‘હેલો ડોક્ટર વેંકટેશ!’ વોશરૂમમાંથી બહાર નીકળેલા વેંકટેશના પગ જ નહીં, આખું શરીર, અરે! લોહી પણ જાણે થીજી ગયું. સામે ગ્રીષ્મા ઊભી હતી, પણ મુંબઇથી સેંકડો માઇલ દૂર આ રાયપુર એરપોર્ટ હતું. મધરાત થઇ ગયેલી. કદાચ આ સપનું હતું વેંકટેશને લાગ્યું. ગ્રીષ્માએ એના હાથ પર ચીમટો ભરતાં કહ્યું, ‘નો, તું સપનામાં નથી.’ ‘ઓ, ઓ...’ વેંકટેશથી સીસકારો ભરાઇ ગયો. એણે પૂછ્યું, ‘તું અહીં ક્યાંથી?’ ‘મુંબઇથી! તું ઇન્ડિયન એરલાઇન્સમાં આવ્યો અને તારી પાછળ દસ મિનિટમાં મારી ફ્લાઇટ પહોંચી. તારી તબિયત તો ઠીક છે ને?’ ગ્રીષ્માએ જવાબની સાથે સવાલ પૂછ્યો.
‘હા, આઇ એમ ઓલરાઇટ, પણ તું...’ વેંકટેશને વાક્ય પૂરું કરવાની તક આપ્યા વિના ગ્રીષ્માએ બીજો સવાલ કર્યો, ‘તો આટલો વખત ટોઇલેટમાં કેમ ભરાઇ રહેલો?’ ‘જસ્ટ...’ વેંકટેશે જવાબ શોધવાનો પ્રયાસ કર્યો, પણ ગ્રીષ્માનું બોલવાનું ચાલુ રહ્યું, ‘તને અંદર જતાં જોયો, પછી રાહ જોતી રહી કે તું ક્યારે બહાર નીકળે! બહુ વાર લાગી તો ટેન્શન થયું કે અંદર તને ક્યાંક હાર્ટએટેક તો નહીં આવી ગયો હોય ને! હજી તો વિચારતી હતી કે એરપોર્ટ સિક્યોરિટીને બોલાવું કે હું જ અંદર જઇને તપાસ કરું. ત્યાં થેંક ગોડ...’ શ્વાસ લેવા માટે ગ્રીષ્મા અટકી અને વેંકટેશને ચાન્સ મળી ગયો, ‘મારી ચિંતા કરવા બદલ થેંકસ. હવે એ કહે કે તું અત્યારે રાયપુરમાં શું કરે છે?’ ગ્રીષ્માએ આંખો નચાવી, ‘બસ, મેં વિચાર્યું કે તું એકલો બોર થઇ જઇશ. તને કંપની આપવા પહોંચી ગઇ.’
વેંકટેશની ધીરજ ખૂટી ગઇ. ‘મજાક શું કામ કરે છે? તને ખબર છે કે હું અહીં એકાને લેવા માટે આવ્યો છું.’ ગ્રીષ્માની આંખો ઝીણી થઇ, ‘એકા હજી જીવે છે?’ ‘મતલબ?’ વેંકટેશ ભડક્યો. ગ્રીષ્માએ બીજો સવાલ કર્યો. ‘તો મારા બંગલામાંથી પોલીસને કોની લાશ મળી?’ ‘એ તો...’ વેંકટેશ થોથવાઇ ગયો, ‘કઇ લાશ?’ ‘તને ખબર નથી?’ ગ્રીષ્માએ પૂછ્યું. ‘ના.’ વેંકટેશે કહ્યું, પણ ગ્રીષ્માના હાવભાવ કહી ગયા કે વેંકટેશનો નકાર એના ગળે નહોતો ઉતર્યો.
