રેડ્ડી દ્વારા દાઝમાં ફેંકાયેલા બે દડાઓનું મારી ટાલમાં ટકરાવું, એ માત્ર ભૌતિક ઘટના નહોતી. કોઇ નાદાન ભાવક એમાંથી સ્થૂળ હાસ્ય શોધશે, તો એ મને નહીં ગમે (એ કામ વિવેચકોનું છે મિત્ર)! આ ઘટના વેદના સાથે સંકળાતી તમને દેખાતી નથી? અરે, રસિક ભાવકો, જરા કલ્પો કે કેવી કેવી રોમાંચક અપેક્ષાઓ સાથે રેડ્ડી આગળ વધ્યો હશે! ને જ્યારે એના હાથમાં આ બે દડાઓ આવ્યા હશે, ત્યારે કેવી રીતે એની વેદના પરાકાષ્ઠાએ પહોંચી હશે? જ્યારે સ્વીટીને બદલે એના હાથમાં ભોગી ‘ચકલી’ ઝડપાવાનો આરંભ થયો હશે, એ ક્ષણોનું વર્ણન હું કરી ન શકું. એ વેદનાને પામવા, તમે ફિલ્મ ‘ગાઇડ’નું આ ગીત યાદ કરો: ‘ચાહા ક્યા, ક્યાઆઆ મિલાઆઆઆ, બેવફાઆઆ આઆઆઆ, આઆઆઆ, તેરે પ્યાર મેં...’
એ ર્દશ્ય હું કેવી રીતે ભૂલું, જ્યારે ક્રિકેટની અનિયમિત ઉછાળ ધરાવતી પીચ સમી મારી ટાલ પર અથડાઇ બે દડા અકલ્પ્ય બાઉન્સ સાથે છત ભણી ગયા અને ચમકીને પાછળ જોયેલું! પાછળ શબ્દ જ બરાબર છે, કારણ કે પહેલી વાર મને લાગેલું કે હવે હું આગળ છું અને આવનારો સમય હવે મારા હાથમાં છે!યુદ્ધ હારી ગયેલા સૈનિક જેવો રેડ્ડી હવે બરાડા નાખવા સિવાય કશું કરી શકે તેમ નહોતો. એની પાછળ સ્વીટીના પોષાકમાં હવે ભોગી ‘ચકલી’ પ્રગટ થયો હતો! ભોગીની તો વાત જ જવા દો! થોડું વજન ગુમાવતા એ કાંઇક હળવો થઇને ઊભો હતો. બે દડાનું સ્થાનાંતરણ થાય અને માથાની વગિ ખસી પડે, ઉત્કટ પ્રણયની ક્ષણોમાં તો વજન ઘટાડો ના થાય?
ઐયો મનસુક, યુ પ્રોડ... મૈં ઓ ગીતા પટેલ કા ચિટ્ટી દિયા, ઓ વાપસ દે દે! નૈં તો મૈં તેરે કુ ચોંડેંગા (છોડેગા) નૈં. રેડ્ડીએ મરણિયા બની મારા ભણી ત્રાડ નાખી. કાંઇક બખડજંતર થયેલું જણાતા સ્ટાફ ભેગો થવા લાગ્યો. કોઇને કાંઇ સમજાય, એ પહેલાં મેં રેડ્ડીને ધક્કો મારી ભોંય ચાટતો કર્યો અને ભોગી ‘ચકલી’નો હાથ ખેંચી બહાર જવા દોડવા માંડ્યું. કંપનીના મુખ્ય ઝાંપે સિકયુરિટીવાળા અહિંસક બંદૂકો સાથે અમને જોઇ રહ્યા, પણ કશું ન સમજાતા એમણે અમને રોક્યા નહિ, ઠીક ઠીક દોડીને અમે ફરી એ જ બગીચામાં ઘૂસ્યાં, જ્યાં કલાબેને અમારા દર્શન કરેલાં!
