સુંદર મજાની શિલ્પાકૃતિઓ બનાવતા અમિતની એ કળાના પ્રદર્શનના આયોજનમાં મનીષાનો પણ સારો ફાળો હતો. એ ખુશ હતી કે અમિતની કૃતિઓના પ્રદર્શનને શોખીનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી એના પપ્પાની બદલી થઇ અને બહારગામ ગયા બાદ અમિતને લખેલા પત્રોના ઉત્તર એને મળતા બંધ થઇ ગયા. અમિતે કેમ એના પત્રોના ઉત્તર નહોતા આપ્યા?
ઘણા સમય બાદ અમિતને જોતાં મનીષાથી ન રહેવાયું. એનો અત્યાર સુધીનો આક્રોશ અમિત પર ઠલવાઇ ગયો, પણ જ્યારે અમિતે એને વાસ્તવિકતાથી પરિચિત કરાવી ત્યારે એના પસ્તાવાનો પાર ન રહ્યો. એવું તે શું બન્યું હતું અમિતના જીવનમાં? કેમ મનીષાને આઘાત લાગ્યો?
આર્ટ ગેલેરીમાં અમિતે બનાવેલા લાકડાના સુંદર શિલ્પોનું પ્રદર્શન ભરાયું હતું. આ પ્રદર્શનની સફળતામાં અમિતની પ્રેમિકા મનીષાનો ફાળો હતો. કેટલાય ભાવકોએ પ્રદર્શનને નિહાળેલું. અમિતે ભાવકોને તેમના અભિપ્રાય જણાવવા માટે કાઉન્ટર પાસે રજિસ્ટર રાખેલું. ઘણા ભાવકોએ રજિસ્ટરમાં અભિનંદન આપતા અભિપ્રાયો નોંધેલા હતા. શિલ્પાકૃતિની પ્રશંસા થઇ. ઘણી શિલ્પાકૃતિઓનું વેચાણ પણ થયેલું.અમિતની પ્રગતિથી મનીષા ખૂબ ખુશ હતી. અમિત અને મનીષા કોલેજમાં સાથે ભણતાં હતાં. મનીષા અમિતને અનહદ ચાહતી હતી.પ્રદર્શન પૂરું થયું. અમિત અને મનીષા છુટાં પડ્યાં ત્યારે ખુશખુશાલ હતાં.
એકાદ અઠવાડિયાની કોલેજની રજા પૂરી થઇ. અમિત અને મનીષા મળ્યાં, ત્યારે અમિતને લાગ્યું કે મનીષા કંઇક ચિંતામાં હતી. અમિતે મનીષાને ચિંતા વિશે પૂછ્યું. મનીષા કંઇ બોલી જ નહીં. અમિતે મનીષાને પોતાના સોગંદ ખાઇને મૂંઝવણ કહેવા કહ્યું. મનીષાને થયું કે હવે તો અમિતને બધી વાત કહેવી પડશે. એણે કહ્યું, ‘અમિત, મારા પપ્પાની ટ્રાન્સફર થઇ છે. જે જગ્યાએ ટ્રાન્સફર થઇ છે ત્યાં મકાન પણ મળી ગયું છે. અમારે અઠવાડિયામાં જવાનું થશે.’ આટલું બોલતાં-બોલતાં મનીષા અટકી ગઇ.
મનીષા પોતાના પપ્પા સાથે બહારગામ આવી તો ખરી, પણ એના મનમાં ક્યાંય ચેન ન હતું. તેને અમિતના વિચારો આવતા હતા. થતું હતું કે, અમિતની કલાસાધનામાં ઓટ આવી જશે તો?મનીષા નવા વાતાવરણમાં સેટ થઇ શકી નહીં. નવી કોલેજમાં એનું મન લાગતું નહોતું. અમિતની સાથે કોલેજમાં અભ્યાસ કરવાની અને પ્રવૃતિમય રહેવાની જે મજા હતી, તેની સરખામણીમાં અહીંની કોલેજમાં જરાય મજા આવતી નહોતી.
મનીષાએ પોતાની એકલતા દૂર કરવા અમિતને પત્ર લખવાની શરૂઆત કરી. સમય પસાર થતો હતો. મનીષા અમિતને પત્રો લખ્યા કરતી હતી. અમિત મનીષાને નિયમિત પત્રો લખતો ન હતો. મનીષાની મૂંઝવણ વધી ગયેલી, છતાં હિંમત હાર્યા વિના તે અમિતને પત્રો લખતી. એક નહીં, બે નહીં, પણ મનીષાએ અગિયાર પત્રો અમિતને લખ્યા. છતાં અમિતનો જવાબ આવ્યો ન હતો. મનીષાએ બારમા પત્રમાં અમિતને સ્પષ્ટ લખ્યું, આકરી ભાષામાં લખ્યું. અમિતને વાસ્તવિકતાનું ભાન થાય તેવું લખાણ પત્રમાં લખ્યું હતું. મનીષાએ પત્રમાં જણાવેલું કે, ‘આવતા રવિવારે આપણી કોલેજની ટેલેન્ટ ઇવનિંગમાં મને ગત વર્ષનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળવાનો છે. હું ત્યાં આવવાની છું. આપણે કોલેજના બસસ્ટોપ પર મળશું.’
