Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Jokes
 

અ.સૌ. મિશેલબેન બરાકભાઇ

 
Source: Vyang Vishva, Jagdish Trivedi   |   Last Updated 12:47 AM [IST](13/08/2010)
 
 
 
 
 
મેં તમારો અટાણ લગી સુખમાં સાથ દીધો અને હવે પાકિસ્તાન જાવ છો ત્યારે સાથ છોડી દઉં એવી સ્વાર્થી હું નથી.

સૌડાયરાને ઝાઝા કરીને જે માતાજી બાપ, મેં વિહામા પહેલાં અધૂરી મૂકી’તી ઇ વારતાને આગળ વધારું છું. ધોળાઘરની મહારાણી બહેનબા મિશેલબેને પોતાના સાયબાને સોય ઝાટકીને કહી દીધું કે તમે નરકમાં જાવ પણ પાકિસ્તાન નો જાવ, તે દિ ઓબામાએ પૂછ્યું ચ્યમ ત્યારે ઇના જવાબમાં મિશેલબેને કોયલ જેવા મેઠા અવાજમાં ગીત ગાયું, તમને વહાલી સરકારુની નોકરી રે, અમને વહાલા તમારા પ્રાણ ગુલાબી, નહીં જાવા દઉ ચાકરી રે પોતાની પરણેતરનો પ્રેમ ભાળીને બરાકભાઇની બેય આંખ્યુના ચારે-ચાર ખૂણા ભીના થીયા છે પણ પોતે અમેરિકા જેવા દેશનો રાજા છે એનું સોળે સોળ આની ભાન રાખીને બરાકભાઇ એટલું બોલ્યા કે સાંભળ્યું? મારે જાવું પડશે.

આ સાંભળીને મિશેલબેન એટલું બોલ્યાં કે તો હુંય તમારા ભેળી આવીશ, હેં...કે...હા, મારા નાથ, મારા સ્વામી, આપણે જ્યારે ચર્ચમાં પાદરીની સાક્ષીએ પરણ્યાં ત્યારે સોગંદ ખાધા છે કે સુખ અને દુ:ખમાં એકબીજાનો પડછાયો થઇને રહેશું. હે સાયબા, મેં તમારો અટાણ લગી સુખમાં સાથ દીધો અને હવે પાકિસ્તાન જાવ છો ત્યારે સાથ છોડી દઉં એવી સ્વાર્થી હું નથી.
છેલ્લે ઓબામા એટલું બોલ્યા કે તમે મારા ભેળા આવો તો મારું લોહી ભાળો, મને મરતો ભાળો, પતિના મોઢામાંથી મોતની વાત સાંભળીને બેનબા મિશેલબેન ધણીના મોઢા આડો હાથ દઇને એટલું બોલ્યાં કે તમને જીવતા રાખવા છે એટલે તો જાવાની ના પાડું છું-મિશેલબેને બહુ કાકલૂદી કરી, બહુ કાલાવાલા કર્યા, છેલ્લે પતિના પગ પકડીને રોતાં-રોતાં ગાયું કે આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ, કેમ કરી મારા દખના દા’ડા જાય મારો પરણ્યો હાલ્યો છે વેરણ ચાકરી રે લોલ, છતાં ઓબામા એક ટળીને બે નો થીયા એટલે ગાડાં જેવડો નિહાકો નાખીને બેનબા મિશેલબેને પૂછ્યું કે તો તમે કયે આવશો? હે...? તમે ચેદી આવશો?

એના જવાબમાં ઓબામા ગાય છે, તમારે ડાર્લિંગ સૈયર સામટી રે લોલ.. રેજો તમે રજવાડાની રીત ગોરી, રેજો તમે આપણા કુટંબ કેરી રીત, મારા પંડડા રેહે તો પાછા પુગશુ રે લોલ.

જાતા જાતા ઓબામાએ એટલું પૂછ્યું કે રાણી... તમારા સાટુ શું લાવું? ત્યારે મિશેલબેન બોલી કે મારે કંઇ જ ખપતું નથી છતાં તમારે લાવવું જ હોય તો બે ચીજ લાવજો, એક આવો ને આવો દેહ લાવજો અને આવો ને આવો નેહ લાવજો.

બેય માણાની ચારે-ચાર આંખ્યુના આઠે આઠ ખૂણા ભીના થીયા છે. ધૂળની ડમરીયું ઉડાડતી મોટર ઓબામાને લઇને અસ્તાચળમાં ઓગળી ગઇ. બેનબા મિશેલ લાચાર બનીને પોતાના કંથડાને જાતો જોઇ રહી.

વિમાન મથક જઇને ઓબામા બલૂનમાં બેઠા છે. પોતાના દેશના પરમુખને ઉપાડીને વિમાન ઘરઘરઘરઘરઘર કરતું આકાશની માલીકોર ચડ્યું છે. થાકેલા ઓબામાને ઊંઘ આવી ગઇ. આઠેક કલાકની ઘાટી નીંદર કરીને જેવા ઓબામા જાગ્યા, સાવજની જેમ આળસ મરડીને બેઠા થીયા. વિમાનની બારીની ઝાંપલી જ્યાં ઊંચી કરીને બહાર નજર કરી તો ઉગમણી દિશામાં સૂરજનારાયણને ઊગતા ભાળ્યા. તેદી’ પોતાના બેય હાથ જોડીને ઓબામા એટલું બોલ્યા’તા કે ભલે ઉગા ભાણ, ભાણ તીહારા લઉ ભામણા, મરણ-જીવન લગ માન, રાખજે કશ્યપરાઉત.

અમેરિકાની ન્યૂઝચેનલ જે વાતને બે વાક્યમાં બોલી નાખે એને આપણો લોકકલાકાર બે દિવસ સુધી બોલી શકે. ઓબામા પાકિસ્તાન જઇને પાછા આવતા રહે છતાં આપણા કળાકારની કળા પૂરી ન થાય તે લોકસાહિત્યની તાકાત છે.

વ્યંગ વિશ્વ, જગદીશ ત્રિવેદી
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.