ચાંદીના થાળી-વાટકામાં રસોઈ પીરસાઈ. દરબારીઓ અને રાજા જમવામાં તલ્લીન હતા. અચાનક રસોઈયો રસોઈના અને પોતાના વખાણ સાંભળવા આવ્યો. આ જોઈને રાજાને નવાઈ લાગી.
રાયગઢ નામનું નગર હતું. આ નગરના રાજા પ્રજાવત્સલ અને ન્યાયપ્રિય હતા. નગરવાસીઓની ખૂબ કાળજી લેતા. રાજાના દરબારમાં વિદ્વાનોનેય માન-સન્માન મળતાં. બાળકો માટે પણ સુંદર બગીચા અને રમતગમતનાં મેદાન હતા.રાજા જમવાના ભારે શોખીન. દરરોજ નવી-નવી વાનગીઓ બનાવડાવે. પછી રાજા અને દરબારીઓ વાનગી જમતા. દરબારીઓ મજેદાર, ચટાકેદાર વાનગી જમે અને રાજા તથા રસોઈયાની પ્રશંસા કરે. મઘમઘતી અને સ્વાદિષ્ટ રસોઈના વખાણ થાય પછી રસોઈયાને ઈનામ મળે.
એક વાર દરબારીઓ અને રાજા જમવા બેઠા હતા. ચાંદીના થાળી-વાટકામાં વાનગીઓ પીરસાઈ ગઈ. દરબારીઓ અને રાજા જમવામાં તલ્લીન હતા. સૌને વાનગી ખૂબ ભાવી. રસોઈયો રસોઈના અને પોતાના વખાણ સાંભળવા બહાર આવ્યો.
‘મહારાજ... રસોઈ તો સારી બની છે ને? બધી વાનગી સ્વાદિષ્ટ બની છે ને?’ રસોઈયાએ પૂછ્યું.રાજા કંઈ બોલ્યા નહીં. બધા જમીને ઊભા થયા ત્યારે રાજાએ રસોઈયાને ખૂબ ઓછું ઈનામ આપ્યું. ‘જુઓ ભાઈ... તમે કુશળ રસોઈયા છો. તમે સારી રસોઈ બનાવો છો, પણ તમને તમારી આવડત પર ભરોસો નથી તેથી તમે પૂછવા આવ્યા હતા. તમને ખાતરી હોવી જોઈએ કે રસોઈ શ્રેષ્ઠ જ બની હોય, પૂછવાની જરૂર નહીં. હવે તમે જઈ શકો છો...’
રાજાએ ઈનામ આપી એ રસોઈયાને કાયમ માટે વિદાય આપી. બીજા દિવસે બીજો રસોઈયો રાજાના દરબારગઢમાં આવ્યો, ‘મહારાજ... હું જાતભાતની વાનગીઓ બનાવવામાં નિષ્ણાત છુ. તમે મને નોકરી આપો. તમે અને દરબારીઓ મારા હાથની રસોઈ જમીને ખુશ થઈ જશો. તમે મને તક આપો. હું દરરોજ નવી-નવી અને જુદા-જુદા સ્વાદની રસોઈ જમાડીશ. સૌને સંતોષ થાય એવી રસોઈ બનાવીશ.’રાજાએ કહ્યું, ‘તમે આજે નહીં પણ કાલે રસોઈ બનાવજો. જો તમે સરસ રસોઈ બનાવી મને અને દરબારીઓને ખુશ કરશો તો ઈનામમાં સોનામહોર મળશે.
રસોઈ સારી નહીં બને તો જેલમાં ધકેલી દઈશ. મંજુર છે?’ રાજાએ કહ્યું.રસોઈયો કહે, ‘હા મહારાજ, મને મારી આવડત પર પૂરેપૂરો ભરોસો છે, મને શરત મંજુર છે.’ રસોઈયો આખી રાત સૂતો નહીં. ‘ઈનામ મળશે કે જેલવાસ થશે’ તેની ચિંતા થઈ. રસોઈકળાની ખાસ ફાવટ હતી નહીં પણ વિશ્વાસ ઘણો હતો. શરતનો સ્વીકાર કર્યાનો અફસોસ થવા લાગ્યો.
બીજા દિવસે રસોઈ તૈયાર થઈ. રાજા અને દરબારીઓ જમવા બેઠા. વાનગીઓ પીરસાઈ ગઈ. મઘમઘતી રસોઈ ચાખી સૌ ખુશ થયા, પણ રાજા ખુશ થયા નહીં. રસોઈયાને એક યુક્તિ સૂજી. રસોઈયો બહાર આવ્યો અને કહ્યું, ‘મારી વાનગી તો મહારાજને ભાવે જ. મારી આ વાનગી તો રાજા ભોજ જમે અથવા ગંગુ તેલી જમે.
હવે, મહારાજ જવાબ આપે કે તેઓ રાજા ભોજ જેવા છે કે નહીં? હશે તો વાનગી ખાઈને મને સોનામહોરનું ઈનામ આપશે અથવા જેલ!’રાજા એમ તો કહી શકે નહીં કે તેઓ રાજા ભોજ સમાન રાજવી નથી. એમ પણ ન કહી શકે કે તેઓ ગંગુ તેલી છે.રાજાએ સો સોનામહોર આપી રસોઈયાનું સન્માન કર્યું અને વિદાય કર્યો. રસોઈયો ઝટપટ નગર છોડીને પોતાના વતનમાં જવા માટે રવાના થયો. એક યુક્તિએ તેને મુક્તિ અપાવી. પોતાને જેલવાસ ન થયો તેનો આનંદ થયો.