Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalika
 

પતંગિયાના કઇ રીતે હું ગણી શકું ધબકારા? હું ઓવારી દઉં તારા પર પાંપણના પલકારા!

 
Source: Ran Ma Khilyu Gulab, Dr. Sharad Thakar   |   Last Updated 12:38 AM [IST](22/08/2010)
 
 
 
 
 

‘ના, મારી મમ્મીએ પાણીને અડવાની ના પાડી છે. એક તો મને શરદી થઇ જવાનો ભય અને બીજો ભય અજાણ્યા પાણીનો. શાસ્ત્રોમાં લખ્યું છે કે ક્યારેય અજાણ્યા પાણીનો વિશ્વાસ ન કરવો.’


કોલેજની પિકનિક-બસ ગાઢ જંગલની વચ્ચે પહોંચીને ઊભી રહી. પંચાવન વરસની પારસી પ્રિન્સપાલ મિસ રુઝાન રૂપવાલાએ ઊભાં થઇને સૂચનાઓ આપવા માંડી, ‘ગર્લ્સ એન્ડ બોયઝ! લિસન... લિસન... લિસન...! આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે. ચાલો, વન બાય વન નીચે ઊતરવા માંડૉ. મારી સોજજી સોજજી પોયરીઓને પહેલાં ઊતરી જવા દો. બદમાશ પોયરાઓ પછી ઊતરે. ચાલો, ગેટ ડાઉન... વન બાય વન...’


એ સાથે જ જાણે પીંજરામાં પુરાયેલાં પંખીઓ એક સામટા મુક્ત થયાં! ક્લબલાટ કરતી કાબરો એમનાં વસ્ત્રો ઠીક-ઠાક કરવામાં રોકાઇ એટલી વારમાં તો કર્કશ કાગડાઓ પાંખો ફડફડાવવા માંડ્યા. આંખના પલકારામાં ખીચડીની જેમ મગ-ચોખા એકબીજામાં ભળી ગયા.સૌથી છેલ્લે અધ્યાપકો અને અધ્યાપિકાઓ બસમાંથી નીચે ઊતયાઁ. અને લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ બહાર નીકળ્યાં. મિસ રુઝાન રૂપવાલા. એમણે પોતાનું ટૂંકું સ્કર્ટ ખેંચીને લાંબું કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પછી પર્સમાંથી ટચૂકડો મિરર કાઢીને પોતાનું રૂપાળું મોં એમાં જોયું. વાળ સરખા કર્યા. હોઠના કેન્વાસ પર લપિસ્ટિકની પીંછી ફેરવી લીધી.


પછી સહેજ આગળ નીકળી ગયેલા વિદ્યાર્થી-સમૂહને ઉદ્દેશીને એમણે પોતાની ફરજ બજાવી, ‘માટીડાઓ, હું જાણું છું કે તમે બદમાશ છો. મને ધાસ્તી છે કે તમે મારી ભોલી-ભાલી પોયરીઓ સાથે ફ્લર્ટિંગ કર્યા વિના નહીં રહો. પણ હું તમોને ચેતવી દઉં છું, તમે બધ્ધાં તદ્દન સીધ્ધાં રે’જો. આપણે અહીંયાં બોટોનિકલ સ્ટડી માટે આવેલા છીએ. પિકનિકની પિકનિક અને ગમ્મત સાથે જ્ઞાન પણ ખરું. જાવ, યુ મે એન્જોય યોરસેલ્ફ. બપોરે એક વાગ્યે લંચ માટે આવી જજો. ત્યાં સુધી તમે છુટ્ટા! બટ આઇ વોર્ન યુ, ધેર શુડ બી નો કમ્પ્લેન ફ્રોમ એની ગર્લ. જે માટીડો બદમાશી કરશે એને હું ડિસમિસ કરી દઇશ.’


છોકરાઓ હસી પડ્યા. એ જૂથના આગેવાન જેવો લક્કી બોલી ઊઠ્યો, ‘બદમાશી અમે નથી કરવાના, મેડમ! બદમાશી તો તમારી આ પોયરીઓ કરવાની છે. અમે તો આ જંગલમાં અભ્યાસ માટે આવ્યા છીએ, લીલોતરીનો તલસ્પશીg અભ્યાસ!’છેલ્લા શબ્દો ઉપર લક્કીએ જે વજન મૂકર્યું એ સાંભળીને છોકરીઓ વીફરી બેઠી. એમની લીડર આહટ આચાર્ય હતી. એણે ધમકીભર્યા અંદાજમાં કહી દીધું, ‘જો, લક્કી, આ તને ચેતવી રહી છું. તું કોના માટે ‘લીલોતરી’ શબ્દ વાપરે છે એની મને ખબર છે. રમેશ મહેતાની જેમ િદ્વઅર્થી સંવાદો બોલવાનું બંધ કર, નહીંતર...’