એણે આગળ ચલાવ્યું, ‘પોલીસ મારા ઘેર આવી ત્યારે મેં માની લીધું કે તેં જ એકાને મારી નાખીને ત્યાં દાટી દીધી હશે. તું મારી પાસેથી બંગલાની ચાવી લઇ ગયેલો એ વાતને બે-અઢી મહિના થઇ ગયા અને પોલીસ કહે છે કે મર્ડર થયાને પણ લગભગ એટલો જ ટાઇમ નીકળી ગયો છે. એ પછી અચાનક એકા ગુમ થઇ ગઇ. તારા કહેવા પ્રમાણે એ છત્તીસગઢમાં છે, પણ સાચી વાત કોને ખબર...’ વેંકટેશ ગ્રીષ્માને જોઇ રહ્યો, ‘તેં પોલીસને આ બધું કહ્યું?’ એ માંડમાંડ પૂછી શક્યો.
‘ના રે, તારું સિક્રેટ એમ થોડું બહાર પાડી દેવાય!’ ગ્રીષ્મા હસી. વેંકટેશે કહ્યું, ‘ગ્રીષ્મા તારી ગેરસમજ થાય છે. એકા ખરેખર અહીં છે. હું નથી જાણતો કે તારા બંગલામાં કોનું મર્ડર થયું.’ ગ્રીષ્માએ માથું હલાવ્યું, ‘ઓ.કે. એ વાત થોડી વાર માટે માની, હવે બીજા મર્ડરની વાત!’ વેંકટેશ ચમકયો. એના મનમાં સુરભીમામીની છબી તરવરી ઊઠી. ગ્રીષ્માએ બીજું નામ કહ્યું. ‘સદાનંદ!’ વેંકટેશને આંચકો લાગ્યો. ‘સદાનંદ તો કોમામાં છે. તેં જ કહેલું ને કે એની બહેનનો ફોન હતો?’ ગ્રીષ્માએ માથું ધુણાવ્યું, ‘આજે મેં સદાનંદના ખબર પૂછવા ફોન કર્યો તો જાણ થઇ કે એ બિચારો તો ક્યારનો સ્વર્ગમાં પહોંચી ગયો છે અને હા, એની બહેને કે ઘરમાંથી કોઇએ મને ફોન નહોતો કર્યો. એ લોકોએ તો મારું નામ પણ પહેલી વાર સાંભળ્યું.’
‘તો કોણે ફોન કર્યો અને શું કામ?’ વેંકટેશે પૂછ્યું, પણ એને ખાતરી હતી કે આ કારસ્તાન એકાનું જ હતું. ગ્રીષ્માએ કહ્યું, ‘એ લોકોને હવે શંકા છે કે સદાનંદે આપઘાત નહોતો કર્યો. કોઇએ એનું મર્ડર કર્યું છે.’ ‘કોણે?’ વેંકટેશ પૂછી બેઠો. ‘એનો જવાબ તો તું જ આપી શકે.’ ગ્રીષ્માએ કહ્યું. ‘એય, તું કેવી વાતો કરે છે. પહેલાં મુંબઇમાં થયેલાં કોઇ મર્ડર માટે દોષી ઠેરવ્યો. હવે કહે છે કે સદાનંદની હત્યા વિશે મને જાણ છે. માય ગોડ ગ્રીષ્મા, હજી કંઇ બાકી હોય તો એ પણ બોલી નાખ.’ વેંકટેશે અકળાવાનો દેખાવ કર્યો.
‘તું આટલો આગ્રહ કરે છે તો પૂછી જ નાખું કે એકાની મામી મરી ગઇ, એ ખરેખર એક્સિડન્ટ હતો?’ ગ્રીષ્માએ ઠંડા અવાજે સવાલ કર્યો. ‘નાઉ ધીસ ઇઝ અટરલી રીડિક્યુલસ!’ વેંકટેશે ગુસ્સો ઠાલવ્યો, ‘તારી વાત કોઇ સાંભળે તો એવું જ લાગે કે, છેલ્લા બે-ત્રણ મહિનાથી મારા પર ભૂત સવાર થઇ બેઠું છે. જે સામે દેખાય, એનું ખૂન કરતો ફરું છું. મારી આસપાસ કોઇ સલામત નથી, તું પણ નહીં!’ ગ્રીષ્મા હસી. ‘એવું વિચારીને તો હું તારી પાછળ આવી પહોંચી. જોવું છે કે તું મને કઇ રીતે રસ્તામાંથી હટાવવાની કોશિશ કરશે!’ વેંકટેશે કહ્યું, ‘યુ આર ક્રેઝી.’
