Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

વર્ષા પાઠક: પગલે પગલે રણ પ્રકરણ - ૫૭

 
Source: Pagale Pagale Ran, Varsha Pathak   |   Last Updated 12:53 AM [IST](01/03/2011)
 
 
 
 
 
વેંકટેશના દિમાગ પર હવે કંટાળા અને ચીડના જાળાં બંધાવા લાગ્યાં. એકા ખરેખર હિંદી ફિલ્મની હીરોઇનની જેમ વર્તી રહી હતી. ઉટપટાંગ વાણી અને વર્તનથી એણે વેંકટેશનો મૂડ સાવ બગાડી નાખેલો. મારતાં પહેલાં એકા પર ભરપૂર પ્રેમ વરસાવવાનો વિચાર વેંકટેશે માંડી વાળ્યો. વેંકટેશે હોઠ કરડ્યા. એકાને મરતાં પહેલાં એની ભૂલનું ભાન થવું જોઇએ. એકાની આંખોમાં વેંકટેશને હવે પીડા અને આઘાત જોવાની ઇચ્છા થવા લાગી. એ ન પૂછે એવા સવાલના પણ જવાબ આપી દેવાનું નક્કી કરી એણે કહ્યું, ‘બોલ, શું જાણવું છે તારે? અને હા, જો તેં મને ફસાવી દેવાની ચાલ વિચારી હોય તો યાદ રાખજે કે હું અહીં તને મળવા આવ્યો છું એ ઘણા લોકો જાણે છે. મને કંઇ થયું તો તું પણ ફસાઇ જઇશ. તને ખબર નથી, પણ અત્યારે તારી કારની આસપાસ મારા માણસો ઊભા છે.’ વેંકટેશે ખુદની સલામતી માટે ઇન્સ્ટન્ટ સ્ટોરી ઘડી કાઢી.

એકાએ સ્મિત આપ્યું. ‘તું તો ગુંડાની જેમ વાત કરવા લાગ્યો.’ વેંકટેશે પ્રતિભાવ ન આપ્યો. એકા દીવાલનો ટેકો લઇને ઊભી રહી. એનો જમણો હાથ હજી પર્સની અંદર હતો. ‘તેં કહ્યું કે તારા માણસો... સદાનંદ તારો માણસ હતો?’ ‘હા...’ ‘એણે શું કામ મારી સાથે નાટક કર્યું?’ ‘નાની મજાક હતી.’ ‘મજાક અને એ રાતે જે મર્ડર થયું એ પણ મજાક હતી?’ ‘ના, એનું નામ જેસલ! મને હેરાન કરતી હતી એટલે મેં અન્નાની મદદ માંગી.’ ‘અને એટલે અન્નાના માણસે જેસલને મારી નાખી?’ ‘હા, પછી સદાનંદને મેં મારી નાખ્યો.’ એકાને ખાતરી હતી, તોયે વેંકટેશે કરેલી કબૂલાતથી આંચકો લાગ્યો હોય એમ એ ચૂપ થઇ ગઇ.

વેંકટેશ બોલ્યો, ‘તારી સુરભિમામીને પણ મેં જ સ્વર્ગની ટિકિટ કપાવી આપી. ડોસી થઇ, પણ જીવવાની લાલચ નહોતી છુટતી. ગળું પકડીને ક્યાંય સુધી ખુલ્લા નળ નીચે નવડાવી ત્યારે માંડ છુટકારો થયો, એનો અને મારો પણ!’ એકાએ પૂછ્યું, ‘મામીએ તારું શું બગાડેલું?’ ‘જીદ લઇને બેઠેલી કે એકા સાથે રહેવું છે, પણ એની લાડકી એકા તો છત્તીસગઢમાં પારકા પુરુષ સાથે જલસા કરતી હતી. બાય ધ વે, એકા એ દિબાંગને લવરબોય તરીકે સોમાંથી કેટલા માર્ક્સ મળે, પાંત્રીસ, ચાલીસ! જગદલપુરમાં તેં પગ મૂક્યો ત્યારથી એ રોજ મને ફોન કરતો, મારા ઇશારે નાચતો હતો. તારા પ્રેમમાં પડવાની પ્રેરણા પણ એને મારી પાસેથી જ મળી. બોલ વાઇફી, હું તારું કેટલું ધ્યાન રાખું છું!’

