Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ-૩8

 
Source: Mahesh Yagnik, Anjalpani   |   Last Updated 3:04 AM [IST](16/10/2011)
 
 
 
 
 

મહેક પાસેથી ઘર પડાવી લેવા માટે એ હીરો ગમે તે હલકાઇ કરી શકે. મહેકને સમજાવી દેજે કે ચેતતી રહે... ચંદુડો એનો સગો ભાઇ છે પણ દુશ્મનથી યે ભૂંડો છે...

‘તેં આ કહ્યું એમાં મારી અડધી ચિંતા ઓછી થઇ ગઇ...’ મનમાં ઉચાટ લઇને આવેલા દુગૉમાસીના અવાજમાં હવે નિરાંત હતી. પાડોશમાં રહેતી મા-બાપ વગરની મહેક માટે એમને સાચા હૃદયની લાગણી હતી. ‘એક વાર સુનીલકુમાર આવી જાય અને એ બે માણસ વચ્ચે સમાધાન થઇ જાય એટલે ગંગા નાહ્યાં... છોકરી ભોળી છે પણ વેતા વગરની છે. વિદ્યા બાએ તને ટ્રેઇન્ડ કરેલી પણ રસિલાએ એને કંઇ શીખવાડ્યું નથી. ઘર, નોકરી અને નાનું છોકરું એ બધું એક્સાથે સાચવી શકે એવી એનામાં ત્રેવડ નથી. નોકરી કરશે ત્યાંય એ બાપડીને તકલીફ પડશે. ત્યાં તો જાત જાતના માણસ હોય. બધાની નજર કંઇ સારી ના હોય. કોઇ બદમાશ હોય તો આવી બાઘીને તરત બેવકૂફ બનાવે...’ દુગૉમાસીએ સામે બેઠેલી શિવાની સામે જોયું. ‘બસ, સુનીલકુમાર આવીને એને તેડી જાય તો કોઇ ઉપાધિ ના રહે...’

દુગૉમાસી પોતાની મનની લાગણી વ્યક્ત કરી રહ્યાં હતાં. એમની વાત સાંભળીને શિવાનીને લાગ્યું કે માસી વધુ પડતી આશામાં જીવી રહ્યાં છે. એટલે એણે હળવે રહીને ખુલાસો કર્યો. ‘તમારી જેમ હુંય ઇચ્છું છું કે એ પાછી સાસરે જઇને સુખી થાય, પણ ખરેખર શું બનશે એ તો ઇશ્વરના હાથમાં છે. સુનીલભાઇએ ખાલી અહીં આવવાની વાત કરી છે. અમદાવાદ આવીને તને પાછી વડોદરા લઇ જઇશ એવી કોઇ સ્પષ્ટતા એમણે નથી કરી. એ તો પાછા સરકારી ઓડિટર છે. મહેકે એના ઉપર હાથ ઉપાડેલો પછી ઘરમાં પૂરી દીધેલો અને ભાગીને આવી છે એટલે એ ઓડિટર પૂરો હિસાબ ચુકતે કરવાની ગણતરીએ આવતો હોય તોય નવાઇ નહીં. મેસેજમાં ગોળ ગોળ વાત લખી છે. તને તેડવા આવવાનો છું એવું ક્યાંય ખુલાસાથી નથી લખ્યું...’

‘મહેક આવી રીતે ભાગીને આવી ગઇ છે એ છતાં એ માણસ અહીં આવશે એ જ બહુ મોટી વાત છે. ધણી અને બૈરા વચ્ચે નાના-મોટા ઝઘડા તો ચાલ્યા જ કરે. તૂ તૂ-મૈં મૈંમાંથી મોટો ઝઘડો કરીને બંને છુટાં પડ્યાં હોય ત્યારે એ બંનેના મનમાં આગ સળગતી હોય. એ પછી જો ભેગાં જ ના થાય તો બંને પોતપોતાની આગમાં સળગ્યાં કરે. વટના માર્યા બંને એકબીજાને બોલાવે નહીં એમાં વાત વણસી જાય...’

