મારી જન્મતારીખ ધ્યાનથી જુઓ સર, તેત્રીસ વર્ષ પૂરાં થવામાં સાત દિવસ બાકી છે. એટલે કાયદેસર રીતે તેત્રીસ પૂરાં થયાં ના કહેવાય. મારા માટે આ છેલ્લો ચાન્સ છે એટલે પ્લીઝ...
‘આફાઇલ ઉપર નજર ફેરવીને યસ કહી દો એટલે ઇન્ટરવ્યૂ માટેના કાગળ રવાના કરી દઇએ...’ હેમાંગ શાહના હાથમાં વિદ્યાસહાયકની જગ્યા માટેની અરજીઓની જાડી ફાઇલ હતી. સામેની ખુરશીમાં બેઠેલા મકવાણા સાહેબની સામે ફાઇલ મૂકીને એ અદબ વાળીને ઊભો રહ્યો.
‘ઓ.કે...’ પંચાવન વર્ષના મકવાણાએ ફાઇલ સામે જોયું અને પછી હેમાંગને સૂચના આપી. ‘કલાક પછી બોલાવું છું.’
‘જી...’ હેમાંગ હળવેથી એમની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો. એ એના ટેબલ પર પહોંચ્યો ત્યારે સંદીપ એની રાહ જોઇને બેઠો હતો. સંદીપ એનો અંગત મિત્ર હતો. ‘કામ એવું હતું કે ફોન ઉપર વાત કરવાની મજા ના આવે, એટલે રૂબરૂ આવ્યો...’ સંદીપે ખુલાસો કર્યો. એના ચહેરાની ગંભીરતા જોઇને એને ક્યા પ્રકારનું કામ હશે એનો હેમાંગને ખ્યાલ આવી ગયો. ઓફિસમાં બધાની વચ્ચે એ વાત થઇ ના શકે એટલે એ સંદીપને બહાર ચાની કીટલી પર લઇ ગયો.
‘મામાની દીકરીએ અરજી કરી છે. વિદ્યાસહાયકમાં એનું સેટિંગ કરાવી આપવાનું છે. એમ.એ. બી.એડ્. છે અને બાપડી જરૂરિયાતવાળી છે...’ સંદીપે મુદ્દાની વાત કહી. ‘આજે સવારે એણે વાત કરી એટલે સીધો તારી પાસે આવ્યો. હવે મારી જવાબદારી પતી ગઇ. જે કંઇ કરવાનું છે એ તારા માથે. જિલ્લા શિક્ષણાધિકારીનો તું ખાસ માણસ છે એટલે તારા માટે આ કામ અઘરું નથી.’
‘અઘરું નથી પણ અશક્ય છે...’ હેમાંગે તરત ખુલાસો કર્યો. ‘આ મકવાણા સાહેબને આવી વાત કહેવાની મારી હિંમત નથી.
આજના જમાનામાં જોવા ના મળે એટલો ચોખ્ખો માણસ છે. એ કંઇ ખોટું કરતો નથી એટલે કોઇનીયે શરમ ના રાખે. ધારાસભ્ય તો ઠીક, ખુદ શિક્ષણમંત્રી કોઇની ભલામણ કરે તોય બહુ વિવેકથી ના પાડી દે. ભ્રષ્ટાચારી હોય એ બધાથી ડરે, આને કોઇની સાડીબારી નથી. ધડ દઇને કાણાને કાણો કહી દે. આખી ઓફિસમાં એમની ધાક છે. સિદ્ધાંતનું પૂંછડું એવી રીતે પકડ્યું છે કે સગા ભાણિયાનું પણ કામ ના કરે. ઇન્ટરવ્યૂમાં બધાના ભુક્કા કાઢી નાખે. જે ખરો હોશિયાર હોય એ જ ટકી શકે...’ હેમાંગે સંદીપના ખભે હાથ મૂકીને સમજાવ્યું.
