‘એકા, તેં ભૂલથી મને નહીં, દિબાંગને ફોન જોડી દીધેલો.’ નલિનીએ ધીરજથી વાતનું પુનરાવર્તન કર્યું. ‘હં...’ કપાળ પર હાથ ફેરવતાં એકા પલંગમાં બેઠી થઇ. દિમાગમાં જામી ગયેલાં જાળાં દૂર થતાં હોય એવું લાગ્યું. આસપાસ નજર ફેરવી તો જગ્યા નવી હોવા છતાં પરિચિત હોય એવું લાગ્યું. ‘તું મારા ઘરમાં છે.’ એકા પૂછે એ પહેલાં નલિનીએ કહી દીધું. ‘તમારા ઘરમાં... પણ તમારા ઘરમાં તો કોઇ ઘૂસી ગયેલું ને...’ એકાની આંખોમાં ભય તરવરી ઊઠ્યો. ‘ના, અહીં તો કોઇ નથી આવ્યું.’ નલિની એકાની બાજુમાં બેસતાં બોલી. ‘મને શું થયું?’ એકાનો અવાજ દયામણો થઇ ગયો. ‘બસ, થોડી ડરી ગયેલી. કદાચ કોઇ ખરાબ સપનું જોયું હશે.’ નલિનીએ અવાજને હળવો રાખવાની કોશિશ કરી. જો કે અંદરખાને એ હજી ચિંતામાં હતી. આગલી રાતે એકાની હાલત જોઇ એ ગભરાઇ ગયેલી.
દુર્ગમાં દિબાંગની હાલત પણ એવી જ થયેલી. મોડી રાતે એકાએ એને ફોન કરીને જગાડી દીધો, પણ દિબાંગે હેલ્લો કહ્યું ત્યાં તો સામે એકાએ ચીસો પાડવાનું શરૂ કરી દીધું. દિબાંગને એમાંથી માત્ર દીદી શબ્દ કળાયો. એણે માની લીધું કે નલિનીને કંઇ થઇ ગયું હતું. એકા સાથે વાત કરવાનું શક્ય નહોતું. મૂંઝાઇને એણે નલિનીને ફોન જોડ્યો, તો સામે નલિનીનો જ અવાજ સંભળાયો. એ તો સાજીસારી હતી. દિબાંગે તત્કાળ એકા પાસે જવાની સૂચના આપી, ‘સાથે કોઇને લેતાં જજો.’ એણે ફોન મૂકતાં કહ્યું અને સારું જ થયું કે નલિની નજીકમાં રહેતા જદુભૈયાને લઇને એકાના ઘરે પહોંચી. બહુ ખખડાવ્યા પછીય નહીં ખૂલેલા દરવાજાને તોડવો પડ્યો. આટલું પૂરતું નહોતું. અંદરથી વાસેલું રસોડાનું બારણું પણ એ જ રીતે ધક્કા મારીને ખોલવું પડ્યું. અંદર એકા બેહોશ પડી હતી.
નલિનીએ મોઢા પર પાણી છાંટીને હોશમાં આણી તો એકા લવારા કરવા લાગી. શરીર તાવથી ધખધખતું હતું. ફોન પર દિબાંગે આપેલી સૂચનાઓ સાંભળી નલિની અને જદુભૈયાએ મામલો સંભાળી લીધો. સવારના દિબાંગ આવ્યો, ત્યારે એકાના માથા પર ઠંડા પાણીના પોતાં મૂકી રહેલી નલિની અને જદુની બહેન ત્યાં જ બેઠા હતાં. દિબાંગની કારમાં એ લોકો એકાને નલિનીના ઘરે લઇ ગયા. એકાનો તાવ ઓછો થયેલો, પણ બબડાટ શમ્યો નહોતો. દિબાંગે એને શાંત પાડવા ટ્રાન્કવીલાઇઝરનું ઇન્જેકશન આપ્યું અને એ ભાનમાં આવી ત્યાં સુધી નલિનીના ઘરમાંથી હટ્યો નહીં.
