ઘરમાં રહેતા લોકો સાથે ક્યારે વાત થશે?
Navalika, Dr Vaidhya Prakash
| Jul 10, 2012, 07:19AM IST

માલતીની ખૂબ જીદ અને આગ્રહ સામે આખરે મારે નમતું જોખવું પડ્યું. ઉનાળાની રજાઓમાં અમે બંને ઘરડા માણસ ગામડેથી શહેરમાં દીકરાના ઘરે રહેવા આવી ગયાં. પણ આવીને જોયું તો... ઘરનું વાતાવરણ જોઇને એવું લાગે કે માણસ જાણે યંત્રમાનવ બની ગયો છે. સવારે ઊઠતાંની સાથે જ દોડધામ અને ઉતાવળ શરૂ થઇ જાય. મોબાઇલ એક વાર રણકવાનો શરૂ થાય, પછી બંધ થવાનું નામ જ ન લે. એક પછી એક ફોન ચાલુ જ હોય. દીકરો સવારે ચા સાથે સરખો નાસ્તો પણ કર્યા વિના આઠ-સાડા આઠ વાગતાં તો ઓફિસે જવા નીકળી જાય.
રાતે ઘરે આવતાં આવતાં એને દસ-સાડા દસ થઇ જાય. છેલ્લા ત્રણ દિવસથી દીકરા સાથે બે ઘડી વાત કરવાનો પ્રયત્ન કરું છું. ગામડે જમીન છે તે વેચી નાખવાની ઇચ્છા છે અને એ માટે દીકરા સાથે વાત કરી એનો અભિપ્રાય લેવો છે. પુત્રવધૂ પાસેથી જાણવા મળ્યું કે દીકરાની કંપનીને કોઇ નવો પ્રોજેક્ટ મળવાનો છે. એની તૈયારીઓ ચાલે છે. અનેક મોટી મોટી કંપનીઓના મેનેજિંગ ડીરેકટર્સ સાથે વિડિયો કોન્ફરન્સ થશે. એ માટે એ તમામના સંપર્ક સાધવામાં આવી રહ્યાં છે.
આજકાલ તો દુનિયાના છેડે હો, ત્યાં પણ ફોન દ્વારા સંપર્ક સાધી શકાય છે. આજે ચોથો દિવસ થઇ ગયો હોવા છતાં દીકરા સાથે ઘડીક વાર બેસીને નિરાંતે વાત નથી થઇ શકી. મને વિચાર આવે છે, આ કેવી આધુનિક ટેક્નિક છે, કેવી ક્રાંતિ છે કે માણસો એક જ ઘરમાં રહેતા હોવા છતાં બાપ દીકરા સાથે વાત કરવા માટે રાહ જોતો બેસી રહે છે. આવી ટેક્નિક શા કામની? જ્યારે ઘરના માણસો સાથે વાત કરવાની ફૂરસદ ન હોય અને પારકાં સાથે આખો દિવસ વાત ચાલતી હોય!