‘નહીતર તું શું કરી લઇશ? રુઝાન મે’મને ફરિયાદ કરી દઇશ? ત્યાં જો! રુઝાન મે’મ પોતે જ ફિઝિકસના પ્રોફેસર બક્ષીની જોડે ફ્લટિઁગ કરવામાં મશગૂલ છે. ડિસમિસ તો આપણે એમને કરી દેવા જોઇએ.’ લક્કીની વાત સાંભળીને સૌ હસી પડ્યા. વૃક્ષોએ પણ પાંદડાં ખખડાવીને એમાં સાથ પુરાવ્યો. ત્યાં કોઇનું ધ્યાન આરામ તરફ ગયું. આરામ આ બધામાં સૌથી વધુ શાંત અને ગંભીર પ્રકૃતિનો યુવાન હતો. એણે બસમાંથી ઊતરીને પહેલું કામ હેન્ડબેગમાંથી સ્વેટર કાઢીને શરીર ઉપર ધારણ કરવાનું કર્યું હતું. જેની નજર પડી એણે આરામની ફીરકી લેવા માંડી, ‘અરે, આરામ! આપણે જંગલમાં આવ્યા છીએ, ઉત્તરધ્રુવ ઉપર નહીં!’


‘જાણું છું. મારી ભૂગોળ તારા કરતાં વધારે પાક્કી છે. પણ મને ઠંડી લાગે છે. મમ્મીએ ખાસ યાદ કરીને આ સ્વેટર બેગમાં મુકાવ્યું હતું. આ જંગલનો ઠંડો પવન છાતીને વીંધી જાય તો શરદી થઇ જાય.’ આરામનો જવાબ સાંભળીને બધાંને રમૂજ થઇ, કારણ કે અત્યારે એપ્રિલ મહિનો ચાલતો હતો. શિયાળાએ પીઠ ફેરવી લીધી એ વાતને બે મહિના થઇ ગયા હતા. આ તો જંગલના કારણે જરા-તરા ઠંડક અનુભવાતી હતી, બાકી ઘરમાં તો પંખા કે એરકન્ડશિનર વગર જીવતાં રહેવું મુશ્કેલ હતું. આવી ગરમ મોસમમાં આ બબૂચકે સ્વેટર ચડાવ્યું હતું?!


જૂથમાં બે જ વ્યક્તિઓ કેન્દ્રસ્થાને આવી ગઇ. યુવાનોની નજર આહટ તરફ હતી, કારણ કે એ સૌથી સુંદર હતી, અને આ એને પટાવવાનો શ્રેષ્ઠ મોકો હતો. જ્યારે યુવતીઓની નજર આરામ તરફ હતી, એ બાઘો એમના માટે મનોરંજનનું ઉત્તમ સાધન હતો.‘કેમ છે, આરામ? તને આરામ તો છે ને?’ મિતુલે સળી કરી, ‘સ્વેટરથી કામ ચાલી જશે કે પછી ટાઢ ઉડાડવા માટે તાપણું કરવું પડશે? એવું હોય તો શરમાતો નહીં, અહીં જંગલમાં લાકડાની કમી નથી.’


આરામ બબૂચક હશે કદાચ, પણ બુદ્ધિ વગરનો ન હતો. ભણવામાં હંમેશાં તે પ્રથમ ક્રમાંક મેળવતો હતો. એ સમજી ગયો કે એના સાથીદારો એની મજાક ઉડાવીને છોકરીઓ આગળ ‘સ્માર્ટ’ દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ હસીને ચૂપ રહ્યો.મોજમસ્તી કરતાં-કરતાં સૌ જંગલમાં ઘૂમી રહ્યાં હતાં, ત્યાં જમણા હાથ તરફ એક તળાવ દેખાયું. છોકરીઓ ચિચિયારી પાડી ઊઠી. છોકરાઓ થનગની ઊઠ્યા. તિલકે સૂચન કર્યું, ‘લેટ અસ પ્લે સમ ગેમ.’


સૌએ પોત-પોતાના થેલાઓમાંથી ચડ્ડી અને ટી-શર્ટ કાઢયાં. ઝાડની આડશમાં જઇને વસ્ત્રો બદલાવ્યાં. પછી સાથે લાવેલો ફૂટબોલ લઇને તળવામાં કૂદી પડ્યાં. તળાવનું પાણી હૂંફાળું હતું, પણ આરામ તો કિનારા પર જ બેસી રહ્યો.લક્કીએ એને બહુ આગ્રહ કર્યો, ‘આવી જા પાણીમાં! કૂદી પડ! આપણે વોટર બોલ રમીએ. તને શરમ નથી આવતી? આ છોકરીઓ પણ તળાવમાં તરી રહી છે.’