ફરી એ જ બાંકડે બેસી હાંફ ઉતાર્યા પછી મને યાદ આવ્યું કે ભોગી ‘ચકલી’ની માનસિક સ્થિતિ રેડ્ડીને ગુમાવ્યા પછી ઓર ગંભીર થઇ શકે! પૂરી જવાબદારીની ભાવના સાથે અને અત્યંત વાત્સલ્યપૂર્વક મેં એને કહ્યું, ‘સ્વીટી બેટા, મને કલ્પના નહોતી.. પણ બધું અણધાર્યું જ બને છે! રેડ્ડી માત્ર ભૂખ્યો ભેડિયો હતો, એણે તારી શી દશા કરી છે, એ હવે તુંયે જાણે છે! પણ બેટા, આપણે બચી ગયા. આપણે તમારા એ લગ્નને ના માનીએ, તો કોર્ટમાં આપણે જ જીતીએ! એક સળગતા લાઇટરની સાખે તમે પરણ્યા, એનો એક માત્ર સાક્ષી આ મનસુખકાકો છે. એ લગ્ન હવે ફોક સમજી લે! તારા હાથ પીળા કર્યા વિના આ મનસુખકાકો મરવાનો નથી, માટે તું જરાયે ચિંતા ન કરતી... મુરતિયાઓ ઘણાયે મળશે.’
આ સાંભળી ભોગીએ એક ઊંડો શ્વાસ લીધો. એણે તોફાની મિજાજ સાથે મને કહ્યું, ‘તમે યાર, વહેલી તકે મરો... અથવા ઓવર એક્ટિંગ છોડો! તમને ખબર છે કે મારે માત્ર ‘સ્વીટી’નો રોલ ભજવવાનો હતો. હવે આપણો પ્લાન સફળ થઇ ગયા પછી પણ તમારે મારે માટે મૂરતિયો શોધવો છે? તમે ગાંડા થઇ ગયા છો? હેંએએ?’ હું એની વાતથી ભડકયો! નવું બખડજંતર જણાતા હું ગૂંચવાયો... આ તું શું બોલી રહી છે? મતલબ કે તમે શું બોલી રહ્યા છો?’ હું બોલી ઉઠ્યો.‘નિર્મશિભાઇ...’ ભોગીએ ઘૂવડ સમી ઓરિજ્નલ દ્રષ્ટિ નાખતા કહ્યું, ‘તમે ‘વો’થી મતલબ કિ ‘થા’! વાંચી છે? એ જાસૂસી નોવેલમાં આવું જ બને છે.’‘અરે, ભાડમાં ગઇ એ નોવેલ! તમે ટ્રીટમેન્ટ વિના ફરી પુરુષ બની જ ના શકો, માટે નાટક ના કરો. મારાથી ઘાંટો નીકળી ગયો.’
‘ઓ મનસુખકાકા! તમને ભલે ટાલ માફક આવી ગઇ હોય, પણ મારે ‘સ્વીટી’ તરીકે આખી જિંદગી કાઢવાની નથી. મેં ‘સ્વીટી’ તરીકે કેવો ગજબનો અભિનય કર્યો કે રેડ્ડી તો ઠીક, તમે પણ મને સ્ત્રી સમજવા લાગ્યા! તમે ભલે ઇચ્છો, પણ મેં પુરુષત્વ ખોયું નથી! આ બધો અભિનય જ હતો, ને... ‘વો’ થી મતલબ કિ ‘થા’! માં આવું જ બને છે...’ એણે મગજ બ્હેર મારી જાય એવી ચોખવટ ફરીથી કરી.
‘પણ યાર... અમારી આંખમાંયે ધૂળ નાખે એવો અભિનય કરવાની શી જરૂર હતીઇઇ?’ મારો રાગ ફાટી ગયો, ‘તમારી આ ડફોળાઇને લીધે ડિટેક્ટિવ ડેંગુચા અડધો ગાંડો થઇ ગયો છે અને હું આપણા ફલેટના સભ્યોને હાથે ઝૂડાઇ જતાં માંડ બચ્યો છું! અમને વિશ્વાસમાં લીધા વિના જ આવા અભિનયના પ્રયોગો કરવાના? તમે યાર... માણસ છો કે ફાનસ?’
