મહાપર્વ જન્માષ્ટમીના દિવસે જાણે કે પોતાના ઘરે નવજાત શિશુ જન્મ્યું હોય અને પુત્ર પ્રાપ્તિ થઇ હોય તે પ્રકારનો ઉત્સાહ, આનંદ હિંદુ ધર્મના દરેક માનવીના મુખારવિંદ પર જોવા મળે છે. કૃષ્ણ કોઇને પારકા લાગતા નથી. તેથી જ તો ગલીએ ગલીએ અને ઘરે ઘરમાં બસ એક જ નાદ સંભળાય છે...
આજથી પાંચ હજાર વર્ષ પહેલાં દ્વાપરયુગના અંતમાં ક્રૂર કંસમામાએ તેના છ ભાણેજોને એક પથ્થરની શિલા પર પટકીને શરમ સંકોચ વિના મારી નાખ્યા હતા. હવે સાતમા બાળક તરીકે ભગવાન શ્રીબલરામ માતા દેવકીના ગર્ભમાં આવ્યા હતા, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની યોગમાયા થકી બલરામજીનું સ્થાનાંતર વસુદેવજીની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં કરવામાં આવ્યું. આ બાજુ દેવકીને સાતમું બાળક જન્મ્યું ન હોવાથી કંસ અને તેના દુષ્ટ મિત્રોએ માની લીધું કે, દેવકીને ગર્ભપાત થઇ ગયો છે.
હવે દેવકીને આઠમું સંતાન જન્મશે તો તે નક્કી મારું કાસળ કાઢનાર હશે. તેવું વિચારીને કંસમામાએ જેલમાં પહેરેગીરોનો કાફલો ગોઠવી દીધો. દેવકીના શરીરની દિવ્ય ઓજિસ્વતા જોઇને કંસને ખ્યાલ આવી ગયો કે, શ્રીકૃષ્ણ દેવકીજીના હૃદયમાં પધારી ચૂક્યા છે. કંસે આયોજન કરી લીધું કે આઠમો ભાણેજ જે સમયે જન્મે તે વખતે જ તેનું કાસળ કાઢી નાખવું.
પવિત્ર શ્રાવણવદી અષ્ટમીના દિવસની મધ્યરાત્રિએ મથુરાની જેલમાં દિવ્ય અજવાળાં પથરાયાં. માતા-પિતા દેવકી-વસુદેવ સમક્ષ ભગવાન કૃષ્ણ ચતુર્ભુજ (વાસુદેવ-શ્રીવિષ્ણુ) રૂપે પ્રગટ થઇને અવતર્યા. પછી તો ભગવાનની આજ્ઞાનુસાર વસુદેવજી એક ટોપલીમાં બાલકૃષ્ણને મૂકીને યમુના નદીને પેલે પાર ગોકુળમાં જવા માટે રવાના થયા મુશળધાર વરસાદને લીધે યમુના કાંઠે પૂર આવ્યાં હતાં, પરંતુ વસુદેવજીએ યમુનામાં પ્રથમ પગ મૂક્યો કે તત્કાલીન નદીએ માર્ગ આપ્યો. ભગવાન સંકર્ષણ (બલરામ) પોતે અનંતદેવ શેષનાગ રૂપે તેમની ફેણ વડે વસુદેવની પાછળ રહીને છત્રી આકારે વસુદેવજીના મસ્તક ઉપર ઘટાટોપ થયા.
વિના વિઘ્ને યમુના પાર કરીને વસુદેવજી ગોકુળમાં આવેલા નંદરાજાના મહેલ નંદાલયમાં પહોચ્યા. એક જ પિતાનાં બંને સંતાન હોવાથી વસુદેવ અને નંદરાય બંને એકબીજાને ભેટ્યા. અંદરોઅંદર ગૂઢ મસલત કરીને અંતે નંદરાયજીએ વસુદેવજીને જણાવ્યું કે - મધ્યરાત્રિ દરમિયાન યશોદાજીએ પુત્રીને જન્મ આપેલ હોવાથી પ્રસવપીડાથી યશોદામૈયા બેભાન સ્થિતિમાં છે. માટે તેઓ પુત્રને યશોદાની પડખે મૂકીને પુત્રીને પોતાની સાથે લઇ જાય. વસુદેવજીએ તે પ્રમાણે કાર્ય કરીને વળતાં અંધકારમય રાત્રિમાં જ મથુરાની જેલમાં આવી ગયા. આ રીતે વસુદેવ-દેવકી પૂર્વવત્ જેલના સિળયા પાછળ ગોઠવાઇ ગયાં. અંધારી રાત્રિએ શું ઘટના બની તેની જાણ વસુદેવ, નંદરાય, દેવકી અને કનૈયા વિના કોઇનેય નહોતી.
