ભારતના ઈતિહાસમાં ચંદ્રગુપ્ત અને ચાણકયનાં નામ અમર બન્યાં. આગળ જતાં ચંદ્રગુપ્ત ભારતના સમ્રાટ બન્યા અને ચાણકયએ ‘કૌટિલ્ય’ નામે પ્રસિદ્ધિ મેળવી. એમણે ‘કૌટિલ્યનું અર્થશાસ્ત્ર’ નામના ગ્રંથની રચના કરી.
ગુરુ અને ચેલો ધીમા અવાજે વાતો કરતા જંગલમાંથી જતા હતા. અચાનક ચેલાએ અધીરાઈથી પૂછ્યું, ‘ગુરુજી! હવે શું થશે?’
ગુરુ શાંત અને સરળ અવાજે બોલ્યા, ‘વત્સ! થવાનું શું હતું? ભગવાન સૌ સારાં વાનાં કરશે. આપણે પાટલીપુત્ર ચોક્કસ જીતીશું.’
ચેલો આશ્ચર્યથી બોલ્યો, ‘શું કહ્યું? ગુરુદેવ! શું હજીયે આપને જીતની આશા છે?’ ગુરુએ મંદ સ્મિત કરીને કહ્યું, ‘હા, વત્સ! દુનિયા આશા પર જીવે છે. આશા અમર છે!’
ચેલો કહે, ‘ગુરુજી! ભૂલ્યો તો નથી, પણ રોજની આ રખડપટ્ટીથી થાકી ગયો છું. દિવસે જંગલમાં છુપાઈ રહેવું અને રાત્રે ચોરીછુપીથી સફર કરવી આ તે કંઈ જીવન છે? આવી જિંદગી ગુજારવા કરતાં તો મોત લાખ દરજજે સારું!’ ગુરુએ એને આશ્વાસન આપતા કહ્યું, ‘આમ નિરાશ થઈશ નહીં. આપણે એક જબરદસ્ત કામ ઉપાડ્યું છે એટલે ડગલે ને પગલે તકલીફો તો સહન કરવી પડશે. કાલે તેં સાંભળ્યું ને? મગધના ગામડે-ગામડે રાજા નંદના સેવકો ઢંઢેરો પીટી રહ્યા છે કે, ‘જે કોઈ માણસ ચંદ્રગુપ્ત અને ચાણકયની બાતમી આપશે એને પાંચ હજાર સુવર્ણમુદ્રાઓનું ઈનામ આપવામાં આવશે.’ આપણા દુશ્મનોએ આપણાં માથાની આટલી ભારે કિંમત જાહેર કરી છે એથી કોણ ન લલચાય? હવે તું જ કહે કે આપણાથી દિવસે મુસાફરી કરી શકાય ખરી?’
ચેલો લાચારીથી બોલ્યો, ‘ગુરુજી! મગધ સમ્રાટ નંદ સામે લડવા માટે આપણી પાસે હવે રહ્યું છે પણ શું?’
ગુરુએ કહ્યું, ‘એમ હિંમત ન હાર. સંકલ્પ અને ઈરાદો તો મક્કમ છે ને? એ બે છે એટલે બાકીનું બધું એની મેળે મળી જશે. તક્ષશિલાથી આપણે બંને નીકળ્યા ત્યારે આપણી પાસે જનોઈ અને પહેરેલાં વસ્ત્રો સિવાય બીજું હતું પણ શું? છતાંય આપણે જીત મેળવતા અહીં સુધી પહોંચી ગયા.’
ચેલો કહે, ‘પણ ગુરુદેવ! આપણો એ વિજય લાંબો ટકયો તો નહીં.’
ગુરુ કહે, ‘ભગવાન પર ભરોસો રાખ. ચડતી-પડતીનું ચક્ર તો ચાલ્યાં કરે. હું તને ખાતરીથી કહું છું કે નંદનો નાશ અવશ્ય થશે અને તું ભારતનો સમ્રાટ બનીશ. ચાાણકયની અગમ્ય બુદ્ધિ અને ગણતરીએ આજ સુધી કદી હાર ખાધી નથી.’
આ ગુરુ-ચેલો હતા ચાણકય અને ચંદ્રગુપ્ત. આખો દિવસ જંગલમાં છુપાઈ રહેવું અને રાત્રે વેશપલટો કરીને નગરચર્ચા સાંભળવી એ એમનો રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો. મગધની જનતાનો એમના પ્રત્યે અગાધ પ્રેમ હતો. એક દિવસ ભિક્ષુકના વેશમાં બંને નીકળી પડ્યા ગામચોરે અને ઘરઆંગણે ધીમેથી થતી વાતો તેઓ દૂર ઊભા રહીને ધ્યાનપૂર્વક સાંભળતા હતા.
