‘તમે લાખ તૂટો તોયે મને ગાંડો કરી નહીં શકો, કારણ કે હું ડુંગળીની ખેતી કરતો નથીઈઈઈ..!’
જાણે કે અમે દુર્યોધનના દરબારમાં બેઠા હતા. અવળા પાસાં પડ્યું જે ગયા છતાં જૂગટું જીતીને બેઠેલાઓ એકબીજાનાં ડાચાં... આઇ મીન.. એકબીજાના મુખારવિંદ જોઇ પાંજરાપોળમાં બેઠેલી ગાયો જેવા બની ગયા હતા.
મનુભાઇના સ્ટુડિયો પર પહોંચતાની સાથે ભોગી ‘ચકલી’એ સ્ત્રીનાં વસ્ત્રો ઊતારી, પોતાનું મૂળ રૂપ અપનાવી લીધું હતું. બધાંની વચ્ચે હું હાસ્યપ્રેરક બની બેઠો હતો! શું કરે આ મનસુખકાકા? પડતર જમીનમાં તરત પાક ના ઊગે! તો ટાલ પર તરત વાળ ઊગે? ડિટેક્ટિવ ડેંગુચાના મગજનીયે એવી જ સ્થિતિ હતી. જેમાં વિચાર ઊગતા નહોતા! સાઇકાયટ્રિસ્ટ ડૉ.. મનન ચક્રધર જાણે કે અમને સૌને ટ્રીટમેન્ટની જરૂર હોય, એમ ચક્રાકાર નજર નાંખી સૌને જોતા હતા.
‘ડૉ.. મના, આ ભોગીભાઇ હવે પોતાને પુરુષ માનવા માંડ્યા છે!’ મેં વાત આરંભી.
‘માય ગ્ગોડ...’ મનનની ચિંતા વધી ગઇ, ‘મલ્ટપિલ ડિસઓર્ડર! ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ યોગ્ય સમયે ન મળે તો... કંઇ પણ થઇ શકે!’ બધાની દયામણી નજરો પોતાના પર મંડાતી જોઇ ભોગી ગિન્નાયો. એ ત્રાડ્યો,
‘અરે બધાં ગાંડા થઇ ગયાં છો કે શું? મને શું થયુ છે?’
મેં કહ્યું, ‘અરે તમે ‘પાગલ કા પર્દાફાશ’ નથી વાંચી? એ જાસૂસી નોવેલમાં આવું જ બને છે!’
મેકઅપમેન મનુભાઇ બઘવાઇ ગયેલા બગલાની જેમ બધાનાં મન માપવા પાતળી ડોકી આમતેમ કરવા લાગ્યા. હજી સુધીના સંવાદોમાં સમજણની એક માછલી પણ એ પકડી શક્યા નહોતા.
‘પાગલ કા પર્દાફાશ?’ ભોગી બરાડ્યો, ‘અરે ભાડમાં ગઇ એ નોવેલ! હું પાગલ નથીઈઈઈ! હું પુરુષ છું અને પહેલાં પણ હતો! મારે કાંઇ તમારાં સર્ટિફિકેટોની જરૂર નથી. આ બાબત તમે ના સ્વીકારો. તો પડો ખાડામાં! મારી પત્ની આ સ્વીકારે તે જ પ્રથમ આવશ્યકતા છે, હું ઘેર જાઉં છું...’ એ ઊઠ્યા.
‘જોયું?’ ડૉ.. મનને ગંભીર પરિસ્થિતિને પામી જતા કહ્યું, ‘મેં હમણાં જ કહેલુંને કે કેસ વકરી જશે! ક્યારના જીભ પર પરાણે બ્રેક મારીને બેઠેલા મનુભાઇ તરત વાતને પામી ગયા. એમણે ડોકી ઊંચી કરી, ઘાંટો પાડી બોલ્યો, ‘અહીં મને એક પણ જણ ડાહ્યો હોય, એવું લાગતું નથી.’