‘ધ્યાન રાખવાના બહાને જ, તેં મારા બાળકને મારી નાખ્યું ને?’ થોડી વાર મૂંગા રહ્યા બાદ વેંકટેશે અફસોસભર્યા અવાજે કહ્યું, ‘સોરી ડાર્લિંગ, બાપ બનવા માટે હું ત્યારે તૈયાર નહોતો. નાછુટકે મારે એ કરવું પડ્યું.’ એકા ક્ષણભર આંખો મીંચી ગઇ. પછી બોલી, ‘પણ બાળકને મારવાનો દોષ તેં મારા પર ઢોળી દીધો. હું તો એ જ બોજ રાખીને જીવતી રહી કે...’ વેંકટેશે કહ્યું, ‘તને તો જાતજાતના ગિલ્ટ સાથે જીવવાની આદત છે.’ ‘તું તો માણસને મારી નાખ્યા પછીયે...’ એકાનો અવાજ તરડાઇ ગયો.

‘પ્લીઝ ડાર્લિંગ, ઇમોશનલ થવાની જરૂર નથી. જન્મે એણે મરવાનું તો છે જ. કોઇને ઉપર પહોંચાડવામાં થોડી મદદ કરવી પડે, બસ!’ વેંકટેશે કહ્યું. ‘તું રાક્ષસ છે.’ એકા બોલી. ‘યુ બેડ ગર્લ, પોતાના પતિને કોઇ આવું કહે?’ વેંકટેશે ઊભો થઇને આગળ વધ્યો. ‘સ્ટોપ ધેર, નજીક નહીં આવતો.’ એકા બોલી. ‘ઓકે...’ વેંકટેશે અટકી ગયો. બંને એકમેકની સામે જોઇ રહ્યા, પછી એકાએ નજર ફેરવી લીધી. વેંકટેશના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘સ્વીટહાર્ટ, તું માને છે એટલો હું ખરાબ નથી.

આનો પુરાવો આપું?કોઇને નથી આપી એવી પસંદગીની તક તને આપું છું. બોલ, તારે કઇ રીતે મરવું છે? તારું ગળું દબાવી દઉં, પત્થર સાથે માથું પછાડીને ફોડી નાખું... આ કૂવામાં ધક્કો મારી દઉં... બોલ, શું કરું?’ એકાના ચહેરા પરથી નૂર ઊડી ગયું. વેંકટેશના અવાજમાં સહાનુભૂતિ ભળી, ‘એકા ડીયર, તું વિનંતી કરે તો હું તારા મોતને પેઇનલેસ પણ બનાવી શકું. મારી પાસે ઘેનનાં બે ઇન્જેકશન છે, પણ તારા માટે એક પૂરતું છે.

બોલ, જોઇએ છે?’‘હા...’ એકાનાં હોઠ ફફડ્યા. ‘ગુડ ગર્લ, પણ તારે ઘૂંટણિયે પડીને મારી પાસે ભીખ માગવી પડશે.’ વેંકટેશે શરત મૂકી. એકા ખચકાઇ. સોલાર લેમ્પની રોશની ઝાંખી પડી રહી હતી. વેંકટેશનો અવાજ ઊંચો થયો. ‘જલદી કર, અંધારું થઇ ગયું તો મરતાં પહેલાં તારે રિબાવું પડશે.’ એકા ઘૂંટણભેર બેસી પડી. ઝાંખા પ્રકાશમાં વેંકટેશની આંખો કોઇ રાની પશુની જેમ ચમકતી હતી. ‘હવે બોલ, માય ડીયર હસબન્ડ, મારી ભૂલ થઇ ગઇ!’ એકાએ યંત્રવત એના શબ્દોનું પુનરાવર્તન કર્યું.

‘તમારા હાથે મને મોતની ભેટ આપી દો, પ્લીઝ.’ વેંકટેશે કહ્યું. ‘શ્યોર.’ એકાના ચહેરા પર સ્મિત આવી ગયું. ‘વ્હોટ...’ વેંકટેશ વાક્ય પૂરું ન કરી શક્યો. એકાએ પર્સમાં રાખેલો જમણો હાથ વીજળીવેગે બહાર આવ્યો અને જરાય ખચકાટ વિના એણે વેંકટેશના પગ પર ગોળી મારી દીધી. સાઇલેન્સર લગાડેલી રિવોલ્વરે મામૂલી અવાજ કર્યો, પણ જમીન પર ઉથલી પડેલા વેંકટેશની ચીસથી વાતાવરણ ખળભળી ઊઠ્યું.

એકા ઊભી થઇ. યુ... યુ શોટ મી...’ માનવામાં ન આવતું હોય એમ તૂટક સ્વરે વેંકટેશ બોલ્યો. એકાએ ફરી ટ્રિગર દબાવી. આ વખતે વેંકટેશની ચીસો કાન ફાડી નાખે એવી હતી. ભાવવિહીન ચહેરે એકા એનું આક્રંદ સાંભળતી રહી. વેંકટેશ કાકલૂદી કરી રહ્યો હતો, ‘એકા, પ્લીઝ મને માફ કરી દે...’ ત્રીજી ગોળીએ વેંકટેશનો જમણો ખભો ચીરી નાખ્યો. આ વખતે એણે આંખો વડે દયાની ભીખ માગી. એકાએ માથું ધુણાવ્યું, ‘વેંકટેશ સોરી, મેં તને પેઇનલેસ ડેથનું પ્રોમીસ નહોતું આપ્યું. તારે તો થોડી પીડા સહન કરવી પડશે.’ એ નજીક આવી. વેંકટેશની ભયભીત નજર એકાના હાથ પર હતી.

