતમાં નથી. બૈરીને મારી તો નાખી, પણ એને બહુ પ્રેમ કરતો હતો અને લાગે છે કે હજીયે કરે છે.’ ‘એટલો પ્રેમ કરતો હતો, તો એનું મર્ડર શું કામ કર્યું?’ ત્યાં આવીને ઊભી રહેલી ધ્રૂવા બોલી. બે મહિના પહેલાં જ ધ્રૂવા અહીં ઇન્ટર્ન તરીકે જોડાઇ હતી. પેથોલોજી ડીપાર્ટમેન્ટમાં હોવાથી વેંકટેશ સાથે સંપર્કમાં આવતી. ખાસ કામ ન હોય તો પણ એ વેંકટેશ સાથે વાત કરવાના મોકા શોધતી, એ વેંકટેશના ધ્યાન બહાર નહોતું. અત્યારે પણ એ અણધારી ટપકી પડેલી.


ધ્રૂવાની જગ્યાએ બીજું કોઇ આવી ગુસ્તાખી ન દાખવી શક્યું હોત, પણ ધ્રૂવાને પોતાની ખૂબસુરતી પર ઘમંડ કહેવાય એટલી હદે વિશ્વાસ હતો. એને મન સ્ત્રીની સુંદરતા એવો પાસપોર્ટ હતી, જેના આધારે ગમે તે જગ્યાએ આસાનીથી પ્રવેશ મળી શકે. વેંકટેશે જાણે ‘નો એન્ટ્રી’નું બોર્ડ મારી રાખ્યું હતું. ધ્રૂવાના નખરા સામે એ ધ્યાન આપતો ન હોવાથી એના ઘમંડને ઠેસ પહોંચી હતી. એણે સાંભળેલું કે વેંકટેશની પત્ની બહુ સુંદર હતી. આ જાણ્યા બાદ તો ધ્રૂવા વધુ જીદે ચડેલી. પોતાની લાગણીને એણે હજી પ્રેમનું નામ નહોતું આપ્યું, પણ વેંકટેશ જેટલો દૂર ભાગે એટલી એ એના તરફ વધુ ખેંચાતી હતી. અત્યારે પણ વેંકટેશને ઇન્સપેક્ટર સાથે વાતો કરતો જોઇ એ દોડી આવી અને ચર્ચામાં ઝુકાવ્યું, પરંતુ વેંકટેશે એને નિરાશ કરી. નાના બાળકે સવાલ પૂછ્યો હોય, એવા ભાવ સાથે એણે ‘તને નહીં સમજાય’ કહીને નજર ફેરવી લીધી. ‘કાલે રીપોર્ટ મળી જશે.’ મહારાવને કહી એ ચાલવા માંડ્યો. ધ્રૂવા સમસમી ગઇ.પોતાની ઓફિસમાં બેઠેલા વેંકટેશના ચહેરા પર સ્મિત હતું. ધ્રૂવાની મનોસ્થિતિ અને ઇરાદા એ જાણતો હતો અને એટલે જ આ બ્યૂટિફૂલ ઇન્ટર્નને ટટળાવવાની એને મજા આવતી હતી. ધ્રૂવા ભલે માનતી હોય કે વેંકટેશે એકપત્નીવ્રત લઇ રાખેલું, પણ એવું નહોતું. એકા સાથે લગ્ન પછી પણ એની લાઇફમાં સ્ત્રીઓની અવરજવર ચાલુ હતી. આમાં ગ્રીષ્માને બાદ કરતાં બીજા કોઇ સંબંધને વેંકટેશે આગળ વધવા નહોતો દીધો. પોતાની પરપીડન-સ્વપીડન વૃત્તિને વધુ સમય દબાવી રાખવાનું મુશ્કેલ હતું અને દુનિયા આ જાણી જાય એવું એ નહોતો ઇચ્છતો. ઘરમાં એકા અને બહાર ગ્રીષ્મા આ બે સ્ત્રી એની બધી જરૂરિયાતો પૂરી કરતી હતી.


એકા અત્યારે દૂર હતી અને ગ્રીષ્માથી એને થોડો કંટાળો આવવા લાગેલો. ગ્રીષ્મા સાથે હોય ત્યારે ઘણી વાર એને ધ્રૂવા યાદ આવી જતી, પરંતુ ધ્રૂવાને મેળવવાની એને ઉતાવળ નહોતી. એ જાણતો હતો કે જેટલી રાહ એને જોવડાવશે, એટલી એમના અફેરમાં એક્સાઇટમેન્ટ ઉમેરાવાની હતી. જો કે અત્યારે તો વેંકટેશને એની પત્ની અને દિબાંગ વચ્ચે અફેર શરૂ થાય એ વિચાર વધુ એક્સાઇટિંગ લાગતો હતો. રીવોલ્વિંગ ચેરને પાછળ ઝુકાવી ડેસ્ક પર પગ લંબાવી ડ્રોઅરમાંથી સેલફોન કાઢીને હાથમાં લીધો.


