Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Jokes
 

સાસુની મથરાવટી મેલી હોય છે એટલે

 
Source: Idam Trutyam, Vinod Bhatt   |   Last Updated 2:53 AM [IST](20/08/2010)
 
 
 
 
 
ફાસ્ટફૂડના આ જમાનામાં તમારી પુત્રવધૂ સહેજ પણ બોલ્યાં વગર સેન્ડવિચ અને ભેળ બનાવી શકતી હોય તેને ટોમેટો સૂપ પણ બનાવતાં આવડતું હોય ને દાબેલી ખરીદતાંય આવડતું હોય એ પૂરતું નથી?

મારા એક સ્નેહીની પુત્રીએ ફરિયાદભર્યા અવાજે મને કહ્યું કે વિનોદ અંકલ, લગભગ બધા જ લેખકો વહુઓને જ સુધરવાની શિખામણ આપતાં હોય છે, પણ અમારું નસીબ પેલી ઇવ જેવું સારું નથી કે જેને સાસુ નહોતી. સાસુ જાણે દેવની દીકરી હોય એમ એને તો સુધરવાનાં બે વેણ કોઇ કહેતું જ નથી, સુધરવાની સઘળી જવાબદારી પુત્રવધૂની જ છે? સાસુની કોઇ જવાબદારી જ નથી! દાનેશ્વરી કર્ણની જેમ વહુને દીકરો આપી દીધો એટલે વાતવાતમાં વહુને લડવાનો, ધમકાવવાનો ને ‘ચેન્જપ્ત માટે વહુને બાળી મૂકવાનો અધિકાર પણ સાસુને આપોઆપ મળી જાય છે?

આ સાસુઓને પણ આપવા જેવી બે-ચાર સલાહો તમારા જેવાઓએ આપવી જોઇએ... આ દીકરીનું કહેવું ખોટું છે એમ કહેવુંય જોકે સાવ ખોટું છે પરંતુ નવોદિત વહુને કુમળા છોડની પેઠે ધારીએ એમ તેને વાળી શકાય, કિન્તુ ઝાડના થડને એ રીતે વાળવા જતાં તેને વાળવા જનાર જ બેવડો વળી જશે. પાકા ઘડે કાંઠા ચડાવવાનું કામ કેટલું કપરું છે એની તો ઘડો બનાવનારને જ ખબર પડે.. છતાં ભલે, તો આજે સાસુને સુધારવા માટે બે વાત તેના કાનેય નાખીએ, જોકે તેને સુધરવાની ગેરંટી તો ખુદ સાસુય આપી શકશે કે કેમ એની આગાહી કરવી મુશ્કેલ છે, કેમ કે એક મા લેખે તેનો ત્યાગ અમૂલ્ય છે. પાળી પોષીને બાવીસ-પચ્ચીસ વર્ષનો કરેલ દીકરો ઘડીના છઠ્ઠા ભાગમાં પારકી જણીના ચરણે ધરી દેનાર માને આપણે કહી કહીને કેટલું કહી શકીએ!

***************

મંજુબહેન એક અજાણી છોકરી કે જેણે તમને કાળા યા ધોળા, સ્વપ્નમાંય જોયાં નથી એ તમારા ઘરમાં પેસતાં જ તમને મમ્મી કહેવા મંડી જાય છે. પોતાનાં સગાં ભાઇ-બહેનોને છોડીને આવેલી એ દીકરી તમારાં અન્ય સંતાનોને દિયેર, જેઠ અને નણંદ બનાવી દે છે. બાપનાં નામ-અટકને તડકે મૂકીને તમારા પરિવારની અટક પર જ અટકી જાય છે, એ અટકને આત્મસાત્ કરી લે છે. તમારા ત્યાગની સામે એ દીકરીનો ત્યાગ તમે ઓછો ગણો છો?

તમારા પરિવારને સુખી કરવા ને સાથે સાથે પોતેય સુખી થવા તમારા કુટુંબમાં તે ઝંપલાવતી હોય છે. સાસરેથી ઝઘડીને આવેલી મોટી નણંદનેય તેણે બોનસમાં સ્વીકારી લીધી છે અને ધારો કે આ સબબે તેનું ભાગ્ય સારું હોય તો પણ લગભગ દરેક ઘરમાં એકાદ બદમિજાજ કે એમ.આર. (મેન્ટલી રિટાર્ડેડ) દિયેર યા જેઠ અથવા તો કકળાટિયણ નાની નણંદ હોય છે. ઉપરાંત પતિ પણ એકાદ નાનું-મોટું વ્યસન ધરાવતો હોય તે છતાંય આવા વાતાવરણમાં ગોઠવાઇ જવા તે હૃદયપૂર્વક પ્રયાસ કરે છે-આની કોઇ વિસાત ખરી કે નહીં?