‘યેસ, એટલે તો અહીં તારી સામે ઊભી છું. વેંકી ડીયર, સાચું કહું તો તેં ત્રણને બદલે ત્રીસ મર્ડર કર્યા હોય તોય મને કોઇ ફરક નથી પડતો, પણ મારે જાણવું તો છે કે તું ખરેખર કઇ ગેમ રમી રહ્યો છે? આઇ લવ એક્સાઇટમેન્ટ!’ ગ્રીષ્મા બોલી. વેંકટેશ જોઇ રહ્યો. ગ્રીષ્મા ખરેખર ક્રેઝી હતી અને એથી વધુ ડેન્જરસ! એનાથી છુટકારો મેળવવાનું સહેલું નહોતું. એણે પૂછ્યું. ‘તને કેવી રીતે ખબર પડી કે હું આજે અહીં આવવાનો હતો?’ ગ્રીષ્માએ કહ્યું, ‘હું તો બેંગ્લોર જવા નીકળેલી, પણ એરપોર્ટ પર તને જોઇને વિચાર બદલાઇ ગયો.’ ‘તેં તત્કાળ ટિકિટ પણ બદલી નાખી?’ વેંકટેશે પૂછ્યું. ગ્રીષ્માનો હકાર સાંભળીને એને નવાઇ ન લાગી.
ગ્રીષ્મા ગમે ત્યારે, ગમે તે કરી બેસે એવી સ્ત્રી હતી. ‘કોઇને ખબર છે કે તું મારી પાછળ આવી છે?’ સહજભાવે એ બોલ્યો. ગ્રીષ્મા હસી, ‘એ મારું સિક્રેટ છે પણ એટલું કહી દઉં કે, મને કંઇ થયું તો પોલીસ તને શોધતી આવશે અને એ પહેલાં મારા પપ્પા! એટલે મને સાજીસારી, જીવતી રાખવાની જવાબદારી તારી છે.’ ગ્રીષ્માનું ગળું ભીંસી નાખવાની ઇચ્છા પર લગામ તાણીને વેંકટેશે કૃત્રિમ સ્મિત આપ્યું, ‘ઓ.કે. મેડમ, હવે બહાર નીકળવું છે કે નહીં?’
‘યેસ, ક્યાં જઇશું?’ ગ્રીષ્માએ પૂછ્યું. એને મન આ રમત હતી. ‘આજની રાત રાયપુરની જ કોઇ હોટેલમાં રોકાઇશું. કાલે શું કરવું, એ વિચારીશું.’ વેંકટેશે કહ્યું. ગ્રીષ્માએ અચાનક આવીને એની ગૂંચવણમાં વધારો કરેલો. એટલી રાહત થઇ કે સદાનંદ જીવિત નહોતો. ગ્રીષ્મા તરફ આંખના ખૂણેથી જોયું. અચાનક વિચાર આવ્યો કે સદાનંદને આપવાનું ઇન્જેકશન ગ્રીષ્માને આપી દે તો મોટી મુસીબત ટળી જાય. તરત ગ્રીષ્માએ આપેલી ગર્ભિત ધમકી યાદ આવી. પોલીસ કરતાંયે ગ્રીષ્માના પપ્પા ખતરનાક હતા. થોડો સમય આ બલાને જીવતી રાખ્યા વિના છુટકો નહોતો.
