Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Bal Bhaskar
 

ભગવાનનું વરદાન ભારે પડ્યું

 
Source: Bal Bhaskar   |   Last Updated 1:08 AM [IST](29/08/2010)
 
 
 
 
 
એક કબૂતર હતું. એ મંદિર પાસેના ઝાડ પર રહે. સવારે ઊઠીને એ મંદિરમાં જાય. ચબૂતરા પર નાખેલા દાણા ચણે અને પછી નજીકના તળાવ પર જાય, પાણી પીવે અને મજા કરે.એક વાર કબૂતરને સપનું આવ્યું. સપનામાં એને ભગવાન મળ્યા. એણે ભગવાનને કહ્યું, ‘ભગવાન, બધા પક્ષીઓને એક-એક ચાંચ છે, પણ મને બે ચાંચ આપો.’ ભગવાન હસી પડ્યા પછી કહે, ‘સારું તને બે ચાંચ આપી, બોલ બીજું કંઈ જોઈએ છે?’

કબૂતરે કહ્યું, ‘પ્રભુ, મારે ચાર પાંખ જોઈએ છે.’ કબૂતરની વાત સાંભળીને ભગવાનને ફરીથી હસવું આવ્યું. તેમણે કહ્યું, ‘તારે શા માટે બે ચાંચ, ચાર પાંખની જરૂર છે?’

કબૂતરની ડોક એકદમ ફૂલી ગઈ. તેણે ખુશ થઈને કહ્યું, ‘હા, ભગવાન મારે બીજા પક્ષીઓ કરતાં સાવ જુદા અને જબરા થવું છે.’ભગવાને કહ્યું, ‘ભલે ત્યારે, જેવી તારી ઈચ્છા. જા, તને બેને બદલે ચાર પાંખ આપી. હવે તો ખુશ ને?’ કબૂતર રાજી રાજી થઈ ગયું.

આ બાજુ ભગવાન અલોપ થયા અને બીજી બાજુ કબૂતરને એકને બદલે બે ચાંચ, બે પાંખની જગ્યાએ ચાર પાંખ થઈ ગઈ. કબૂતર તો આનંદમાં આવી ગયું. એ નાચવા અને ગાવા લાગ્યું-ચાર ચાર પાંખ, બબ્બે બબ્બે ચાંચ, નાચો ભૈ, નાચો, નાચો ભૈ, નાચો.

સવાર પડી. બધા પક્ષીઓ પોતપોતાના માળામાંથી ઊડ્યા. કબૂતર પણ ઊડ્યું, પણ આ શું? પહેલી બે પાંખ કહે, ‘અમારે નથી ઊડવું.’ તો બીજી બે પાંખ કહે, ‘અમારે ઊડવું છે.’ કબૂતરને થયું, ‘અરે! આ તો મોટી ઉપાધિ થઈ. શું કરવું?’ પછી કબૂતરે પાંખને વિનંતી કરી ત્યારે માંડ પહેલી બે પાંખ ઊડવા માટે તૈયાર થઈ. કબૂતર ઊડીને મંદિરના ચબૂતરે ચણ ચણવા ગયું. અરે, પણ આ શું? બીજી ચાંચે કહ્યું, ‘ભૈ, મારે તો ચણવું નથી હોં.’ તો પહેલી ચાંચ બોલી, ‘ભૈ, મારે તો ચણવું છે હોં.’ ફરી પાછું કબૂતરને થયું, ‘અરે, આ તો પાછી બીજી ઉપાધિ ઊભી થઈ. હવે શું કરવું?’

એણે ફરી પાછી બંને ચાંચને ખૂબ સમજાવી ત્યારે માંડ બીજી ચાંચ માટે તૈયાર થઈ. કબૂતરે પેટ ભરીને દાણા ખાધા. પછી એણે વિચાર્યું, ‘હવે હું ગીત ગાઉં, તળાવે જાઉં, પાણી પીઉં, પછી મારા માળામાં જાઉં.’

આમ, વિચારીને કબૂતર ઊડ્યું, પણ? વચ્ચે રકઝક ચાલુ થઈ ગઈ. પહેલી બે પાંખ કહે, ‘ઊડવું છે.’

તો બીજી કહે, ‘ના, ભૈ ના, મારે નથી ઊડવું હોં.’ કબૂતરે કંટાળીને કહ્યું, ‘ભૈ, તમે ચારેય પાંખ સંપીને રહો.’ છેવટે કબૂતરના સમજાવ્યા પછી બીજી પાંખ ઊડવા તૈયાર થઈ.

બીજા પક્ષીઓ પણ કબૂતરને જોઈને ભેગા થઈ ગયા. સૌને નવાઈ લાગી. સૌ ગાવા લાગ્યા- કબૂતરને ચાર પાંખ હેય, હેય! કબૂતરને બબ્બે ચાંચ હેય, હેય!

કબૂતર તો જીવ લઈને ઊડ્યું. પછી જઈ પહોંચ્યું તળાવના કાંઠે. તરસ તો ખૂબ લાગી હતી. એણે જેવું પાણી પીવા માથું નમાવ્યું કે પહેલી ચાંચે કહ્યું, ‘થોભો, મારે પાણી નથી પીવું.’ કબૂતર ચમકર્યું. તેણે કહ્યું, ‘કેમ ભૈ, તને પાછું શું વાંકુ પડ્યું?’ ‘કબૂતરભાઈ, એક વાર કહ્યું ને કે મારે પાણી નથી પીવું તો નથી પીવું.’

બીજી ચાંચ તરત બોલી, ‘એમ કંઈ ચાલે? મારે તો પાણી પીવું જ છે.’ આમ, અંદરોઅંદર બંને ચાંચ ઝઘડી પડી. કબૂતર એવું કંટાળ્યું કે ના પૂછો વાત. એ કહે, ‘આ તો પહેલા જ દિવસે મોંકાણ થઈ તો પછી આગળ જતાં શું થશે મારું?’ પછી તો એ પાણી પીવાય ના રહ્યું અને સીધું ઊડ્યું આકાશે ભગવાન પાસે જવા.

પછી તો એ ભગવાન પાસે ગયું અને જતાંની સાથે ભગવાનના પગમાં પડી ગયું. તેણે કરગરીને કહ્યું, ‘પ્રભુ, તમે આપેલી વધારાની ચાંચ અને વધારાની બે પાંખ પણ પાછી લઈ લો.’ કબૂતરનો રડમસ ચહેરો જોઈ ભગવાને કહ્યું, ‘કેમ ભૈ? તારે હવે બીજા પક્ષીઓથી જુદા અને જબરા નથી થવું?’

‘ના પ્રભુ, નથી બનવું હોં. હું જે છું તે બરાબર છું’ કબૂતરે કહ્યું. આ સાંભળીને ભગવાન ખૂબ હસ્યા. એમણે કહ્યું, ‘બ્રહ્નાજીએ જે કર્યું છે તે ખૂબ જ વિચારીને કર્યું છે.’

‘તમારી વાત સાચી છે પ્રભુજી!’

એટલું કહી કબૂતર ઊડીને સીધું પોતાના માળામાં પહોંચી ગયું. તેનું સપનું પૂરું થયું. એ જાગ્યું એવું જ મનોમન હસી પડ્યું. વળી, પાછું તે ગીત ગાવા લાગ્યું- મારી રૂપાળી પાંખ, મારી રૂપાળી ચાંચ, નાચ ભૈ, નાચ, નાચ ભૈ નાચ.

રમેશ ત્રિવેદી
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.