પૃથ્વી પરના હરતાફરતા શાપિત અને સાક્ષાત્ ગાંધર્વ એટલે પંડિત હૃદયનાથ મંગેશકર. ઘણુંખરું શ્વેત વસ્ત્રોમાં સજજ રહેતા મોટા ગજાના આ સંગીતકાર છેલ્લા સાત સાત દાયકાથી હિન્દી અને મરાઠી ફિલ્મ સંગીતના ક્ષેત્રે છવાયેલા છે. તેમણે જીવનમાં સફળતાને ભારોભાર પચાવી જાણી છે તો નિષ્ફળતાઓનો સ્વાદ પણ બરોબર ચાખ્યો છે.
એમને જોઇને એવું લાગે કે શુદ્ધ સંગીતના સાતેય સૂરો એમનાં ચરણોમાં ચૂપચાપ સેવાર્થો ઊભા છે. એ સાવ અલગારી જીવ છે. તેમનું જીવન સંઘર્ષથી ભરપૂર રહ્યું છે. એમની સફળતાઓ આભને આંબે તેટલી ઊંચી અને નિષ્ફળતાઓ દરિયાના પેટાળ જેટલી ઊંડી છે. તેમને હિન્દુસ્તાની સંગીતનો આ ઓલિયો જીવ છેલ્લા સાત સાત દાયકાથી હિન્દી અને મરાઠી ફિલ્મ સંગીતના ક્ષેત્રે છવાયેલો છે. એમના પરિવારના એકેએક સભ્ય ભારતીય સંગીતની આન-બાન-શાન બની રહ્યા છે. એ પોતાના લાખો ચાહકોનાં હૃદયનો નાથ છે. એમનું નામ પંડિત હૃદયનાથ મંગેશકર છે. તેઓ ફિલ્મ ‘લેકિન’ના પ્રોડ્યૂસર છે.
મરાઠી સંગીતના ક્ષેત્રે તેમનું યોગદાન એવરેસ્ટ જેટલું ઊંચું છે. હિન્દી ફિલ્મ સંગીતમાં પણ તેમનું પ્રદાન અવિસ્મરણીય બની રહ્યું છે. સોનાની લગડી જેવા ‘લેકિન’નાં ગીતો હજુ આજે પણ સાંભળનારના કાનમાં અમૃતરસ ધોળે છે. તેઓ પોતે ‘લતાદીદીના ભાઈ’ તરીકે ઓળખાવાને બદલે ‘સારા સંગીતકાર’ તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. હૃદયનાથે જીવનમાં અનેકવાર ચડતીપડતી જોઈ છે. તેમનું નિરભિમાની, નિદઁભ વ્યક્તિત્વ અનેક લોકો માટે પ્રેરણાદાયી બની રહે છે. આવા મૂઠી ઊંચેરા ‘માણસ’ને મળવાનો મોકો અમદાવાદના આંગણે મળ્યો. પ્રસ્તુત છે તેમની યાદગાર મુલાકાતની ઝલક.
ગાયક હૃદયનાથ ગાયકીમાંથી સંગીત નિર્દેશન તરફ કેવી રીતે વળ્યા?
હું આઠ વર્ષનો હતો ત્યારે પ્રસિદ્ધ સંગીતકાર નૌશાદસાહેબે પહેલીવાર મને ફિલ્મમાં ગાવાનો મોકો આપ્યો અને એ ગીત ‘યે દુનિયા કૈસી હે ભગવાન, જહાં મર મર કર જિએ ઇન્સાન’ હતું. એક રીતે આ ગીત એ વખતે મારા પર ખરેખર બંધબેસતું હતું. બાળપણમાં જ મારા સંગીતકાર પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. હું લગભગ ચાર-સાડાચાર વર્ષનો હોઈશ ત્યારે તો મારી મોટી બહેન ‘લતાદીદી’એ અમારા આખા પરિવારની જવાબદારી પોતાના નાજુક ખભા પર ઉપાડી લીધી હતી. તે રાતદિવસ કામ કર્યા કરતી હતી.
એ વખતે અમે બધાં એટલે કે ત્રણ બહેનો આશા, ઉષા અને મીના તથા હું ઘણાં નાનાં હતાં. ‘લતાદીદી’ને સતત કામ કરતાં જોઇને મને એવું લાગતું હતું કે ‘મારે પણ જલદીથી કોઇ કામ શરૂ કરવું જોઇએ.’ અમારા પરિવારમાં સંગીતનો માહોલ તો મારા જન્મ પહેલાંથી જ હતો એટલે ગળથૂથીની સાથે સંગીતની તાલીમ શરૂ કરી દેવામાં આવતી.
