એકાને મળવા નીકળેલા વેંકટેશે મનમાં અનેક પ્લાન ઘડવાનું શરૂ કરી દીધું, પણ પછી એને કંઇ બીજો જ વિચાર આવ્યો. શું હતો વેંકટેશનો વિચાર? કેમ એ એકાને મળવા માટે એક એક સેકન્ડની ગણતરી કરી રહ્યો હતો?સમજી લે કે તું મરી ગયો...’ ફોન પર આ શબ્દો ઉચ્ચારીને ગ્રીષ્માએ એ જ ઘડીએ વેંકટેશને અધમૂઓ તો કરી દીધો.
હજી તો નવા પ્લાન ઘડવાની મનમાં શરૂઆત કરેલી, ત્યાં બધું કડડભૂસ થઇ ગયું. એકાની સૂચના પ્રમાણે વેંકટેશે રાયપુરથી જગદલપુર જતી ટેક્સી પકડી, ત્યારે એવું વિચારેલું કે એકા સાથે એક વાર મુલાકાત થઇ જાય પછી બધી સમસ્યા ફટાફટ, આપમેળે ઉકલવા લાગશે. પોલીસે અજાણી સ્ત્રીનો આખોય મર્ડરકેસ, એકાની જુબાનીના સહારે ઉકેલવાની આશા રાખી હતી, પરંતુ એકા જ ફરી બેસે તો?
છેલ્લા થોડા મહિના દરમિયાન એકાએ ભલે એની પ્રકૃત્તિ વિરુદ્ધ જઇને થોડી હિંમત દાખવી હોય, પણ હવે એની હિંમત અને હોશિયારીનો સ્ટોક ખતમ થઇ ગયો હોય એમ લાગતું હતું અને જે કંઇ થોડુંઘણું બાકી રહ્યું હશે એ વેંકટેશને જોતાંની સાથે ખતમ થઇ જશે, આ વાતની વેંકટેશને ખાતરી હતી. જરૂર પડે તો એકાને કન્ટ્રોલમાં રાખવા માટે એણે મુંબઇથી પોતાની સાથે જે દવા અને ઇન્જેકશન લીધેલા. એ તો હોટેલના રૂમમાં સામાનની સાથે જ રહી ગયા હતા.
આનો અફસોસ વેંકટેશ થતાંની સાથે ખંખેરી નાખ્યો. એ ડોક્ટર હતો. દેશના કોઇ પણ ખૂણે, જોઇએ તે દવા મેળવી લેવાનું એના માટે મુશ્કેલ નહોતું. જોકે ફોન પર એકાનો રડમસ અવાજ સાંભળ્યો પછી રાહત થયેલી કે એકાને વશ કરવા માટે હવે કોઇ દવાની જરૂર નહોતી પડવાની. સામે ચાલીને એ વેંકટેશના શરણે આવી ગયેલી અને હવે એકા એ જ કરશે, જે વેંકટેશ કહેશે.
‘એકાને કહીશ કે છેલ્લા થોડા મહિનામાં જે બન્યું એને દુ:સ્વપ્ન માનીને ભૂલી જા. હું તો મજાક કરવા ગયેલો, ત્યારે ખબર નહોતી કે કોઇ મર્ડર કેસમાં ફસાઇ જઇશ. કોણ જાણે કોણ મરી ગયું, પણ આપણે હવે નથી મરવું એવું કહીને એકાને સીધી અન્ના પાસે લઇ જઇશ. એકા ત્યાં જઇને કહેશે કે એની ભૂલ થઇ ગઇ કે પણ હવે એ સુધારવા માટે તૈયાર હતી. પોલીસને એકા કહેશે કે એણે કોઇ ફોન નહોતો કર્યો. પોલીસે પકડેલા હત્યારાને એ ઓળખતી જ ન હોવાનો દાવો કરશે...’