*** *** ***
અન્નાના ગુસ્સાનો પાર નહોતો. બબન કહેતો હતો કે એણે હમણાં વેંકટેશને કોઇ સ્ત્રી સાથે એરપોર્ટથી ટેક્સીમાં બેસતો જોયો. મ્હોંકાણના સમાચાર પણ મળ્યા કે અણીના સમયે જ બબનના ફોનમાં કેમેરા બંધ થઇ ગયો અને એ વેંકટેશ સાથેની સ્ત્રીનો ફોટોગ્રાફ ન લઇ શક્યો. બબન સામે હોત તો અન્ના કદાચ એના શ્વાસ બંધ થઇ જાય એવું કંઇ કરી બેસત, પણ તત્કાળ તો ફોન પર બે-ચાર ગાળ બોલીને ચલાવવું પડ્યું. અન્નાની કમનસીબી અહીં પૂરી નહોતી થતી.
બબને ટેક્સી પકડીને પીછો કર્યો અને હોટેલમાં પહોંચ્યો ખરો, પરંતુ હોટેલમાં માત્ર એક રૂમ ખાલી હતો. જે વેંકટેશે બુક કરી લીધો. ‘અન્ના, હવે શું કરું?’ બબને પૂછ્યું. અન્નાએ પહેલાં તો કહી દીધું, ‘બહાર ઊભો રહી ચોકી કર!’ પણ બબન પર રોષ કરવો નિરર્થક હતો એટલે એને નજીકની હોટેલમાં જવા જણાવ્યું. આશ્વાસન એટલું હતું કે વેંકટેશ સાથેની સ્ત્રીની તસવીર ભલે ન મળી, પણ ઝીણવટભર્યું વર્ણન બબને કરી દીધું હતું.
*** *** ***
‘પચીસ-ત્રીસ વર્ષની, ઊંચી, પાતળી, ખૂબસૂરત...’ સાંભળતાની સાથે ખય્યામે ડોકું હલાવ્યું. ‘હા, એ જ...’ અન્નાના ચહેરા પર રાહત તરી આવી. બબન સાથે વાત કર્યા બાદ એણે ખય્યામ જે લોકઅપમાં હતો, ત્યાંની વાટ પકડી. ખબરીએ કહી દીધેલું કે ઇન્સપેક્ટર નાઇક આસિસ્ટન્ટ દેસાઇ સાથે રાયપુર જવા નીકળી ગયેલા. નાઇકની જગ્યાએ ચાર્જ સંભાળનાર ઓફિસર અન્નાનો પરિચિત હતો. માત્ર પાંચ મિનિટ મળવાની અન્નાની વિનંતી, એણે થોડી આનાકાની સાથે સ્વીકારી લીધી.
પાંચ મિનિટ આંખ આડા કાન કરવા માટે પાંચ હજાર રૂપિયાનો સોદો કંઇ ખોટો નહોતો. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે કોઇ વસ્તુની લેવડદેવડ ન થાય એની તકેદારી રાખવા પૂરતી ઇમાનદારી એણે જાળવી રાખી. અન્નાને વાંધો નહોતો. એણે ખય્યામ પાસે વર્ણન દોહરાવ્યું અને ખય્યામે કહી દીધું કે એણે આવો જ દેખાવ ધરાવતી સ્ત્રીને માર્વેના બંગલામાં હત્યાની રાતે જોયેલી.
કોઇ નહોતું જાણતું કે આ ઉપરછલ્લું વર્ણન ગ્રીષ્માને પણ બંધબેસતું હતું. અન્નાને ખાતરી થઇ ગઇ કે રાયપુરમાં વેંકટેશ સાથેની સ્ત્રી, એકા હતી અને મુસીબતનું મૂળ એ જ હતી. ઘેર પહોંચી અન્નાએ એક નંબર જોડ્યો. સામેથી ઊંઘરેટિયું ‘હેલો’ સંભળાયું. ‘સોરી દાદા, આ ટાઇમે હેરાન કરું છું પણ ઇમર્જન્સી છે. છત્તીસગઢમાં કોઇ કોન્ટેકટ છે?’ ‘કેવા કામ માટે?’ સામેવાળાએ સીધું પૂછ્યું. અન્નાએ ટૂંકમાં જવાબ આપ્યો, ‘ગેમ કરવાની છે, એક બાઇની!’ સામેવાળાએ કહ્યું, ‘બિલાસપુરમાં એક જણની સાથે વાત કરીને તને કહું.’ બિલાસપુર નામ પણ એના માટે નવું હતું. થોડી જ વારમાં ફોન રણકયો. ‘રીબુ બોલું છું બિલાસપુરથી...’ સામેથી ફ્રેશ, ચીયરફુલ લાગતો અવાજ આવ્યો.
