Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ - ૪૭

 
Source: Anjalapani, Mahesh yagnik   |   Last Updated 1:19 AM [IST](18/12/2011)
 
 
 
 
 
ડોસી જીવે છે કે મરી ગઇ છે એની પણ પરવા નથી એમને સમાચાર આપીને શો ફાયદો? એમના મહેલ જેવા બંગલામાં આ ગરીબ ડોસી એક ખૂણામાં પડી રહે એય પસંદ ના હોય એ કપાતરોને આ વાત પહોંચાડવાથી શું ફેર પડશે?

‘અત્યારે તો આ પૈસા જેમ હતા એમ મૂકી દે...’ શિવાનીને સૂચના આપતી વખતે દેવશંકર ગંભીરતાથી કંઇક વિચારી રહ્યા હતા. બોલવાની સાથે જ એ પ્રક્રિયા ચાલતી હતી એટલે એમના હોઠમાંથી તદ્દન ધીમે ધીમે શબ્દો આવતા હતા. પલંગ પર પડેલા પૈસા સામે તાકીને એ જાણે જાત સાથે સંવાદ કરી રહ્યા હોય એ રીતે બબડતા હતા. ‘બાપ તરીકે મારી મજબૂરી કે એ વખતે હેમલાને સીધેસીધું પૂછી શક્યો નહીં. આટલા બધા પૈસાની એને શું જરૂર હતી? એવી તે કેવી કટોકટી આવેલી કે છેક મુંબઇ સુધી ભીખ માગવા જવું પડ્યું?...’ પૈસા ઉપરથી નજર હટાવીને એમણે શિવાની સામે જોયું. ‘એ કોયડો હજુ સમજાયો નથી.

હૈયા ઉપર ભાર ભાર લાગતો હતો અને રહેવાયું નહીં ત્યારે પ્રતીકકુમારને વાત કરેલી. તપાસ કરીને સાચો જવાબ શોધી લાવવાની એમણે જવાબદારી લીધેલી...’ એમણે નિરાશાથી માથું ધુણાવ્યું. ‘આજ સુધીમાં એમણેય કંઇ વાત નથી કરી. જમાઇ ઉપર જોર થોડું કરાય? એ પણ નોકરી-ધંધાવાળા માણસ છે...’‘એ બધું ભૂલી જાવ અને હવે આ પૈસાનું વિચારો...’ શિવાનીએ એમને અટકાવ્યા. ‘જયંતીકાકા કરોડપતિ છે. આ બે નંબરના પાંચ લાખની એમને પરવા ના હોય, પણ આપણા માટે તો આ પૈસા ઉપાધિનું પોટલું છે. બાપા! આ વાતને હળવાશથી લેવાને બદલે કંઇક રસ્તો શોધો...’‘તારી મૂંઝવણ સમજું છું બેટા. બે-ચાર દિવસમાં જ ફેંસલો કરી નાખીશ...’‘શિવાની,...’ નીચેથી દુગૉમાસીએ બૂમ પાડી.

‘ક્યાં છે તું? આ બિલાડી હમણાં દૂધ બોટી જાત... આ તો સારું થયું કે હું આવી. દૂધ ઉપર ટાંપીને જ બેઠી હતી. મને જોઇને ભાગી ગઇ...’ ‘તમે આ બધું સમેટીને કબાટ બંધ કરી દો...’ શિવાનીએ ઇશારાથી જ દેવશંકરને વિનંતી કરી અને ઝડપથી સીડી ઊતરીને નીચે આવી. ‘આ મૂઇ પેધી પડી ગઇ છે...’ રસોડામાં જઇને શિવાનીએ દૂધની તપેલી ફ્રજિમાં મૂકી અને દુગૉમાસીને કહ્યું. ‘દૂધ ગરમ કર્યા પછી ઠંડું થાય ત્યાં સુધી તપેલી બહાર પડી રહે છે એના ટાઇમની એને ખબર પડી ગઇ છે.

