સુરભિમામી તરફડિયાં મારતાં રહ્યાં નાક-મોંમાં પાણી ઘૂસી જવાથી ગૂંગળાઇ ગયાં, ત્યાં સુધી ચહેરો નળ નીચે ધરી રાખ્યો.
એકા માનતી હતી કે પોતે જ્યારે બધાંને મળશે, ત્યારે હકીકત સમજાવી દેશે.
ઘર! નવજાત શિશુને સ્પર્શતી હોય એવી કોમળતા અને સ્નેહથી એકાએ દીવાલ પર હાથ ફેરવ્યો. નલિનીએ કહેલું કે, ‘તને ફાવે એટલો સમય અહીં રોકાજે.’ મકાનમાલિકે પણ ડિપોઝિટ, એગ્રીમેન્ટ જેવી માથાકૂટમાં પડવાને બદલે એકાના હાથમાં ચાવી આપી દીધેલી. એના માટે નલિનીનો શબ્દ પૂરતો હતો. કોન્ડા ગામમાં ‘નલિનીદીદી’નું નામ આદરપૂર્વક લેવાતું હતું. સાથે આવેલી એકાને પણ વિનાપ્રયાસે ‘દીદી’નું લેબલ મળી ગયું. જગદલપુરથી દોઢ-બે કલાકના અંતરે આવેલું કોન્ડા શહેરમાં વસનારની નજરે જુઓ તો ગામ હતું અને આદિવાસીઓ માટે શહેર!
દસેક હજારની વસ્તી ધરાવતા કોન્ડામાં નાની સ્કૂલ, હોસ્પિટલ વગેરે પ્રાથમિક સુવિધા હતી, પરંતુ સ્થિતિ એવી તો નહોતી જ કે મોટા શહેરમાં ઉછરેલી, ભણેલી કોઇ વ્યક્તિ અહીં સેટલ થવાનું વિચારે. હા, નલિની જેવા અપવાદ હતા, જેણે અહીંના બાળકોને કોઇ સ્કૂલ આપેે એનાથી વધુ ભણતર અને ગણતર આપવાનું મશિન હાથ ધર્યું હતું. બીજો હતો દિબાંગ, જે અઠવાડિયે ત્રણેક દિવસ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર તરીકે ફરજ બજાવવા ઉપરાંત નલિની સાથે બીજા સમાજોપયોગી કામ કરતો હતો. આ બધાં પાછળનો એમનો હેતુ એ હતો કે ગરીબ આદિવાસી બાળકો નકસલવાદને રસ્તે ફંટાઇ ન જાય. અલબત્ત પોતાના અધિકારો માટે લડતાં નકસલવાદીઓને નલિની અને દિબાંગ સાથે દુશ્મની નહોતી. ઉલટું અફવા એવી હતી કે આ બંનેને અમુક નકસલાઇટ લીડર સાથે સારા સંબંધ હતાં.
જો કે એકા માટે તો એટલું જ પૂરતું હતું કે, મુંબઇથી દૂર વેંકટેશની નજર સુદ્ધાં ન પડે એવી જગ્યાએ એને આશરો મળ્યો. ગામ ભલે નાનું હોય, પણ બે જ દિવસમાં એને પોતાનું લાગવા માંડ્યું હતું. જગદલપુરથી આવ્યા બાદ બે રાત એણે નલિનીના ઘરમાં ગાળેલી. હજી એ ત્યાં રોકાઇ હોત તો નલિનીને વાંધો નહોતો. નલિનીનું મકાન અને મન બંને મોટા હતાં, પરંતુ એની ભલમનસાઇનો વધુ ફાયદો ઉઠાવવાની એકાની ઇચ્છા નહોતી. હવે શું કરવું એ નિર્ણય એકાએ લેવાનો હતો. ‘દીદી, મારા માટે એક ઘર શોધી આપો. પ્લીઝ.’ એણે નલિનીને કહ્યું. ગામને છેડે સાદા પણ સુઘડ મકાન પર એણે પસંદગી ઉતારી. ત્યાંથી ચાલતાં દસેક મિનિટના અંતરે આરોગ્ય કેન્દ્ર હતું, જ્યાં દિબાંગ આવતો હતો.
