Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalika
 

એ સૂર્ય છે, એ કામ એનું છો કરે, હું વૃક્ષ છું તો છાંયડો આપીશ હું

 
Source: Dr. Sharad Thakar   |   Last Updated 2:24 AM [IST](02/11/2011)
 
 
 
 
 
‘અંદર આવું કે?’ વિવેકભાઇએ ડૉ. આનંદના દવાખાનાનું પગથિયું ચડતાં ટહુકો કર્યો. વિવેકભાઇ સાઠ વર્ષના નિવૃત્ત શિક્ષક હતા. નિવૃત્ત શિક્ષકોની આવી આદત હોય છે. કોઇના ઘરે જાય ત્યારે ફિળયામાંથી જ બોલવા માંડે. કોઇની ઓફિસમાં જાય તો પગથિયાં પરથી જ વાતની શરૂઆત કરી દે. કદાચ આમ કરવા પાછળનું કારણ જેને મળવા માટે ગયા હોય તેની સાથે આત્મીયતાનું આગોતરું વાતાવરણ ઊભું કરી દેવાનું હોઇ શકે.

પણ ડૉ. આનંદનો પ્રતિભાવ આત્મીયતાભર્યો ન હતો, ‘પેશન્ટ તરીકે આવ્યા છો?’ એમના અવાજમાં ડોક્ટર તરીકેની દયા ન હતી, માણસ તરીકેની માનવતા ન હતી અને એક સામાજિક પ્રાણી તરીકેની સભ્યતા પણ ન હતી. હતી તો માત્ર સરકારી કારકુનની સખ્તાઇ અને પોલીસના જેવી પૂછપરછ. ‘હાજી.’ વિવેકભાઇએ તો પણ હળવું સ્મિત વેરવાનું ચાલું રાખ્યું.

‘સોરી! સાડા સાત વાગી ગયા છે. મારું ક્લિનિક બંધ કરવાનો સમય થઇ ગયો છે. સાડા સાત પછી હું એક પણ દર્દીને તપાસતો નથી.’ આટલું બોલતાંમાં તો ડોક્ટર ખુરશીમાંથી ઊભાયે થઇ ગયા.

‘તમારો સમયપાલનનો આગ્રહ હું સમજી શકું છું, સાહેબ પણ સાડા સાત તો હજુ વાગ્યા જ છે. તમે તમારા દવાખાનામાં હજુ હાજર છો. તમારો કમ્પાઉન્ડર પણ હાજર છે. એવું તો નથી જ કે મેં તમને તમારા ઘરેથી પાછા બોલાવ્યા હોય...’
‘તમે બોલાવો તો પણ હું આવું નહીં. નિયમ એટલે નિયમ. જુઓ પેલા પાટિયા ઉપર સૂચનાઓ લખી છે તે વાંચી જાઓ. દસ વર્ષથી આ ગામમાં હું જનરલ પ્રેક્ટિસ કરું છું. એક વાર પણ મેં મારા ક્રમમાં સહેજ સરખોય ફેરફાર કરેલો નથી. તમે તો શાળામાં શિક્ષક હતા ને? ઓળખું છું તમને. શાળાનો ઘંટ વાગે એ પછી કોઇ વિદ્યાર્થી આવે તો તમે એને વર્ગમાં બેસવા દેતા હતા ખરા?’‘એ શા કારણથી મોડો પડ્યો છે એનું કારણ જાણ્યા પછી...’

‘છોડો એ બધા વેદિયાવેડા! મારે તો નિયમ એટલે નિયમ! તમે સમયસર ન આવી શક્યા તે તમારો પ્રશ્ન છે, મારો નહીં!’
વિવેકભાઇને ખૂબ જ ખરાબ લાગ્યું. ડોક્ટર પાસેથી એમણે માનવતાભર્યા વર્તનની અપેક્ષા રાખી હતી, આવી મિલિટરીના જનરલના જેવી સખ્તાઇની નહીં. શરદી-ઉધરસ કે તાવ જેવી બીમારી હોત તો તેઓ સમયસર જ દવા લેવા માટે આવી ગયા હોત, પણ આ તો અચાનક પગમાં પથ્થરની ઠોકર વાગી ને અંગૂઠામાંથી લોહી નીકળ્યું એટલે દવાખાને આવવું પડ્યું. એમનું ઘર પણ ગામની બહાર નદીને સામે કાંઠે આવેલું હતું. ત્યાંથી કોઇ વાહન પણ મળે તેમ ન હતું. લંગડાતા પગે ચાલીને આવવામાં સાડા સાત વાગી ગયા. ડૉ. આનંદ એમના નિયમની દુહાઇ દઇને ઊભા થઇ ગયા.

