Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

વર્ષા પાઠક: પગલે પગલે રણ પ્રકરણ - ૩૮

 
Source: Pagale Pagale Ran, Varsha Pathak   |   Last Updated 7:03 AM [IST](22/10/2010)
 
 
 
 
 
‘સર, એટલી તો ખાતરી થઇ ગઇ કે ફોન કરનારી સ્ત્રીએ ખરેખર નજર સામે હત્યા થતી જોયેલી.’ ઇન્સપેકટર નાઇકે રિપોર્ટ આપ્યો. એસીપી શહાણેએ નાનો સુધારો કર્યો, ‘લગભગ.’ એમને પણ લાગતું હતું કે આ લાશનો સંબંધ બીજા કોઇ કેસ સાથે હોવાની શક્યતા નહીંવત હતી. ‘તમે બંગલાના માલિકને જાણ કરી?’ એમણે પૂછ્યું. ‘સર, મૂળ માલિકનો પૂણેમાં કોન્ટકટ કરવા માટે ટ્રાય કરી તો ખબર પડી કે એ બિઝનેસના કામ માટે યુરોપ ગયા છે.’ ‘એની દીકરી મુંબઇમાં રહે છે ને?’ ‘હા, પણ એણે વાત સાંભળીને સાવ વિચિત્ર રીએકશન આપ્યું.’ ‘વિચિત્ર?’ ‘હા, ઘરના કમ્પાઉન્ડમાંથી લાશ મળે તો સામાન્ય માણસના હોશ ઊડી જાય, પણ આણે પહેલાં ચૂપચાપ સાંભળી લીધું અનેે કહી દીધું કે એને કંઇ ખબર નથી. પોલીસને ખબર પડે તો જાણ કરવી અને...’ નાઇક અચકાયો.

શહાણેએ પ્રશ્નાર્થભાવે જોયું. નાઇકે કહ્યું, ‘એણે આ કિસ્સા માટે ‘વેરી ઇન્ટરેસ્ટિંગ’ શબ્દ વાપર્યા અને એ પણ હસતા ચહેરે! એને મન જાણે આ કોઇ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ કે નાટક ચાલતા હતા.’ ‘નાટક!’ શહાણેએ કહ્યું, ‘નાટક તો કોઇ આપણી સાથે ભજવાઈ ગયું. આપણે કેમિકલ્સના ડાઘાવાળા કપડા, ચાકુ જોઇને નીકળી ગયા. શંકા પણ ન પડી કે થોડે જ દૂર લોહીના ડાઘાવાળા કપડાં દટાયેલાં છે.’

‘યેસ સર,’ નાઇકે કબૂલ કર્યું, ‘આપણને ખબર નહોતી કે ખય્યામ ખાખી આટલો સ્માર્ટ હશે.’ ‘કે પછી ખય્યામ કરતાંય કોઇ વધુ સ્માર્ટ માણસ આની પાછળ છે.’ શહાણે બોલ્યાં.

*** *** ***

‘પણ સાહેબ, વગર પૂરાવે કોઇને પકડીને લોકઅપમાં બંધ કરી દો, એ યોગ્ય ન કહેવાય.’ અન્નાએ ફરિયાદના સૂરે કહ્યું. ‘અચ્છા, તો કોઇનું મર્ડર થાય એ બરાબર કહેવાય?’ ઇન્સપેકટરે પૂછ્યું. ‘ના, ના, સાહેબ. ભગવાન મરનારના આત્માને શાંતિ આપે, પણ એ કોણ છે, ક્યાંથી આવેલી એ વિશે ખય્યામ કંઇ નથી જાણતો. એ તો બિચારો મારી ઓફિસમાં બેઠોબેઠો કામ કરતો હતો, ત્યાંથી તમારા માણસો એને પકડી ગયા.’ ‘બિચારો ખય્યામ!’ નાઇક હસ્યો, ‘અચ્છા, એ કંઇ નથી જાણતો તો તમને કેવી રીતે ખબર પડી કે મરનાર સ્ત્રી છે? અમે હજી બહારના લોકોને કંઇ નથી કહ્યું.’ અન્નાએ દાંત વચ્ચે જીભ દબાવી દીધી. વકીલની રાહ જોયા વિના પોલીસસ્ટેશને દોડી આવવા બદલ એને પસ્તાવો થવા લાગ્યો. નાઇક એની સામે ધ્યાનથી જોઇ રહ્યો હતો.