એકાને નવા ઘરમાં સેટલ થવામાં દિબાંગે ઘણી મદદ કરેલી. જોકે મુંબઇથી આવેલી એકા લાંબો સમય નહીં ટકે એવી શંકા દિબાંગના ચહેરા પર એકાએ સાફ વાંચી લીધેલી. કદાચ એટલે જ એણે એકાને ચારપાંચ દિવસ આરામ કરવાની સલાહ આપેલી. ‘હું એને ખોટો પાડીશ. બહુ જલદી એવો દિવસ આવશે કે એને મારા વિના નહીં ચાલે. એ જ કહેશે કે એકા તને તો એકેય દિવસ રજા આપવી ન જોઇએ. સમજાતું નથી કે તારા વિના અમને આટલા દિવસ ચાલ્યું કઇ રીતે? અને હું કહીશ કે...’ કાલ્પનિક સંવાદોમાં એકા એવી ખોવાઇ ગઇ કે જોરથી હસી પડી. ખાલી ઓરડામાં પડઘા પડ્યા અને એ વાસ્તવિકતાની ઘરતી પર પાછી ફરી. દિબાંગ તો દુર્ગમાં જઇને બેઠેલો. ત્રણ દિવસ પછી પાછા ફરવાનું કહી ગયેલો. નલિનીના કહેવા પ્રમાણે દિબાંગ બહુ વ્યસ્ત ડોક્ટર હતો.
‘એ મને યાદ કરતો હશે?’ એકાએ વિચાર્યું. પછી તરત આવા વિચાર બદલ જાતને ધમકાવી નાખી. હજી એક પુરુષના સકંજામાંથી માંડ છૂટી, ત્યાં બીજા વિશે આટલું વિચારતી થઇ ગઇ? કદાચ આવી નબળાઇને કારણે જ સ્ત્રીને અબળાનું વિશેષણ મળ્યું હશે કે એને સતત એક યા બીજા પુરુષના સહારાની જરૂર પડે. એકાએ ખુદ પર ગુસ્સો ઠાલવ્યો અને ઘર સાથે દિમાગની સફાઇ કરવાની કોશિશ આદરી. દિબાંગ ગમે તેટલો સારો હોય, પણ આખરે પુરુષ હતો અને અત્યારે જીવનમાં કોઇ પુરુષની ન તો જગ્યા હતી કે ન જરૂર! આવી ચેતવણી એકાએ જાતને આપી દીધી, પરંતુ એ માણસ હતી અને માણસને માણસની જરૂર પડે, પછી એ પુરુષ હોય કે સ્ત્રી! એકાને મામી યાદ આવ્યાં. ચિંતામાં એ અડધા થઇ ગયાં હશે, એની એકાને ખાતરી હતી. વેંકટેશનું જૂઠ્ઠાણું એમના દિમાગમાં ઘર કરી ગયેલું અને ફોન કરવાનો અર્થ નહોતો. બાકી રહ્યાં મનીષા અને સાનિકા!
મામાની મોટી દીકરી મનીષા તો એકા ઉરૂલીકાંચન આવ્યાનાં થોડા સમયમાં પરણી ગયેલી. નાની સાનિકા સાથે એકાએ બાળપણ વીતાવ્યું હતું. એકા માટે સાનિકા જ મોટી બહેન હતી, બેસ્ટ ફ્રેન્ડ હતી. સાનિકાના લગ્ન થઇ ગયા અને એકાની જિંદગીમાં વેંકટેશ આવ્યો. ત્રણેય બહેન પોતાના સંસારમાં વ્યસ્ત થઇ ગઇ. દોઢેક વર્ષ પહેલાં સાનિકા અને તેનો પતિ ઓસ્ટ્રેલિયા જઇ, ત્યાં જ સ્થાયી થયેલાં. છેલ્લા સમાચાર સાંભળ્યા કે સાનિકા પ્રેગ્નન્ટ હતી. અચાનક એને ખ્યાલ આવ્યો કે આ જ મહિનામાં ડોક્ટરે બાળકના જન્મની તારીખ આપી હતી. ‘એકા છોકરી માટે સારું નામ શોધી રાખજે.’ સાનિકાએ ફોન પર કહેલું. જાણે ખાતરી હતી કે દીકરી જ આવશે. એકાને મન થયું સાનિકાને ફોન કરવાનું પણ શું કહેવું? મામીએ એને શું કહ્યું હશે! વળી, અત્યારે એને ચિંતામાં નાખવાનું યોગ્ય નહોતું. એ રીતે મનીષાને પણ ફોન ન કરવા માટે એકાએ કારણો શોધી કાઢયા.
