પરિંદા કોલેજિયન યુવતી છે. આમ છતાં નાના બાળકની જેમ રડે છે, પગ પછાડે છે, હરક્તો કરે છે. જાણે બજારમાંથી કોઇ વસ્તુ કે રમકડું ખરીદવું હોય!મા-બાપનું એકનું એક સંતાન છે. પાણી માગે તો દૂધ હાજર થાય તેવી સાહ્યબી છે. માગે તે મળે... પણ પરિંદાને તો ભાઇ જોઇએ છે. બે દિવસ પછી રક્ષાબંધન છે, રાખડી બાંધવી છે.દરેક તહેવાર પવિત્ર જ હોય છે પણ ભાઇ-બહેનનાં સ્નેહ-સમર્પણની ભાવનાનો આ અનેરો અવસર છે. નાના, સુખી અને તંદુરસ્ત કુટુંબની કલ્પના હવે સાકાર થવા લાગી છે. તેમાં સંતાનરૂપે એક દીકરી જ હોય એવા સમજુ પરિવારની સંખ્યામાં ઉત્તરોત્તર ઉમેરો થતો રહ્યો છે.
દીકરી વહાલનો દરિયો, કાળજાનો કટકો, તુલસીનો ક્યારો... આવાં અનેક હુલામણાં વિશેષણોથી વિભૂષિત દીકરીનું ઘર-પરિવારમાં હોવું તેનું સુખ અને દીકરીને વિદાય આપવાનું દુ:ખ વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે. અનુભૂતિને વ્યક્ત કરવી સાવ સહેલી નથી.આ દીકરી કહે છે : ‘મા જણ્યો ભાઇ હોય તો હું રાખડી બાંધું!’ સંયુક્ત કુટુંબનો સૂરજ લગભગ અસ્ત થવામાં છે. એક જ ઘરમાં, એક્સાથે વીસ-પચ્ચીસ જણાં રહેતાં હોય તે કલ્પનામાં આવવું મુશ્કેલ છે. પણ હકીકત હતી.
કુટુંબ એ વ્યક્તિના જીવનનો આધાર છે. નબળો-સબળો સભ્ય એકબીજાની ઓથમાં પાર પડી જતો. કુટુંબ એ ભારતીય સંસ્કૃતિમાં વટવૃક્ષ સમાન છે. પણ આજે તો સમય પ્રમાણે ઘણાં ઘરમાં નથી ભાઇ, ભાભી, નણંદ, કાકા-કાકી, ફઇ-ફુઆ... પ્રેમાળ અને લાગણીભીનાં સલુણાપાત્રોની સૃષ્ટિ જાણે અસ્તાચળના આરે ઊભી છે!
પરિંદા એક અલગ યુવતી છે. કોઇના ચીલે ચાલનારી નહીં પરંતુ પોતે ચાલે ત્યાં ચીલો થવો જોઇએ તેવું માનનારી છે. કોઇનું કહ્યું કે ઝટ માની લે તેવી નથી. સ્કૂલમાં ભાઇ-બહેનના હેતની કવિતા ભણી છે. હુમાયુ અને રાણી કર્ણાવતી વિશેનો પાઠ ગોખ્યો છે.
કુંતા માતા અને વીર અભિમન્યુની કથા સાંભળી છે પણ જાતે અનુભવ્યું નથી. તેનું ચાલે તો મમ્મી-પપ્પાને સવાલ કરી બેસે : ‘એક બહેનને સગાભાઇના સ્નેહથી વંચિત શું કરવા રાખી? મારું નાનકડી નણંદ થવાનું સુખ શું કરવા મારા સુધી પહોંચવા ન દીધું?’ પોતાને એક ભાઇ હોય, તોફાન-મસ્તી કે પજવણી કરતો હોય... આવી ભાવસભર ઝંખના પરિંદાના હૃદયને પજવ્યા કરતી હતી. પરિંદા ક્યારેક કોલેજમાં યુવાનો સાથે ભાતૃભાવ પ્રગટ કરી બેસતી. પણ અનર્થ સર્જાતો. બદનામ થવાનું ચાર આંગળ છેટું રહેતું!તેનાં મમ્મી-પપ્પા કહેતાં : દીકરી-દીકરો એક્સમાન છે. અમારે મન દીકરાથી પણ સવાઇ છો!
પરિંદા આ ભાવનાને સમજતી હતી, આદર કરતી હતી પણ કહી નહોતી શકતી કે, સમાન અને સમોવડી હોવાનું છોડો. દરેક વ્યક્તિની પોતાની ઓળખ હોય છે. આજે ઉત્સવની ઉજવણી પૂર્વેનો માહોલ સર્જાયો છે. બહેનો હોંશે હોંશે અવનવી રાખડીઓ ખરીદે છે. પરિંદાને પણ પોકેટમનીની બચતમાંથી મનગમતી રાખડી ખરીદવી છે... પણ બાંધે કોને!? અત્યાર સુધી તો મમ્મી-પપ્પાના કહેવા મુજબ દૂરના એક ભાઇને રાખડી બાંધતી આવી છે પણ હવે તેનું મન ના પાડે છે.ગ્લોબલાઇઝેશન થઇ રહ્યું છે. વિશ્વ એક ગામડું બની રહ્યું છે. કુટુંબની વ્યાખ્યા વિસ્તરીને વિશ્વકક્ષામાં પરિવર્તિત થઇ છે.
શિરોમાન્ય. પણ ભાઇ, ભાભી, દિયેર, નણંદ... જેવાં ધબકતાં પાત્રોનું પારિવારિક મૂલ્ય ઓછું આંકવા જેવું નથી.પરિંદા સમજણી થઇ ત્યારથી તેના મનમાં ધરબાઇને પડ્યું હતું તે આજે બળ કરીને બહાર આવ્યું છે. ‘ગાંડી!’ મમ્મી પરિંદાને કહે છે : ‘તું આ શું બોલે છે...!?’ વાતને વાળી લેવા પરિંદા કહે છે: ‘મમ્મી! રાખડી બંધાવવા આવે છે તે ભઇલાના હાથમાં કેટલી રાખડીઓ બાંધેલી હોય છે!’‘પણ તારે તો રાખડી બાંધવાથી મતલબ છે ને!?
‘ના...’ પરિંદા ઊંચા અવાજે કહે છે : ‘તેના હાથમાં એક કરતાં વધારે રાખડી છે તેમાં મારી રાખડીનું મૂલ્ય શું!?’ પરિંદાના આ સવાલનો જવાબ જડવો મુશ્કેલ નથી.
કારણ કે લાગણીનું ક્યારેય મૂલ્ય આંકી શકાતું નથી.પણ સાંજે પરિંદાની બહેનપણી રોશનનો ફોન આવે છે. તેમાં તે કહે છે : ‘રક્ષાબંધનના દિવસે સવારે તૈયાર રહેજે. નાનો ભઇલું રહીમ રાખડી બંધાવવા આવશે!’ પરિંદા કશું બોલ્યા વગર ધૂંધવાતી રહે છે. ‘અલી સાંભળ્ય...’ રોશન કહે છે : ‘તારે એકલીએ, સુવાંગ રાખડી બાંધવાની છે. હું થોડી બાંધવાની છું તે...’