Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Dharma Darshan
 

ગાંધીજીની શ્રદ્ધા ભેળસેળ વિનાની હતી

 
Source: Gandhijini Dharmabhavna, Jitendra Dave   |   Last Updated 12:19 AM [IST](09/09/2010)
 
 
 
 
 
ગાંધીજીના સંપર્કમાં આવનારા કેટલાક પોતાની અંધશ્રદ્ધા તેમના પર ઠોકી બેસાડવાના પ્રયત્ન કરતા ત્યારે ગાંધીજી વિનયપૂર્વક પણ દ્રઢતાથી એનો અસ્વીકાર કરતા.

ગાંધીજીની ઇશ્વર શ્રદ્ધા કોઇ જાતના ભેળસેળ વગરની હતી. તેઓ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજી શકતા. તેમના સંપર્કમાં આવનારા કેટલાક લોકો પોતાની અંધશ્રદ્ધા તેમના પર ઠોકી બેસાડવાના પ્રયત્ન કરતા ત્યારે ગાંધીજી વિનયપૂર્વક પણ દ્રઢતાથી એનો પ્રતિકાર અને અસ્વીકાર કરતા. ચાલો, કેટલાક પ્રસંગોથી સમજીએ. ગાંધીજી કોઇ ધર્મગુરુના સંપર્કમાં આવ્યા હતા. ઓક્ટોબર ૧૯૩૨ની સાલમાં જ્યારે ગાંધીજી યરવડા જેલમાં હતા ત્યારે ગાંધીજીને એ ધર્મગુરુએ સંદેશો મોકલ્યો હતો કે જો ગાંધીજી ચાલીસ દિવસના ઉપવાસ કરે તો એ ગાંધીજીને ઇશ્વર દર્શન કરાવશે અને શિખામણ આપી હતી કે એમણે રાજકાજ છોડી સામાજિક કાર્ય કરવું જોઇએ.

ગાંધીજીએ એ મહાશયને લખી જણાવ્યું કે, ‘કોઇથી બીજાને ઇશ્વર દર્શન કરાવાય છે એમ માનવામાં મને ઘણો સંકોચ થયા છે. હૃદય ‘ના’ પાડે છે. ઇશ્વરનાં દર્શનને સારુ કોઇના કરાવ્યા ઉપવાસ ન થાય. એમ થતા હોય તો તે દર્શનની કિંમત મારી પાસે નથી. રાજ્યપ્રકરણ કે સમાજસુધાર ઇત્યાદિ હું કોઇ દિવસે છોડું એવું મારી કલ્પના બહાર છે. મારા ધર્મના પાલનને અર્થે હું રાજ્યપ્રકરણ, સમાજસેવા ઇત્યાદિમાં પડેલો છું. ઇશ્વરના ભક્તોને હું શોધ્યા કરું છું.’

ગાંધીજીની આટલી સ્પષ્ટતા છતાંય એ ધર્મગુરુના મંત્રીએ બીજો પત્ર લખ્યો જેમાં એણે ગાંધીજીની પોતાના ગુરુ સાથેની મુલાકાતોના અહેવાલ મોકલ્યા હતા. અહેવાલનો ભાવ એવો નીકળતો હતો કે ગાંધીજી પર ધર્મગુરુની એવી છાપ પડી છે કે એ મહાન ગુરુ છે અને એમની પાસેથી ઇશ્વર જ્ઞાન મેળવવાની ઉત્કંઠા ગાંધીજીએ બતાવી હતી. ગાંધીજીએ અહેવાલ વિશે લખ્યું. ‘એ ન છપાય તેવો છે. તેમાં ઘણું રહી ગયું છે, ને જે છપાયું છે તે એવી રીતે મુકાયું છે કે અર્થબદલો થઇ જાય છે. માત્ર એટલું જ છાપવાની જરૂર છે કે ગુરુ અને મારી વચ્ચે ગુરુશિષ્યનો સંબંધ નથી. એ વાર્તાલાપ કે મેળાપને મહત્વ આપવાની કશી જરૂર નથી.’

એક બીજો પ્રસંગ જોઇએ. તા. ૨૯-૧૧-૧૯૩૨. યરવાડા જેલમાં ગાંધીજીનો મુકામ. ધારવાડથી બે જણ ગાંધીજીને મળવા આવ્યા હતા, ત્રિપૂંડ અને ત્રિશુળધારી. એમણે ગાંધીજીને પોતાના ગુરુજીનો ખાનગી સંદેશો આપ્યો, ‘મારા ગુરુ મારી પ્રત્યક્ષ થાય છે. એમનો સંદેશો છે કે એમણે મને જે રુદ્રાક્ષ અને ઇષ્ટલિન્ગમ આપ્યા છે તે મારે તમને આપવા, તો તમારા કામમાં તમને સફળતા મળશે.’ ગાંધીજીએ પ્રત્યક્ષ થવા વિશે થોડી વાતો કરી, પછી કહ્યું, ‘એ લેવા હું તૈયાર છું. એ મારે પહેરવા જોઇએ?’ પેલા કહે, ‘હા.’ ગાંધીજીએ કહ્યું, ‘મારાથી એ ન બની શકે. એક કાળ હતો જ્યારે હું રુદ્રાક્ષની માળા પહેરતો, પણ હવે નથી પહેરતો. અને પહેરવા માટે મને ઇશ્વરનો આદેશ ન થાય ત્યાં સુધી હું એ કેમ પહેરી શકું?’

પેલા લોકો સમજી ગયા, કહ્યું, ‘હું મારા ગુરુદેવને કહીશ પણ તમને એવો સંદેશો મળે તો પહેરો ખરાને?’ ગાંધીજી કહે, ‘અવશ્ય’. અંધશ્રદ્ધાને દૂર કરવાના આવા પ્રસંગો ગાંધીજીના જીવનમાં ન જાણે કેટલી વખત ઊભા થયા હશે, અને કેટલી ધીરજ ધરી હશે, એ તો એમનું મન જ જાણતું હશે.
(ક્રમશ:)
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.