ત્રેસઠ વર્ષનાં દુગૉમાસી પોતાની સમજદારી અને અનુભવથી શિવાનીને દુનિયાદારીના નિયમો સમજાવી રહ્યાં હતાં. ‘બંનેને એકબીજાની ગરજ તો હોય પણ ભૂલ કબૂલ કરવામાં અભિમાન નડતું હોય. એવા વખતે જો બંને મોઢામોઢ થાય, લગીરેક ઝઘડીને મનનો ઊભરો ઠાલવી દે અને થોડુંક રડી લે તો મનનો ભાર હળવો થઇ જાય. અભિમાનનાં પૂતળાં બનીને એકબીજાથી અલગ રહે તો ક્યારેય સમાધાન ના થાય...’ અચાનક એ અટક્યાં. જાણે કંઇક યાદ આવી ગયું હોય એમ એમના હોઠ મલક્યા. લગીર હસીને એના પછી એ કંઇ બોલ્યાં નહીં. શિવાનીને નવાઇ લાગી. ‘શું થયું માસી? હસવું કેમ આવ્યું?’ એણે પૂછ્યું.

દુગૉમાસી ફરીથી હસી પડ્યાં. ‘ઘેર ઘેર માટીના ચૂલા હોય છે બેટા. તારા માસા એય કંઇ ઓછા નહોતા. સત્તર વર્ષની ઉંમરે પરણીને હું આ ઘરમાં આવી ત્યારે એમનો મિજાજ બાર ખાંડીનો હતો. બીડી, સિગારેટ, દારૂ કે એવી બીજી એબ નહોતી પણ મગજ ભારે તિતાલી. એમણે કોઇ કામ ચીંધ્યું હોય અને એમાં કંઇક આઘુંપાછું થાય કે દસ-પંદર મિનિટ મોડું થાય કે તરત એમની કમાન છટકે. મારા ઉપર હાથ ઉપાડે એવી હલકાઇ તો નહોતી પણ વાસણો ફેંકીને કકળાટ કરી મૂકે. એ પછી એવી ઘાંટાઘાટ કરે કે આખી પોળ ભેગી થઇ જાય. એ વખતે ઘેર ઘેર ટીવી નહોતાં. અઠવાડિયે એકાદ વાર તારા માસાની ચેનલ ચાલુ થાય એટલે બધાને જલસો પડી જાય. દોડીને બધા અમારા ઘર પાસે ભેગા થઇ જાય...’ પોળના જૂના દિવસો યાદ કરીને દુગૉમાસી ધીમા અવાજે બોલી રહ્યાં હતાં.

‘એ વખતે મારાં સાસુ-સસરા જીવતાં હતાં. ખોટું નહીં બોલું. એ બંને તો મને સગી દીકરીની જેમ રાખતાં હતાં. હુંય મારી સાસુની ખૂબ ચાકરી કરતી હતી. રોજ બપોરે ઓટલે બેસીને એમના માથામાં તેલ ઘસી આપતી હતી. એમની જોડે એમની કોઇ બહેનપણી આવીને લાઇનમાં બેસી જાય. એ પણ હકથી કહે કે દુગૉવહુ, પછી મને પણ ઘસી આપજે. એ વખતે સમય એવો હતો અને સંબંધો એટલા ગાઢ હતા કે મારાથી કોઇને ના ના પડાય... જરાય કચવાયા વગર રોજ બે-ત્રણ ડોસીઓના માથામાં તેલ ઘસી આપતી હતી...’ જાણે આકાશ સામે જોતાં હોય એમ દુગૉમાસીએ ઓરડાની છત સામે નજર કરી. એમનો અવાજ ભીનો થઇ ગયો. ‘એમાંથી કોના આશીર્વાદને લીધે આ બધું સુખ મળ્યું છે એ ઇશ્વર જાણે!’

‘હું સમજણી થઇ એ પછી તો માસાને ક્યારેય તમારી સાથે ઝઘડતા નથી જોયા...’ શિવાનીએ મૂળ વાતનું અનુસંધાન મેળવવા હસીને પૂછ્યું. ‘એ વખતે ક્યા કારણથી લડાઇ થતી હતી?’