‘સોરી... બહેનને કહેજે કે વ્યવસ્થિત તૈયારી કરે. નસીબ હશે તો ચાન્સ લાગશે. હાયર સેકન્ડરીમાં બસો સિત્તેર અરજી છે અને એકની પસંદગી કરવાની છે...’ હેમાંગે આગળ સમજાવ્યું. ‘ઇન્ટરવ્યૂમાં સાઠને બોલાવવાના છે. તને હા પાડીને ખોટી આશામાં રાખવાનો અર્થ નથી. જે હકીકત છે એ કહી દીધી...’
‘એ છતાં ચાન્સ મળે તો ટ્રાય કરજે...’ સંદીપે ફરીવાર વિનંતી કરી અને ચા પીને રવાના થયો.
ઇન્ટરવ્યૂ સવારે આઠ વાગ્યાથી શરૂ થઇ ચૂક્યા હતા. કલાક-કલાકના અંતરે દસ-દસ ઉમેદવારોને બોલવ્યા હતા એ છતાં લગભગ બધા સવારથી જ આવી ગયા હતા. ચેમ્બરમાં મકવાણા સાહેબની સાથે બીજા ત્રણ કમિટી મેમ્બર હતા. ઇન્ટરવ્યૂ પતાવીને બહાર નીકળતા ઉમેદવારને બીજા બધા ઘેરી વળતા અને શું પૂછે છે એની માહિતી મેળવવા મથતા હતા. અંદર કેબિનમાં ઉમેદવાર પ્રવેશે એને પ્રારંભિક પ્રશ્નો બાકીના ત્રણ સભ્યો પૂછતા. મકવાણા સૌથી છેલ્લે પૂછતા. એ જે પૂછે એ જ સૌથી મહત્વનું છે એ વાત બાકીના ત્રણેય સમજતા હતા. વીસેક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પતી ગયા હતા.
‘મિસ્ટર નચિકેતા ત્રિવેદી, સોરી, આ ઇન્ટરવ્યૂનો કોલલેટર તમને ભૂલથી મોકલાઇ ગયો લાગે છે. તેત્રીસ વર્ષની વયમર્યાદા છે અને તમને તેત્રીસ વર્ષ તો થઇ ગયાં છે...’ આખી અરજી જોયા પછી પહેલા કમિટી મેમ્બરે ઉમેદવાર સામે સીધો બાઉન્સર ફેંક્યો.
‘જી ના...’ અદબ વાળીને ઊભેલા નચિકેતાનો અવાજ સ્પષ્ટ અને રણકતો હતો. પૂરેપૂરા વિવેક સાથે એણે દલીલ કરી. ‘મારી જન્મતારીખ ધ્યાનથી જુઓ સર, તેત્રીસ વર્ષ પૂરાં થવામાં સાત દિવસ બાકી છે. એટલે કાયદેસર રીતે તેત્રીસ પૂરાં થયાં ના કહેવાય...’ એણે સામે બેઠેલા ચારેયની સામે આશાભરી નજરે જોઇને વિનંતી કરી. ‘સાહેબ, વિધવા માતાનો એકનો એક પુત્ર છું અને મારા માટે આ છેલ્લો ચાન્સ છે એટલે પ્લીઝ...’
એ સાહેબ ગૂંચવાયા એટલે એમણે નચિકેતાની અરજી મકવાણા તરફ લંબાવી. અંતિમ નિર્ણય તો એમણે જ લેવાનો હતો. મકવાણાએ આખી અરજી ધ્યાનથી વાંચી. એમની નજર અરજી સામે હતી અને ગંભીર બનીને એ કંઇક વિચારી રહ્યા હતા. ‘ટેક્નિકલી એની વાત સો ટકા સાચી છે...’ એમણે ચુકાદો આપ્યો. ‘આપણે ના ન પાડી શકીએ... ઇન્ટરવ્યૂ ચાલુ રાખો.’