વેંકટેશે વાર્તાનું માળખું તૈયાર કરી નાખેલું, પણ હજી એમાં વ્યવસ્થિત ચોકઠા ગોઠવવાનું શરૂ કરે ત્યાં ફરીથી ગ્રીષ્માનો ફોન આવ્યો. પોલીસ એકા પાસે પહોંચવાની તૈયારીમાં હતી. એકા પહેલાંથી જ ભીરૂ પ્રકૃત્તિની તો હતી જ અને અત્યારના સંજોગોમાં ડરેલી હતી. ન કરે નારાયણ ને વેંકટેશની પહેલાં પોલીસે એને પકડી લીધી તો એકા બધા વટાણા વેરી નાખવાની. વળી, પોલીસે દર્શાવેલો ભય, ગ્રીષ્માએ અક્ષરશ: વેંકટેશની સામે વ્યક્ત કરી લીધો, ‘એક બબનને તો પોલીસે પકડી લીધો પણ કોણ જાણે કેટલા બબન અત્યારે એકા અને વેંકટેશની પાછળ પડ્યા હશે...’
એકાનું જે થવાનું હોય તે થાય, પણ વેંકટેશને અત્યારે પોતાની જાનની ફિકર પેઠી હતી. બહુ વિચારીને એ થોડા અણગમતા પરંતુ અત્યારના સંજોગોમાં અનિવાર્ય ગણાય એવા નિર્ણય પર આવ્યો. શહેરમાંથી બહાર નીકળ્યાના થોડા સમય બાદ એણે ચા પીવાના બહાને રોડસાઇડ ધાબા પર ટેક્સી રોકાવી અને પછી એક તરફ જઇને અન્નાને ફોન જોડ્યો, ‘અન્ના, ગુસ્સે નહીં થતાં, પણ મોટી મુસીબત ઊભી થઇ ગઇ છે.’
‘શું?’ અન્નાએ ઠંડકથી પૂછ્યું. ‘ઘરનો મામલો હતો એટલે મેં છુપાવવાની કોશિશ કરેલી, પણ હવે કહી દઉં છું કે મારી પત્ની એકા મેન્ટલ પેશન્ટ છે. મારી સાથે ઝઘડીને એ અહીં એની બહેનપણીના ઘરે પહોંચી ગઇ. એને લેવા માટે જ મારે છત્તીસગઢ સુધી લાંબા થવું પડ્યું, પણ અહીં આવીને મને ખબર પડી કે એકાએ તો આપણે બધાં મુસીબતમાં આવી જઇએ એવું કામ કર્યું છે.’ વેંકટેશે પોતાના અવાજમાં મૂંઝવણ અને લાચારી ઠાલવતાં કહ્યું.
‘શું?’ અન્નાના અવાજમાં કોઇ જાતનો ફેરફાર ન થયો. ‘અન્ના, છત્તીસગઢથી મુંબઇ પોલીસને એકા જ ફોન કરતી હતી કે માર્વેના બંગલામાં કોઇનું મર્ડર થયેલું...’ ‘પણ ડોક્ટર તમે તો કહેતાં હતાં કે મર્ડર થયું એ રાતે તમે તમારી પત્ની સાથે ઘરમાં જ હતાં.’ અન્નાએ યાદ દેવડાવ્યું. ‘હ...હા...’ વેંકટેશની જીભ થોથવાઇ, પણ હવે પાછા હટવાનું મુશ્કેલ હતું. એણે સૂઝ્યું, એ બોલવાનું ચાલુ રાખ્યું, ‘હા, પણ કદાચ એને પાછળથી ખબર પડી ગઇ હશે કે કોઇકે કહ્યું હશે...’ ‘કોણે?’ અન્નાએ પૂછ્યું.
એની સ્વસ્થતા વેંકટેશને હવે ડરાવવા લાગી હતી. એણે તો ધારેલું કે અન્નાનો ગુસ્સો જવાળામુખીની જેમ ફાટશે. કપાળે વળી ગયેલો પરસેવો હાથથી લૂછતાં વેંકટેશે આગળ ચલાવ્યું, ‘અન્ના, મને ખબર નથી કે તમે શું કામ તમારા માણસને મારી પાછળ મોકલ્યો, પણ બબન કે જે હોય તે, અત્યારે પોલીસની હિરાસતમાં છે અને એ લોકો હવે એકાને મળવા જવાના છે.’
‘અચ્છા.’ અન્ના જાણે માથે બરફ રાખીને બેઠો હતો. વેંકટેશની કમાન છટકી, ‘શું અચ્છા? પોલીસની સામે એકાએ મોઢુ ખોલ્યું તો આપણા બધાંના બાર વાગી જશે.’ ‘તો શું કરીએ?’ અન્નાએ સલાહ માગી, પણ એના અવાજમાં ચિંતા નહોતી. વેંકટેશ ખચકાયો. અન્નાએ મૌન તોડવાની કોશિશ ન કરી. છેવટે વેંકટેશે કહેવું પડ્યું, ‘અન્ના, એકાનું દિમાગ ઠેકાણે નથી. અત્યારના સંજોગોમાં એ શું કરી બેસશે એ કહેવાય નહીં.’