ટેલેન્ટ ઇવનિંગ પૂરી થઇ ગઇ. મનીષા બસસ્ટોપ પર અમિતની રાહ જોતી હતી. મનીષાને તેનો ભર્યો-ભર્યો ભૂતકાળ યાદ આવી ગયો. તેના ગાલ ઉપર શરમની સુરખી છવાઇ ગઇ. હોઠ ભીંજાઇ ગયા. સાંજના સાત થયેલા. મનીષાએ રસ્તા પર દૂર સુધી નજર નાખી. નિરાશ થવાની કે નિસાસો નાખવાની જરૂર નહોતી. સામેછી ધીમી ગતિએ અમિત હાથ પાછળ રાખીને આવી રહ્યો હતો. સમયસર આવવાની અમિતની અદાને મનીષાએ ઘણા લાંબા સમય બાદ જોઇ.
‘... ઠીક છે, બાર પત્રોના જવાબ ભલે ન આપ્યા, પણ તેરમા પત્રના જવાબમાં રૂબરૂ મળવા તો આવ્યો!’મનીષાને શાંતિ થઇ. અમિતે ઘણા પત્રોના ઉત્તરો નહોતા આપેલા તેથી સ્વાભાવિક રીતે જ અનેક શંકા-કુશંકા અને સાચા-ખોટા અનુમાન કરી તે વ્યાકુળ બની ગયેલી. મનીષા આજે આખરી નિર્ણય કરીને જ આવી હતી કે, અમિતને કહી દેવું છે, ‘હું તને ન ગમતી હોઉં તો મને સ્પષ્ટ જણાવી દે. પછી હું મારા રસ્તે અને તું તારા રસ્તે.’‘મારા પર ઘણી જ રીસ ચડી હશે ખરું ને, મનીષા?’ અમિતે મનીષાની નજીક આવતાં કહ્યું.‘અમિત, તને શું થઇ ગયું છે?’ ગુસ્સો વ્યક્ત કરવા માટે પૂછી-પૂછીને મનીષાએ આવો પ્રશ્ન પૂછ્યો. કદાચ મનીષાને અમિત સાથે બોલવું જ નહીં હોય, પરંતુ પોતાની લાગણીને ન રોકી શકી.
‘મનીષા, મને તો કશું જ થયું નથી. તને મારામાં કશી નવીનતા જણાય છે?’ અમિત મનીષાનો કહેવાનો મતલબ સમજતો હોવા છતાં કશું જ જાણતો જ નથી એવું બતાવી મનીષાના ગુસ્સાને પ્રોત્સાહન આપવા શક્ય એટલો અભિનય કર્યો. તે એ પણ જાણતો હતો કે, મનીષા જેટલી ઝડપથી ગુસ્સે થાય છે એટલી જ ઝડપથી તેનો ગુસ્સો ઓગળી જાય છે. તેને ભૂલ કબૂલ કરીને માફ કરવાનું કહી દઇએ એટલે તદ્દન લાગણીવશ થઇ જવાની. મનીષા જ્યારે રડતી ત્યારે હંમેશાં પોતાનું મોઢું અમિતના હાથમાં છુપાવી દેતી.
‘અમિત, હું તારામાં ઘણી નવીનતા જોઉં છું. તને સ્પષ્ટ કહી દઉં છું કે, હું તને જો ન ગમતી હોઉં અને મારા કરતાં કોઇ સારી છોકરી...!’‘મનીષા, આ બધું શું છે? તને શું થઇ ગયું છે? તું આવું કેમ માની બેઠી?’‘કેમ ન માનું? મેં તને બાર પત્રો લખ્યા. તેમાંથી તેં મને કેટલા પત્રોના જવાબ લખ્યા? ક્યારેય તને મારી લાગણીનો વિચાર આવ્યો છે?’આટલું બોલવા માટે મનીષાએ માત્ર એક શ્વાસનો જ ઉપયોગ કર્યો.‘મનીષા, એક નાની એવી ભૂલનું આટલું મોટું પરિણામ?’ અમિત ભાવવશ બની ગયો.