મેં એમને અધવચ રોકી પૂછ્યું, ‘કેમ? તમે પોતે પણ નથી?’
‘તમે યાર ચૂપ બેસો...’ મનુભાઇએ હવે પોતાની કોઠાસૂઝ દર્શાવી, ‘મિત્રો! આપણા પ્લાન અનુસાર મેં ભોગીભાઇને ‘સ્વીટી’ બનાવેલા. એ પુરુષ હતા અને છે. એમાં ન સ્વીકારવા જેવું શું છે? મને તો એ હાલ બિલકુલ સ્વસ્થ લાગે છે... અને ડૉ.. મનનની ટ્રીટમેન્ટ વિના આ શક્ય બન્યું, એનો સૌને આનંદ હોવો જોઇએ! પણ તમે બધા બાઘા મારો છો...’
તરત ભોગી કરાંજયો, ‘અલ્યા પણ જે માણસ પહેલાં પુરુષ હતો અને હાલ પણ પુરુષ છે- એમાં વચ્ચે ટ્રીટમેન્ટ ક્યાંથી આવેએએ? તમારા પ્લાનમાં મેં સહયોગ આપ્યો, એટલે ખોટી મેથી મારવાની?’ મેં ખેંચાઇ ગયેલા ભોગીને ખેંચીને ફરી બેસાડી દેતાં કહ્યું, ‘હવે સમજાયું? હાલ તમારે પુરુષત્વ સાબિત કરવા મરણિયા બનવું પડ્યું છે, એનું કારણ ખુદ તમે છો! નક્કી કરાયેલા પ્લાનમાં વધારાનું દોઢ ડહાપણ કરાય જ નહીં, ને કરવું જ હોય તો સાથીઓને વિશ્વાસમાં લેવા પડે! અભિનયના પ્રયોગો જ કરવા હોય તો નાટકમાં કામ કરજો, મેં એક નાટક પણ લખ્યું છે! તમારા હડફાઉ અભિનય પ્રયોગોને કારણે, આ એક અડીખમ આખલા સમો આદમી આજે બેવડ વળી ગયેલા બેવકૂફ બળદ જેવો થઇને બેઠો છે, જુઓ એને...’
મેં આંગળી ચીંધી ડિટેક્ટિવ ડેંગુચા તરફ સૌનું ધ્યાન દોર્યું. એ આવ્યો ત્યારથી શૂન્યમનસ્ક થઇ હવામાંના અર્દશ્ય આકારોને જોતો હોય, એમ બેસી રહેલો.
મારે કબૂલવું જોઇએ કે મારી રજૂઆતથી મારું મહત્વ વધી રહેલું જોઇ, મને હવે શૂરાતન ચડ્યું હતું. મેં મારી ટાલને છેલ્લો મૃદુ સ્પર્શ આપી ગૌરવભેર જણાવ્યું, ‘અરે સાથીઓ! તેલમાં માખી પડી હોય, એમ શું બેઠા છો? હવે... ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિની ચિંતા છોડી દો...’
આથી બધા વધુ ચિંતામાં પડ્યાં. ડૉ.. મનને મોટેથી કહ્યું, ‘ભોગીભાઇ તો કદાચ ઠીક થઇ ગયા છે, પણ આમને ખરેખર ટ્રીટમેન્ટની જરૂર છે! આટલી મજૂરીઓ, કૂટયા પછી, એમને હવે ધ્યેયપ્રાપ્તિની ચિંતા નથી, બોલો!’