‘ખબર નથી, પણ ધારી લીધું. આમેય તમે તો જાણો જ છો કે ખય્યામ થોડો ઐયાશી છે. મને લાગ્યું કે કોઇ લેડઝિવાળો મામલો હશે.’ અન્નાએ સફાઇ આપવા ફાંફાં માર્યા. નાઇકે ટેબલ પર પડેલી ફાઇલ ખેંચી. ‘આ પહેલાં જેટલા મર્ડર, મારામારીવાળા ગુના નોંધાયા એ બધાં લેડઝિવાળા મામલા હતા?’ ‘પણ સાહેબ, એમાંથી એકેય ક્યાં પૂરવાર થયો છે? ખબર નહીં, લોકોને મારી સાથે, મારા માણસો સાથે શું દુશ્મની છે કે વારેઘડીએ અમારા નામે ફરિયાદ કરે છે! આ શહેરમાં તો શાંતિથી બિઝનેસ કરવાનું પણ મુશ્કેલ થઇ ગયું છે.’ ‘અન્ના, તમારા બિઝનેસ વિશે હું સારી રીતે જાણું છું. મને એની સાથે અત્યારે નિસ્બત નથી. શાંતિથી રહેવું હોય તો આ કેસમાં પોલીસ સાથે કો-ઓપરેટ કરવું પડશે.’ નાઇક પેપરવેઇટ રમાડતાં બોલ્યા. અન્નાની આંખો ચમકી. એ બોલ્યો, ‘બોલો ને સાહેબ, પોલીસ રિલફિ ફંડમાં કેટલું ડોનેશન લખાવું?’

‘લાંચ આપવાની કોશિશ કરો છો?’ નાઇકે પેપરવેઇટ ટેબલ પર પછાડ્યું. અન્ના પાછળ હટી ગયો, ‘ના સાહેબ, આ તો દીવાળી નજીક આવે છે ને. મને લાગ્યું કે...’ ચહેરા પરથી પસીનો લૂછવાના બહાને બોલવાનું ટાળી ખુદને યાદ દેવડાવ્યું કે અન્ના સાચવીને ચાલ. અત્યારે ખરાબ ટાઇમ ચાલે છે. છેલ્લા થોડા સમયથી એને પ્રામાણિક પોલીસ ઓફિસરોનો પનારો પડતો હતો. શહેરમાં બિઝનેસ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું હતું. અન્નાએ ઝડપભેર વિચારી લીધું. એણે કહ્યું, ‘સાહેબ, મારા માટે આ અજાણ્યો કેસ છે, પણ તમે કહેતાં હો તો તપાસ કરાવી જોઉં. પોલીસને મદદ કરવાની અમારી ફરજ છે.’ નાઇકે માથું હલાવ્યું, ‘ઠીક છે, કાલ સુધીમાં જણાવો.’

‘મહેરબાની સાહેબ.’ અન્ના ઊભો થયો. ઓફિસના દરવાજે પહોંચતાં સુધીમાં એનું ક્રિમિનલ માઇન્ડ કામ કરતું થઇ ગયું. ઇન્સપેકટરે બીજા દિવસનો સમય આપ્યો. એનો અર્થ કે લોકઅપમાં ખય્યામે હજી જબાન નહોતી ખોલી. એની વિરુદ્ધ પોલીસ પાસે કોઇ પુરાવા નહોતા લાગતા. એટલે તો એમણે અન્ના પાસે સહકારની માગણી કરી હતી. અન્ના વકીલ સાથે આવ્યો હોત તો કદાચ ખય્યામને છોડાવી શકાત, પણ ભૂલ થઇ ગયેલી.

હવે એમાંથી નીકળવાનો રસ્તો શોધવાનો હતો. અન્ના પાછો નાઇક પાસે આવ્યો. ‘સાહેબ, કેસ વિશે કંઇક તો હિન્ટ આપો, જેથી ક્યાં, કોને શું પૂછવું તેની ખબર પડે.’ નાઇકને આ માહિતી આપવામાં વાંધો નહોતો. ‘માર્વે રોડ પરના ગ્રીષ્મા નામના બંગલાના કમ્પાઉન્ડમાં દાટેલી લાશ મળી છે..’ ‘ઓળખ નથી થઇ,’ નાઇકે કહી દીધું. પછી ઝડપભેર ભૂલ સુધારી, ‘જોકે ખબર પડી જશે, લાશ સાથે પર્સ છે. મરતી વખતે એણે કાનમાં પહેરેલા ઇયરિંગ્સ સલામત છે. એના દાંતમાં ડાયમંડ ફિટ કરેલો છે. બોલો, આવી છોકરીને ઓળખો છો?’