રોજ આ ટાઇમે ટપકી પડે છે...’‘મારી વાત સાંભળ...’ દુગૉમાસી શિવાનીની નજીક આવ્યાં. ‘તારા માસા તો સાવ અલગારી છે. સવારે મણિમાસીનું થયું એ અગાઉ તો એ નીકળી ગયા હતા. મેં એમને ફોન ઉપર સમજાવ્યું એટલે એ હોસ્પિટલમાં આવવા તૈયાર થઇ ગયા છે. સાડા ચાર વાગ્યે એ ઘેર આવશે એ પછી આપણે ત્રણેય રિક્ષામાં વી.એસ. જઇ આવશું. તું તૈયાર રહેજે...’ શિવાનીએ માથું હલાવીને સંમતિ આપી. રસોડાના પ્લેટફોર્મ ઉપર નજર ફેરવીને દુગૉમાસીએ પૂછ્યું. ‘મહેકને દાળ-ભાત આપી આવી?’
‘પાંચ મિનિટમાં દાળ ઊકળે એટલે આપી આવીશ.’

‘સારું. હું પણ એ જ વખતે રોટલી-શાક પહોંચાડી દઇશ.’ કહીને દુગૉમાસી રસોડામાંથી બહાર નીકળ્યાં. ‘સવિતામાસીના વિજયાને બરડામાં સબાકો આવી ગયો છે...’ શિવાનીએ એમને માહિતી આપી. ‘તપલો શેક કરવાની કોથળી લેવા આવેલો એટલે ખબર પડી...’ ‘અર્ર્ર્... ઉપાધિ આવી ગઇ બિચારાને!... મહેકને જમવાનું પહોંચાડીને ત્યાં આંટો મારી આવીશ...’ દુગૉમાસી ગયાં અને શિવાની રસોઇમાં પરોવાઇ.

બપોરે જમ્યા પછી દેવશંકર અંદરના ઓરડામાં ઊંઘતા હતા. થોડી વાર આરામ કરીને શિવાનીએ મન મક્કમ કર્યું. સ્કૂલની પરીક્ષાના પેપર તપાસવાનું અધૂરું કામ કેટલાય દિવસથી રઝળતું હતું. એનો પાર લાવવાનો નિર્ધારકરીને એ પેપરનો થપ્પો લઇને બેઠી. સવા ચાર વાગ્યે કામ પૂરું થયું એટલે એણે સંતોષનો શ્વાસ લીધો અને રસોડામાં જઇને ચા મૂકી. ચા બની ગઇ એટલે બૂમ પાડીને એણે દેવશંકરને ઉઠાડ્યા. બાપ-દીકરી ચા પીતાં હતાં ત્યારે દુગૉમાસીનો સાત વર્ષનો પૌત્ર ઘરમાં આવ્યો. દુગૉમાસીની સાથે રહીને એ પણ શિવાનીને તુંકારે જ બોલાવતો હતો. ‘શિવાની, બાએ કહ્યું છે. દસ મિનિટમાં તૈયાર થઇ જા. દાદા ઘેર આવી ગયા છે...’
‘હા... મોટાભાઇ...’ શિવાનીએ હસીને એના માથામાં ટપલી મારી અને ચોકલેટ આપીને રવાના કર્યો.

દુગૉબહેનના પતિ દિલીપભાઇની વિચારસરણી પોળના બધા માણસોથી સહેજ અલગ હતી. કોઇને મદદની જરૂર હોય ત્યારે એ તન, મન અને ધનથી મદદ કરતા, પરંતુ બિનજરૂરી પંચાત કે ચર્ચામાં સમય બગાડવાની એમને આદત નહોતી. એ અને દુગૉબહેન ઘરમાંથી બહાર નીકળ્યાં અને શિવાની એમની સાથે જોડાઇ ગઇ. વી. એસ. હોસ્પિટલમાં એ લોકો પહોંચ્યા ત્યારે દર્દીઓનાં સગાંસંબંધીઓની મુલાકાતનો સમય હોવાથી જબરજસ્ત ભીડ હતી.

મણિમાસીના સેમી સ્પેશિયલ રૂમ તરફ જવા માટે ત્રણેય આગળ વધ્યાં. રસ્તામાં જનરલ વોર્ડનું ર્દશ્ય જોઇને ત્રણેયના પગ થંભી ગયા. તમામ ખાટલાઓ ભરાઇ ગયા હોવાથી વધારાના દર્દીઓને નીચે પથારીઓ કરીને સમાવેલા હતા. શિવાનીએ આશ્ચર્યથી દિલીપભાઇ સામે જોયું. ‘અહીં આટલા બધા લોકો?... ’ દિલીપભાઇ શિવાની સામે તાકી રહ્યા... એમની નજરમાં ઠપકો હતો. ‘શિવાની, તારી સમજની દયા આવે છે...’ આગળ પગ ઉપાડતાં એ બબડ્યા. ‘આ સરકારી હોસ્પિટલ છે.