મેં આનંદયુક્ત બરાડો નાખતાં ડિટેક્ટિવ ડેંગુચાને હચમચાવી કહ્યું, ‘અરે, ધ્યેય પ્રાપ્ત કરી લીધા પછીયે ચિંતા કરાય? ડેંગુચાસાહેબ, સાંભળો! આપણે પ્લાન સફળ થઇ ચૂકયો છે! ગનપટ હુરટી અને ગીતા પટેલ ક્યાં ગયાં છે, એનું રહસ્ય ખોલતો આ પત્ર રેડ્ડી પાસેથી મેં મેળવી લીધો છે, આ જુઓ...’ મેં ખિસ્સામાંથી કાઢી પત્રને હવામાં લહેરાવ્યો...
ને...તરત ડેંગુચાના મગજ પર જાદૂઇ અસર થઇ!
‘શું આપણો પ્લાન સફળ થઇ ગયો? આપણે ઇચ્છેલું તે રહસ્ય ખૂલી ગયું? હું આ શું સાંભળું છું? ફરી સમય આપણી મુઢ્ઢીમાં છે, એમ?’ ડેંગુચા આટલું બોલતામાં તો ફરી ટટ્ટાર થયો! ઢીલી પડી ગયેલી એની મૂછો ફરી કડક થતી જણાઇ. સહજ રીતે જ એનો હાથ મૂછો ભણી જતો જોઇ સૌ રોમાંચિત થઇ ગયા. બમણી ખુશી હતી. પ્લાન સફળ થયાની અને ડેંગુચા સાજો થયાની! માત્ર મનન ધૂંધવાયેલો હતો. એણે ડેંગુચાને બરડે હાથ મેલી, ભારે ગંભીરતાથી કહ્યું, ‘આઘાત અને આનંદમાં અચાનક આવતા પલટાઓ મગજ પર ગંભીર અને દૂરોગામી નકારાત્મક અસરો પાડતા હોય છે અને પહેલેથી વિક્ષપિ્ત થયેલું મગજ એને ઝીલી શકે એટલું સક્ષમ હોતું નથી. ડેંગુચાસાહેબ તમે ખુદ જાણો છો કે તમારી ટ્રીટમેન્ટ શરૂ થયે હજી થોડા દિવસો જ થયા છે, તમે અત્યંત નાજુક તબક્કામાં છો. ક્રમશ: નિષ્ક્રિય થતાં જતાં જ્ઞાનતંતુઓને કારણે ડિપ્રેશન પછીનો એક અતિ ગંભીર તબક્કો આવતો હોય છે, જેને મનોવિજ્ઞાનની ભાષામાં...’
‘અરે, ભાડમાં ગયું એ મનોવિજ્ઞાન, ને ભાડમાં ગયો એ તબક્કો!’ ડેંગુચાએ મનન સામે અસલી ત્રાડ નાખી, ‘તમે લાખ તૂટો તોયે મને ગાંડો કરી નહીં શકો, કારણ કે હું ડુંગળીની ખેતી કરતો નથીઈઈઈ..!’
અસલી તકિયાકલામ સાથે એણે સિગાર જલાવી કે તરત સાથીઓમાં હર્ષ વ્યાપી ગયો. મનુભાઇએ ડૉ.. મનન સામે ડોક લંબાવી કહ્યું, ‘ડોક્ટર સાહેબ, હવે તમારા સિવાય કોઇને મગજની ટ્રીટમેન્ટની જરૂર નથી...’ આ સાંભળી સમસમી ગયેલા મનને પ્રથમ તો પોતાના માથાના વાળ ખેંચ્યા. પછી પ્રચંડ બરાડો નાંખતા સૌને કહ્યું, ‘સાલાઓ... તમારી આ ટોળકીનો એક એક જણ ખોપરી છે! એકેએક જણ એબ્નોર્મલ છે! તમારી તો ટ્રીટમેન્ટ પણ શક્ય નથી. લાગે છે હું ગાંડો થઇ જઇશ, માટે જાઉં છું... તમે પડો બધાંયે ખાડામાં...’ બીજી જ ક્ષણે ડૉ.. મનન આડી ફાટેલી હવાઇની જેમ બહાર દોડ્યા અને અલોપ થઇ ગયા.