દુગૉમાસી ફરીથી હસી પડ્યાં. ‘અરે ગાંડી, ધણી-બૈરીના ઝઘડામાં આમ જુઓ તો કોઇ કારણ ના હોય અને શોધવાં હોય તો હજાર કારણ મળી રહે. એ સમયે એમની પાસે રેલે કંપનીની સાઇકલ હતી. એને લીધે એ આખી પોળમાં વટ મારતા હતા. જીવની જેમ એ સાઇકલને સાચવતા હતા. પોળનાં છોકરાંઓ તો એ વખતેય વાંદરા જેવાં હતાં. એમાંથી કોઇ પંચર ના પાડે કે સીટ ઉપર કાપો ના પાડે એના માટે એ રોજ રાત્રે ખભા ઉપર ઊંચકીને ઘરમાં લાવીને ચોકમાં જ મૂકતા હતા. સાઇકલ ચકચકાટ રહે એના માટે કોઇક પોલિશની ડબ્બી પણ એ લાવ્યા હતા. સાઇકલ નવી નક્કોર લાગે એ માટે મારે એને ઘસી ઘસીને સાફ રાખવાની. એમનો વટ પડે એના માટે થઇને મારી પાસે મજૂરી કરાવતા હતા. એમાં કોઇ કસર રહી ગઇ હોય તોય ઘાંટા પાડવાનું શરૂ કરી દે... દાળ કે શાકના સ્વાદમાં ખામી રહી ગઇ હોય તો બિચારાં ડોસા-ડોસી અને બાકીના બધા ચૂપચાપ જમી લે પણ આ સાહેબની જીભ ચાલુ થઇ જાય. મારા પિયરિયાંથી વ્યવહારમાં કોઇ ભૂલ થઇ ગઇ હોય તોય મારા ઉપર દાઝ કાઢે...’ દુગૉમાસી ભૂતકાળમાં ખોવાઇ ગયાં હતાં. શિવાની શાંતિથી બેસીને એમના અનુભવ સાંભળતી હતી.

‘એ ચિડાઇને બૂમાબૂમ કરે પણ હું મન ઉપર નહોતી લેતી. સાસુ-સસરાની બહુ મોટી ઓથ હતી મને. એ એમના કુંવરનાં લખ્ખણ જાણતાં હતાં. તારા માસાની કમાન પૂરેપૂરી છટકે ત્યારે આવેશમાં આવીને ઓર્ડર કરે કે તારું પોટલું ઉઠાવ અને પિયર ભેગી થઇ જા... અહીંયાં તારું કંઇ કામ નથી, ભાગી જા તારા બાપને ઘેર... એ રાવણ થઇને બૂમો પાડતા હોય એ વખતે હું મારી સાસુની પાસે જઇને બેસી જતી. જરાય અકળાયા વગર શાંતિથી જવાબ આપતી કે તમારા કહેવાથી પિયર નહીં જાઉં, બા-બાપુજી કહેશે તો બે મિનિટમાં ઘર છોડીને જતી રહીશ... એ ધૂંધવાઇને ચૂપ થઇ જતા. કલાક બે કલાક પછી એમનું મગજ શાંત પડે એટલે વાર્તા પૂરી... એ ઉંમરે પણ મારામાં એટલી સમજ હતી કે નાના નાના ઝઘડામાં ઘર છોડવાની મૂર્ખામી ના કરાય.

કોઇ માણસ આવેશમાં આવીને ઓર્ડર કરે એનો તાત્કાલિક અમલ ના કરાય... એમનો બબડાટ સાંભળીને પિયર જવાનો નિર્ણય કર્યો હોત તો અમારો સંસાર ક્યારેય વસ્યો ના હોત...’ જૂની સ્મૃતિઓ યાદ કરીને દુગૉમાસી ફરીથી હસી પડ્યાં. ‘વેર વાળવામાં હુંય કાચી નહોતી. રિસાઇ જઇને એમને કગરાવું. પડખે ફરકવા જ ના દઉં એટલે સીધા નેતર જેવા થઇ જાય. માફી માગે. સાસુ-સસરાથી છાનામાના ચેતનામાં ઢોંસો ખાવા લઇ જાય! ઢોંસાની જેમ એ વખતે આઇસક્રીમની પણ નવાઇ હતી. તારા માસા ખૂબ ખુશ થઇ જાય ત્યારે આઇસક્રીમ ખાવા લઇ જાય...’ સહેજ અટકીને એમણે ઉમેર્યું. ‘અત્યારે તો બધા સાહ્યબીનો દેખાડો કરે છે. લગનગાળામાં છાસવારે રિસેપ્શનમાં જવું પડે છે. ત્યાં હાઇવે પરના પાર્ટીપ્લોટમાં હજાર રૂપિયાની પ્લેટ પણ જમવા મળે છે. પણ સાચું કહું? કાંકરિયાની પાળે એ વખતે ચાર આનાની રગડા-પેટીસની પ્લેટમાં જે ટેસ પડતો હતો એવી મજા આ હજાર રૂપિયાની થાળીમાં નથી આવતી!...’