***
‘માએ એને આપણાથી વધુ લાડકોડ કરેલાં, પણ અંતે? મા જેવી મામી મરી ગઇ, પણ એને કંઇ અસર નથી. છેલ્લી વાર એનું મોઢું જોવા પણ ન આવી.’ આટલું ફોન પર બોલતાં મનીષા રડી પડી. એ ઘરની અગાસી પર ઊભી ઊભી નાની બહેન સાથે વાત કરતી હતી. ‘બહેન, એકા એવી નથી. મમ્મીને જરા તાવ આવે તોય દોડી આવતી હતી. અંતિમક્રિયામાં ન આવી એનું કંઇક તો કારણ હશે!’ સાનિકાએ આશ્વાસન આપ્યું. ‘કારણ એટલું કે એના હસબન્ડ સાથે ઝઘડો કરીને ઘર છોડી ગઇ છે.
ક્યાં છે એની કોઇને જાણ નથી. મમ્મીનું આવું થયું એ દિવસે એણે વેંકટેશને ફોન કરેલો અને વેંકટેશે આ સમાચાર આપ્યા. કહ્યું કે ઉરૂલીકાંચન આવી જા. મનીષા અહીં એકલી છે, પણ ‘સોરી’ કહી એણે ફોન મૂકી દીધો.’ મનીષાએ કહ્યું. ‘માનવામાં નથી આવતું.’ સાનિકાએ આશ્ચર્ય દર્શાવ્યું. એકા આવું વર્તન કરે એ વાત ગળે નહોતી ઉતરતી. એને પૂરી વાત કરવી કે નહીં એ વિશે મનીષાએ અવઢવ અનુભવી. થોડા દિવસ પહેલાં સુરભિએ મનીષાને એકાના પ્રોબ્લેમનું વર્ણન કર્યું હતું. મનીષાએ એકાનો સંપર્ક સાધવાની કોશિશ કરી, પણ ન થયો. મા-દીકરીએ નક્કી કર્યું કે સાનિકાની પ્રસૂતિ સુધી આ વાત છુપાવવી.
ડોક્ટરે સાનિકાને બેડરેસ્ટની સૂચના આપેલી. માતાનાં અવસાનનાં સમાચાર પણ સાનિકાને કઇ રીતે આપવા? છેવટે આ કામ વેંકટેશે કર્યું. ઇન્ડિયા આવવાની જીદ્દ પકડેલી સાનિકાને વેંકટેશે જ શાંત પાડી. સુરભિના નશ્વર દેહને અગ્નિદાહ આપવાની જવાબદારી વેંકટેશે સામે ચાલી સ્વીકારી લીધી. ‘મામીનું બી.પી. હાઇ હતું. મેં ધમકાવ્યા પણ ખરા કે નિયમિત દવા નહીં લો તો મુંબઇ હોસ્પિટલમાં ભરતી કરી દઇશ! એ હસી કાઢીને ચા બનાવવા જતાં રહ્યાં. હું ટીવી પર મેચ જોવા લાગ્યો. ચાર-પાંચ ઓવર પછી હું અંદર ગયો, તો ચા ઉકળતી હતી. બાથરૂમનો દરવાજો બંધ હતો અને અંદરથી પાણીનો અવાજ સાંભળ્યો એટલે હું બહાર આવ્યો. લાંબો ટાઇમ થતાં અંદર જઇ મેં બાથરૂમનું બારણું ખખડાવ્યું, પણ અંદરથી જવાબ ન મળ્યો.