‘અમિત, મને તારા જવાબ મળે તેની રાહ હોય કે નહીં?’ મનીષા થોડી શાંત પડી.‘માન કે મને કંઇ થઇ ગયું હોત તો તારા પત્રના જવાબ કેમ આપી શક્યો હોત? અને છતાંય તું તો હવે એમ જ સમજીશ ને કે હું તારા કરતાં રૂપાળી છોકરીને...!’‘ઓહ... અમિત...!’ મનીષાએ અમિતને એકદમ બોલતા અટકાવી દીધો. તે અમિતની આંખમાં આંખ પરોવીને જોઇ રહી હતી. અમિતની આંખ ભીની થઇ ગઇ હતી. સામાન્ય રીતે આવું બને ત્યારે મનીષાના ગુસ્સાની ભરતી ઓટમાં પરિણમવા લાગે એવું અમિત બરાબર જાણતો હતો.
‘મનીષા, તેં ક્યારેય વિચાર કર્યો છે કે, તું ગુસ્સે થાય છે, પછી મારી કેવી દશા થાય છે? છોડ એ બધી લાગણીભરી વાતોને. મેં તારા પત્રોના ઉત્તર નથી આપ્યા એ મારી ભૂલ છે. મને માફ નહીં કરે?’‘અમિત, મારાથી વધારે કહેવાઇ ગયું? વધારે પડતું ગુસ્સે થઇ જવાયું? મને થાય છે કે, આજીવન તારા હાથમાં મારું મોં છુપાવીને રડ્યા જ કરું... રડ્યા જ કરું અને મારાથી થયેલા ક્રૂર વર્તાવ માટે પ્રાયશ્વિત કરું. તો જ મારા આત્માને સંતોષ થશે.’
મનીષા લાગણીશીલ બની ગઇ હતી. અમિત તેની લાગણી ન દુભાય તેનો ખ્યાલ રાખતો હતો. છતાં તેને થયું કે, આજે જો હું મનીષાની લાગણીની પરવા કરીશ તો મનીષા વાસ્તવિકતાથી અજાણ રહેશે. હું ક્યા કારણોસર પત્રોનો જવાબ નથી લખી શક્યો, તે વિશે મનીષાને સ્પષ્ટ કહી દેવું જોઇએ તેમ તેને લાગ્યું. પહેલાં તો આ વિચાર આવતાં એને થયું કે પોતાની વાસ્તવિકતા જાણીને મનીષા દુ:ખી થઇ જશે, એને કોઇ જાતની તકલીફ પડે એવી કલ્પના કરવી પણ અમિત માટે અઘરું હતું. તેમ છતાં મનીષાને હકીકતથી વાકેફ કરવી જરૂરી પણ હતું.
અંતે અમિતે મનીષાને કહ્યું, ‘લે મનીષા, તારી ઇચ્છા પૂરી કરી લે. મારા હાથમાં તારું મોઢું છુપાવીને જેટલું રડવું હોય તેટલું રડી લે કેમ કે આવો મોકો આ જિંદગીમાં તને ક્યારેય નહીં મળે.’આટલું કહ્યા બાદ અત્યાર સુધી પાછળ રાખેલા બંને હાથ અમિતે મનીષા તરફ લંબાવ્યા અને...??મનીષાની આંખે અમિતના હાથ જોયા-ન જોયા ત્યાં તો તેના મોઢામાંથી ચીસ નીકળી ગઇ.
‘અમિત, તા... રા... બંને હાથ?’અને એ અમિતને વળગીને રડી પડી. અત્યાર સુધી પોતે અમિત વિશે જે વિચારો કરેલા, જે વર્તન એની સાથે કર્યું હતું, તે બધું યાદ આવતાં મનીષાને પસ્તાવો થવા લાગ્યો. અમિત તો મૌન ઊભો હતો. એની આંખમાં પાણીની પાળ બંધાઇ હતી ખરી, પણ એ પાળ તૂટવા ન દેવા માટે એ મક્કમ હતો.
મનીષાની આંખમાંથી વહેતાં આંસુથી એનો ઝભ્ભો ભીંજાઇ રહ્યો હતો. મનીષાને પારાવાર પસ્તાવો થઇ રહ્યો હતો. પોતે લખેલા બાર પત્રોના ઉત્તર અમિત તરફથી નહોતા મળ્યા, પણ તેરમા પત્રના આવા અનપેક્ષિત ઉત્તરની એણે ક્યારેય કલ્પના સુદ્ધાં કરી નહોતી. વેલની જેમ વળગીને ઊભેલી મનીષાને પોતાના તેરમા પત્રનો ઉત્તર મળી ગયો હતો.