રમજાન માસમાં મુસ્લિમો દાન-પુણ્ય દિલ ખોલીને કરે છે. ઇસ્લામમાં બે પ્રકારના દાનનો ઉલ્લેખ છે. જકાત અને ખેરાત. જકાત એ ફરજિયાત દાન છે. આપણે નોકરી કે વ્યવસાયમાંથી જે આવક મેળવીએ છીએ તેના બદલામાં સરકારને ફરજિયાત કર ચૂકવીએ છીએ. એ જ રીતે ઇસ્લામે પણ ફરજિયાત જકાત આપવાનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા વસૂલ થતો કર રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગી બને છે.
જ્યારે ફરજિયાત જકાત સમાજના વિકાસમાં ઉપયોગી બને છે. દરેક મુસ્લિમ પોતાની કુલ આવકની અઢી ટકા રકમ ખુદાના નામે જકાત તરીકે ફરજિયાત આપે છે. જકાતની રકમ ગરીબ, અનાથ સગાંસંબંધીઓ કે પડોશીઓની આર્થિક અવદશાને દૂર કરવામાં ઉપયોગી બને છે. બીજું દાન છે ખેરાત. ખેરાતએ સ્વૈચ્છિક દાન છે. આ બંને પ્રકારનાં દાનો માટે કુરાને શરીફમાં કહ્યું છે, ‘એ પૂછે છે અમે અલ્લાહની રાહમાં શું ખર્ચીએ?’
‘કહો, જે કંઇ તમારી જરૂરિયાતથી વધારે છે તે અલ્લાહના માર્ગમાં ખર્ચો.’
‘અને એમના માલમાં માગનાર અને વંચિત રહેનારાઓનો હક છે.’
‘જે લોકો અલ્લાહએ આપેલા ધનમાં કંજૂસાઇ કરે છે, તેઓ એ સમજી લે કે આ કામ તેમના માટે સારું નથી.’
‘જે લોકો પોતાનું ધન ખુદાના માર્ગમાં વાપરે છે. તેમનું ઉદાહરણ એક દાણા જેવું છે. જેમાંથી ડૂંડું ઊગે છે અને એ દરેક ડૂંડામાં સો સો દાણા હોય છે.’
‘અલ્લાહના નામે પોતાનું ધન સગાઓ, અનાથો, મોહતાજો, મુસાફરો, મદદ માટે હાથ લંબાવનાર સૌ માટે ખર્ચ કરો.’
લોકો પૂછે છે, ‘અમે અલ્લાહના માર્ગે શું ખરચીએ?’ એમને કહી દો,
‘જે તમારી જરૂરિયાતથી વધારે છે તે અલ્લાહના માર્ગે જરૂરતમંદોને આપો.’
દાન આપવાની ક્રિયા પણ ઇસ્લામમાં મહત્વની છે. હિંદુ શાસ્ત્રોમાં કહ્યું છે, ‘દાન એવી રીતે કરો કે તમારા જમણા હાથે કરેલા દાનની જાણ ડાબા હાથને પણ ન થાય.’
ઇસ્લામમાં પણ ગુ’દાનને વિશેષ મહત્વ આપેલ છે, કારણ કે આવું દાન ગરીબ છતાં ખુદ્દાર માનવીના સન્માનની હિફાજત કરે છે અને એટલે જ કુરાને શરીફમાં કહ્યું છે, ‘જો તમે દાન જાહેરમાં આપો તો તે સારું છે. પરંતુ જો તમે દાન છુપાવીને આપો તો એ તમારા માટે વધુ સારું છે. તમારા ઘણા ગુના આ વર્તન વડે ધોવાઇ જાય છે.’
‘મદદના હકદાર એ જરૂરતમંદો છે જેઓ પોતાના રોજગાર માટે કોઇ દોડધામ કરી શકતા નથી. એમનું સ્વમાન જોઇ અજાણી વ્યક્તિ કલ્પના કરે છે કે તેઓ સુખી છે. તમે તેમના ચહેરા પરથી તેમની આંતરિક સ્થિતિ ઓળખી શકો છો, પરંતુ તેઓ એવા લોકો નથી જે લોકોની પાછળ પડી જઇ કંઇ માગે છે. આવા લોકો માટે જે કંઇ માલ ખર્ચ કરશો તે અલ્લાહથી છૂપું રહેશે નહીં.’
ઇસ્લામનો બીજો મહત્વનો દાનનો સિદ્ધાંત પણ સમગ્ર માનવજાતે અપનાવવા જેવો છે. મોટેભાગે આપણા ઘરે કે ધંધાના સ્થળે આવનાર ફકીર કે કોઇ પણ જરૂરતમંદ સાથેનો આપણો વ્યવહાર મોટેભાગે તુચ્છ હોય છે. ઇસ્લામમાં ઘરઆંગણે આવનાર કોઇ પણ જરૂરતમંદ સાથેનો વ્યવહાર સંપૂર્ણ માનવીય રાખવાનો આદેશ છે. કુરાને શરીફમાં કહ્યું છે, ‘કોઇ યતીમને અન્યાય ન કરશો. અને કોઇ જરૂરતમંદને ધુતકારશો નહીં. અને જે નેમતો તમને તમારા પાલનહારે આપી છે તેનો શુક્ર (આભાર) અદા કરતા રહો.’
કુરાને શરીફના આ આદેશનું પાલન મહંમદ સાહેબે જીવનભર કર્યું હતું. જ્યારે કોઇ જરૂરતમંદ મહંમદ સાહેબ પાસે આવતો ત્યારે આપ જે કંઇ હાથવગું હોય તે તેને આપી દેતા. કોઇ જરૂરતમંદ મહંમદ સાહેબ પાસેથી ક્યારેય ખાલી હાથે પાછો ફર્યો ન હતો. આ અંગે હજરત જાબીર ફરમાવે છે.
‘મહંમદ સાહેબ પાસે આવતા જરૂરતમંદને ક્યારેય તેઓ ઇન્કાર કરતા નહીં. ક્યારેક એવું બનતું કે જરૂરતમંદને આપવા તેમની પાસે કંઇ ન હોય, એવા સંજોગોમાં જરૂરતમંદને બીજે દિવસે આવવા કહેતા અને તેના માટે દુઆ માગતા.’
ટૂંકમાં જરૂરતમંદને તેની મજબૂરી જ આપને ત્યાં દોરી લાવે છે. આજે એ મજબૂર છે, કાલે આપ પણ એ સ્થિતિમાં હોઇ શકો, માટે મજબૂર માનવીની મજબૂરીને ક્યારેય ધિક્કારશો નહીં. ઇસ્લામના આવા માનવીય સિદ્ધાંતોએ જ ઇસ્લામને માનવધર્મનો દરજજો આપ્યો છે. રમજાન માસમાં આવા માનવીય વ્યવહારો જ પુણ્યની બારશિ કરવા પૂરતા બની રહે છે.