ડૉ. આનંદની નિયમાવલી બહુ કડક હતી. સાંજે સાડા સાતે ક્લિનિક બંધ એટલે બંધ! સાત અને એકત્રીસમી મિનિટે ડોક્ટર પોતાની ગાડી ચાલુ કરતા હોય. પોણા આઠ વાગ્યે એ ગામની એકમાત્ર ક્લબમાં ટેનિસ રમી રહ્યા હોય. નવ વાગ્યે એટલે ક્લબના સ્વિમિંગ પૂલમાં જો લાલ રંગનો ચડ્ડો પહેરેલો એકમાત્ર ટાલિયો પુરુષ તમને તરતો દેખાય તો તમારે આંખો બંધ રાખીને કહી દેવું કે એ ડૉ. આનંદ જ છે. નવને ચાલીસે એ પોતાના ઘરમાં ડિનર લેતા હોય. સવારના જાગે ત્યારથી રાતના સૂવે ત્યાં સુધી બધું ઘડિયાળના કાંટા સાથે ચાલતું રહે.

વિવેકભાઇ ખિન્ન થઇને દવાખાનાના પગથિયાં ઊતરી ગયા. ડૉ. આનંદ તો એમની પહેલાં જ ઊતરીને ગાડીમાં બેસીને રવાના થઇ ગયા હતા. એ ગામ એમ તો મોટું હતું. ગામડું ન હતું, પંદરેક હજારની વસતી ધરાવતું નાનકડું શહેર હતું. બીજા બે-ત્રણ દવાખાનાં હાજર હતાં, પણ વિવેકભાઇનું મન પાછું પડી ગયું હતું.

‘નથી જવું કોઇની પાસે. ડોક્ટર બધા સરખા!’ એ લંગડાતા પગે પાછા નદીની તરફ ચાલી નીકળ્યા, ‘એના કરતાં તો સામે કાંઠે ઘરની બાજુમાં મંદિર આવેલું છે ત્યાંના પૂજારી-કમ-બાવાજીને મળી આવું. એમની પાસે દેશી ઓસડિયાં હોય છે. જેમ તેમ કરીને આજની રાત નીકળી જાય અને અંગૂઠો પાકે નહીં એટલે બહુ થયું. પછી કાલે સવારે તો ડૉ. આનંદ છે, ઘડિયાળના કાંટા છે અને હું છું! એના હાથે જ સારવાર ન કરાવું તો મારું નામ વિવેકભાઇ આચાર્ય નહીં.’

એમ તો પાછું ડૉ. આનંદની નામના એક હોશિયાર ડોક્ટર તરીકેની હતી. એટલે જ તો દર્દીઓ એમનું આવું ધૂની વર્તન ચલાવી લેતા હતા.

વિવેકભાઇ મંદિર પરિસરમાં પહોંચ્યા ત્યારે ભક્તજનો વીખરાઇ રહ્યા હતા.સાંજની આરતી પૂરી કરીને સાધુ ભોલેનાથજી મંદિરની ડાબી તરફ આવેલી એમની કુટીર તરફ ચાલ્યા ગયા હતા. વિવેકભાઇ પણ કુટીર ઉપર પહોંચી ગયા. બાવાજીને બધી વાત જણાવી દીધી. ભોલેનાથે ફાનસના અજવાસમાં અંગૂઠાનો ઘાવ પાણીથી સાફ કરીને બાજુમાં ઊગેલું ઘાસ બાજરિયું તોડી લાવીને બાંધી દીધું. પછી વનસ્પતિનો પાઉડર આપીને કહ્યું, ‘સવારે ને સાંજે પાણીમાં ઉકાળીને પી જજો. મટી જશે.’

પછી આકાશ સામે જોઇને બોલી ગયા, ‘એ ડોક્ટરના સ્વભાવ વિશે બહુ ફરિયાદો આવે છે. જો કોઇ દર્દી એમને ઘેર વિઝિટ માટે બોલાવે તો ડોક્ટર સંભળાવી દે છે કે હું ઘરઘાટી નથી કે તમારા ઘરે આવું! હમણાં બે દિવસ પહેલાં એક દર્દીએ એમની સાથે ઝઘડો કર્યો કે, ‘તમારે લેવા હોય તો બમણા પૈસા લઇ લો, પણ મને સારવાર તો આપવી જ પડશે.’ તો ડૉ. આનંદે સંભળાવી દીધું, ‘હું કંઇ બેંકનો કર્મચારી નથી જે પૈસા માટે ઓવરટાઇમ કરતો ફરે!’ આ ડોક્ટરનો ઘડો હવે ભરાઇ ગયો લાગે છે. ભગવાન એને સબક શીખવાડશે.’

પછી સાધુ ભોલેનાથજી મંદિરની દિશામાં જોઇને બબડ્યા, ‘સાંભળ્યું છે કે ખુદા કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ!’ વિવેકભાઇ એમની સામે ટગર જોઇ રહ્યા. એમને લાગ્યું કે પોતાની ફરિયાદ સાધુ ભોલેનાથજીએ ભગવાન ભોલાનાથના કાન સુધી પહોંચાડી દીધી.

