ડુ યુ નો અ થિંગ અબાઉટ બેકેમ?’ મારી બરાબર સામે બેઠેલા જહોનીએ પાસ્તાનો મોટો કોળિયો મોંઢામાં મૂકતાં પૂછ્યું. એક તો ભરેલા મોંએ બોલાયેલા શબ્દો અને એમાં પાછું અંગ્રેજી દ્વારા બોલાતી અંગ્રેજી ભાષા, મેં પાંચ-દસ ક્ષણો એનો મર્મ પકડવામાં કાઢી નાખી. ઘણું બધું દિમાગ લડાવ્યું ત્યારે મને સમજાયું કે એ ધોળીયો મને પૂછી રહ્યો હતો, ‘બેકહામ વિશે તમે કશું
જાણો છો?’
મેં શુદ્ધ ઉચ્ચારોમાં જવાબ આપ્યો, ‘હા, કેમ નહીં? એ તો તમારા દેશનો ફૂટબોલ પ્લેયર છે. એ તમારી પ્રજામાં એટલો જ લોકપ્રિય છે જેટલો અમારા ભારતમાં સચિન...’
‘સચિન? એ વળી કોણ છે?’ ધોળીયો ઘૂરકયો.
‘અરે, સચિન તેંડુલકર.’
‘તેંડુ...? વ્હોટ?’ એના હાથમાંના છરી-કાંટો હવામાં તોળાયેલા રહી ગયા.
મને ગુસ્સો તો ઘણો આવ્યો, પણ મેં એના પર અંકુશ જાળવ્યો, બનાવટી નમ્રતા ધારણ કરીને પાયાનો પ્રશ્ન લીધો, ‘તમને ક્રિકેટની રમતમાં રસ ખરો?’
‘યા..., વ્હાય નોટ? મી ફ્રોમ બ્રિટન.’ એણે ઘમંડપૂર્વક ખભા ઉલાળ્યા.
‘ત્યારે તો તમને બે-ચાર મહાન ક્રિકેટરોના નામો યાદ હશે જ.’
‘વ્હાય નોટ? યાન બોથામ, અંડરવૂડ, ગેટિંગ, ગૂચ, ડેવિડ ગોર...’
‘એની બડી ફ્રોમ અધર ટીમ્સ?’ એને માત્ર અંગ્રેજી ખેલાડીઓ વિશે જ ખબર હતી.
એણે થોડીવાર વિચાર કર્યો. દિમાગ ઉપર ખૂબ જોર લગાવ્યું. પછી જગતના બીજા દેશો ઉપર ઉપકાર કરતો હોય એ રીતે બોલ્યો, ‘મને થોડું થોડું યાદ આવે છે... કદાચ બ્રેડમેન નામનો કોઇક પ્લેયર હતો ખરો! એન્ડ યાહ... સોબર્સ... એન્ડ પરહેપ્સ સમબડી લાઇક ચેપલ...’
હું સમસમી ગયો. આ ધોળીયો જાણી-જોઇને અભિનય કરતો હતો. જૂઠ્ઠુ હ્યો હતો બદમાશ! પણ હું શું કરી શકું તેમ હતો? હું એના દેશમાં હતો, એના શહેરમાં, એના હિસાબે અને ખર્ચે ડિનર લઇ રહ્યો હતો. અને એ દેશની સંસ્કૃતિ એવું કહેતી હતી કે તમે અંદરથી ભલેને ગમે તેટલા ખળભળી ગયા હો, પણ ચહેરા પરથી સ્વસ્થ દેખાવા જોઇએ, હોઠથી હસતા રહેવા જોઇએ, વાત કરતી વખતે તમારા અવાજની સપાટી સહેજ પણ ઊંચે ન જવી જોઇએ, કોઇની સાથે દલીલબાજી તો કરાય જ નહીં અને ભલે તમને સામેવાળાની વાત સાંભળીને ગમે તેટલો ક્રોધ ચડતો હોય તો પણ બોલવામાં તો ‘યા, યુ આર રાઇટ! યસ, આ એગ્રી વ્હોટ યુ સેઇડ!’ એવું જ વ્યક્ત કરવું પડે. એ પણ મંદ-મંદ પ્રસન્નકર સ્મિત લહેરાવતાં લહેરાવતાં!