*** *** ***
એકા કોન્ડામાં નહોતી એની જાણ રવિરાજને રાતે થઇ. રવિરાજે ડોક્ટર દિબાંગને ફોન જોડ્યો. દિબાંગ ત્યારે જગદલપુરમાં હતો. કચવાતા મને એણે રવિરાજને જાણ કરી કે એકા ચિત્રકોટમાં હતી અને પૂછી લીધું, ‘ખાસ કામ હતું?’ ‘એક સ્ટેટમેન્ટ પર એકા મેડમની સહી લેવાની છે.’ રવિરાજે કહ્યું પણ દિબાંગ ટેન્શનમાં આવી ગયો. ‘કેવું સ્ટેટમેન્ટ?’ એણે પૂછ્યું. ‘મેડમે પેલી શાંતિને ફોન કરીને કહેલું ને કે એના ભાઇનું મર્ડર થયેલું અને પેલી સ્યુસાઇડ નોટની કોપી પણ લઇ ગયેલા!’ રવિરાજે યાદ દેવડાવ્યું. ‘હા, પણ એ તો ગેરસમજ થયેલી.’ દિબાંગે કહ્યું.
‘પણ અમારે તો બધી સમજ-ગેરસમજ રેકોર્ડ પર લેવી પડે ને! શાંતિની ફરિયાદ રજિસ્ટર કરી, પણ એકા મેડમનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ લેવાનું ભુલાઇ ગયું.’ વાતમાં રતીભાર સત્ય નહોતું, પણ એ જાણતો હતો કે માણસ ગમે તેટલો ભણેલોગણેલો હોય પણ પોલીસ સાથે પનારો પડે ત્યારે ડરી જાય છે. એની ધારણા સાચી પડી. દિબાંગે કહ્યું, ‘સવારે એકાને લઇને આવું?’ રવિરાજે કહ્યું, ‘પ્રોબ્લેમ એ છે કે કાલે રાયપુરથી મોટા સાહેબ આવવાના છે.
શાંતિની ફરિયાદ વાંચીને પૂછશે કે એને ફોન કરનારી સ્ત્રીનું શું થયું! મારી નોકરી જોખમમાં આવે, એના કરતાં આજે જ મેડમનું સ્ટેટમેન્ટ લઇ લઉં.’ ‘અત્યારે?’ રવિરાજે હૈયાધારણ આપી. ‘જાણું છું કે મોડું થઇ ગયું છે. ભૂલ અમારી છે એટલે અમે જ ત્યાં જઇને કામ પતાવી નાખશું. તકલીફ બદલ માફ કરજો, પણ સ્ટેટમેન્ટ નોંધવું બહુ જરૂરી છે.’
‘હં, હા...’ દિબાંગના અવાજમાં ચિંતા સ્પષ્ટ હતી. રવિરાજને ખાતરી હતી કે દિબાંગ એકાને ફોન કરશે. એટલે એણે ઉમેર્યું, ‘વાંધો ન હોય તો તમે પણ સાથે ચાલો. તમારી હાજરીમાં મેડમ અમારી સાથે સરખી વાત કરશે.’ ‘યેસ, યેસ.’ દિબાંગ સંમત થઇ ગયો. રવિરાજની ધારણા સાચી હતી. દિબાંગે તરત એકાનો નંબર જોડ્યો, પણ સ્વીચ્ડ ઓફનો મેસેજ આવ્યો. લગભગ અડધા કલાક બાદ પોલીસજીપમાં રવિરાજ આવ્યો. ત્યાં સુધી દિબાંગ કોશિશ કરતો રહ્યો, પણ એકાનો સંપર્ક કરવામાં નિષ્ફળતા જ મળી.