************


‘કમાલ માણસ છે, આ વેંકટેશ.’ ફોન મૂકીને દિબાંગ બબડ્યો. પહેલી વાર વેંકટેશને મળ્યો ત્યારે પત્નીની શોધમાં ભટકતા, પ્રેમાળ, ચિંતાતુર પતિના દર્શન એનામાં થયેલા. એનો પત્તો લાગ્યા બાદ મળવાની હવે કોઇ ઉતાવળ નહોતી લાગતી. એ છત્તીસગઢ આવવાનું ટાળતો હતો. એકાના કહેવા પ્રમાણે એનો પતિ માનસિક વિકૃતિથી પીડાતો હતો. ક્યાંક આ વાત સાચી તો નહોતી ને? દિબાંગને પહેલી વાર આ વિચાર આવ્યો. વેંકટેશ એકાને ભલે સ્કિઝોફેનિક કહેતો હોય, પણ આટલા દિવસમાં એકાએ માનસિક બીમારીના કોઇ લક્ષણ નહોતા દાખવ્યા. ઊલટું આરોગ્યકેન્દ્રના લોકો એનાથી ખુશ હતા. શરૂઆતમાં દિબાંગે એકાને જેમાં વધારે જોખમ ન હોય એવું થોડું કામ સોંપી જોયું. એકા મામૂલી કામ પણ ઉત્સાહભેર કરતી. ઘણી વાર ભાષાને લીધે સમસ્યા ઊભી થતી, પણ આ વિઘ્નને પાર કરી જવાનું નક્કી કર્યું હોવાથી એણે હવે સ્થાનિક બોલી શીખવાનું શરૂ કર્યું હતું. ટૂંક સમયમાં એકા ગામલોકો સાથે હળીમળી ગઇ.


કોન્ડાના ઘરમાં રહેવા ગયાના બીજા દિવસે પોતાનું મંગળસૂત્ર દિબાંગના હાથમાં મૂકીને એણે કહ્યું, ‘પ્લીઝ આટલી મદદ કરો. દુર્ગ કે બીજા કોઇ શહેરમાં આ વેચીને પૈસા લાવી શકો? દિબાંગ હચમચી ગયેલો. અમ્મા કે નલિનીના ગળામાં એણે ક્યારેય મંગળસૂત્ર જોયું નહોતું. હિન્દી ફિલ્મોમાં એણે મંગળસૂત્રની રક્ષા કરતી, ગુણગાન ગાતી અભિનેત્રીઓને જોઇ હતી, પરંતુ મંગળસૂત્ર વેચવાની વાત કરતી એકા એ ઘડીએ એને દુ:ખી કે લાચાર લાગતી નહોતી. નલિની પાસેથી એટલી જાણકારી મળેલી કે એકા ઘરેથી સારી એવી જવેલરી અને રોકડ લઇને નીકળેલી. રૂપિયા કદાચ વપરાઇ ગયા હોય, પરંતુ બીજી જવેલરી તો એની પાસે હતી. તો એને મંગળસૂત્ર વેચવાની આટલી ઉતાવળ કેમ હતી? ગળું ખંખારીને એ માંડ બોલેલો, ‘રહેવા દો ને હમણાં...’ આગળ બોલવાનો મોકો ન આપતાં એ મંગળસૂત્ર દિબાંગની હથેળીમાં મૂકી મુઢ્ઢી વાળતાં બોલી, ‘હમણાં કે પછી, રાખીને મારે શું કરવું છે? વેચીને રોકડા કરીશ તો કંઇ લેખે લાગશે.’