અષાઢ માસના દિવસો હતા. અચાનક આકાશમાં વાદળ ઘેરાયાં. ઘડીક વારમાં વરસાદ તૂટી પડ્યો. વરસાદથી બચવા બંને જણા આશરો શોધવા લાગ્યા. સામે પીપળો હતો. એની પાછળ એક મકાનની બારી પડતી હતી. એમાંથી ટમટમતા દીવડાનો પ્રકાશ દેખાતો હતો. બંને જણા પીપળા નીચે આવીને ઊભા રહ્યા અને બારીમાંથી અંદર નજર નાખવા માંડ્યા. ઘરના રસોડામાં દાદીમા પોતાના પૌત્રને ગરમાગરમ માલપુઆ જમાડી રહ્યાં હતાં. પૌત્ર લાડકવાયો અને મોંએ ચઢાવેલો હતો એટલે માલપુઆની ફરતી કડક કિનારી કાઢીને વચલો ભાગ જ ખાતો હતો.
આ જોઈ દાદીમાએ એને ઠપકો આપતાં કહ્યું, ‘બેટા! આ તો તું ચંદ્રગુપ્ત અને ચાણકય જેવું કરે છે.’
પોતાનું નામ સાંભળતાં જ બંનેએ કાન સતેજ કર્યા. છોકરાએ પૂછ્યું, ‘દાદીમા! એ કેવી રીતે? મને આમાં કંઈ ખબર જ ન પડી.’
દાદીમા બોલ્યા, ‘જો બેટા! તું માલપુઆનો વચ્ચેનો ભાગ ખાય છે અને કિનારી-કિનારી કેમ ફેંકી દે છે
છોકરો કહે, ‘દાદીમા! વચ્ચેનો મુલાયમ ભાગ મને ભાવે છે, જ્યારે કડક કિનારી ચાવવી ગમતી નથી, પણ દાદીમા! આ વાતને ચાણકય અને ચંદ્રગુપ્ત સાથે શો સંબંધ?’ દાદીમા બોલ્યા, ‘બેટા! એ લોકો પણ તારી માફક કઠણ કામ છોડી દે છે અને સહેલું-સરળ કામ શોધે છે. એથી જ એ જીતેલો પ્રદેશ ખોઈ બેસે છે.’ પૌત્રને દાદીમાની વાતમાં રસ પડ્યો એટલે એ બોલ્યો, ‘દાદીમા! આ વાતમાં મને કંઈ સમજાયું નહીં. વિસ્તારપૂર્વક વાત કહો તો કંઈ સમજાય.’ દાદીમા કહે, ‘જો સાંભળ બેટા! ચાણકય અને ચંદ્રગુપ્તે ગ્રીક લોકોને હરાવીને ભગાડ્યા તો ખરા, પણ એમણે એ કામ છેડેથી ન કરતાં વચ્ચે-વચ્ચેના પ્રદેશો જીતવા માંડ્યા. એ જેમ-જેમ જીતેલા પ્રદેશો છોડીને આગળ વધવા લાગ્યા તેમ-તેમ પાછળથી ગ્રીક લોકો એ પ્રદેશ પાછો પડાવી લઈને પાછળથી એમના પર હુમલો કરી એમની સેનાનો કચ્ચરઘાણ કાઢવા લાગ્યા. એમનો જીતેલો પ્રદેશ અને ખજાનો લૂંટી લીધો. આમ સર્વસ્વ ગુમાવી આજે એ બંને જણા સંતાતા ફરે છે. અત્યારે એ બિચારા કોણ જાણે ક્યાં ભટકતા હશે?’
એક અભણ દાદીમાની વાતમાંથી ચાણકય અને ચંદ્રગુપ્તને પોતાની નિષ્ફળતાનું સાચું અને વાજબી કારણ મળી ગયું. એમને સમજાયું કે એમની યુદ્ધની રણનીતિમાં ખામી છે. એમની વ્યૂહરચના નબળી છે. એમને આ અભણ પણ જબરી કોઠાસૂઝવાળી દાદીમા પાસેથી આજે એક નવું જ્ઞાન અને જબરી સૂઝ મળ્યાં. બંનેએ દાદીમાની આ વાતને ગાંઠે બાંધી દીધી અને મનમાં નવી યોજના વિચારવા લાગ્યા. વરસાદ બંધ થયો હતો. ગુરુ અને શિષ્ય બંને જણા અંધારામાં આગળ વધવા લાગ્યા. હવે તો એમનામાં થાક કે નિરાશાનું નામોનિશાન પણ રહ્યું ન હતું. પગમાં નવા ઉત્સાહની ભરતી અને ઉમંગ વરતાતાં હતાં.