નલિની સાથે વાત કરતી એકાની નજર રૂમના દરવાજે ઊભેલા દિબાંગ પર જતાં એને આશ્ચર્ય થયું. આગલા દિવસે જ દિબાંગ દુર્ગ ગયેલો. ‘ગુડ મોર્નિંગ મેડમ.’ દિબાંગે સસ્મિત કહ્યું, પણ એકાના ચહેરા પર સંકોચ તરી આવ્યો, ‘સોરી, દીદીએ કહ્યું કે મેં ભૂલથી તમને ફોન જોડી દીધેલો.’ ‘જાણીજોઇને જોડ્યો હોય તો પણ મને વાંધો નથી. આઇ એમ એટ યોર સર્વિસ.’ દિબાંગ નાટકીય ઢબે બોલ્યો. એકાને લાગ્યું કે દિબાંગ મશ્કરી કરતો હતો. એ વધુ સંકોચાઇ, ‘ના, ના, સાચું કહું છું...’
‘અરે, એ કહો કે હવે કેમ છે?’ દિબાંગ નજીક આવ્યો. ‘આઇ એમ ઓકે પણ...’ એકા ખચકાઇને નલિની સામે જોઇ બોલી, ‘દીદી, બીલીવ મી, હું સપનામાં નહોતી. કોઇએ ઘરની બારી ખોલી નાખેલી.’ નલિની કંઇ બોલે એ પહેલાં દિબાંગે કહ્યું, ‘તમે ખુલ્લી બારી જોઇને ડરી ગયેલાં?’ ‘હા,’ એકાએ કહ્યું, દિબાંગ હસી પડ્યો, ‘એકા, તમે એ ઘરમાં શિફ્ટ થયા, એ જ દિવસે ફરિયાદ નહોતી કરી કે બહારના રૂમની બારી બરાબર બંધ નથી થતી. સ્ટોપરમાં પ્રોબ્લેમ છે?’ ‘ઓહ...’ એકાને યાદ આવ્યું, ‘યુ મીન રાતે બારી ખુલ્લી રહી ગઇ હશે?’ પોતાની મૂર્ખાઇ પર શરમાતી હોય એવા સૂરે એણે પૂછ્યું. ‘હાસ્તો, બીજું શું? એક બારીને કારણે બે દરવાજા તોડવા પડ્યા. મકાનમાલિકને શું કહીશું?’ દિબાંગ સામે બેઠો.
‘મકાનમાલિકને શું કહીશ એ ખબર નથી, પણ તમને બંનેને કહું છું, સોરી બટ થેંકસ.’ એકા બોલી, પણ એના ચહેરા અને અવાજમાં સંકોચની જગ્યાએ રાહત હતી. કોઇ એને મારવા નહોતું આવ્યું. નલિની સાજીસારી હતી અને દિબાંગ સામે બેઠો હતો. એકા માટે એ અડધી રાતે દુર્ગથી કોન્ડા દોડી આવેલો. એ હતો ત્યાં સુધી એકાને કંઇ નહોતું થવાનું!
‘હવે હું જાઉં?’ દિબાંગ ઊભો થયો. ‘ના. ક્યાં, કેમ...’ પળવારમાં એકાએ આસપાસ રચાયેલી સલામતીની દીવાલ પડી ભાંગતી અનુભવી. તરત નલિની બોલી, ‘ડોન્ટ વરી, દિબાંગ અહીં જ રહેશે, તું કહીશ ત્યાં સુધી.’ ‘પણ દીદી...’ દિબાંગ બોલવા ગયો, પણ નલિનીએ આંખથી ઇશારો કરીને એને અટકાવી દીધો, ‘હવે તું રજા આપે તો અમે જઇને તારા ઘરની હાલત ઠીક કરી આવીએ. ખુલ્લા દરવાજામાંથી માણસો તો નહીં, કૂતરાબિલાડા જરૂર ઘૂસી આવશે.’ અને સાથે આવવા તૈયાર થયેલી એકાને આદેશ આપ્યો, ‘તારી ડ્યૂટી કિચનમાં છે.
દિબાંગે સવારથી કશું પેટમાં નથી નાખ્યું.’ એકાની જીદ ઓગળી ગઇ. એ કિચનમાં ગઇ અને નલિની દિબાંગને લઇ ઘરની બહાર નીકળી. બારી-બારણાં રીપેર કરવાની જવાબદારી સવારે જ જદુભૈયાને સોંપી દીધેલી, અત્યારે તો એને દિબાંગ સાથે વાત કરવી હતી. ‘મને લાગે છે કે ભૂલ મારી જ થઇ.’ થોડે દૂર પહોંચીને એણે વાત શરૂ કરી.