આખી વાત એમ હતી કે હું એક સેવાભાવી સંસ્થાના કામ માટે ઇંગ્લેન્ડ ગયો હતો. એ દરમિયાન નવરાશના એક દિવસે ત્યાંના એક વરિષ્ઠ ડોક્ટર મિત્રે મને આમંત્રણ આપ્યું, ‘આજે સાંજે શું કરો છો? તમને વાંધો ન હોય તો આપણે ડિનર સાથે લઇએ. અહીંની એક દવાની કંપનીનો રિપ્રેઝન્ટેટિવ આપણા માટે બધી ગોઠવણ કરી આપશે. તને શું ફાવશે, ઇટાલિયન ફૂડ કે મેક્સિકન?’
હું હસ્યો હતો, ‘તમને તો ખબર છે, રાજકારણ હોય કે ભોજન, હું ઇટાલિયન ‘ચીજપ્તનો શરૂથી જ વિરોધી રહ્યો છું. મને મેક્સિકન ફૂડ ચાલશે.’
સાંજે અમે એક મોંઘી ગણાતી રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા. મિત્ર ડોક્ટર એમના પત્નીને લઇને આવ્યા. અમારો યજમાન એક ધોળીયો હતો. એનું નામ જહોન ડગ્લાસ. એની સાથે એની ગોરીયણ હતી અને બે નાનાં કૂરકૂરીયા જેવાં બાળકો હતાં.
‘હાય! આયમ જહોની!’ ધોળીયાએ પોતાનો પરિચય આપીને મારી સાથે હાથ મેળવ્યો. મેં મારો પરિચય આપ્યો. પછી અમે ખુરશીઓમાં ગોઠવાયા. દરેકની પોતાની પસંદગી પ્રમાણે વાનગીઓનો ઓર્ડર આપવામાં આવ્યો. પછી અમે વાતોએ વળગ્યા.
જહોની મને પ્રથમ નજરે જ લુચ્ચો લાગ્યો. પાતળો ચહેરો, ઢીલા ચશ્માં, તીણું નાક, ઝીણી આંખો અને શકુનિને સારો કહેવડાવે એવું એના હોઠો પર રમતું લુચ્ચું સ્મિત. એને પોતાને અંગ્રેજ હોવાનું અભિમાન હતું અને આ વાત એ જરા પણ છુપાવવા નહોતો ઇચ્છતો.
મારું એના કરતાં તદ્દન ઊલટું હતું. એને પસંદ ન કરવાનું મારી પાસે એક માત્ર કારણ એ હતું કે જહોની એક ઇંગ્લિશમેન હતો. જે પ્રજા અને મહાત્માજીને જેલવાસ ફટકાર્યો હતો, જેના કારણે નેતાજી શંકાસ્પદ રીતે દુનિયાના પટ માથેથી અર્દશ્ય થઇ ગયા, જે અંગ્રેજોએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીના માંચડે લટકાવી દીધા અને વીર સાવરકરને નજીવા ગુનાસર કાળાપાણીની સજા ફટકારી દીધી એ પ્રજાને મેં ક્યારેય માફ કરી નથી. ટૂંકમાં કહું તો એ સાંજે ટેબલની સામ-સામેની બાજુ પર સાપ અને નોળીયો એક સાથે બેઠા હતા. બંનેની આંખોમાં ભીતરમાં ગોરંભાયેલી નફરત ઝલકી રહી હતી. સચિનવાળી વાત તો છેક છેલ્લે નીકળી, એ ધોળીયાએ શરૂઆત તો મને છેતરીને કરી હતી.
‘હાય, ડોક! અમારું ઇંગ્લેન્ડ તમને કેવું લાગ્યું?’ એણે પૂછ્યું. મેં ભારોભાર વખાણ કર્યા. મારા સાથીદાર ડૉ. શાહે મને સૂચના આપી રાખી હતી કે અંગ્રેજો જે કંઇ પૂછે એનો દંભી જવાબ આપવાનો.
જહોનીએ પૂછ્યું, ‘અહીંનો લંડન બ્રિજ જોયો?’
‘યસ, ઇટ્સ એક્સેલેન્ટ.’ મેં વખાણ કર્યા. એણે પૂછ્યું, ‘બીજું શું-શું જાણો છો અમારા દેશ વિશે?’ અને હું બોલતો રહ્યો. બિગ બેન ટાવર વિશે, બકિંગહામ પેલેસ વિશે, હાઇડ પાર્ક વિશે, થેમ્સ રીવર વિશે, આયલેgન્ડની ચળવળના ઈતિહાસ વિશે, સ્કોટલેન્ડની વર્ણનાતીત સુંદરતા વિશે અને તાજા જ જોયેલા વિમ્બલ્ડનના ટેનિસ-કોર્ટ વિશે. જહોની મને સાંભળતો રહ્યો, ખુશ થતો રહ્યો.
