કેટકેટલી મુશ્કેલીઓ વેઠીને આખરે હસમુખરાયે સપનાનું ઘર વસાવ્યું હતું. હસમુખરાય શિક્ષક હતા. પત્ની પણ શિક્ષિકા હતી. છટ્ટું પગારપંચ પૂરેપૂરું ફળી ગયું હતું. પગાર ખાસ્સો વધી ગયો હતો. સાઢુભાઇએ બેંકમાંથી મસમોટી લોન અપાવી દીધી હતી. હસમુખરાયનો હરખ માતો નહોતો. સ્નેહીઓ, મિત્રો વગેરેને આગ્રહપૂર્વક બોલાવી ચા-નાસ્તો કરાવતા. હસમુખરાય ખૂબ ખુશ થતા અને પત્ની પણ તેમાં સહભાગી થતી.
જોકે થોડા દહાડા પછી આ આનંદ શોકમાં પલટાઇ ગયો. હસમુખરાયની પત્નીને એકાએક હાર્ટ એટેક આવ્યો અને તેનું નિધન થયું. અચાનક હસમુખરાય શોકાતુર વિધૂર બની ગયા. સ્નેહીઓ-સંબંધીઓ-મિત્રો હવે સૌ કોઇ શોકમાં સાંત્વના આપવા આવવા લાગ્યા. એક દિવસ હસમુખરાયના સ્નેહી હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પણ સાંત્વના આપવા આવ્યા.
થોડી વાર બેસી વિદાય લેવા ઊભા થયા. હસમુખરાય પણ આદતવશ તેમને વળાવવા મેડી પરથી ઊતરી ગયા. ડોક્ટરને વિદાય આપી જેવું પગથિયું ચડવા ગયા, ત્યાં જ ડોક્ટરે આપેલી સલાહ યાદ આવી ગઇ, ‘તમારા પત્નીની જિંદગી પાંચ વરસ લંબાવવી હોય તો ઊંચા ઓટલા-પગથિયાં બહુ ચડવા-ઊતરવા દેશો નહીં.’- ને હસમુખરાયનો પગ પગથિયાં પર જડાઇ ગયો.