હાલમાં કૂદકે ને ભૂસકે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે ત્યારે આપણે એટલું તો જાણીએ કે પેટ્રોલ આપણને કેવી રીતે મળે છે? એટલે કે પેટ્રોલ ક્યાંથી ઉત્પન્ન થતું હશે!
પેટ્રોલ પેટ્રોલિયમ નામના તરલ પદાર્થમાંથી આપણને મળે છે. આ પેટ્રોલિયમને જમીનના પેટાળમાંથી તેલ સ્વરૂપે કાઢવામાં આવે છે. પેટ્રોલિયમ શબ્દ લેટિન ભાષાનો છે. આનો અર્થ પથ્થરમાંથી નીકળતું તેલ એવો થાય છે. પેટ્રોલિયમની શોધ થયા પછી તેમાંથી પેટ્રોલ મેળવવા માટે જમીનમાંથી નીકળતા કાચા તેલને મોટી ટાંકીમાં ભરવામાં આવે છે.
આ તેલમાંથી પેટ્રોલ, નેપ્થા, કેરોસીન, ડીઝલ, મીણ, ડામર વગેરે પદાર્થ જુદા પાડવામાં આવે છે. કાચા તેલને સાફ કરવા માટે તેને રિફાઈનરીમાં લાવવામાં આવે છે. અહીં કાચા તેલને મોટી ગોળાકાર ટાંકીમાં ભરીને ગરમ કરવામાં આવે છે. જુદા-જુદા ઉષ્ણતામાન પર કાચા તેલમાંથી જુદા વિવિધ પદાર્થને જુદા પાડવામાં આવે છે.
આ પદાર્થો જુદી-જુદી પાઈપલાઈનો દ્વારા ભેગા કરવામાં આવે છે. હવે વૈજ્ઞાનિક પ્રગતિને કારણે કૃત્રિમ રીતે પણ પેટ્રોલ બનાવવામાં આવે છે. જોકે, કૃત્રિમ રીતે તૈયાર કરેલું પેટ્રોલ પ્રમાણમાં ખર્ચાળ છે.