પેલા ત્રણેયના સવાલ-જવાબ તો ત્રણ મિનિટમાં જ પતી ગયા. એ પછી મકવાણાએ નચિકેતા ત્રિવેદીને જે રીતે સવાલ પૂછ્યા એ સાંભળીને એ ત્રણેયને આશ્ચર્ય થયું. તદ્દન પ્રાથમિક અને એકદમ સરળ પ્રશ્નો એ પૂછી રહ્યા હતા અને નચિકેતા ફટાફટ જવાબ આપી રહ્યો હતો! ત્રણેય સભ્યો એકબીજાની સામે તાકીને વિચારી રહ્યા હતા કે સાહેબને આ શું થઇ ગયું?
નચિકેતા પછી જે ઉમેદવારો આવ્યા એમને સવાલ પૂછતી વખતે મકવાણા પોતાની અસલ અદામાં આવી ગયા હતા. ઉમેદવારોનું જ્ઞાન ચકાસવામાં એમણે કોઇ કસર છોડી નહોતી.
છેક રાત્ર આઠ વાગ્યે છેલ્લો ઉમેદવાર રવાના થયો એ પછી ચારેય કમિટી મેમ્બરે સંતોષનો શ્વાસ લીધો. ‘હાશ...’ બાકીના ત્રણમાં પટેલ સૌથી સિનિયર હતો. એણે ઊભા થઇને જોરદાર આળસ મરડીને મકવાણા સામે જોયું. ‘સાહેબ, કકડીને ભૂખ લાગી છે. પહેલા ચા-નાસ્તો પતાવી દઇએ પછી ફાઇનલ ટોટલ કરીએ...’ ‘નો પ્રોબ્લેમ.’ મકવાણાએ તરત સંમતિ આપી.
પચીસ મિનિટ પછી પટાવાળો ખાલી પ્લેટ્સ અને ચાના કપ લઇ ગયો એ પછી પટેલે ઊભા થઇને રૂમનું બારણું બંધ કર્યું. મકવાણા સામેની મોટી ખુરશીમાં બેઠા હતા. બાકીના ત્રણેય એમની સામે ગોઠવાયા. દરેક ઉમેદવારને બધા સભ્યોએ પોતપોતાની રીતે માકર્સ આપ્યા હતા. પદ્ધતિ એવી હતી કે ચારેય સભ્યોના માકર્સનું ટોટલ કરીને જે ઉમેદવારને સૌથી વધુ માકર્સ મળ્યા હોય એની પસંદગી કરવામાં આવતી. મકવાણાએ હોદ્દો સંભાળ્યો એ પછીની તમામ નિમણુંક આ પ્રકારે જ થઇ હતી.
‘આપણે આ કામ શરૂ કરીએ એ અગાઉ મારે એક વાત કહેવાની છે...’ પોતાના હાથ નીચેના ત્રણેય અધિકારીઓ સામે જોઇને મકવાણાએ ગંભીર અવાજે કહ્યું. ‘ઓફિસમાં અગાઉ ક્યારેય આ વાતનો ઉલ્લેખ નથી થયો. તદ્દન અંગત વાત છે એટલે પ્લીઝ, ધ્યાનથી સાંભળજો. એ પછી તમારામાંથી જેને જે કહેવું હોય એ કહેજો...’
બહુ વિચારી વિચારીને જૂની સ્મૃતિઓ યાદ કરીને એ ધીમા અવાજે બોલી રહ્યા હતા. ત્રણેય શ્રોતાઓ લીન થઇને સાંભળી રહ્યા હતા.
‘આ વાત લગભગ અઠ્યાવીસ વર્ષ પહેલાંની છે. એ વખતે મારી ઉંમર પણ અઠ્યાવીસ વર્ષની હતી. બી.એ. અને એમ.એ.માં ફર્સ્ટ કલાસ આવ્યો હતો. અને બી.એડ્માં તો યુનિવર્સિટીમાં નંબર આવ્યો હતો. આટલું સારું કવોલિફિકેશન અને શિડ્યુલ કાસ્ટનો હોવાને લીધે સરકારી નોકરી મેળવવામાં કોઇ તકલીફ નહોતી પડી. ધંધૂકા તાલુકા લેવલનું ગામ અને એમાં પોસ્ટિંગ મળ્યું હતું...’