અલબત સાસુ-વહુની લડાઇ એ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની લડાઇ નથી હોતી, પણ ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચેની પેઢી પેઢી વચ્ચેની સમય સમય વચ્ચેની લડવાડ જ હોય છે. મારી સાસુએ મને હખે (સુખે) ધાન ખાવા નહોતું દીધું કે નો’તું મારા પેટે પાણી પડવા દીધું ને સાસુ સામે નિસાસો નાખવાનીય મારી હિંમત નહોતી, ચંપકિયાનો બાપ પણ માવડિયો થઇ એની માનો મારા પરનો ત્રાસ ચૂપચાપ જોયા કરતો, પણ માને વારતો નહીં, જ્યારે હું વહુને કશું કહેવા જાઉં છું તો મારો જ પેટનો જણ્યો ચંપકિયો એની બાયડીનું ઉપરાણું લઇને મને દબડાવે છે, સાવ વહુઘેલો છે.

મને તો થાય છે કે આવા વાતાવરણમાં ઉછરેલી સાસુ પોતાની સાસુએ કરેલ અન્યાયનો બદલો પોતાની વહુ સામે લેવાની મનોવૃત્તિ ધરાવતી હશે, જોકે તેના અચેતન મનમાં, તેની જાણ બહાર આવું બધું ચાલતું હશે! તાજેતરમાં એક કિસ્સો એવો જાણવા મળ્યો જેમાં એક સાસુ મંત્ર-તંત્ર કરતા એક તાંત્રિક પાસે ગઇ ને રૂપિયા ત્રીસ હજાર એ તાંત્રિકે તેની પાસેથી ધૂતી લીધા. તાંત્રિક પાસે જનાર એ સાસુ દોરા-ધાગાથી તેની પુત્રવધૂનું ધનોતપનોત કાઢી નાખવા માગતી હતી, પુત્રવધૂનું પાણી ઉતારી નાખવાની નેમથી તે તાંત્રિક પાસે ગયેલી, પણ પુત્રવધૂનું પાણી ઉતારી શકી નહીં એટલે પછી વિકલ્પે એ તાંત્રિકનું પાણી ઉતારી નાખ્યું, તેને જેલયાત્રા કરાવી દીધી, સાસુ એ પણ ભૂલી ગઇ કે પુત્રવધૂ મારા દીકરાનું અડધું અંગ છે.

***************

દીકરીને વહુ થવાની તાલીમ નાનપણથી જ એની મા પાસેથી મળવા માંડે છે. સાસરે જઇને સાસુ સાથે કેવી રીતે વર્તવું એ દીકરીને વારંવાર કહેવામાં આવે છે. જ્યારે સાસુને તો આદર્શ સાસુ બનવાની ટ્રેનિંગ પોતાની સાસુ દ્વારા પ્રાપ્ત થતી હોય છેતે વહુ હતી એ દિવસોમાં સાસુએ તેના પર ગુજારેલો એવો સીતમ તેના વડે તેની વહુને સહન કરવો ના પડે એટલું તો તે ચોક્કસ કરી શકે-સવાલ ઇચ્છાશક્તિનો છે.

***************

સુનીતા તને હાંડવો બનાવતાંય નથી આવડતું? એ તો સાવ સહેલું છે. તારી મમ્મીએ તને આટલુંય નથી શીખવ્યું? તને વેઢમી બનાવતાં ન આવડે એ હજી સમજાય, પણ રોટલો ઘડતાંય નથી શીખી? બહુ કહેવાય. ગામડાની ગમે તેવી ગમાર-અભણ સ્ત્રીનેય રોટલા બનાવતાં તો આવડે છે ને તું પાછી એમ.એ. થયેલી છું, તને શરમ કે સંકોચ જેવું નથી થતું?

રોટલા ટીપતાં નહીં આવડવા બદલ વહુને તમે કડવાં વેણ કહો છો, પણ તમને એ દિવસો યાદ આવે છે જ્યારે તમારાં મધરે તમારા હાથ પર વેલણ ફટકારી ફટકારીને તમને ગોળ રોટલી વણતાં માંડ શિખવાડેલું! મધર આઘાં-પાછાં હોય ત્યારે ભીના લોટને જેમ તેમ પાથરીને એના પર મોટો વાટકો દબાવી બિલકુલ ગોળાકાર રોટલી બનાવ્યાની વધાઇ મા પાસે ખાઇ તમે શાબાશી મેળવતાં! આ અંચઇ ના કહેવાય?