છેલ્લે વાત નીકળી ફૂટબોલ પ્લેયર ડેવિડ બેકહામની. એમાં મારાથી આપણા તેંડ્લ્યાનું નામ બોલાઇ ગયું અને જહોનીએ માથું ધુણાવી દીધું. હું એક પછી એક વિગત આપતો ગયો, પણ હા પાડે એ બીજા. એના હોઠો ઉપર ફરક્તા લુચ્ચા સ્મિત પરથી મને બધું સમજાઇ ગયું. મારો બેટો જહોનીડો મને નીચો સાબિત કરવા માગતો હતો.
મેં શરૂ કર્યું, ‘માફ કરજો, મિ. ડગ્લાસ! મારે કડવાશ સાથે કહેવું પડશે કે તમને તમારી કંપનીની દવાઓ વિશે જેટલી જાણકારી હશે એટલી પણ માહિતી ક્રિકેટની રમત વિશે નથી. તમને અંગ્રેજ બોલરોના છોડીયા ફાડી નાખનાર વિવિયન રિચાડ્ઝg વિશે કશી ખબર નથી. જેની બોલિંગનો સામનો કરતી વખતે અંગ્રેજ ખેલાડીઓને લઘુશંકા થઇ જતી હતી એ થોમ્સન અને લીલી તમને યાદ રહ્યા નથી. તમે જેને ક્રિકેટનું મક્કા કહો છો એવા લોર્ડ્ઝના મેદાનમાં ત્રણ-ત્રણ વાર સેન્ચુરી ફટકારનાર અમારો વેંગી તમારા માટે ગુમનામ છે. જે સન્ની ગાવસ્કરના વિશે તમે અન્જાન બની રહ્યા છો એ અમારો મરાઠા સરદાર ખુદ તમારી રાણી એલિઝાબેથને ઓળખવાની ના પાડે છે. પણ સચિનને નથી ઓળખતા એવું કહીને તો તમે હદ કરી નાખી છે. ક્રિકેટના ઈતિહાસના આ સૌથી મોટા ચમત્કારનું જો તમે નામ પણ ન સાંભળ્યું હોય તો મારે કહેવું પડશે, મિ. જહોન, કે ક્રિકેટની આ મહાન રમતને ખુદને તમારા આ અજ્ઞાન ઉપર શરમિંદગી અનુભવવી પડશે.’
ડૉ.. શાહે મને કોણી મારીને ગુજરાતીમાં લગામ મારી, ‘ડૉ.. ઠાકર તમે અંગ્રેજોને ન ગમે એટલી હદે સ્પષ્ટવકતા બની રહ્યા છો.’ મેં એમની કોણીનો જવાબ અંગ્રેજીમાં આપ્યો, ‘હા, હું સ્પષ્ટવકતા પણ છું અને સત્યવકતા પણ! અને સત્ય એ છે કે તમારા ડેવિડ બેકહામે માત્ર હેરસ્ટાઇલો જ બદલ્યા કરી છે, ઇંગ્લેન્ડને એક પણ વખત ફૂટબોલનો વર્લ્ડકપ જીતાવી આપ્યો નથી. અને અમારા સચિને શું નથી કર્યું? રેકોર્ડ બુકનું કોઇ પણ પાનું ઉઘાડો, સૌથી ઊંચા શિખર ઉપર અમારો આ ‘નીચો’ માણસ બેઠો હશે.’ ધોળીયાનો ‘મૂડ’ ખરાબ કરીને અમે છુટા પડ્યા.
***
આટલા સમય બાદ મેં ખાંખાખોળા કરીને જહોનીનું વિઝિટિંગ કાર્ડ શોધી કાઢયું. એના ઇ-મેલ એડ્રેસ ઉપર એક વીજળીનો લીસોટો રવાના કર્યો, ‘હમણાં જ ટી.વી. પર સમાચાર જોયા. ઇંગ્લેન્ડના વડાપ્રધાન મિ. ડેવિડ કેમેરોને દિલ્હીમાં પગ મૂકતાંવેંત જાહેર કર્યું, ‘તમારા સચિનને જગતમાં કોણ નથી ઓળખતું? હું પોતે એનો પ્રશંસક છું. રમતના મેદાનમાં સચિનની ફટકાબાજી જોઇને તાળીઓ પાડવાનું મને બેહદ પસંદ છે.’ મિ. જહોન, આવા વખાણ તમારા બેકહામ વિશે અમારા વડાપ્રધાન જ્યારે કરે ત્યારે તમે પણ ઇંટનો જવાબ પથ્થરથી આપી શકો છો.’‘