અત્યારે પણ જાણે મોંમાં એ રગડા-પેટીસનો ચટપટો સ્વાદ છલકાયો હોય એમ દુગૉમાસીએ હોઠ ઉપર જીભ ફેરવી અને સ્મૃતિકથા આગળ વધારી. ‘તારા માસા બધાં ભાઇ-બહેનોમાં સૌથી મોટા. ઘરમાં સાસુ-સસરા ઉપરાંત ત્રણ દિયર અને બે નણંદ. સત્તર વર્ષની ઉંમરે પરણીને આવી કે તરત આખા રસોડાનો ભાર માથા ઉપર આવી ગયો. સવાર-સાંજ નવ નવ માણસની રસોઇ બનાવવાની. મૂળ વસ્તારી કુટુંબ અને ઘેર કોઇક ને કોઇક મહેમાન તો હોય જ. એ વખતે તો બધા હોશિયાર ડોક્ટરો પણ એકલા અમદાવાદમાં જ. કોઇક સગાને આંખ બતાવવાની હોય કે કોઇકનો ટાંટિગો ભાંગ્યો હોય તોય બધા દોડીને અમદાવાદ જ આવે. મારા સસરાનો સ્વભાવ દિલાવર. બીજાને ખવડાવીને રાજી થાય એટલે બધા અમારે ત્યાં જ ધામા નાખતા હતા.

એ વખતે આટલી મોંઘવારી નહોતી અને માણસોનાં મન પણ મોટાં હતાં. મહેમાન આવે તો મોં મલકાવીને આવકાર આપવાની આદત હતી. અમે બધા જમી પરવારીને બેઠાં હોઇએ અને મહેમાન આવે તો ફરીથી રસોઇ બનાવવાનો ક્યારેય કંટાળો નથી આવ્યો.’ નિરાશાથી માથું ધુણાવીને દુગૉમાસીએ શિવાની સામે જોયું. ‘હવે બધું બદલાઇ ગયું છે પણ એમાં માણસોનો વાંક નથી. ખાવા-પીવાની ચીજવસ્તુઓ મૂઇ એટલી મોંઘી થઇ ગઇ છે કે બે છેડા ભેગા કરવામાં જ માણસ મરી જાય છે. ખુદના ફેમિલીને ખવડાવવાના ય ફાંફાં પડતાં હોય એ દશામાં મહેમાન માટે ઉમળકો ક્યાંથી આવે? આ મોંઘવારીએ માણસોનાં મન બદલાવી નાખ્યાં છે. સગો ભાઇ કે બહેન એના પરિવાર સાથે આવે તોય મનમાં ધ્રાસકો પડે છે. પતિને પારાવાર પીડા મોંઘવારીની હોય અને એની બૈરીને કેડ નમાવીને કામ કરવાનો કંટાળો આવે, એટલે કોઇને મહેમાન ગમતા નથી...’ અચાનક અટકીને એમણે ફરીથી માથું ધુણાવ્યું. ‘મારુંય મગજ ભમી ગયું છે શિવાની! આ સગાં ભાઇ-બહેનની વાત નીકળી એટલે હું જે કામે આવેલી એ યાદ આવ્યું! ગઇ કાલે ચંદુડો તારા માસાની દુકાને પહોંચી ગયો હતો...’

ચંદુડો એટલે ચંદ્રેશ. મહેકનો સગો મોટો ભાઇ. પોળનું આ મકાન પચાવી પાડવાની એની ખોરી દાનતની બધાને ખબર હતી. ‘એ જનાવરે સગી જનેતાને વેશ્યા અને કુલટા કહીને વાત કરી. એકના એક દીકરાના આવા વ્યવહારથી દુ:ખી થઇને બિચારી રસિલાએ આપઘાત કર્યો. હવે એ નાલાયકની નજર આ ઘર ઉપર છે. મહેકને સમજાવી-પટાવીને એને ઘર ખાલી કરાવવું છે. તારા માસા પાસે જઇને એ નાટકિયાએ લાગણીનું નાટક કર્યું. કહે કે ભાઇનો સરસ મજાનો ફ્લેટ છે છતાં મહેક પોળમાં કેમ પડી રહે છે? એને સમજાવીને અમારી સાથે રહેવા મોકલો... તારા માસાએ એનું ભાષણ શાંતિથી સાંભળ્યું. પછી જોઇશું કહીને રવાના કરી દીધો...’

લગીર અટકીને દુગૉમાસીએ પોતાની શંકા રજૂ કરી. ‘આનો અર્થ એ થયો કે મકાનની વાત હજુ એના મગજમાં છે. મહેક પાસેથી ઘર પડાવી લેવા માટે એ હીરો ગમે તે હલકાઇ કરી શકે. મહેકને સમજાવી દેજે કે ચેતતી રહે... ચંદુડો એનો સગો ભાઇ છે પણ દુશ્મનથી યે ભૂંડો છે...’