‘હં...તો એકાને શું?’ અન્ના જાણે કંઇ સમજતો જ ન હોય એમ બોલ્યો. નછુટકે વેંકટેશે સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડ્યું, ‘અન્ના આપણે બચવું હોય તો એકાને હવે કાયમ માટે ચૂપ કરવી પડશે.’ ‘આઇડિયા સારો છે, પણ અમલમાં કોણ મૂકશે? હું અહીં મુંબઇમાં બેઠો છું, ત્યાં તમારા કહેવા પ્રમાણે પોલીસે મારા માણસને પકડી લીધો છે. એકા ક્યાં છે એની તો મનેય ખબર નથી.’
‘મને ખબર છે. હું અત્યારે એને જ મળવા જઇ રહ્યો છું.’ વેંકટેશ ધીરજ ગુમાવીને બોલ્યો. ‘વાહ, અને પછી?’ વેંકટેશે ઊંડો શ્વાસ લઇને કહી નાખ્યું, ‘અન્ના, હું જ એકાને ચૂપ કરી દઇશ.’ ‘કેટલા દિવસ માટે?’ અન્નાએ પૂછ્યું. ‘કાયમ માટે.’ વેંકટેશના અવાજમાં દ્રઢતા હતી. ‘મતલબ કે ડોક્ટર, તમે તમારા હાથે તમારી વાઇફને મારી નાખશો?’ અન્નાએ પૂછ્યું. ‘હા...’ વેંકટેશે સૂકા અવાજે કહ્યું. ‘પણ પછી પોલીસને શું જવાબ આપશો?’
‘કહીશ કે હું તો એકાને મનાવીને, પાછી મુંબઇ લઇ જવા માટે અહીં આવેલો, પણ ખબર નહીં શું થઇ ગયું...’ ‘પણ પોલીસને લાશની ખબર થઇ ગઇ તો?’ ‘તો કહી દઇશ કે એકા અને જેસલ વચ્ચે જુની દોસ્તી હતી. કદાચ બંને વચ્ચે કંઇ તકરાર થઇ હશે એટલે એકા જ જેસલનું મર્ડર કરાવીને ભાગી ગઇ અને પછી આખોયે અપરાધ ખય્યામ પર ઢોળી દેવા માટે એણે પોલીસને ફોન કર્યા હતા. એકાનું દિમાગ ઠેકાણે નહોતું કોણ જાણે કેટલા સાથે એણે દુશ્મની કરી હશે...’ વેંકટેશનું દિમાગ દોડવા માંડ્યું.
‘અને એમાંથી જ કોઇએ એકાને ખતમ કરી નાખી, રાઇટ?’ ‘રાઇટ...’ વેંકટેશે થોડી રાહત અનુભવી. સીધીસાદી વાત આ ડફોળ ગુંડાના દિમાગમાં ઉતારવા માટે કેટલી માથાકૂટ કરવી પડી! કોણ જાણે એ પોતાનો ધંધો કઇ રીતે ચલાવતો હશે!‘ઠીક છે, ડોક્ટર. કામ પતી જાય એટલે ફોન કરજો.’ અન્ના બોલ્યો. ‘જરૂર અને હા, અન્ના એકાની સાથે આખોય કિસ્સો ખતમ થઇ ગયેલો સમજશું. પછી આપણી વચ્ચે તો કોઇ પ્રોબ્લેમ નહીં રહે ને?’ વેંકટેશે મુદ્દાની વાત કરી.
‘ના, આપણે એકબીજાને મળ્યાં એ પણ ભૂલી જઇશું.’ અન્નાએ અભયવચન આપ્યું અને ભવિષ્યમાં એને આ વચન તોડવાની લાલચ ન થાય એટલે હિંમત કરીને વેંકટેશે કહી દીધું, ‘અન્ના, ભૂલેચૂકે પણ ક્યારેય મને ફસાવવાની કોશિશ નહીં કરતાં. મને કંઇ થયું તો તમે પણ નહીં બચો.’