‘ના, પણ આમાં ખય્યામનું નામ ક્યાંથી આવ્યું?’ અન્નાએ પૂછ્યું. નાઇક સમજી ગયો. પોલીસને કોણે માહિતી આપી એ વાત અન્નાને જાણવી હતી. સામાન્ય સંજોગોમાં કોટમાં કેસ શરૂ થાય એ પહેલાં સાક્ષી કે ખબરીની ઓળખ જાહેર કરવામાં જોખમ હતું. અન્ના જેવા લોકો ભલભલાને લલચાવી કે ગભરાવીને ચૂપ કરી દેવામાં માહેર હતા, પરંતુ અહીં તો પોલીસ પણ સાક્ષી-ખબરીના નામ નહોતી જાણતી. અન્નાને આની ગંધ આવે તો એ જોશમાં આવી જાય. આમેય ખય્યામ સામે પોલીસનો કેસ નબળો હતો. પુરાવા વિના, માત્ર શંકાના આધારે એને લાંબો સમય લોકઅપમાં રાખવાનું શક્ય નહોતું.

નાઇકે કહ્યું, ‘ઇન્ફર્મેશન એસીપી સાહેબ પાસે આવેલી. એમને જ પૂછી જુઓ.’ ‘ઠીક છે.’ કહીને અન્નાએ ચાલતી પકડી. એસીપી શહાણેની છાપ કડક અને પ્રામાણિક ઓફિસરની હતી. અન્ના એમને કંઇ પૂછવાની હિંમત નહીં કરે. અહીં જ હોશિયાર પોલીસમેન થાપ ખાઇ ગયો. શહાણેનું ચારિત્રય અણીશુï હતું, એની સાથે કામ કરનારાનું નહીં. માહિતી મેળવતાં અન્નાને ઝાઝી વાર ન લાગી. સાંજ સુધીમાં તો જાણ થઇ ગઇ કે છત્તીસગઢના જગદલપુર શહેરમાંથી કોઇ સ્ત્રીએ આ કેસ માટે એસીપીને ફોન કર્યો હતો.

જગદલપુર? અન્ના મૂંઝાયો. એણે ક્યારેય આ શહેરનું નામ નહોતું સાંભળ્યું. અરે! નકશામાં છત્તીસગઢ શોધવાનું પણ એના માટે મુશ્કેલ હતું. અન્ના અંતિમ તારણ પર આવ્યો કે હત્યાની ઘટના નજરોનજર જોનારી સ્ત્રી છત્તીસગઢમાં હતી અને મોડી રાતે એ બંગલામાં મોજુદ હતી. એનો અર્થ કદાચ ઘરની માલિક એને ઓળખતી હશે. થોડું વિચારી અન્નાએ ફોન હાથમાં લીધો.

*** *** ***

બેગમાં બે જોડી કપડાં ભરીને વેંકટેશ ઊભો રહ્યો. સમજાતું નહોતું કે શું પેક કરવું? સદાનંદ જીવિત હોવાના સમાચાર સાંભળ્યા ત્યારથી દિમાગ કામ કરતું બંધ થઇ ગયેલું. ફાંસીનો ફંદો નજર સામે હતો. સદાનંદની આંખ ખૂલતાં ગાળિયો પોતાના ગળામાં પડવાનો હતો. અધૂરામાં પૂરું એકા ત્યાં હતી. વેંકટેશને થતું હતું કે એકા જગદલપુર પોલીસ પાસે આડુંઅવળું બોલી ગઇ તો મુશ્કેલી થશે. દિબાંગ પણ કંઇક છુપાવતો હતો.

પહેલાં કહ્યું કે એકા ક્યાંક ભાગી ગઇ. પછી કહ્યું કે મળી ગઇ અને એને લઇને સીધો પોલીસચોકીએ પહોંચી ગયો. ત્યાં જવા પાછળ એણે જે કારણ આપ્યું, તે પણ અસ્પષ્ટ હતું. જોકે ત્યાંના ઇન્સપેકટરે વેંકટેશ સાથે સારી રીતે ફોન પર વાત કરેલી. ઘડીક એને થયું કે રવિરાજ નામના ઇન્સપેકટરને સદાનંદ વિશે પૂછે. પછી તરત ભાન થયું કે આવું કરવાથી તો સામેવાળાને શંકા નહીં હોય તોય પડશે. દિબાંગને પૂછવાનો અર્થ જ નહોતો. એની સામે તો અત્યાર સુધી પોતે સદાનંદને ઓળખતો ન હોવાનો દેખાવ કરેલો. સદાનંદ ભાનમાં આવ્યો તો ભાંડો ફૂટી જવાનો. વેંકટેશે જીવતાં રહેવું હોય તો સદાનંદે મરવું જરૂરી હતું. પણ હોસ્પિટલમાં કોમામાં પડેલાને મારવો કઇ રીતે?