હવે સવાર થતાં જ મથુરાની જેલમાં બાળકીએ રડવાનું ચાલુ કર્યું. ગુપ્તચરોએ કંસને સત્વરે સમાચાર આપ્યા કે દેવકીને આઠમા સંતાન રૂપે બાળકીનો જન્મ થયો છે. આ સમાચારથી કંસ ખુલ્લી તલવારે દેવકી-વસુદેવ સમક્ષ હાજર થઇ બોલ્યો, ‘હે દેવકી! ક્યાં છે મારો કાળ? લાવ મારી પાસે’ દેવકી અને વસુદેવજીની આજીજી છતાંય બાળકીને દેવકીના ખોળામાંથી છીનવી લીધી. બાળકીના બે પગ પકડીને તેને નિર્દય રીતે ઊંધા માથે પથ્થર પર પટકી. પરંતુ આ શું? અહો આશ્ચર્ય! અચાનક બાળકી કંસના હાથમાંથી છટકી ગઇ અને આકાશમાં જઇને અષ્ટભુજાળી દુગૉનું રૂપ ધારણ કરીને કંસ સામે વળતું અટ્ટહાસ્ય કરવા લાગી.
પછીથી તેણે કંસને ઉદ્દેશીને કહ્યું કે ‘હે મહામૂર્ખ કંસ! તું મને શું મારી શકવાનો હતો, તને મારનારો તારો કાળ તો ક્યારનોય આ પૃથ્વી પર અવતરી ચૂકયો છે.’ હવે કંસને ખ્યાલ આવ્યો કે તે આયોજનમાં નિષ્ફળ ગયો છે. આ બાજુ ગોકુળમાં શ્રાવણ વદ નોમના દિવસે સવારમાં જ વાયુવેગે સમાચાર ફેલાઇ ગયા કે, યશોદામૈયાને પુત્રની પ્રાપ્તિ થઇ છે. લોકસમુદાયનાં ટોળેટોળાં નંદાલયમાં નંદ-યશોદાને વધાઇ આપવા માટે આવવા લાગ્યાં. ગોપ-ગોપીઓ-ગોવાળોનો સમુદાય નંદરાજાના આંગણે નંદોત્સવની ઉજવણીમાં પરોવાઇ ગયો. નવજાત શિશુ (કનૈયા)ના જાતકર્મ સંસ્કાર સ્નાન કરાવીને યજ્ઞ વડે શુિદ્ધકરણ કરાવવામાં આવ્યું. ગોવાળો અને ગોપીઓ ગાવા લાગ્યા કે - ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.’ આમ બીજા દિવસે ગોકુળમાં નંદોત્સવની ઉજવણી થઇ.
જન્માષ્ટમીની ઉજવણીનો એકમાત્ર હેતુ અને હાર્દ છે, ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીબલરામજીના કીર્તન, જપ-સ્મરણ મહામંત્ર-હરેરામ હરેકૃષ્ણ, થકી ઉજવણી કરવી જોઇએ.
અસ્તુ.
બાળકૃષ્ણની મટુકીમાંથી માખણ ચોરવાની લીલાનું સ્મરણ કરીને આજના યુવાનો માને છે કે પોતે બાળકૃષ્ણના મિત્ર છે અને એની જેમ મટુકી ફોડીને માખણનો પ્રસાદ લે છે.
...કાના હો કાના
આંખલડી મારી અધીરી, તારા દર્શન કાજે.જન્મોજનમનો અધૂરો, તારા દર્શન કાજે.પ્રભુ કોલ દઇ વિસરી જાવું, એ રીત ક્યાંની?કે પછી, વૈકુંઠ વિરમી જાવું, એ પ્રીત ક્યાંની?...કાના હો કાના- વેદના વિરહની મારી વધતી ચાલી, હવે કોને કહું?મારા દિલની તને સોંપી ચાવી, હવે ક્યાં રહું?પ્રભુ, હવે તો પ્રભાત થયું, તારી યાદમાંકે પછી, અસ્ત બધું થયું, રાધાના સાદમાં.... કાના હો કાના-
અવતરણની રાહમાં વહ્યાં છે આંસુ, તારી આશમાંનયનો થયાં છે રાતાં, એ જ આશમાંપ્રભુ, વેરણ થયાં તારા વાંસળીના સૂર, સમજાવશે કોણ?કે પછી, ખુદ થયા બેસૂર સમજાવશે કોણ?તારા વિના છે અધૂરી રાધા, જાણે છે આખું ગામહવે બહુ થયું છે માધા, મૂકો વૈકુંઠધામ.પ્રભુ, હવે છોડ્યા જગત વ્યવહાર, તારી રાહમાં.કે પછી, તોડ્યા તે કોલ કરાર, રાધાની ચાહમાં....કાના હો કાના-
(આ) કાયાને કરી હવે રમતી, શણગારશે કોણ?(એ) જીવ-જગત જગદીશમાં ભમતી, સમજાવશે કોણ?પ્રભુ, તારા દર્શન ને કાજ, છુટયાં સઘળાં કામ.તો પછી, અવતરો આજ ને આજ, છોડો વૈકુંઠધામ. ...કાના હો કાના-