‘એટલે?’ દિબાંગના પગ ધીમા પડ્યા. ‘હું માની બેઠેલી કે કોન્ડા આવ્યા બાદ એકા ભૂતકાળને વિસારે પાડવાનું શીખી લેશે. લાગે છે કે આ વાત મેં ધારેલી એટલી સહેલી નથી.’ ‘ઇટ્સ ઓલરાઇટ. નવી જિંદગીમાં ગોઠવાતાં વાર તો લાગે.’ દિબાંગ બોલ્યો. નલિનીએ માથું ધૂણાવ્યું, ‘એકાના મનમાં એના જીવનમાં બની ગયેલી ઘટનાઓ વિશે અનેક સવાલ ઘૂમરાય છે. એના જવાબ નહીં મળે ત્યાં સુધી એ નવેસરથી લાઇફ શરૂ નહીં કરી શકે. જાગ્રત અવસ્થામાં કદાચ એ પોતાને સંભાળી લે, પણ દિવસભર દબાવી રાખેલા સવાલ, ડર રાતે એને હેરાન કરતાં રહેશે.’ ‘તો શું કરીએ?’ દિબાંગે પૂછ્યું. નલિની વિચારમાં પડી ગઇ. ‘એના હસબન્ડનો કોન્ટેકટ કરીએ?’ દિબાંગે હળવેથી પૂછ્યું. ‘વ્હોટ?’ નલિની ભડકી. દિબાંગે સફાઇ આપી, ‘એકાને જવાબ જોઇએ એવું તમે જ કહ્યું.
નાઉ ટેલ મી, એના પતિ સિવાય બીજું કોણ કહી શકે કે શું બનેલું, કેમ બનેલું?’ ‘સદાનંદ.’ નલિની બોલી. હવે ભડકવાનો વારો દિબાંગનો હતો, ‘દીદી, હોસ્પિટલમાં થયેલો ફિયાસ્કો ભૂલી ગયાં?’ ‘ના, પણ કદાચ સદાનંદ વેંકટેશથી ડરતો હોય કે એની પાસેથી પૈસા લઇને બેઠો હોય. એ આ વાત જાહેરમાં કબૂલવાનો?’ નલિનીએ તર્ક રજુ કર્યો. ‘તો ખાનગીમાં કબૂલાત કરાવીશું? એનું મોં ખોલાવવા પોલીસ મોકલીએ કે ગુંડા?’ દિબાંગે પૂછ્યું. નલિનીએ કહ્યું, ‘હું જઇશ. તું શોધી આપ કે જગદલપુરમાં એ ક્યાં રહે છે?’
****
‘દીદી, સમાચાર સારા નથી.’ રાતે એકા સૂઇ ગયાની ખાતરી કરી દિબાંગે નલિનીને બહાર બોલાવી કહ્યું. ‘શું થયું?’ નલિનીની ઊંઘ ઊડી ગઇ. ‘સદાનંદે કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી. ત્યાંના ડોક્ટરે મને કહ્યું કે સદાનંદને એઇડ્સ હતો.’ ‘એકાએ આપણને કહેલું, આંચકામાંથી બહાર આવ્યા બાદ.’ દિબાંગે હકાર ભણ્યો. એને પણ યાદ હતું કે આ શક્યતા એકાએ દર્શાવી ત્યારે પોતે મનોમન હસેલો. નલિનીએ કહ્યું, ‘પણ સદાનંદે એકાને કહેલું કે પોતાની જિંદગીના દિવસો શાંતિથી ગાળવા એ વતન જઇ રહ્યો હતો. તો અહીં આવીને એણે વિચાર બદલી નાખ્યો?’ જવાબમાં દિબાંગે ખભા ઉછાળ્યા. સવારે એ બાજુના ગામની વિઝિટે ગયો. સાંજે આવ્યો ત્યારે નલિની ઘરની બહાર જ ખુરશી નાખીને બેઠેલી. થોડી અપસેટ લાગતી હતી.
‘શું થયું?’ દિબાંગે પૂછ્યું. ‘મેં એકાને સદાનંદના મોતની જાણ કરી.’ કહેતાં નલિનીએ પોતાનો બચાવ કર્યો, ‘આજે નહીં તો કાલે એને ખબર તો પડવાની, એવું વિચારીને.’ ‘એણે કેવું રીએકશન આપ્યું?’ દિબાંગે પૂછ્યું. ‘ચૂપચાપ ઊભી થઇને જતી રહી. પછી દિવસભર બોલાવવાની કોશિશ કરી, પણ કંઇ રીસ્પોન્સ નથી. તને લાગે છે, મેં કહેવામાં થોડી ઉતાવળ કરી નાખી?’ એના અવાજમાં અનિશ્ચિતતા ડોકાઇ. ‘ડોન્ટ વરી,’ કહી દિબાંગ અંદર ગયો. એકા બારી પાસે ઊભી હતી. ‘એકા..’ દિબાંગે હળવેથી સાદ પાડ્યો.