અગાઉ સાવ આવું નહોતું... અત્યારે અમદાવાદની સ્થિતિ એવી છે કે પૈસાની સગવડ હોય યા મેડિકલેઇમનો લાભ મળતો હોય એ કોઇ અહીં નથી આવતા. આર્થિક મજબૂરી હોય એ લોકો જ અહીં આવે છે. પૈસા ના હોય એવા દર્દીઓ માટે સિવિલ અને વી.એસ. સિવાય કોઇ આશરો નથી...’ત્રણેય સીડી ચઢીને આગળ વધી રહ્યાં હતાં. દિલીપભાઇએ જે કહ્યું એ સાંભળ્યા પછી પણ એની જિજ્ઞાસા અકબંધ હતી. ‘એમ નહીં, પણ લોકોની ભીડ કેટલી બધી છે!’ દિલીપભાઇ લાગણી કે ભાવાવેશને બદલે દરેક વાતને તાર્કિક રીતે વિચારતા.

અગાઉ શહેરમાં કોમી તોફાનો થતાં અને કફ્ર્યૂ લાગી જતો ત્યારે પોળનો ગેટ બંધ કરીને બધા અંદરોઅંદર જે ચર્ચા કરતા એમાં પણ દિલીપભાઇ એકલા સૌથી અલગ પડી જતા. દેવશંકરની વૈચારિક સમજ દિલીપભાઇ જેવી જ પણ બંનેના સ્વભાવમાં ફેર. ટોળાની સામે દલીલ કર્યા વગર દેવશંકર ચૂપચાપ ઊભા રહીને સાંભળતા જ્યારે દિલીપભાઇ પોતે જે માને છે એ વાત ઉગ્રતાથી રજૂ કરતા. એમની વાતમાં તટસ્થતા હોય એ છતાં એ વાતાવરણમાં સમજદારીથી વિચારવાને બદલે પોળવાળા એ લોકો આમ... અને એ લોકો તેમ... એવું કહીને જ વાત કરતા. દિલીપભાઇની તટસ્થ વિચારસરણીને લીધે આક્રમક સ્વભાવના અમુક પોળવાળાઓમાં તેઓ અળખામણા બની ગયેલા.

એ ત્રણેય મણિમાસીના રૂમમાં પહોંચ્યાં ત્યારે ડોક્ટર રૂમમાં હતા. એ મણિમાસીને તપાસી રહ્યા હતા. નવીન બંગડીવાળો અને બટુક એ બંને આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ અદબ વાળીને ઊભા હતા. દિલીપભાઇએ ડોક્ટર સાથે વાત કરી. ડોક્ટર ગયા એ પછી દિલીપભાઇએ નવીન અને બટુક સામે જોયું. ‘અમે બેઠાં છીએ. તમારે ફ્રેશ થવું હોય તો થોડીવાર બહાર ચક્કર મારી આવો...’દુગૉમાસી મણિમાસીની પાસે બેસી ગયાં. બટુક અને નવીન બહાર ગયા. દિલીપભાઇએ શિવાની સામે જોયું અને પોતાની વાતનું અનુસંધાન મેળવ્યું.

‘શિવાની, આ હોસ્પિટલમાં કોઇ શોખથી નથી આવતું. આ મોંઘવારીમાં બે ટાઇમ રોટલાનાં પણ ફાંફાં હોય અને એમાં માંદગી આવે ત્યારે મજબૂરીથી આવવું પડે છે. અહીં આવનારાઓની કોઈ નાત-જાત નથી હોતી. બધા ગરીબ દર્દીઓ હોય છે... સમય હોય તો નીચે દવાની દુકાન પાસે જઇને પંદર મિનિટ ઊભી રહેજે. સાડલા કે દુપટ્ટાના છેડે બાંધેલી પોટલીમાંથી ચોળાયેલી નોટો કાઢીને દવા ખરીદતી વખતે તમામ ચિંતાતુર ચહેરાઓની લાચારી એક સરખી જ હોય છે...’‘ભાઇસાહેબ, તમારું ભાષણ બંધ કરશો?...’ દુગૉમાસીએ પતિને ટકોર્યા.