એ જ વખતે સામે રહેતા મનસુખ સોનીનો પંદર વર્ષનો પુત્ર તપન ઘરમાં આવ્યો. ‘તમને બંનેને મારી મમ્મી ચા પીવા બોલાવે છે...’ દુગૉમાસી અને શિવાની સામે જોઇને એણે ઉમેર્યું. ‘જલદી આવજો નહીં તો મને બીજો ધક્કો ખવડાવશે...’ ઝડપથી પગ ઉપાડીને એ પાછો જતો હતો એને શિવાનીએ રોકયો. ‘તપલા, કામ શું છે?’ ‘એ કંઇ મને ખબર નથી. તમે ચા પીવા આવો એટલે એ કહેશે...’ આટલું કહીને એ દોડી ગયો. દુગૉમાસી અને શિવાની ઊભાં થયાં. શિવાનીએ બારણું ખાલી બંધ કર્યું અને બંને મનસુખના ઘર તરફ ચાલ્યાં.

***

ઇન્સપેક્ટર ચાવડાના બંગલામાંથી બહાર આવીને હેમાંગ અને પ્રતીક શિવરંજની ચાર રસ્તા પાસે આવ્યા. પ્રતીક કંઇક બોલવા જતો હતો એ વખતે એનો મોબાઇલ રણકયો. સ્ક્રીન ઉપર ચાવડાનું નામ જોઇને એને આશ્ચર્ય થયું. બાઇક સ્ટેન્ડ પર ચડાવીને એણે એમની વાત સાંભળી. ‘નો પ્રોબ્લેમ. અત્યારે જ કહી દઉં છું...’ આટલું કહીને એણે વાત પતાવી અને હેમાંગ સામે જોયું.

‘ચાવડાજીનો ફોન હતો...’ હેમાંગના ચહેરા પરની જિજ્ઞાસા જોઇને એણે તરત માહિતી આપી. ‘પૂજાને એક સૂચના આપવાની છે. એની જવાબદારી એમણે મને વળગાડી... પૂજાનો નંબર બોલ...’ પોતાના મોબાઇલમાં જોઇને હેમાંગે જે નંબર કહ્યો એ પ્રતીકે જોડ્યો. ‘મેડમ પૂજા?’

‘જી...’ ‘પ્રીતક બોલું. ચાવડાસાહેબ સાથે તમારા ઘેર આવેલો અને આજે એમના બંગલે મિટિંગમાં પણ હાજર હતો પડી ઓળખાણ?’

‘જી...જી... જી સાહેબ.’

‘ચાવડાસાહેબે પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો છે. ત્યાં જઇને મિસ્ટર રાઠોડને મળજો. તમારું એિકટવા, મોબાઇલ, પર્સ, ટિફિન... એ બધુંય એ તમને આપી દેશે...’

‘થેંક્યુ... થેંકર્યું વેરી મચ સાહેબ...’

એનો જવાબ સાંભળતી વખતે અચાનક પ્રતીકના હોઠ મલક્યા. ‘બાય ધ વે, મેડમ, તમે ટેલ્કમ પાઉડર તો વાપરો છોને?’

‘જી... હું કંઇ સમજી નહીં...’

‘એમાં કંઇ સમજવાનું નથી...’ પ્રતીકે હળવેથી કહ્યું. ‘તમારી ચીજવસ્તુઓની સાથે પેલા પંદર પેેકેટ્સ પણ પર્સમાં હશે... એ ખોલીને વાપરી નાખજો!’ ફોન કાપીને પ્રતીકે હેમાંગ સામે આંખ મિચકારી. ‘અત્યારે એ હિરોઇનનો ચહેરો જોવા જેવો હશે!’

બનેવીની વાત સાંભળીને હેમાંગ ખડખડાટ હસી પડ્યો. આંખો ઝીણી કરીને પ્રતીક એની સામે જોઇ રહ્યો. બે ડગલાં આગળ વધીને એણે હેમાંગના ખભે હાથ મૂક્યો. ‘પૂજા પ્રકરણ પતી ગયું. એને એના ગુનાની સજા મળી ગઇ...’ હેમાંગની આંખોમાં આંખો પરોવીને એણે પૂછ્યું. ‘હવે તારો વારો છે હેમાંગ! પોળ છોડીને તું પાછો ફ્લેટમાં કેમ ગયો એ અમને કોઇને સમજાતું નથી... જરાય શરમાયા વગર સાચું કારણ બોલ...’

(ક્રમશ:)

-મહેશ યાજ્ઞિક, નવલ કથા

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.