સામે બેઠેલા ત્રણેયના ચહેરા સામે નજર કરીને એમણે બોલવાનું ચાલુ રાખ્યું.
‘બી.એડ્. કરતી વખતે ઉમરેઠની એક છોકરી સાથે પરિચય વધ્યો. કશુંય છુપાવ્યા વગર મેં એને મારી જ્ઞાતિ અને આર્થિક પરિસ્થિતિ વિશે બધું જણાવી દીધું હતું. એ છોકરીનું નામ ઇલા. સોની જ્ઞાતિની હતી. એના પપ્પાને ખેડામાં સોનાના દાગીનાની દુકાન હતી. ઇલા જબરદસ્ત હિંમતવાળી હતી. બધી હકીકત જાણ્યાં પછી પણ એ લગ્ન કરવા તૈયાર હતી. નોકરી મળી કે તરત અમે આર્યસમાજમાં લગ્ન કરી લીધાં. એ ઘેરથી ભાગીને આવી હતી. કોલેજમાં મારાથી આગળના વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ મારા અંગત મિત્ર હતા. ધનજી અને જનાર્દન. એ બંનેએ આ લગ્નમાં મદદ કરેલી.’
ધંધૂકામાં ખાંડાચોરા વિસ્તારમાં એક ઘર ભાડે રાખેલું હતું. લગ્ન કરીને ભાગીને સીધા આબુ ગયેલાં. દસેક દિવસ ત્યાં રહ્યા પછી ધંધૂકા આવ્યાં અને નાનકડા ઘરમાં અમારો ઘરસંસાર શરૂ થયો.આગળની સ્મૃતિઓ યાદ કરવામાં જાણે પીડા થતી હોય એવી વેદના મકવાણાના ચહેરા પર અંકાયેલી હતી.
‘આ ઓનર કિલિંગ શબ્દ આજકાલ મીડિયાને લીધે વધુ પ્રચલિત થયો છે પરંતુ આ પરંપરા તો સદીઓ જૂની છે. ઇલા મારી સાથે પરણી એને લીધે ઇલાનો બાપ અને ભાઇઓ ભયાનક ગુસ્સામાં હતા. અમારો અતો-પત્તો મેળવવા માટે એમણે આકાશ-પાતાળ એક કર્યું હતું. ધંધૂકાના અમારા ઘરની બાતમી એમને મળી ગઇ એ પછી એમણે ત્રણ ભાડૂતી હત્યારાઓને કામ સોંપી દીધું...’
મકવાણાએ સહેજ અટકીને ટેબલ પરથી પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને એક ઘૂંટડે ખાલી કર્યો.
‘એ દિવસે રવિવાર હતો. સવારે અગિયાર વાગ્યે જનાર્દન અચાનક મારા ઘેર ટપકી પડ્યો. ઇલા રસોઇ બનાવતી હતી અને કેરોસીન ખૂટી ગયું. કેરોસીનનો કેરબો સાઇકલ પર મૂકીને હું બહાર ગયો. ઘરમાં જનાર્દન છાપું વાંચતો હતો અને એની બાજુમાં બેસીને ઇલા શાક સમારતી હતી. એ જ વખતે પેલા ત્રણ હત્યારાઓ ઘરમાં ઘૂસી આવ્યા. એ લોકો ચહેરાથી મને ઓળખતા નહોતા. મારો કોઇ ફોટો પણ એમને અપાયો નહોતો એટલે જનૉદનને એમણે ઇલાનો પતિ માની લીધો. ત્રણ રાક્ષસ જેવા હત્યારા, મોટા છરાઓ અને વીજળીવેગે તૂટી પડ્યા. દસ મિનિટ પછી ઘરમાં લોહીના ખાબોચિયામાં ઇલા અને જનાર્દનની લાશ પડી હતી!...’