એકવાર કઢીમાં કડવા લીમડાની મોટી ડાળ નાખી દેવાને કારણે તમને એક અઠવાડિયા માટે ‘વધુ અભ્યાસાર્થે’ પિયર રવાના કરવામાં આવેલાં એ તમે સાવ ભૂલી ગયાં, મંજુબહેન?... ફાસ્ટફૂડના આ જમાનામાં તમારી પુત્રવધૂ સહેજ પણ બોલ્યાં વગર સેન્ડવિચ અને ભેળ બનાવી શકતી હોય, તેને ટોમેટો સૂપ પણ બનાવતાં આવડતું હોય ને દાબેલી ખરીદતાંય આવડતું હોય એ પૂરતું નથી? રોટલી-રોટલાની ક્યાં માંડો છો-બજારમાં બ્રેડ તો જોઇએ એટલી મળે છે, નથી મળતી? તો પછી!

***************

રસોઇયાના હાથે ઘણીવાર રસોઇ બગડતી હોય છે, એ પ્રોફેશનલ હોવા છતાં એના હાથે મસાલા ઓછા-વત્તા નથી પડતા? તો નવોદિત પુત્રવધૂ અતિ ઉત્સાહ અને ઉદારતાથી દાળ-શાકમાં ક્યારેક વધારે મીઠું નાખી દે તો મૂંગા મોંએ ને મરચાનું પ્રમાણ થોડું વધારે હોય તો પણ તમારે બહુ મોટેથી નહીં એવા માફકસરના સીસકારા સાથે પીરસવામાં આવેલ ભોજન કમનેય આરોગી જવાની ટેવ પાડવી જોઇએ. જેથી પુત્રવધૂ અપરાધભાવ ન અનુભવે. તમને તો ખબર જ છે કે વહુ પણ એ જ રસોઇ જમવાની છે, તેનેય સ્વાદમાં ગરબડ થયાની ખબર પડી જ જશે.

સ્વરચિત રસોઇ માંડ પોતાના ગળે ઉતાર્યા બાદ તે તમને પૂછે કે મમ્મી, દાળમાં મીઠું જરા વધારે પડી ગયેલું, નહીં? ત્યારે કટાક્ષ ન લાગે એમ ઠાવકું હસીને કહી દેવું કે દાળ તેં થોડી વધારે બનાવી હોત તો દાળ આટલી બધી ખારી ન લાગત. એ તો બેટા ચાલ્યા કરે, કામ કામને શીખવે. એમ તો કોઇવાર મારા હાથેય વધારે મીઠું નથી પડતું? દરેક ઘરની રાંધવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. તારા હાથે રોજ ક્યાં મીઠું વધારે પડે છે! આવું હોય ત્યારે તારા સસરાની વાડકી દાળ જુદી કાઢી લેવી, તેમને બી.પી. છે ને એટલે, બાકી આપણને તો બધુંય ચાલે.

અને વહુથી અજાણતામાં ક્યારેક સારી ને સ્વાદિષ્ટ રસોઇ બની જાય તો તેનાં વખાણ અચૂક કરવાં, તેણે કરેલી મહેનતનો થાક ઊતરી જશે ને એકવાર તેના કાનને પ્રશંસા સાંભળવાની ટેવ પડી જશે તો રસોઇનું ધોરણ આપોઆપ સુધરવા માંડશે, બાકી રસોઇ અંગે કાયમ કચકચ કરશો તો અકળાઇને તમને તે કહી દેશે કે મારી માએ તો મને આવું જ રાંધતાં શીખવાડ્યું છે. આનાથી સારું ખાવું હોય તો જાતે રાંધી લેવું. પત્યું! પછી રસોડું કાયમી ધોરણે તમારા ગળે ભરાઇ જશે. એક વાત યાદ રાખો, આપણે જીવવા માટે ખાઇએ છીએ. વહુને એવું લાગવું ન જોઇએ કે ડોસી તો દહાડે દહાડે સ્વાદિયણ બનવા માંડી છે.

