Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

ગનપટ હુરટીનું મહાભારટ પ્રકરણ-૩૬

 
Source: Ganapat Huratinu Mahabharat, Nirmish Thakar   |   Last Updated 12:16 AM [IST](02/09/2010)
 
 
 
 
 
‘મૈં અબ મેરે પ્રિયતમ ગનપટ કે સાથ જા રહી હૂં, ઇસ સ્વાર્થી સમાજ સે બહોત દૂર ઔર કભી વાપસ લૌટુંગી નહીં. ગનપટને મેરી આંખે ખોલ દી હૈ.’

ક્રિકેટની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં ખોટા સ્ટ્રોક વાગે તોયે ચાલે, પણ રન મળે અને સ્કોરબોર્ડ ફરતું રહે એ જરૂરી ગણાય છે. કઇ ગરબડને કારણે અચાનક અમારો પ્લાન સફળ થયો એની કોઇને ખબર નહોતી અને એમાં કોઇને રસ પણ નહોતો પણ સૌ સ્વર્ગના સુખનું પાન કરતા મત્ત બનીને બેઠા હતા. અમારી ટોળકીના તમામ સભ્યો ગર્વથી ફૂલી ગયેલી છાતીઓ સાથે પહેલવાન સમા બની બેઠા હતા (હિન્દીમાં કહેવત છે કે ખુદા મહેરબાન તો ગધા પહેલવાન !).

મનસુખઅંકલ બનીને મેં ‘હવે નથી સહેવાતું! હું ગાંડો થઇ જાઉં, એ પહેલા મારે ક્યાંક ભાગી જવું પડશે’ એવી ફરિયાદો કર્યા વિના ખાસ કાંઇ પ્રદાન કર્યું નહોતું. છબરડાઓ તો આપોઆપ જ થતા હતા ને! પણ મારા હાથમાં હુકમના એક્કા જેવો ગીતા પટેલનો રહસ્યમય કાગળ લહેરાતો જોઇ, મારા સાથીઓના હૃદયમાં કોઇ રોમાંચક કથાના મહાનાયક જેવી મારી મુદ્રા અંકિત થઇ હતી!

‘પ્રિય સાથીઓ...’ ડેંગુચા વીંછીના આંકડા જેવી ચપ્પટ મૂછ રમાડતાં કહ્યું, ગીતા પટેલનો રહસ્યમય અને મહામૂલ્યવાન પત્ર મિ.ઠાકરના હાથમાં છે એ જ દર્શાવે છે કે આપણા પ્લાનની સફળતાના એ સૌથી મોટા આર્કિટેકટ છે! એમના આ અભૂતપૂર્વ પ્રદાન બદલ આપણે સૌ એમને એક યાદગાર ભેટ આપીશું... ’ સૌએ ભારે રોમાંચ સાથે તાળીઓના ગડગડાટથી એ પ્રસ્તાવને વધાવ્યો. પોતાનો અભૂતપૂર્વ અભિનયપ્રયોગ નોંધપાત્ર ન બનતા ભોગી ચકલી ઉતરેલી છાશ જેવું મોઢું કરી પરાણે તાળીઓ પાડી રહ્યો હતો. મને આશ્ચર્ય હતું કે હવે કઇ યાદગાર ભેટ મને અપાશે!

‘તમારી પાસે હાલ જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો મનુભાઇને આપો, જેથી એ તમારું મૂળ રૂપ ફોટોમાંથી જોઇ શકે’, ડેંગુચાએ મને કહ્યું અને મેં આપ્યું.

‘ડેંગુચાએ સિગાર બુઝાવતાં અમારા સાથીને જણાવ્યું ‘મિ.એબ્સોલ્યુટ ઝીરો, ભોગીભાઈ સ્વીટી બનીને જે લાંબા વાળાવાળી વિગ પહેરતા તે જરા અહીં લઇ આવો, એટલે મનુભાઈ મિ. ઠાકરની મૂળ હેરસ્ટાઇલ પ્રમાણે એના વાળ કાતરી એમને લાયક બનાવી દેશે. હાલ જ મનસુખકાકાને ભૂતકાળ બનાવી દઇએ તો એ યાદગાર ભેટ કહેવાયને?’