એકા હસી, ‘ડોન્ટ વરી, હવે ગોળી નહીં મારું.’ સાંભળીને રાહત થઇ, બીજી જ પળે તેનું સ્થાન વધુ મોટા ભયે લીધું. એના શરીરને એકા ડાબી તરફ ધકેલી રહી હતી. એનો ઇરાદો સમજતા વેંકટેશને વાર ન લાગી. એણે સામનો કર્યો, પણ ઘવાયેલા શરીરમાં કેટલી તાકાત બચી હોય? એકાના દૂબળાપાતળા શરીરમાં કોણ જાણે ક્યાંથી શક્તિ આવી ગઇ હતી. ‘ગો... ગો...’ની ચીસ પાડીને એકાએ જોરદાર ધક્કો માર્યો અને ઊંડા, અંધારિયા ખાડામાં વેંકટેશનું શરીર ગબડી પડ્યું. એકાએ લેમ્પ હાથમાં લીધો. સાંકડા પ્રવેશદ્વાર પાસે જઇને એકા અટકી. પાછળ ફરી એણે ધીમેથી કહ્યું, ‘ગુડબાય.’ આ એક શબ્દની વિદાય વેંકટેશને જ નહીં, અત્યાર સુધીની જિંદગીને હતી. નીચા નમીને એકાએ સાંકડા માર્ગમાં પ્રવેશ કર્યો. જરા આગળ ગઇ, ત્યાં લેમ્પ બુઝાઇ ગયો, પણ એકાને હવે બીક નહોતી.

બે મહિના પછી હોડીવાળાએ આંગળી ચÃધી, એ તરફ એકાએ જોયું. એકાએ ક્યારેય ધોધના પાણીમાં મેઘધનુષ રચાતું નહોતું જોયું. અપલક નેત્રે એ મેઘધનુષને નિહાળી રહી. મુંબઇની બહાર પગ મૂક્યો, ત્યારથી જિંદગીમાં રોજ નવા રંગ ઉઘડતા હોવાનું અનુભવતી હતી. કોઇ જાતના ભારણ કે બંધન વિના, મુક્તપણે ખુલ્લા આકાશમાં ઉડતા પક્ષી જેવી એ અત્યારે હતી. ક્યારે, ક્યાં જઇને અટકવું એનો નિર્ણય હજી એણે લીધો નહોતો. ડર, અપરાધભાવ, દુ:ખ... બધી લાગણી ધીમે ધીમે ઓગળી રહી હતી. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ સંપૂર્ણપણે નહોતી ભૂલાવાની, પણ એને વિશ્વાસ હતો કે એક દિવસ એવો આવશે, જ્યારે કંઇ યાદ આવે તોયે પીડા નહીં થાય. કોઇના સથવારાની ખોટ નહોતી વર્તાતી કેમ કે એકા જાત સાથે જીવવામાં વ્યસ્ત હતી.

*** *** ***

‘શું થયું એકાવાળા કેસનું?’ અવતાર બોઝે પૂછ્યું. ઇન્સપેક્ટર રવિરાજે માથું ધુણાવ્યું, ‘કંઇ નહીં. મુંબઇ પોલીસ આવી ત્યારે અચાનક એકા પ્રગટી અને એમની સાથે મુંબઇ જવા તૈયાર થઇ ગઇ, પણ ત્યાં પહોંચીને એ ખૂનીની ઓળખ ન કરી શકી. બિચારા ઇન્સપેક્ટર નાઇકે પણ માથું કૂટ્યું. કોઇકે ફોન કરીને માહિતી આપી કે માર્વે રોડ પરના બંગલામાં જે લાશ મળી, એ જેસલ નામની સ્ત્રીની હતી. એનું મર્ડર કરાવવામાં ડોક્ટર વેંકટેશનો હાથ હતો.’ ‘કોણે ફોન કર્યો?’ અવતારે પૂછ્યું. ‘ખબર નથી. મુંબઇના રેલવેસ્ટેશનેથી ફોન આવેલો અને અવાજ બદલીને કોઇ સ્ત્રી બોલી રહી હતી.