ત્રણેય શ્રોતાઓ દિગ્મૂઢ હતા. મકવાણા સાહેબ આ વાત અત્યારે શા માટે કહી રહ્યા છે એ એમને સમજાતું નહોતું.‘જનાર્દન... જનાર્દન ત્રિવેદી બાવળા પાસે દેદાદરા નામના નાનકડા ગામમાં રહેતો હતો. મારાથી દોઢ વર્ષ અગાઉ એનાં લગ્ન થઇ ચૂક્યાં હતાં. છ મહિનાનો એનો દીકરો હતો. એ જન્મીને તરત એવો માંદો પડી ગયેલો કે મરતાં મરતાં બચેલો. યમના દ્વારે જઇને એ પાછો આવેલો છે એવું જનાર્દન કહેતો હતો. એને લીધે એ દીકરાનું નામ એણે નચિકેતા રાખ્યું હતું. જનાર્દનની હત્યા પછી હું એકાદ-બે વાર દેદાદરા ગયો હતો પણ એનાં મા-બાપને મારા ઉપર ભયાનક ગુસ્સો હતો. મૂવા કાળમુખા! તારા લીધે અમે અમારો દીકરો ગુમાવ્યો એવું કહીને મને એમણે અપમાનીત કરીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો...’
સહેજ અટકીને મકવાણાએ ત્રણેયના ચહેરા સામે નજર કરી.‘આજે આટલાં વર્ષો પછી એ ઘટના યાદ આવી. પેલા તેત્રીસ વર્ષવાળા ઉમેદવારનું નામ નચિકેતા છે એ સાંભળ્યું અને પછી એની અરજી જોઇ ત્યારે નામ અને સરનામા પરથી ખાતરી થઇ કે આ નચિકેતા એટલે એ જનાર્દન ત્રિવેદીનો જ પુત્ર છે!...’
મકવાણાના અવાજમાં ભીનાશ ભળી. ‘કોઇ પણ જાતના વાંક-ગુના વિના જનાર્દન શહીદ થઇ ગયેલો. મારા માથે ઝળુંબતું મોત એણે ઝીલી લીધું. આજે એનો પુત્ર લાચાર થઇને નોકરી માટે ભટકે છે અને ગણીને સાત દિવસની મૂડી એની પાસે છે. આ સરકારી નોકરીમાં આજ સુધીમાં ક્યારેય કોઇ ખોટું કામ નથી કર્યું. ભલભલા ચમરબંધીની ભલામણો વટથી ફગાવી દીધી છે. પણ આજે ગૂંચવાયો છું. લાગણી અને કર્તવ્યની કશ્મકશમાં અંતરાત્મા ડંખે છે. ક્રૂર સમાજના રીત-રિવાજમાં મારા બદલે પોતાના જીવનની આહુતિ આપનાર એ મિત્રના દીકરા માટે હું આટલુંય ના કરી શકું?...’
એમના ગળામાં શબ્દો અટકી ગયા. મૌન થઇને એ ત્રણેયની સામે તાકી રહ્યા. ‘નો પ્રોબ્લેમ...’ રૂમના ભારેખમ વાતાવરણમાં પટેલે ઊભા થઇને ચપટી વગાડી. ‘અમે ત્રણેય ટોટલ સુધારી દઇએ છીએ. નચિકેતાને હાઇએસ્ટ માર્ક આપી દઇએ છીએ. તમે તમારી શીટમાં સુધારી લો...’ નચિકેતાનું નામ ફાઇનલ થયું ત્યારે ત્રણેય સભ્યોને પહેલીવાર મકવાણાની આંખમાં છલકાતાં આંસુ જોવા મળ્યાં.