Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Jokes
 

IPL પાકિસ્તાનમાં રમાય તો?

 
Source: Vyang Vishva, Jagdish Trivedi   |   Last Updated 3:34 AM [IST](19/08/2010)
 
 
 
 
 
જો પાકિસ્તાનમાં IPL રમાય તો ગોરી ચામડીની ચીયર્સ લીડર્સને બુરખો પહેરીને નાચવું પડે કારણ કે પડોશી દેશ મર્યાદાનો દેશ છે!

ફૂટબોલના ફિફા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ભારતની ટીમ પણ ફીફાં ખાંડે છે એટલે ગુજરાતની ટીમનો તો સવાલ જ પેદા થતો નથી. ગુજરાતીઓ મેદાનમાં જઇને ગોલ કરવાને બદલે મેદાન બહાર પાનનો ગલ્લો કરવામાં માને છે કારણ કે આપણે વેપારી છીએ, આઇ.પી.એલ.માં પણ ગુજરાતની ટીમ નથી કારણ બધા ક્રિકેટ રમે તો સટ્ટો કોણ રમે?

ફિફાની ફાઇનલ જોવા આપણા નેતાને લઇ જાવ અને હાથમાં માઇક પકડાવો તો તરત જ કહેશે કે આવડી મોટી દુનિયા અને ફાઇનલમાં માત્ર બે ટીમ પહોંચી શકી? ફાઇનલમાં જ્યારે આઠ-દસ ટીમ રમતી હશે ત્યારે માનજો કે વિશ્વએ સાચી પ્રગતિ કરી છે. જ્યારે જ્યારે મેં ફૂટબોલની રમત નિહાળી છે ત્યારે એક વાતની સખેદ નોંધ લીધી છે કે એક ટીમ ગોલ કરતી હોય ત્યારે તેમનો ગોલકીપર આરામથી ઊભો હોય છે. આ એકતા નથી, જ્યારે બંને ટીમ સાથે મળીને એક જ દિશામાં ગોલ કરશે અને બંને ગોલકીપર સાથે મળીને ગોલ રોકશે ત્યારે હું માનીશ કે હવે સાચી એકતાનું દર્શન થયું છે. આપે મને ફીફાં ખાંડવાં બોલાવ્યો અને બોલવાની તક પણ આપી એ માટે આયોજકોનો આભારી છું, બોલો ભારત માતા કી જય.

એક વાર અંબાલાલે મને પૂછ્યું કે IPL પાકિસ્તાનમાં રમાય તો? મેં કહ્યું કે IPL ભારત સિવાય દુનિયાના કોઇ પણ દેશમાં રમાય તો ફ્લોપ જાય કારણ કે કામકાજનો કીમતી સમય બગાડીને મેચ જોનારા આટલા દર્શકો દુનિયાના કોઇ દેશ પાસે નથી. અમેરિકા, જાપાન, જર્મની અને ચીન જેવા ઘણા દેશ પ્રગતિમાં આગળ છે તે તમામ ક્રિકેટ જોવામાં ભારત કરતાં ઘણા પાછળ છે. હા, આમાં દક્ષિણ આફ્રિકાની વાત અપવાદ ગણવી.

બાકી જો પાકિસ્તાનમાં IPL રમાય તો ફોર કે સિકસ વખતે લાઇવ મ્યુઝિકની જગ્યાએ સાચા બોમ્બ ફોડવામાં આવે. ફાઇનલ વખતે તો બે-ચાર આત્મઘાતી બોમ્બને પણ દાવતે-સુકુન આપવામાં આવે. એક આત્મઘાતી બોમ્બભાઇએ મુલ્લાને કહ્યું કે મારામાં બારુદ થોડો ઓછો ભરજો કારણ કે ગઇકાલે મારો એક મિત્ર એટલો બધો જોરથી ફૂટ્યો કે જન્નત કરતાં પણ બાર કિ.મી. દૂર જઇને પડ્યા અને ત્યાં ઊભા રહીને માઇલસ્ટોનમાં જોયું તો જન્નત કરતાં જહન્નમ નજીક થતું હતું.

જો પાકિસ્તાનમાં IPL રમાય તો ગોરી ચામડીની ચીયર્સ લીડર્સને બુરખો પહેરીને નાચવું પડે કારણ કે પડોશી દેશ મર્યાદાનો દેશ છે. અહીં મર્યાદાનો અર્થ વૈચારિક મર્યાદા કરવા વિનંતી, કારણ કે જ્યાં નારીની પૂજા થાય ત્યાં સ્વર્ગ હોય તો નારીને સજા થાય ત્યાં નર્ક હોવું જોઇએ.

સ્ટેડિયમના દરેક ગેટ ઉપર મૃતકોને લઇ જવા માટેની શબવાહિનીઓ તથા ઘાયલોને લઇ જવા માટેની ઘાયલવાહિનીઓ રાખવામાં આવે કારણ કે હમણાં એક પાકિસ્તાનની ઔરતે બેલડાંને જન્મ આપ્યો તો એની સાસુ બોલી કે, હમારે મુલ્ક મેં દહેશત ઇતની બઢ ગઇ હૈ કી બચ્ચે ભી અકેલે આને સે ગભરાતે હૈ.

જગત મોટું સ્ટેડિયમ છે, માનવજીવન ક્રિકેટની રમત છે, આપઘાત એ હિટવિકેટ છે કારણ કે બેટ્સમેન પોતાની ભૂલના લીધે આઉટ થાય છે. સ્ટમ્પિંગ થવું એટલે ખૂન થવું અને રનઆઉટ એટલે માર્ગ અકસ્માત છે. આપણે જીતવા માટે હજુ ઘણા રન કરવાના બાકી છે અને એક જ વિકેટ બચી છે કારણ મનુષ્યાવતાર છેલ્લો અવતાર છે, ખરેખર તો ઇશ્વરરૂપી અમ્પાયરને પણ તાળી પાડવાનું મન થઇ જાય એ સાચો દેખાવ છે. આ બધું સૌ સમજે છે પણ કોઇ એ રીતે જીવતું નથી.

વ્યંગ વિશ્વ, જગદીશ ત્રિવેદી
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.