‘અહીં આવ્યા છો તો મણિમાસી સાથે વાત કરો...’ આ ચર્ચાનો અંત લાવવા માટે દુગૉમાસીએ ઊભાં થઇને સ્ટૂલ ખાલી કરી આપ્યું. દિલીપભાઇએ સ્ટૂલ પલંગની વધુ નજીક ખેંચ્યું અને મણિમાસીને પૂછ્યું. ‘હવે કેવું લાગે છે માસી?’ મણિમાસી પલંગમાં ચત્તાં સૂતાં હતાં. જમણા હાથમાં ભોંકાયેલી સોયો અને ચઢી રહેલા બાટલા તરફ ઇશારો કરીને એ બબડ્યાં. ‘આવી દશામાં કોને સારું લાગે બેટા? ગયા ભવમાં કંઇક પાપ કર્યા હશે એની સજા મળે છે...’‘ચિંતા કરવા જેવું કંઇ નથી...’ દિલીપભાઇએ એમના ડાબા હાથ પર પોતાનો હાથ મૂકીને ધરપત આપી.

‘હમણાં ડોક્ટર સાથે વાત થઇ. એમણે કહ્યું કે ચાર-પાંચ દિવસમાં ઓલરાઇટ થઇ જશે...’મણિમાસીના બંને પરીણિત પુત્રો અમેરિકા રહેતા હતા. બેમાંથી એકેય મણિમાસીને સાથે રાખવા તૈયાર નહોતા. એમને ત્યાં સંતાનો જન્મ્યાં ત્યારે એમની સાસુઓ જ અમેરિકા પહોંચી ગઇ હતી એટલે બેમાંથી કોઇને માની જરૂર પડી નહોતી. સ્વમાની મણિમાસીએ બંનેને પૈસા મોકલવાની ના પાડી દીધી હતી અને કહી દીધું હતું કે હું મરું ત્યારે પણ આવવાની જરૂર નથી! પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલીપભાઇએ હળવેથી પૂછ્યું. ‘નિરાંતે વિચારીને જવાબ આપો માસી, ખરેખર કોઇને જાણ નથી કરવી?’‘જાણ કોને કરવાની? તું પૂછે છે એનો અર્થ તનેય ખબર છે અને હું પણ જાણું છું...’ લકવાના હુમલાથી મણિમાસીનો ચહેરો સહેજ વંકાઇ ગયો હતો અને બોલવામાં તકલીફ પડતી હતી.

એમના ધ્રૂજતા અવાજમાં વલોવી નાખે એવી પીડા ઉમેરાઇ. ‘ડોસી જીવે છે કે મરી ગઇ છે એની પણ પરવા નથી એમને સમાચાર આપીને શો ફાયદો? એમના મહેલ જેવા બંગલામાં આ ગરીબ ડોસી એક ખૂણામાં પડી રહે એય પસંદ ના હોય એ કપાતરોને આ વાત પહોંચાડવાથી શું ફેર પડશે? બેઉં અમેરિકા ગયા અને ઘાઘરીના સંબંધમાં ઘેરાઇને પાઘડીનું સગપણ ભૂલી ગયા એ પથરાઓને મારી શી પરવા હોય?...’ એમની આંખમાં ભીનાશ તરવરી ઊઠી.

‘મારે એમનો એક પૈસોય નથી જોઇતો. પેટના જણ્યા કરતાં તો આ પારકા છોકરાઓ ખડે પગે ઊભા રહે છે બિચારા! નવીનિયો અને બટુકો સગી મા જેવી કાળજી રાખે છે. પોળમાં એ બંનેને ગાંડિયા કહીને મેં કેટલીય વાર ધમકાવ્યા હશે તોય અણીના ટાઇમે એ જ મદદ કરે છે...’ લાગણીની ભીનાશને લીધે અવાજ રૂંધાયો એટલે એ સહેજ અટક્યાં. પછી આભારવશ નજરે દિલીપભાઇ, દુગૉબહેન અને શિવાની સામે જોયું. ‘પોળમાં તમારા બધાની સાથે ગયા ભવની કંઇક લેણદેણ હશે.