મને કંઇ અઘટિત બન્યાનો ખ્યાલ આવી ગયો. ધક્કા મારીને દરવાજો તોડી નાખ્યો. અંદર મામી ચત્તાપાટ પડેલાં અને એમના ચહેરા પર નળમાંથી પાણી પડી રહ્યું હતું.’ વેંકટેશે મનીષાને ઘટના વર્ણવતાં કહ્યું. એ આવ્યો એ જ વખતે આ અકસ્માત ઘટી ગયો. તરત પાડોશીને બોલાવ્યા અને પોતાની જ કારમાં સુરભિને હોસ્પિટલમાં લઇ ગયો. એ જાણતો હતો કે મામીનું પ્રાણપંખેરું બાથરૂમમાં જ ઊડી ગયેલું. હોસ્પિટલમાં ડોક્ટરે વાતની પૃષ્ટિ કરી. માત્ર આટલું હોત તો કદાચ એ બચી જાત પણ નાક-મોંમાં ઘૂસી ગયેલા પાણીએ એને ગુંગળાવી નાખી.
મનીષાને આ સમાચાર વેંકટેશે જ આપ્યાં, સાનિકાને ફોન કર્યો. ઓળખીતાંએ ‘એકા ક્યાં?’ની પૃચ્છા કરી તો ‘માંદી છે.’નું બહાનું આપ્યું પણ મનીષા સામે ઢીલો પડી ગયો. મનીષાએ સાનિકા સામે બળાપો ઠાલવ્યો, પરંતુ એ માનવા તૈયાર નહોતી. છેવટે મનીષાએ એને એકાની હાલત વિશે જણાવવું પડેલું. સાનિકા ભડકી ગઇ. ‘મને કેમ કોઇએ કહ્યું નહીં? કોણ જાણે ક્યાં, કઇ હાલતમાં હશે...’ મનીષા બબડી, ‘એવું તે કેવું ગાંડપણ કે વરને ફોન કરવા જેટલી બુદ્ધિ ચાલે, પણ મામીની અંતિમક્રિયામાં ન અવાય...’ એ નહોતી જાણતી કે એકાએ વેંકટેશને ફોન નહોતો કર્યો. એકા નહોતી જાણતી કે મામી દુનિયા છોડીને જતાં રહેલાં. માત્ર વેંકટેશ જાણતો હતો કે સુરભિનું મૃત્યુ અકસ્માત નહીં, ઠંડે કલેજે થયેલી હત્યા હતી.
***
ઉરૂલીકાંચનથી નીકળતી વખતે એણે મામીની તસવીર લીધી હતી. ‘સોરી મામીજી,’ ગંભીર ચહેરે કહી એ હસી પડ્યો. ત્રણ દિવસ ગંભીર મોં રાખી, ભારે શબ્દો બોલીને એ કંટાળી ગયેલો. એમને સ્વધામે પહોંચાડવાનું કામ તો સહેલાઇથી પતી ગયેલું. સુરભિને મળવા આવ્યો ત્યારે સામે ચાલીને મોતને નિમંત્રણ આપતી હોય એમ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. વેંકટેશ પાસે બીજો રસ્તો નહોતો. બાથરૂમમાં જઇ એણે બૂમ પાડી, ‘મામી, નળમાં શું પ્રોબ્લેમ છે?’ ‘શું?’ સુરભિ બાથરૂમમાં પહોંચી અને વેંકટેશે એને પકડી લીધી. એને અફસોસ નહોતો.
તરફડિયાં મારતી સુરભિનો ચહેરો નળ નીચે ધરી દેતાં ખચકાટ ન થયો. પોતાના હાથમાં કોઇનો જીવ જઇ રહ્યો હતો એ વિચાર એને રોમાંચ આપી ગયેલો. આટલી મજા તો સદાનંદને કૂવામાં ધકેલી દેતાં પણ નહોતી આવી. ચ્યુઇંગમ રૂપે ઘેનની દવા ચાવી સદાનંદ બેહોશ થયો ત્યાં સુધી એ ગાડી ચલાવતો રહ્યો. સ્યુસાઇડ નોટ લખી રાખેલી. એને કૂવામાં ફેંકી દીધા બાદ વેંકટેશ ત્યાં જ ઊભો રહ્યો. સદાનંદ અને સુરભિ પછી હવે કોનો વારો હતો.