મેં પ્રસિદ્ધ ઉસ્તાદ આમિર ખાં સાહેબ પાસેથી સંગીતની વિધિવત્ તાલીમ લીધી હતી એટલે હું સારી રીતે ગાઈ શકતો હતો. એ વખતે મુંબઈમાં ગણપતિ ઉત્સવનો જબરદસ્ત માહોલ જોવા મળતો હતો. ગણપતિ ઉત્સવ દરમિયાન હું એ બધામાં જતો હતો. જીવવા માટે, પેટ ભરવા માટે કમાવું ખૂબ જરૂરી હતું. એવા કપરા સંજોગોમાં નૌશાદસાહેબે મારો હાથ ઝાલ્યો.
તેમણે મને ફિલ્મ ‘બૈજુ બાવરા’માં મહંમદ રફી સાથે ‘સાચો તેરો નામ, રામ રામ’ ગીત ગવડાવ્યું. ત્યાર પછી અનેકવાર ગાવાની તક મળવા લાગી. મેં હિંદી અને મરાઠી ફિલ્મોમાં બાળગીતો ખૂબ ગાયાં. આમ, આ રીતે ગાયકીની કારકિર્દીની શરૂઆત થઇ, ત્યાં તો હું તરુણાવસ્થામાં પ્રવેશ્યો. તેની અસર મારા અવાજ પર થઇ. આખો અવાજ સાવ બદલાઇ ગયો. તેથી સારી રીતે ગાવું શક્ય નહોતું એટલે પછી સંગીત નિર્દેશનના ક્ષેત્રે વળ્યો.
જીવનના સંઘર્ષમાંથી તમે શું શીખ્યા?
વર્ષો સુધી સંજોગો સામે લડી લડીને કંઈક મેળવવાની અખૂટ શક્તિ મળી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ડગી ન જવું અને હતાશ થયા વગર ધ્યેયપ્રાપ્તિ માટે ખેડ્યા રહેવાનું બળ મળ્યું. કઠિન સંઘર્ષ સામે લડવાની તાકાત માતાપિતાની જીવનગાથામાંથી મળી. હું સંઘર્ષમાંથી એ શીખ્યો કે કપરા સંજોગો સામે સામી છાતીએ લડવું, પીઠ ફેરવવી નહીં.
તમે ઘરમાંથી શા માટે ભાગી ગયા હતા અને ભાગીને ક્યાં જતા રહ્યા હતા?
મને નાનપણથી સંસારમાં કોઇ રસ પડતો નહોતો. મને એવું લાગે છે કે મારા પરિવારની આધ્યાત્મિકતા મને વારસામાં મળી છે. મારા વડીલ પૂર્વજોએ જીવનના અંતિમકાળમાં સંન્યાસ લીધો હતો. જીવનનાં ગૂઢ રહસ્યોને પામવાનું મને હંમેશાં આકર્ષણ રહ્યું છે. જ્યારે જ્યારે મને દિલમાંથી કોઇ કારણસર જબરદસ્ત ધક્કો લાગ્યો છે ત્યારે હું ઘર છોડીને ક્યાંક અજ્ઞાત જગ્યાએ થોડો સમય પૂરતો જતો રહું છું.
મારા આ સ્વભાવને કારણે હજુ આજે પણ મારા પરિવારજનો મારાથી ડરે છે. એ ડરે છે એટલા માટે કે તેમને (પત્ની અને પુત્ર-પુત્રીને) સતત એવું લાગે છે કે હમણાં હું ક્યાંક જતો રહીશ. મારાથી ન ડરનારી વ્યક્તિ ફકત એક જ છે અને એ છે ‘લતાદીદી’. હું ભાગીને મહારાષ્ટ્ર ભ્રમણ કરતો હતો એટલું જ તમને કહી શકીશ. મારું મન બહુ ચંચળ છે. ઘરમાંથી ભાગી ગયા પછી મને ભ્રમણમાં પણ ખાસ રસ ન પડ્યો. વળી, મન બદલાયું એટલે ઘરે પાછો આવી ગયો.
તમારા જીવનમાં વડીલ તરીકે લતાદીદીનું સ્થાન કેવું રહ્યું?
લતાદીદીનું મારા જીવનમાં અદકેરું સ્થાન રહ્યું છે. વડીલ તરીકેની તેમની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે. તેમના પર નાની વયે ઘણી મોટી જવાબદારી આવી પડી હતી. અમારા લોકોના માથે તેમણે ક્યારેય સ્થૂળ રીતે હાથ નથી ફેરવ્યો. તેમને એટલો સમય જ નહોતો મળતો, પરંતુ અમે ભાઈબહેન જે કંઇ કરતાં તેમાં તેમનો અમૂલ્ય ફાળો રહેતો. તેમની પાસે અમને કંઇ શિખવાડવા માટેનો સમય નહોતો. અમે બધાંએ પોતપોતાની રીતે ખુદની કેડી કંડારી છે. મારા જીવનમાં વડીલ તરીકે લતાદીદીનું સ્થાન મહત્વનું છે.