એ ઋણાનુબંધ રહેશે ત્યાં સુધી ટકીશ. હિસાબ પતી જશે એ ઘડીએ રામ તારી માયા... ફટ દઇને શ્વાસ અટકી જશે ને ખોળિયું ખાલી થઇ જશે!...’ રૂમમાં આવેલી નર્સ આ ર્દશ્ય જોઇ રહી હતી. એણે પલંગ પાસે આવીને પ્રેમથી આદેશ આપ્યો. ‘માજી, જલદી સાજા થવું છેને? તો બોલવાનું બંધ કરીને આરામ કરો...’ એણે આ ત્રણેયની સામે જોયું. ‘પ્લીઝ,...’ એનો ઇશારો સમજીને દિલીપભાઇએ બાજી સંભાળી લીધી. પોળના જૂના રમૂજ પ્રસંગો અને કોમિક પાત્રોને યાદ કરીને એમણે રૂમના વાતાવરણને હળવુંફૂલ બનાવી દીધું.

રાત્રે નવ વાગ્યે મનસુખ સોની અને સવિતા એક સાથે ઘરમાં આવ્યાં એટલે દેવશંકર અને શિવાનીએ આશ્ચર્યથી એકબીજાની સામે જોયું. ‘આવો, મનસુખલાલ, આવો..’ દેવશંકરે એમને આવકાર્યા. ‘આજે સજોડે કેમ?’‘મને કંઇ ખબર નથી.’ મનસુખે ખુલાસો કર્યો. ‘જમીને પોળના નાકે પાન ખાવા નીકળતો હતો ત્યાં આ કહે કે મારી સાથે આવો. દેવુકાકાને ત્યાં કામ છે. એને ના પાડવાની હિંમત નથી એટલે આવી ગયો એની સાથે...’‘કામમાં તો એવું છે કે શિવાનીની મદદની જરૂર છે...’ સવિતાએ ઠાવકાઇથી સમજાવ્યું.

‘આપણે હોસ્પિટલમાં હતાં ત્યારે સુરેન્દ્રનગરથી નયનાનો ફોન હતો...’ શિવાની અને દેવશંકરને ઓળખાણ આપવા સવિતાએ એમની સામે જોયું. ‘નયના મારી ફૈબાની દીકરી બહેન છે. સુરેન્દ્રનગરમાં બહુ મોટી પાર્ટી ગણાય છે...’ પછી મનસુખ સામે જોઇને વિગત આપી. ‘નયનાએ ફોન ઉપર જે કહ્યું એ સાંભળીને નક્કી કર્યું કે ઘેર જઇને તમને નિરાંતે વાત કરીશ પણ વિજયાને બરડામાં સબાકો આવ્યો છે એટલે એ ઘેર જ છે. એની હાજરીમાં વાત નહોતી કરવી એટલે તમને અહીં લાવી. શિવાનીની હાજરીમાં વાત કરું તો એનેય સમજણ પડે...’‘વાત શું છે એ બોલને..’ મનસુખે અધીરાઇથી કહ્યું.

‘સુરેન્દ્રનગરમાં નયનાના જેઠની દીકરી છે. એ નેહા આરસની પૂતળી જેવી રૂપાળી છે. જેઠ કરોડપતિ છે એટલે સરખેસરખાં સગાં શોધવા માટે એણે મુંબઇની એક કરોડપતિ પાર્ટીના છોકરા સાથે નેહાનું નક્કી કર્યું અને સગપણમાં જ ચાર-પાંચ લાખનો ધુમાડો કરી નાખ્યો. પરમ દિવસે મુંબઇથી ફોન આવ્યો. વેવાઇએ માફી માગીને કહ્યું કે અમારી ઇચ્છા તો દેશમાંથી છોકરી લાવવાની હતી અને તમારી નેહા અમને બધાને બહુ ગમી ગયેલી, પણ અમારો હીરો જ ખોટો નીકળ્યો. એણે ગઇ કાલે એના કોઇ ભાઇબંધની બહેન જોડે કોર્ટ મેરેજ કરી લીધાં અને એ કપાતર એની વહુને લઇને પગે લાગવા આવ્યો ત્યારે અમને ખબર પડી. આભ તૂટી પડ્યું છે અમારા ઉપર. સગા દીકરાએ નાક કાપીને હાથમાં આપી દીધું!’ સવિતા ધીમે ધીમે સમજાવતી હતી. બધાં ધ્યાનથી સાંભળતા હતાં.