એણે કાતિલ સ્વસ્થતાથી કહ્યું, ‘પ્રેમ અને યુદ્ધમાં બધું જ શક્ય છે અને ન્યાયી પણ છે..’‘અરે, કયો પ્રેમ ને કર્યું યુદ્ધ? તમે પોતાના સાથીઓને જ ગધેડા બનાવો છો?’ હું ઉકળ્યો.‘કેમ ભૂલી ગયા?’ એ બોલ્યો, ‘ડેંગુચા સાથે મારા પ્રેમ કરીને આડકતરું તો યુદ્ધ જ ખેલવાનું હતું ને?’ મેં તરત એની ગળચી પકડી હલાવ્યો, ‘શું યુદ્ધ તમારે એકલાએ ખેલવાનું હતું? શું અમે માત્ર શંક ફૂંકનારા છીએ? અરે, શંખ ફૂંકનારાઓને પણ ખબર હોય છે કે ક્યા પ્રકારનું યુદ્ધ કોની વચ્ચે થવાનું છે! તમે તો યાર સાવ જ મૂરખના સરદાર છો!’
એણે પરમ સંતોષથી કહ્યું, ‘ગમે તેમ, પણ પ્લાન સફળ તો થયો ને? ‘વો’ થી મતલબ કિ ‘થા’! માં બિલકુલ આવું જ બને છે...’ હું ગળે આવી ગયો! આ મૂર્ખ પ્રકારના દેશી જાસૂસને શું કહેવું, જે માત્ર જાસૂસી નોવેલો વાંચી આગળ ધપ્યે જતો હતો.કશું ન સૂઝતાં મેં મોબાઇલ પરથી ડિટેક્ટિવ ડેંગુચાને રિંગ કરી. સામેથી એમને બદલે ડૉ.. મનન ચક્રધરનો અવાજ સંભળાયો, ‘ડેંગુચા સાહેબની તબિયત ઠીક નથી. હું મનન ચક્રધર બોલું છું, આપ કોણ?’
મેં ઉતાવળે કહ્યું, ‘હું મનસુખકાકા આઇ મીન નિર્મશિ બોલું છું. કામની વાત સાંભળી લો. તમે મિસ્ટર ડેંગુચાને લઇ મનુભાઇના સ્ટુડિયો પર પહોંચો. ખૂબ જ અગત્યનું કામ છે. તમને હવે તો ખબર જ હશે કે આપણા પ્લાન મુજબ ભોગીભાઇને આપણે જે બનાવેલા, તે જ એ બની ગયેલા અને પછી પોતાને એ જ સમજવા લાગેલા, એવું જ આપણે સમજતા હતા, તેવું નથી અને કામચલાઉપણે એ જ બનેલા, એમાંથી ફરી એમને ભોગીભાઇ બનાવવા એમને તમારી ટ્રીટમેન્ટની જરૂર પડશે એમ તમે જે કહેલું, એ હાલ ખોટું પડ્યું છે કારણ કે તમારી ટ્રીટમેન્ટ વિના જ એ ભોગીભાઇ બની ગયા છે. મતલબ કે આપણે એમને જે બનાવેલા, તે એ હાલ નથી, માટે હું એમ કહું છું કે..’
સામેથી તરત ઘાંટો સંભળાયો, ‘તમારો બકવાસ મને સમજાતો નથી, લાગે છે હું ગાંડોે થઇ જઇશ. તમે મનુભાઇના સ્ટુડીઓ પર ટળો અને અમે પણ ત્યાં જ મરવા... મતલબ કે મળવા આવીએ છીએ...’ આ પછી ફોન પછડાયાનો અવાજ પણ મને સંભળાયો! (ક્રમશ:)
ગનપટ હુરટીનું મહાભારટ, નિર્મિશ ઠાકર
nirmish1960@yahoo.com