નાઇકને શંકા છે કે એકા કે ગ્રીષ્મામાંથી કોઇએ ફોન કર્યો હતો. એના પુરાવા નથી.’ ‘એમ તો એક મર્ડર માટે વેંકટેશ જવાબદાર હતો, એના પુરાવા ક્યાંથી મળશે? એ તો ઉપર પહોંચી ગયો.’ અવતારે કહ્યું. ‘હા, એની લાશ મળી ત્યારે માંડમાંડ ઓળખી શકાય એવી દશામાં હતી. એન્ટ્રી રજિસ્ટરમાં એનું નામ નથી. કદાચ ખોટા નામે અંદર દાખલ થયો હશે. આ મર્ડરકેસ ક્યારેય નહીં ઉકેલાય.’ ‘બિચારી એકા!’ અવતારથી બોલી જવાયું. રવિરાજ હસ્યો, ‘એકાને બિચારી કહેવી કે નહીં, એ મુશ્કેલ છે. ઓફ ધ રેકોર્ડ કહું તો, વેંકટેશનું મર્ડર એણે જ કર્યું હોવાની મને શંકા છે, પણ એમાં મારે પડવું નથી.

વેંકટેશના હસ્તાક્ષરનો નમૂનો મુંબઇ પોલીસે મોકલ્યો, એની સાથે સદાનંદવાળી સ્યુસાઇડ નોટના અક્ષર સરખાવીને એક્સપટેં કહી દીધું કે વેંકટેશે જ આ ચિઢ્ઢી લખી હોવાની શક્યતા છે.’ ‘એકા સાચું કહેતી હતી કે સદાનંદનું ખૂન એના પતિએ કરેલું.’ ‘હા...’ ‘તો હવે?’ ‘હવે કંઇ નહીં. એ મર્ડરસ્ટોરીનાં બધા જ પાત્રો મરી ગયાં. ’ ‘અને એકા?’ ‘એણે મુંબઇ છોડી દીધું છે.’ ‘ક્યાં ગઇ?’ ‘કોણ જાણે?’ રવિરાજે કહ્યું.

*** *** ***

‘એકા બહુ યાદ આવે છે?’ કાર ચલાવી રહેલો દિબાંગ, અચાનક નલિનીએ પૂછેલા સવાલથી ચમકી ગયો. એ જવાબ ન આપી શક્યો, પણ ચહેરો ચાડી ખાઇ ગયો. નલિનીએ એનો ખભો થપથપાવ્યો. દિબાંગ લાગણી પરનો કાબૂ ગુમાવી બેઠો. નાના બાળકની જેમ એણે પૂછ્યું, ‘દીદી, એ પાછી આવશે?’ ઇચ્છા હોવા છતાં નલિની હા ન પાડી શકી. એને પોતાને ક્યાં ખબર હતી કે એકા હવે શું કરશે!

*** *** ***

એકાએ ઠંડાગાર, વહેતાં પાણીમાં હાથ નાખ્યો અને અંગેઅંગમાં શીતળતા વ્યાપી ગઇ. લાગતું હતું કે બળબળતું રણ એણે વટાવી દીધેલું.

(સંપૂર્ણ)

આ નવલકથા આપને કેવી લાગી? આપના પ્રતિભાવ અમને લખી મોકલો.

madhurima.bhaskar@gmail.com

પગલે પગલે રણ

કથાની નાયિકા એકાની યાત્રા ભલે બળબળતા રણના રસ્તે ચાલી હોય, પણ આજે પ્રકરણના અંતે ક્રમશ:ની જગ્યાએ સંપૂર્ણ લખવાનો દિવસ આવી ગયો, ત્યારે તા.ક.માં લખવાનું કે તમારા જેવા વાચકોના સથવારે મારી આ સર્જનયાત્રા બહુ સુખદ રહી છે. વાંચવા ઉપરાંત તમે નવાનવા સૂચન, આઇડિયાઝ પણ મોકલતાં રહ્યાં. જેમાંથી ઘણાને મેં વાર્તામાં વણી પણ લીધા છે. મદદરૂપ બનેલા બધા વાચકોના નામ આપવા શક્ય નથી. થેંક્સ ટૂ યુ ઓલ, આ નવલકથા ખરા અર્થમાં આપણે સાથે મળીને લખી છે, માણી છે. ભવિષ્યમાં બીજી યાત્રા માટે તૈયાર રહેશો ને?

આ કથાનું બીજ વાવી શકું, એવી ધરતી આપવા બદલ ‘દિવ્ય ભાસ્કર’ના મેગેઝિન એડિટર મનીષ મહેતા, પાત્રોને જીવંત બનાવનાર રેખાચિત્રકાર જયદેવ, ઘણી વાર મારી આળસ કે લાપરવાહીનો ભોગ બન્યા પછીયે વાર્તાને પ્રેમથી ચાલતી રાખનારા ‘મધુરિમા’ની સંપાદકીય ટીમનાં શેફાલી પંડ્યા અને તમામ સ્ટાફ, બધાંને થેન્કયૂ વેરી વેરી મચ! આઇ લવ યુ ઓલ...




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.