પંડિત દીનાનાથ સ્મૃતિ પ્રતિષ્ઠાનની ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિશે જણાવશો?
મેં ૨૨ વર્ષ પહેલાં પંડિત દીનાનાથ સ્મૃતિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સ્થાપ્યું. આ ટ્રસ્ટ અંતર્ગત દર વર્ષે ૨૪મી એપ્રિલના રોજ સમાજનાં પાંચ અલગ અલગ ક્ષેત્રોમાં ‘જરા હટકે’ કામ કર્યું હોય તેવી સન્માનીય વ્યક્તિને એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ ઇનામ અમિતાભ બચ્ચન, દિલીપકુમાર, શિવાજી ગણેશન્, ધર્મેન્દ્ર, કેપ્ટન લક્ષ્મી અને કિરણ બેદીને અપાયું છે. કલાસિકલ સિંગરને પણ એક લાખ રૂપિયાનો પુરસ્કાર અપાય છે.
તમારા જીવનનું શ્રેષ્ઠ સર્જન કયુ?
શ્રેષ્ઠ સર્જન વિશે જણાવવું મારા માટે અશક્ય છે. જે રીતે દરેક માતાપિતાને તેમનું પ્રત્યેક બાળક ખૂબ જ ગમતું હોય છે તેવી જ રીતે મને પણ મારી દરેક રચના એટલી જ વહાલી છે. તે મેં ભારે મહેનતથી બનાવેલી છે અને મૌલિક પણ છે. તેમ છતાં શારીરિક-માનસિક ખામીવાળું બાળક માતા-પિતાને વિશેષ વહાલું હોય છે તેમ લોકપ્રિય ન નીવડેલી મારી મીઠાશયુકત રચનાઓ મને બહુ ગમે છે.
સમકાલીન સંગીતકારોમાંથી તમને કયા સંગીતકાર ગમે છે? તેમની કઇ વિશેષતા તમને આકર્ષે છે?
મને સલિલ ચૌધરી, સજજાદ હુસૈન, જયદેવ અને મદનમોહન ગમે છે. સલિલ ચૌધરી સાથે તો મેં કામ પણ કર્યું છે. આ બધા સંગીતકારો ખૂબ સહજ રીતે ધૂનો બનાવતા હતા. તેઓ આસપાસના વાતાવરણમાંથી સતત સારું સંગીત શોધતા-સાંભળતા રહેતા એટલે તેમની ધૂનો સહજ રીતે બનતી હતી. મદનમોહનની વિશેષતા એ હતી કે તેઓ ગુણગ્રાહક હતા. નાટક મંડળીમાં જઇને, રંગભૂમિનું સંગીત સાંભળતા. તેનો અર્ક આત્મસાત્ કરીને પછી તર્જ બનાવતા. તે સારું સંગીત સાંભળવા માટે કોઠા પર પણ જતા. સજજાદ હુસૈન ખૂબ પ્રતિભાશાળી કલાકાર હતા.
તમારા પ્રસિદ્ધ આલબમ ‘ચલા વાહી દેશ’ વિશે જણાવશો?
‘ચલા વાહી દેશ’ એ મીરાંનાં ભજનોનો સંગ્રહ છે. તેમાં મીરાંનાં ભજનો લતાદીદીએ ગાયાં છે. મીરાંબાઇના પદ પર ગુજરાતી ભાષાનો અને સંસ્કૃતિનો ઘણો પ્રભાવ રહ્યો છે. તેથી આ ભજનોના રેકોર્ડિંગ વખતે મેં અમારા પાડોશી અને દોસ્ત પુરુષોત્તમભાઇ ઉપાધ્યાય અને દિલીપભાઇ ધોળકિયાને સાથે રાખ્યા હતા. જેથી કરીને હું ગુજરાતી ટચ લાવી શકું અને ગુજરાતી સંસ્કૃતિની ફ્લેવર ઉમેરી શકું. આના રેકોર્ડિંગ માટે હું ખાસ રાજસ્થાન ગયો હતો.
ત્યાંના રણમાં આંધી ઊઠે ત્યારે વિશિષ્ટ અવાજ પણ ઉદ્ભવે છે. મારે આ અવાજ જોઇતો હતો એટલે હું રાજસ્થાનના રણમાં રખડ્યો અને આંધી ઊઠી ત્યારનો અવાજ રેકોર્ડ કર્યો અને તેનો ઉપયોગ આ આલબમમાં કર્યો. આમ આ રીતે જુદી જુદી સાઉન્ડ ઇફેકટ્સ ઊભી કરી હતી. મેં તેમાં એકતારો વગાડાવ્યો હતો. આ આલબમ લતાદીદીનું ફેવરિટ આલબમ છે.
મીરાં ત્રિવેદી