અન્ના હસ્યો, ‘ડોક્ટર, મને ધમકી આપો છો?’ ‘ના, આપણી વચ્ચે ગેરસમજ ન રહે, એટલે સ્પષ્ટતા કરી લીધી.’ વેંકટેશે પોતાનો હાથ ઉપર હતો, એવો ઇશારો આપીને વાત પૂરી કરી. અન્નાએ ફોન મૂક્યો ત્યારે એના ચહેરા પર ઘ્úણા હતી. એ પોતે કંઇ સજ્જન માણસ નહોતો, પરંતુ વેંકટેશની નીચતા એને પણ હચમચાવી નાખે એવી હતી. જે માણસ આટલા ઠંડા કલેજે પોતાની પત્નીનું કાસળ કાઢવાની વાત કરે એ કાલે ઊઠીને અન્નાને પણ ફસાવી દે તો નવાઇ નહીં. અન્નાને આગળનું પગલું ભરતાં વાર ન લાગી.
*** ***
‘બોલો અન્ના...’ કોઇ પરિચિતનો ફોન રિસીવ કરતી હોય એમ એકા બોલી. ‘એકા, મેં એટલું જ કહેવા માટે ફોન કર્યો છે કે તારો હસબન્ડ તને મારવા માટે આવી રહ્યો છે.’ ‘ખબર છે. હું એની જ રાહ જોતી બેઠી છું.’ એકાનો જવાબ સાંભળી અન્ના આંચકો ખાઇ ગયો અને પછી એને ખુદને પણ નવાઇ લાગે એવા શબ્દો એના મોઢામાંથી સરી પડ્યા, ‘એકા, બી કેરફુલ! તને કોઇ મદદ જોઇએ છે?’ ‘ના અન્ના! પણ થેંક્યૂ, તમારો ઉપકાર નહીં ભૂલું.’ એકાએ શાંતિથી કહીને લાઇન ડિસકનેકટ કરી નાખી.
*** ***
‘અરે એકા, તું ક્યાં છે... શું કરે છે?’ વેંકટેશે ફોન પર મોટે અવાજે અકળામણ ઠાલવી. સૂરજ ઢળવાની તૈયારીમાં હતો. ટેક્સી ડ્રાઇવરના કહેવા પ્રમાણે જગદલપુર હવે ચાલીસેક મિનિટના અંતરે હતું. હજી થોડી વાર પહેલાં જ એણે પૂછેલું, ‘સાહેબ, જગદલપુરમાં ક્યાં જવું છે?’
‘ખબર નથી.’ ચીડાયેલા વેંકટેશથી બોલાઇ ગયું, પણ પછી તરત એણે કહ્યું, ‘માફ કરજે ભાઇ, હું તો અજાણ્યો છું. મારા દોસ્તના ફોનની રાહ જોઉં છું. એ કહેશે ત્યાં જઇશ.’ ‘જી સાહેબ, પણ આ એરિયામાં કોઇ વાર ફોનના સિગ્નલ નથી મળતા.’ ડ્રાઇવરે કહ્યું. વેંકટેશને સમજાયું નહી કે ડ્રાઇવર એને ધીરજ બંધાવી રહ્યો હતો કે ડરાવી રહ્યો હતો. રાયપુરમાં છેલ્લે વાત થઇ, એ પછી એકાનો સંપર્ક નહોતો થયો. એનો ફોન સતત બંધ હોવાનો જ મેસેજ મળતો હતો.
સદ્નસીબે પાંચ જ મિનિટ બાદ એકાનો ફોન આવ્યો અને વેંકટેશે ઊભરો ઠાલવી દીધો. પછી ઉમેર્યું, ‘ડાર્લિંગ, હું તો ડરી ગયેલો કે તને તો કંઇ નથી થઇ ગયું ને!’‘મારી બહુ ફિકર થાય છે?’ એકા હસી. ‘હાસ્તો, એક એક સેકન્ડ ગણી રહ્યો છું તને મળવા માટે.’ વેંકટેશના અવાજમાં પ્રેમ છલકાઇ ગયો. ‘અરેરે, તો તો બહુ લાંબી ગણતરી કરવી પડશે.’ એકા બોલી. ‘એટલે?’ વેંકટેશને સમજાયું નહીં. જવાબ આપ્યા વિના એકાએ લાઇન કાપી નાખી.