ઘરે આવી રાતભર વેંકટેશે પથારીમાં પડખાં ઘસ્યાં. આવી સ્થિતિમાં હવે એક દિવસ પણ કાઢવો મુશ્કેલ હતો. ઓફિસમાં પહોંચીને વેંકટેશે કમ્પ્યૂટર ઓન કર્યું. રાતે દસ વાગે રાયપુર માટે એક ફ્લાઇટ હતી. એણે ઓનલાઇન ટિકિટ બુક કરી લીધી. તબિયતનું બહાનું કાઢીને એ બપોરે જ નીકળી ગયો. સવાલ ઘણા હતા.

જગદલપુરમાં સદાનંદ કઇ હોસ્પિટલમાં હશે, એના સુધી કઇ રીતે પહોંચવું, એકાને શું કહેવું, એકેનો એની પાસે સ્પષ્ટ જવાબ નહોતો. જગદલપુર પહોંચીને કંઇ રસ્તો મળશે એમ મન મનાવી એણે પેકિંગ શરૂ કર્યું. કપડાં પર કાળજીપૂર્વક નાના પાઉચમાં એણે બે ઇન્જેકશન અને સિરિંજ મૂક્યા. એક સદાનંદ માટે, બીજું એકા માટે! બેગ બંધ કરવા જતો હતો. ત્યાં જ સેલફોનની રિંગ વાગી. સ્ક્રીન પર અનીતાનું નામ દેખાયું. વેંકટેશ ઘડી વાર ગૂંચવાયો, પછી યાદ આવ્યું કે સેલમાં અન્નાનો નંબર એણે અનીતા નામથી ફીડ કરેલો. ‘હેલ્લો..’ ‘ડોક્ટર આપણે મળવું પડશે. લીંક રોડ પર ગ્રેટ વેસ્ટર્ન મોલની બાજુની ગલીમાં અરેબિયન નાઇટ્સ બાર છે. લેફ્ટ સાઇડ પર એનું સાઇડ એન્ટ્રન્સ છે. ફર્સ્ટ ફ્લોર પર હું રાહ જોઉં છું.’ અન્નાએ આદેશ આપ્યો. વેંકટેશ મૂંઝાઇ ગયો, ‘શું થયું?’

‘રૂબરૂ વાત કરીશું. તમે જલદી આવો.’ અન્નાએ કહ્યું. ‘પણ અન્ના, હું તો એરપોર્ટ જવા નીકળી રહ્યો છું. મારી રાયપુરની ફ્લાઇટ છે.’ એ બોલી ગયો. ‘રાયપુર?’ ‘હા.’ ‘એ તો છત્તીસગઢમાં છે ને?’ ‘હા.’ ‘શું કામ ત્યાં જાવ છો?’ ‘શું કામ એટલે? મારે ત્યાં એક કોન્ફરન્સ અટેન્ડ કરવાની છે.’ વેંકટેશે જવાબ આપ્યો. અન્નાએ કહ્યું, ‘સોરી, કોન્ફરન્સમાં જવાનું માંડી વાળો.’ ‘વ્હોટ?’ વેંકટેશ ભડકયો. ‘હા, અહીં વધુ ઇમ્પોર્ટન્ટ કામ છે. જલદી આવો.’ કહી અન્નાએ લાઇન કાપી નાખી.

વેંકટેશને ગુસ્સો આવ્યો. શું સમજતો હતો એના મનમાં? એને સોંપેલું એક કામ તો પૂરું કરી ન શક્યો અને હવે કહેતો હતો કે બધાં કામ પડતાં મૂકીને હાજર થઇ જાવ! ઘડિયાળમાં સાડા પાંચ વાગેલા, અન્નાને મળીને રાયપુરની ફ્લાઇટ પકડાય એટલો સમય હતો. એ ઘરની બહાર નીકળ્યો. ટેક્સીમાં બેઠા બાદ ટેન્શન આવવા લાગ્યું. અન્નાએ એના કામ માટે બોલાવેલો કે જેસલના મર્ડરને લગતી વાત હતી? જેસલની લાશ પોલીસને મળી હોવાના સમાચાર હજી વેંકટેશ સુધી નહોતા પહોંચ્યાં. (ક્રમશ:)

વર્ષા પાઠક: પગલે પગલે રણ





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.