આરામ પાસે એક જ જવાબ હતો, ‘ના, મારી મમ્મીએ પાણીને અડવાની ના પાડી છે. એક તો મને શરદી થઇ જવાનો ભય અને બીજો ભય અજાણ્યા પાણીનો. શાસ્ત્રોમાં લખ્યું છે કે ક્યારેય અજાણ્યા પાણીનો વિશ્વાસ ન કરવો.’


આહટને નવો તુક્કો સૂÍયો, ‘આરામ, તારા ઘરે તો તું ઉનાળામાં પણ ગરમ પાણીથી જ સ્નાન કરતો હોઇશ, ખરું ને?’‘હા, પણ તને એ વાતની શી રીતે ખબર પડી? મારી મમ્મીએ કહ્યું?’ આરામની કબૂલાત સાંભળીને તળાવનાં પાણીયે ઊછળી પડ્યાં.એકાદ કલાકની ધમાલ માણીને ટુકડી આગળ વધી. જંગલના મધ્ય ભાગમાં વૃક્ષોની ગીચતા પણ વધારે હતી અને રમણીયતા પણ! ત્યાં ડાબી તરફથી જાણે જળધોધ પડતો હોય એવો ધ્વનિ સંભળાયો. તીતલીઓ અને ભ્રમરોનો સમૂહ વૃક્ષોની દીવાલ વીંધીને એ તરફ દોડી ગયો. હવે એમની આંખો સામે પ્રકૃતિનું સર્વોત્તમ ર્દશ્ય સુંદરતાનો શણગાર સજીને ઊભું હતું.


ઉપરવાસની પહાડીઓમાંથી જળપ્રવાહ વહી આવતો હતો જે આ સ્થળે ધોધ બનીને પછડાઇ રહ્યો હતો. અવનિશે એ પાણીમાં હાથ બોળ્યો, પણ તરત જ પાછો ખેંચી લીધો.‘શું થયું?’ આહટે પૂછ્યું.


‘થાય શું બીજું? પાણી અતિશય ઠંડું છે. લાગે છે કે ઉપરવાસથી આવે છે એટલે હશે. તળાવનું પાણી તો હૂંફાળું હતું. આમા તો આપણનેય ન્યુમોનિયા થઇ જાય!’ અવનિશે ખુલાસો કર્યો.


‘એવું છે? લાવ, મને જોવા દે!’ આમ કહીને આહટ આગળ વધી. ધોધના પ્રપાતમાંથી ઊડતા ઠંડા પાણીને સ્પર્શવા માટે એ છેક ખડકની ધાર ઉપર જઇ પહોંચી. પછી એણે હાથ લાંબો કર્યો. પણ એમાં એ એકાગ્રતા ગુમાવી બેઠી. ખડકને બાઝેલી ચીકણી સેવાળને કારણે એનો પગ લપસ્યો અને એક કારમી ચીસ સાથે એ ધોધમાં ભળી ગઇ.


‘બચાવો! બચાવો!’ યુવતીઓએ કકળાટ કરી મૂક્યો. ત્રીસ જેટલા યુવાનો તમામ ચબરાકી, બહાદુરી અને હિંમત ભૂલીને ઊભા રહી ગયા. ધોધનું પાણી લગભગ વીસેક ફીટ નીચે પડતું હતું, જ્યાં ઇજનેરી ખાતાએ ચોરસ કુંડ જેવું સિમેન્ટનું બાંધકામ બનાવ્યું હતું. આહટ હજુ એ કુંડમાં તરફડતી હતી.


‘આહટ! ગભરાઇશ નહીં. હું આવું છું.’ એક બૂમ આવી. એ સાથે જ બબૂચક જેવા લાગતા અને તળાવના હૂંફાળા પાણીથીયે ગભરાતા આરામે છલાંગ લગાવી. શૂરવીરો શ્વાસ થંભાવીને એક કાયરનું પરાક્રમ જોતા રહ્યા. દસ મિનિટ પછી પોતાની સશકત ભૂજાઓમાં ભીની-ભીની જલપરીને ઊંચકીને પહાડીની કેડી ચડી રહેલા આરામને જલપરી પૂછતી હતી, ‘આરામ, તું? બીજું કોઇ નહીં અને તું? તને ઠંડા પાણીનો ડર ના લાગ્યો?’


આરામ હસ્યો, ‘સાચું કહું? ઠંડા પાણીના ડર કરતાં તને ગુમાવી દેવાનો ભય અનેક ગણો વધારે હતો અને તારા જેવું સેક્સી તાપણું મારી છાતીની આટલે નજીક હોય પછી મને શરદી શી રીતે થવાની હતી.’ તાપણું શરમાઇ ગયું અને એ ર્દશ્ય જોઇ રહેલા વાણી-બહાદુરો સળગી ગયા.


(શીર્ષક પંક્તિ : હિતેન આનંદપરા)


રણમાં ખીલ્યું ગુલાબ, ડૉ. શરદ ઠાકર


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.