જવાબ ન મળતાં અંદર જઇને એણે થોડે મોટેથી કહ્યું, ‘ગુડ ઇવનિંગ એકા, હાઉ આર યુ?’ એકા અસ્પષ્ટ અવાજે કંઇ બોલી, તેમાંથી એને માત્ર મામી શબ્દ કળાયો. ‘શું થયું મામીને?’ એણે પૂછ્યું. ‘મામી મરી ગયાં.’ આ વખતે સ્પષ્ટ સંભળાયું. ‘ના એકા, મામી નહીં, સદાનંદ મરી ગયો. તું સાચું કહેતી હતી. એને એઇડ્સ હતો. એણે આપઘાત કરી લીધો.’ ‘સદાનંદ મરી ગયો, મામી મરી ગયાં.’ એકાનું શરીર ધ્રૂજવા લાગ્યું. દિબાંગે એને પકડી, ‘ના એકા, મામીને કંઇ નથી થયું, શી ઇઝ ફાઇન.’ દિબાંગ બોલ્યો.
‘શી ઇઝ નોટ ફાઇન, શી ઇઝ ડેડ. મારા મામી મરી ગયા અને લોકો એને બાળી પણ આવ્યા...’ એનો અવાજ તરડાઇ ગયો. ‘કોણે કહ્યું?’ દિબાંગને એની માનસિક હાલત પર નવેસરથી શંકા જાગી. એકા દિબાંગ તરફ ફરી, ‘અમારા જુના પાડોશીએ. સદાનંદનું સાંભળીને મારો જીવ અકળાવા લાગેલો. મામીને ફોન કર્યો, તો પાડોશીએ ઉપાડ્યો. કહ્યું કે તારા મામી તો દેવલોક થઇ ગયા, તું ક્યાં હતી?’ ‘માય ગોડ!’ દિબાંગને લાગ્યું કે એકાનું ચસકી નહોતું ગયું, પણ એકાના શબ્દો પાછા એને મૂંઝવી ગયા, ‘લોકો કહે છે એક્સિડન્ટ હતો, પણ વેંકટેશ ત્યારે ઘરમાં જ હતો.’
‘એ કેવી રીતે શક્ય છે? વેંકટેશ તો અત્યારે...’ અણીના ટાંકણે દિબાંગે વાત વાળી લેતાં કહ્યું, ‘તને શોધવામાં બિઝી હશે.’ ‘મને શોધતો શોધતો મામાના ઘરે ગયો હશે. પરાંજપે અંકલે કહ્યું કે મામી બાથરૂમમાં પડી ગયા, ત્યારે વેંકટેશ બહારના રૂમમાં બેઠો હતો. એણે જઇને જોયું ન હોત તો ખબર નહીં, કેટલો સમય મામીની લાશ પાણી નીચે પડી રહેત.’ એકાના અવાજમાં ભીનાશ ભળવા લાગી. દિબાંગના મગજમાં ઘમાસાણ જાગ્યું. એકાથી દૂર રહેવા વેંકટેશ બીમારીના બહાનાં બતાવતો હતો એ શંકા ખાતરીમાં ફેરવાઇ ગઇ. તરત વિચાર આવ્યો કે આગલા દિવસે તો વેંકટેશ સાથે વાત થયેલી.
એણે કેમ આવો કંઇ ઉલ્લેખ ન કર્યો? એકા માટે તો એની મામી સગી માતા સમાન હતી. પછી આવેલો વિચાર કાળજું થડકાવી દે એવો હતો. એકાને મદદ કરી શકે એવા લોકો અચાનક વિચિત્ર સંજોગોમાં મરવા લાગ્યા હતા. દિબાંગે અજાણ્યો, અર્દશ્ય ભય અનુભવ્યો. ‘એકા,’ એ માંડમાંડ બોલ્યો, ત્યાં તો એકા એના વળગીને રડી પડી. દિબાંગ એના માથે હાથ ફેરવતો રહ્યો. થોડી વાર બાદ એકાના શબ્દો સાંભળી એનો શ્વાસ થંભી ગયો, ‘દિબાંગ, આઇ વોન્ટ ટુ ગો હોમ!’ (ક્રમશ:)