ખરેખર મને એ વિચાર ગમ્યો. મનુભાઈએ એમનો અસલી કસબ દેખાડતાં મારી તસવીર જોઇ વીગને વેતરવા માંડી. ત્યાર પછી થોડું પાણી સ્પ્રે કરી હેરડ્રાયરથી વાળને યોગ્ય ઘાટ આપવા લાગ્યા. મનુભાઈએ એ વિગ મારા માથે ફીટ કરી મારી સામે દર્પણ ધર્યું. ગમે તે રીતે ફરી નિર્મિશ ઠાકર બન્યાનો મને હરખ થઇ આવ્યો અને બધાંએ એ ક્ષણોને વધાવી લીધી. ભલે લમણાંમાં સણકા મારે, છતાં રીતે પણ હું વિગને કાઢીશ નહીં એવો દ્રઢ નિશ્વિય પણ મેં કરી લીધો. મારી ટાલને પણ વિગ એટલી વહાલી લાગતી હતી, જાણે માતાના ખોળામાં માથું હોય !

ખૂબ ઓછું બોલતા અને બોલવા જેટલું જ કામ કરતા અમારા સાથી એબ્સોલ્યુટ ઝીરોએ મનુભાઈને કહ્યું, ‘હવે દર્પણ સામેથી નહીં હટાવો, તો ઠાકરસાહેબ રઘવાયા થઇ આખી જિંદગી પોતાનો ચહેરો જોયા કરશે. હવે એમને કહો કે ગીતા પટેલનો પત્ર વાંચે જેથી આપણે ગનપટ હુરટીને શોધવા માટે વધુ એક નવો પ્લાન બનાવી શકીએ!’

ચાતકને વરસાદની હોય, એવી પ્રતીક્ષા સાથીઓના ચહેરા પર પ્રસરી જતાં, ઉભા થઇને મેં ગળું ખોંખાર્યું: ‘મિત્રો, મારા પરમ મિત્ર ગનપટ હુરટી સાથે પ્રેમમાં પડી ગીતા પેટેલે ભાગી જતા પહેલાં આ પત્ર એના બોસ રેડ્ડી સાહેબને લખેલો.. તે આ મુજબ છે. ગીતા લખે છે કે... પાણી પીવું પડશે, પહેલાં મને પાણી આપો!’ તરત સાથીઓના ચહેરા એ રીતે ખેંચાયા, જાણે કે મારી વિગ ખેંચવા માગતા હોય! ‘મિ.ઠાકર નવી સિગાર સળગાવતાં થોડી નારાજગીથી ડેંગુચા બોલ્યો, ‘આ મજાકનો સમય નથી! પત્રમાં ગીતા આવું લખે જ નહીં! હું ડુંગળીની ખેતી નથી કરતો એટલું હંમેશા યાદ રાખશો...’ ‘અરે, ગીતા પાણી નથી માગતી, હું માગું છું... કારણ એટલે પાણીનો શોષ પડ્યો છે.’ મેં ચોખવટ કરી એટલે પાણીનો પ્યાલો હાજર કરાયો. પછી ભાવવાહી અવાજે મેં ગીતાના જે પત્રનું પઠન કર્યું, તે પત્ર આ મુજબ હતો:

‘પ્રિય રેડ્ડી સાહબ, મૈં હંમેશા કે લિએ જા રહી હૂં, આપ કો છોડકર. અગર મેરા પરમમિત્ર ગનપટ હુરટી મુઝે ન મિલતા, તો મેરા ભરમ ભી ન ટૂટતા. આપને પ્યાર કે નામ પર મેરા શોષણ કિયા હૈ. આપ કો સિર્ફ સ્ત્રી કે શરીર કી ભૂખ રહતી હૈ, ઇસલિયે લોગ આપકો પીઠ પીછે ‘ભૂખા ભેડિયા’ કહતે હૈં ઔર અબ તો મૈં ભી કહૂંગી! મુઝે જિસ કી તલાશ થી વહ સચ્ચા પ્યાર અબ મુઝે મિલ ગયા હૈ. મૈં અબ મેરે પ્રિયતમ ગનપટ કે સાથ જા રહી હૂં, ઇસ સ્વાર્થી સમાજ સે બહોત દૂર ઔર કભી વાપસ લૌટુંગી નહીં. ગનપટને મેરી આંખે ખોલ દી હૈ. ઉસ કા એક મહાન ગુજરાતી મુક્તક મૈં લખિના ચાહતી હૂં...

‘ઉપર ઉપરઠી ભલે નિમ્મેસ લાગે વ્યસ્ટ
નોકરી એને નીં મલે હૂરજ ઠાહે અસ્ટ
રંગીલેના રંગમાં ગરબડ ગરબડ ઠાય
પ્રેમરંગમાં એટલે ગનપટ ઠઇ ગયો મસ્ટ!’

...તો ગનપટ કે પ્રેમરંગમાં મસ્ત હો કર મૈં જા રહી હૂં. અગર પછતાવા હો ઔર મુઝ સે રાખી બંધવાને કી ઇચ્છા હૌ, તો મુઝે અવશ્ય મિલના. મુઝે મિલને કે લિએ ઇતના કરના હોગા:

(૧) જાન હથેલી પે લે કર, મોહ માયા કે બંધન ત્યાગ કર, ઘરબાર ઔર નોકરી છોડકર નિકલના હોગા.

(૨) પરમ પ્રતાપી ‘પ્રીતમજી પરફેક્ટ’ કો ફોન લગાકર ‘પ્રીતમ આન મિલો...’ કહના હોગા.

(૩) હમ તક પહૂંચને કે લિએ અલ્ટિમેટલી આપ કો પ્રેમજ્ઞ, પ્રેમપુરૂષ, પ્રેમવિહારી, પ્રેમમાતઁડ શ્રી ગરબડાનંદ રંગીલે કી શરણમેં આકર ઉનકે પ્રેમરંગ મેં મસ્ત હોના હોગા.

હે ભૂખે ભેડિયે, હે તુચ્છ માનવપ્રાણી, અબ મૈં પ્રેમમાતઁડ શ્રી ગરબડાનંદ રંગીલે કે જીવનમંત્ર સે ઇસ પત્ર કા સમાપન કરતી હૂં: ‘જીવન હૈ પ્રેમ ઔર પ્રેમ હી જીવન હૈ!’ હે મૂર્ખશિરોમણિ, અબ આગે કી તૂ સોચ લે... - કલ કી ગીતા, આજ કી ‘પ્રેમાંજલિ.’

ગીતા પટેલના રહસ્યમય પત્રથી એક બાબત સ્પષ્ટ થતી હતી કે એ અને ગનપટ હુરટી શ્રી ગરબડાનંદ ‘રંગીલે’ના શરણમાં પહોંચી ગયા હતાં અને ત્યાં સુધી પહોંચતા પહેલાં ‘પ્રીતમજી પરફેક્ટ’નો સંપર્ક કરવો જરૂરી હતો. સૌના ચહેરા પર એક જ પ્રશ્ન રમી રહ્યો હતો, ‘હવે?’

‘હું ડુંગળીની ખેતી નથી કરતો...’ ડેંગુચાએ સિગારના ધુમાડા છોડતા કહ્યું, ‘ઇન્ટરનેટ ઓન કરીને ‘ગૂગલ’માં ‘પ્રીતમજી પરફેક્ટ’ને સર્ચ કરીશું, ઓકે?’ (ક્રમશ:)

ગનપટ હુરટીનું મહાભારટ, નિર્મિશ ઠાકર

nirmish1960@yahoo.com



 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.