દલીલ કર્યા વિના દુર્ગ આવી દિબાંગે અમ્માને કહી મંગળસૂત્ર તિજોરીમાં મૂકી દીધું. ફરી કોન્ડા ગયો ત્યારે વેંકટેશે મોકલેલો પચાસ હજાર રૂપિયાનો ચેક વટાવીને એકાના હાથમાં એ રકમ મૂકી દીધી. એકાએ શંકા દાખવી, ‘ક્યાં વેચ્યું, કોને વેચ્યું?’ દિબાંગ ગભરાયો, ‘કેમ ઓછા મળ્યા?’ ‘ના, વધુ પડતા મળ્યા છે. કોઇ દુકાનમાં એના વીસ-પચીસ હજારથી વધારે રૂપિયા ન ઉપજે. તમે પચાસ હજાર ક્યાંથી લઇ આવ્યા?’ દિબાંગે કહ્યું, ‘અંહ... તમારી... કદાચ જવેલરની ભૂલ થઇ હશે.’ ‘તો ભૂલ સુધારી લેજો.’ કહેતાં એણે ત્રીસ હજાર દિબાંગના હાથમાં મૂકી દીધા. ‘રાખો ને કામમાં આવશે.’ દિબાંગ બોલ્યો. એકા હસી, ‘તમે તો એવી રીતે કહો છો જાણે મને ગિફ્ટ આપતાં હો.’ પછી ગંભીરતાથી બોલી, ‘સાચું કહો, તમે મંગળસૂત્ર વેચ્યું છે કે નહીં?’


‘હાસ્તો, તમને મારા પર ભરોસો નથી?’ દિબાંગે પૂછ્યું. ‘અત્યારે તો આખી દુનિયામાં તમારા અને નલિનીદીદી પર જ ભરોસો છે.’ એ એટલા નિર્દોષભાવે બોલી કે દિબાંગે અપરાધભાવ અનુભવ્યો. આ ઘટના પછી વેંકટેશના ફોન તો આવતા રહ્યા, પણ દિબાંગ વ્યસ્તતાના બહાને તેને ટાળતો રહ્યો. એક વાર તો તંગ થઇ ગયો હોય એમ કૃત્રિમ અકળામણ દાખવીને કહી નાખ્યું, ‘ડોક્ટરસાહેબ, તમારા વાઇફનું ધ્યાન રાખવા સિવાય મારે બીજા પણ કામ કરવાનાં હોય છે.’ વેંકટેશે નમ્રતાથી માફી માગી લીધી. દિબાંગના મનની લાગણી હવે ચહેરા પર વર્તાવા લાગી હતી. અમ્માએ એક દિવસ પૂછ્યું, ‘તું આજકાલ વિચારોમાં ખોવાયેલો રહે છે. શું થયું છે?’ ‘ના રે...’ કહીને એણે વાત બદલવાની કોશિશ કરી, પણ અમ્મા એની સામે તાકી રહ્યાં.


************


‘પ્લીઝ... હેલ્પ મી...’ જમીન પર લોહીલુહાણ પડેલી સ્ત્રીએ હાથ લંબાવ્યો. એકા હેબતાઇને પાછી હટી. હાથ વધારે લાંબો થયો અને એકાના પગને સાપની જેમ વીંટળાઇ વળ્યો. ‘હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી...’ના અવાજ મોટા થતા ગયા. એકાએ જોરથી ચીસ પાડી તે સાથે સપનું તૂટી ગયું. એ પથારીમાં બેઠી થઇ ગઇ. અંધારામાં ટેબલ પર ફંફોસીને એણે ફોન ઉપાડ્યો. જુનું સીમકાર્ડ તો ક્યારનુંય એણે ફેંકી દીધેલું. દિબાંગે એને બીજી કંપનીનો નવો નંબર લાવી દીધેલો. નવી ફોનબુકમાં માત્ર દિબાંગ અને નલિનીના ફોનનંબર હતા. એણે ટેબલ પર રાખેલી મીણબત્તી અને માચીસ લીધા. એની નજર બારી તરફ ગઇ. હિંમત ભેગી કરીને એ રસોડામાં ગઇ.


મીણબત્તી સળગાવી એણે નલિનીનો નંબર જોડ્યો. પાંચ-સાત રિંગ વાગ્યા બાદ સામેથી અવાજ આવ્યો, ‘હલો એકા?’ પણ આ અવાજ પુરુષનો હતો. નલિની તો એકલી રહેતી હતી. તો પછી કોણે એના નંબર પર એકાનું નામ લીધું? એની હિંમત ઓગળી ગઇ. એણે ચીસ પાડી અને પાડતી જ રહી. મુંબઇમાં પેલી સ્ત્રીની હત્યા કરનારો કોન્ડા પહોંચી ગયેલો. એણે નલિનીને મારી નાખેલી અને હવે એકા પાસે આવી રહ્યો હતો. ‘દિબાંગ... દિબાંગ’ ચીસો પાડતી એ બેહોશીની ગર્તામાં સરકી ગઇ.


(ક્રમશ:)


પગલે પગલે રણ, વર્ષા પાઠક






 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.