ખુદાના ઘરમાં દેર ને અંધેર જેવી વાતો કદાચ કહેવત માત્ર હોઇ શકે. ભગવાન છે કે નહીં એના પુરાવા શોધવામાંથી માનવી હજુ નવરો પડ્યો નથી. હું તો એટલું સમજું કે માણસનાં સારાં-નરસાં કર્મનો બદલો જ, એને મળતો હોય છે. બાવળ રોપીને આંબાની કેરીઓ ખાવા ઇચ્છે એને નિરાશા જ હાથ લાગતી હોય છે. બદલો ભલા-બૂરાનો અહીંનો અહીં મળે છે.

ચાર-પાંચ દિવસ પછીની વાત. આવી જ એક રાત. વિવેકભાઇ જમી-કારવીને મંદિરના પ્રાંગણમાં સાધુ ભોલેનાથજીની સંગાથે ધર્મચર્ચા કરતાં બેઠા હતા, ત્યાં અચાનક એક મોટો ધમાકો સંભળાયો. ક્લબની દિશામાંથી પુરપાટ વેગે આવી રહેલી એક કાર ઊછળીને ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઇને પછી નદીના પટ પાસેની કાદવિયા માટીમાં ઊંધા માથે જઇ પડી.

રાતના નવ વાગી ને ત્રીસ મિનિટ થઇ હતી. વિવેકભાઇ સમજી ગયા, સાધુમહારાજને કહ્યું પણ ખરું, ‘ડૉ. આનંદ જ હોવા જોઇએ, ચાલો આપણે જવું જોઇએ.’ ડૉ. આનંદ જ હતા. માથામાં ચોટ વાગવાથી બેભાન થઇ ગયા હતા. આવી સૂમસામ રાતે કોણ એમની મદદે દોડી આવે? વિવેકભાઇ ભલે નિવૃત્ત તોયે શિક્ષક તો ખરા ને! એમને ઉપાય સૂઝ્યો. પોતે કાર પાસે રહ્યા, ભોલેનાથજીને પાછા મંદિરમાં મોકલી આપ્યા. તરત જ મંદિરમાં નગારાં વાગવા માંડ્યાં.

આવા અસૂરા ટાણે નગારાંનો અવાજ સાંભળીને નદીકાંઠાના ઝૂંપડાંઓમાંથી લોકો તથા બીજા શ્રમજીવીઓ દોડી આવ્યા. ચાલીસ-પચાસ જણ ભેગા થઇ ગયા. ડોળી બનાવીને ડોક્ટરને સરકારી દવાખાનામાં પહોંચાડ્યા. પછી તો ગામના તમામ ડોક્ટરો દોડી આવ્યા. સાજા થતાં એક મહિનો લાગી ગયો. સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી લીધા પછી ડૉ. આનંદને અમદાવાદ લઇ જવા પડ્યા. ત્યાં ન્યૂરોસર્જને ઉત્તમ સારવાર આપીને એમને બચાવી લીધા. ભાનમાં આવ્યા ત્યારે ડૉ. આનંદના મોઢામાંથી પહેલું વાક્ય આ સર્યું, ‘સાડા નવ તો વાગી ગયા! ચાલો, મને ઘરે જવા દો, નવ ને પિસ્તાળીસે મારો ડિનરનો સમય થઇ જશે.’

ભોલેનાથજી ત્યાં હાજર હતા, એમણે ખખડાવ્યા, ‘બેસ, બેસ હવે , દાગતરિયા! તારો સમય તો નવ ને ત્રીસે જ ખતમ થઇ ગયો હતો. આ વિવેકભાઇની સજ્જનતા અને સમયસૂચકતાને કારણે તું અત્યારે જીવી રહ્યો છે. હવે ઘડિયાળની ‘ટીક ટીક’ સાથે જીવવાનું બંધ કરી દે,તારી છાતીની અંદર ભગવાને હૃદય નામની ઘડિયાળ મૂકેલી છે. એની ‘ધક ધક’ સાથે જીવવાનું શરૂ કર! ‘મારો સમય પૂરો થઇ ગયો’ એવું કહેવામાં જ આપણો આખો દેશ પૂરો થઇ ગયો છે. કોઇનો અંગૂઠો જખમી થાય કે કોઇની કાર ઊંધી પડે એ માત્ર જે તે વ્યક્તિનો ‘પ્રોબ્લેમ’ હોતો જ નથી, આપણા બધાનો પ્રશ્ન હોય છે. વિવેકભાઇનો વિવેક અને તારા નામમાંથી આનંદ, જો આ બંનેને ભેગા કરીશું તો જ વિવેકાનંદ જન્મ પામશે. મારી વાત ઉપર વિચાર કરજે!’

ડૉ. આનંદે સાજા થયા પછી કાંડા ઉપર ઘડિયાળ બાંધવાનું છોડી દીધું છે.‘(શીર્ષક પંક્તિ: સુધીર પટેલ)

(સત્યઘટના)

ડોક્ટરની ડાયરી - ડૉ. શરદ ઠાકર
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.