‘સુરેન્દ્રનગરમાં તો જાણે કોઇ મરી ગયું હોય એમ નયનાના જેઠનો આખો પરિવાર રડવા બેઠો. હોંશે હોંશે છોકરીની સગાઇ કરી અને મુરતિયો બીજી જોડે પરણી ગયો. હવે? કારણ વગર આખી નાતમાં છોકરીની બદનામી થશે એ વિચારથી બધાં દુ:ખી હતાં. એ વખતે હળવે રહીને નયનાએ વિજયની વાત એમના કાને નાખી.

એ લોકોએ તરત સંમતિ આપી અને કહ્યું કે એમને સુરેન્દ્રનગર બોલાવ. જો એમને ફાવે એવું ના હોય તો અમે અમદાવાદ જઇએ... આ બધી કથા કહેવા નયનાએ ફોન કરેલો. મેં તરત જવાબ આપી દીધો કે અમે સુરેન્દ્રનગર આવીશું...’ સહેજ અટકીને સવિતાએ શિવાની સામે જોયું. ‘બહુ પહેલાં વિજયા માટે એક સગાઇ તૂટેલી છોકરીની વાત આવેલી ત્યારે એણે તરત ના પાડી દીધેલી. એ વાતને ખાસ્સો વખત થયો એ છતાં એના મગજનું ઠેકાણું નહીં.

અમે કહીએ અને એક વાર એ ના પાડી દે તો પછી હા પડાવવાનું કામ બહુ અઘરું પડે. શિવાની બેટા, આ છોકરો તારું કહ્યું માને છે. તું એને અમારા કરતાંય વધુ સારી રીતે સમજાવી શકીશ એ ભરોસો લઇને તારી પાસે આવ્યાં છીએ... વિજયાના મગજનું કોઇ ઠેકાણું નથી. છોકરી જાણીતી છે, સારી છે અને રૂપાળી છે. પેલો ગધેડો બીજે પરણી ગયો એમાં એ બાપડીનો શો વાંક?...’ એમણે આશાભરી નજરે શિવાની સામે જોયું. ‘કાલે ઘેર આવીને તું વિજયાને સમજાવ તો રવિવારે સુરેન્દ્રનગર જઇને નક્કી કરી આવીએ. એ તને મોટીબહેનથી પણ વિશેષ માને છે એટલે તારી વાત સાંભળશે. હું કે તારા માસા વાત કરવા જઇશું તો ઊંધું વેતરાઇ જશે... તું સમજે છે ને મારી વાત?’‘ચિંતા ના કરો માસી’ શિવાનીએ આત્મવિશ્વાસથી કહ્યું. ‘એને મનાવવામાં તકલીફ નહીં પડે.’

‘હાશ! તેં મારી ચિંતા અડધી કરી નાખી...’ આભારવશ મનસુખ અને સવિતા ઊભાં થઇને ગયાં.‘હવે તારી ચિંતા હળવી કરી નાખું...’ શિવાની સામે જોઇને દેવશંકરે હસીને કહ્યું. ‘પ્રતીકકુમારને ફોન કરીને શનિ-રવિ આવવાનું કહી દઉં છું. એ આવે એટલે પાંચ લાખ રૂપિયા મુંબઇ કઇ રીતે મોકલવા એ નક્કી થઇ જશે... રાઇટ?’ એ ફોન તરફ આગળ વધ્યા એ જ વખતે ફોનની રિંગ વાગી. સામેથી જે કહેવાતું હતું એ સાંભળીને એમણે જવાબ આપ્યો. ‘નો પ્રોબ્લેમ... તારા માટે ઘરનાં બારણાં ખુલ્લાં જ છે.’ ફોન મૂકીને એમણે શિવાની સામે જોયું. ‘હેમલાનો ફોન હતો. અત્યારે ભાઇબંધો સાથે લગ્નની પાર્ટીમાં હતો એટલે ટૂંકમાં પતાવ્યું. કાલે સાંજે આવવાનો છે. કંઇક કામ છે એ રૂબરૂ કહેશે એવું કહ્યું.’ દેવશંકરે નિરાશાથી માથું ધુણાવ્યું. ‘કંઇક કામ છે એવું જ્યારે એ કહે છે ત્યારે મારું ટેન્શન વધી જાય છે!

(ક્રમશ:)

mahesh_yagnik@yahoo.com




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.