ગોપાલકૃષ્ણ ગોખલે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક વાર તેમના શિક્ષકે કેટલાક સવાલોનું લેસન આપી ઘરેથી કરી લાવવાનું કહ્યું. બીજા દિવસે તમમ બાળકો ઘરેથી સવાલના જવાબો લખીને લાવ્યા. એમાં ગોપાલકૃષ્ણ ગોખલે જ એક એવા વિદ્યાર્થી હતા કે જેમના બધા જવાબો સાચા હતા.
શિક્ષકને ખૂબ આનંદ થયો ને ગોખલેને ઈનામ આપવા લાગ્યા. એટલે ગોખલેની આંખમાં આંસુ આવી ગયા. શિક્ષકને નવાઈ લાગી કે ગોખલે રડે છે શા માટે?
ગોખલે ડૂસકું ભરતા બોલ્યા, ‘આ બધા જ સવાલના જવાબો મેં જાતે નથી કર્યા. મારા મોટા ભાઈએ કરાવ્યા છે એટલે ઈનામનો હકદાર હું નથી.’
ગોખલે સાચું બોલ્યા એટલે શિક્ષક તેમને ભેટી પડ્યા અને બોલ્યા, ‘ગોપાલ, તું એક દિવસ મહાન માણસ બનીશ.’