ના, સુનીતા તમારા પગ કે માથું નહીં દબાવે (તમારા ગળાની ગેરંટી નહીં, એનો આધાર તમારા તેની સાથેના વ્યવહાર પર છે) એને બદલે તે સ્ટોપેક કે એનાસિનની ટીકડી આપે તો ઓછું લાવ્યા વગર તે ગળી લેવી. અપેક્ષા જ સર્વ દુ:ખોનું મૂળ છે. એ દિવસો ગયા વહુ માથું દબાવી આપે!
વહુની વાત વહુ પાસે, પણ આપણે સુખી રહેવું હોય તો શક્ય હોય ત્યાં સુધી આંખ-કાન ખુલ્લાં રાખવાં ને મોં બંધ રાખવું જેથી આપણા મોંમાંથી અપ્રિય વાણી બહાર આવતી અટકશે ને એથી શક્તિ તેમજ આયુષ્ય બંને વધશે. જોકે એક વાત છે, આયુષ્ય વધવાવાળી વાત વહુને બહુ નહીં ગમે-વહુને ગમતું બધું તો કેવી રીતે કરી શકાય?

જોકે સાસુની મથરાવટી મેલી હોય છે એટલે સમાજમાં પોતાની આબરૂ ઊજળી કરવી હોય તો દરેક સાસુએ, તેની સાસુ તો લાખોમાં એક છે એવું સર્ટિફિકેટ પોતાની વહુ પાસેથી મેળવવા માટે હૃદયપૂર્વકનો સાચકલો પ્રેમ વહુ પર ઢોળવો જોઇએ.
થોડાંક વર્ષો પૂર્વે અમદાવાદમાં શ્રેષ્ઠ સાસુઓની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર વહુઓએ તેમની સાસુઓનાં વખાણ ભરપેટ કર્યા હતાં. અલબત્ત આ વહુઓની એફિડેવિટ લેવામાં આવી નહોતી, હા એ ખરું કે આ વહુઓ જે કંઇ બોલી હતી એ સ્વેચ્છાએ, સાસુજી જેવાં આંતરિક કે બાહ્ય દબાણ વગર બોલી હતી-તેમને જોકે ખબર તો હતી જ કે આ કાર્યક્રમ પત્યા બાદ સાસુનાં ઘરે જ જવાનું છે. (ચોખવટ : ઘર કાયમ સાસુઓનું જ હોય છે, સસરાઓનું નહીં)

જાહેરમાં શ્રેષ્ઠ સાસુ હોવાનો એવોર્ડ મેળવનાર સાસુ ખાનગીમાં પણ પોતાની શ્રેષ્ઠતા ટકાવી રાખવા દિલથી મથશે અને વહુ-દીકરીને તો આમાં ફાયદો જ છેને! આમ જોવા જઇએ તો દીકરી નામની કળી તો પિયરનાં કુંડામાંથી સસુરાલ નામના કુંડાની તદ્દન નવી જ માટીમાં ફૂલ બનીને ખીલવા આવી છે-તેને પણ વહુ મટી દીકરી થવું છે. તેને માટે તો આ જ સાચું ઘર છે.

***************

આ ગયો એ જાન્યુઆરી મહિનાના અખબારમાં સમાચાર હતા કે નવસારી પાસેના એક ગામમાં એક સાસુ-વહુ ઘણાં વર્ષોથી મા-દીકરી બની સાથે રહેતાં હતાં. વૃદ્ધાવસ્થાને કારણે સાસુ ગુજરી ગઇ, એ સમાચાર જાણતાં જ ઘરના ખૂણે ઊભેલી પુત્રવધૂ પણ ત્યાં જ ફસડાઇ પડી. ગુજરી ગઇ. બંનેથી સ્મશાનયાત્રા એક્સાથે નીકળી જેને અહોભાવથી જોવા આખું ગામ ઊમટયું હતું...

આ સમાચાર અહીં મૂકવા પાછળનો અમારો હેતુ એવો નથી કે સાસુની પાછળ પાછળ વહુએ પણ જવું. ઘણી સ્ત્રીઓ ભવોભવ એ જ પુરુષને પતિ તરીકે માગતી હોય છે, એની પાછળ કદાચ વેરવૃત્તિ કામ કરતી હોય એમ પણ બને, કિન્તુ આ વેરભાવના ઠેક સાસુ સુધી ખેંચવામાં આપણી શોભા નહીં. સાસુને એકલીને જ્યાં જવું હોય ત્યાં સુખેથી જવા દેવી. આ રીતે સાસુની પાછળ ના પડાય. સાસુ ક્યાં જાય છે એવા કુતૂહલથી પણ તેનો પીછો ન કરવો. તેનાં સુખમાં જ આપણું સુખ સમજવું. મારું કહેવું ખોટું છે?

ઈદમ્ તૃતીયમ્, વિનોદ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.