સ્ટેશન દેખાવા લાગ્યું હતું. એક ઘોડાગાડી પસાર થતાં એ સંતાઇ ગયો. કોઇ જાણીતું ન હોય! આ વિસ્તારમાં એનું માન છે પણ...
એણે હળવેથી બારણું ખોલ્યું. રેવાની ઊંઘ કાચી છે. સહેજ અવાજ થાય તો પણ જાગી જાય અને અત્યારે એ જાગી ગઇ તો ગરબડ થઇ જશે. એણે ચંપલ હાથમાં લીધા હતા. એ કોઇ જોખમ લેવા નહોતો માગતો. આંગણામાં ગાય બાંધેલી હતી, તેના માથે હાથ પસવારતાં એની આંખમાં આંસુ આવી ગયા. કેવું કહેવાય! પરિવાર પ્રત્યે આટલો નિર્મોહી અને ગાય માટે આંખમાં આંસુ? બહાર અંધારું હતું. એણે હાથમાં ટોર્ચ પકડી હતી. એને હસવું આવી ગયું. લાંબી સફર પર નીકળ્યો છે, પણ ટેવવશ ટોર્ચ લેવાનું ભૂલ્યો નથી. એ દરેક અંધકારભરી ક્ષણની સાથી રહી છે.
કૂતરાંનો ભસવાનો અવાજ આવતો હતો. એને ડર લાગતો હતો કે ક્યાંક કોઇ જાગીને પૂછે નહીં કે આટલી મોડી રાતે ક્યાં જાય છે? લગભગ બે વાગ્યા હશે, ઘડિયાળ તો એણે પ્રણવના રૂમમાં જ મૂકી દીધી હતી. એટલું દેવું પણ એનું રહે. હવે ગામમાંથી બહાર નીકળી ગયો હતો. એણે એક ઊંડો શ્વાસ લીધો. જાણે બધાં બંધનમાંથી મુકત થઇ ગયો હોય. એ ઝડપથી ચાલવા લાગ્યો. સ્ટેશન દૂર છે અને સાડા ત્રણ વાગ્યાની ટ્રેન જો નીકળી ગઇ તો બધો પ્લાન પાણીમાં જશે. જિંદગીમાં કુટુંબીજનોએ એનો એક પણ પ્લાન સફળ થવા નહોતો દીધો. બીજું કંઇ નહીં, તો મરવાનો આ પ્લાન તો ઇશ્વર સફળતાથી પાર પાડી જ દેશે.
ચાલતાં ચાલતાં એણે જોરથી પથ્થરને ઠોકર મારી. અંધારામાં પણ એનો ચહેરો વિચિત્ર થઇ ગયો હતો. કોના માટે જીવે એ? એને કોઇ મહત્વ જ નથી આપતું. શિક્ષક તરીકે એણે આખા સમાજને સુશિક્ષિત કર્યો છે, પણ એના પોતાના પરિવારને? થોડા દિવસ અગાઉ પ્રણવે એની હાજરીમાં જ રેવા સામે પોતાની પત્નીનું ઉપરાણું લેતાં કહ્યું હતું, ‘એણે અત્યાર સુધી જે કંઇ કર્યું, કહ્યું તે યોગ્ય જ છે. એ મોટા ઘરની ભણેલીગણેલી છોકરી છે. તું એના સ્તર સુધી ન પહોંચી શકે.’
રેવાએ એની સામે આંસુભરી આંખે જોતાં જાણે ફરિયાદ કરી હતી, પણ... કેવો પતિ છે એ, પોતાની પત્નીના આત્મસન્માનની રક્ષા પણ નથી કરી શકતો? જેટલું પેન્શન મળે છે, એટલામાંથી જ રેવા ઘર ચલાવે છે. ક્યારેય સંતાનો સામે હાથ લાંબો નથી કરતી, પછી કેમ એના મનને ઠેસ પહોંચાડવામાં આવે છે? રેવા એના પર ચીડાય છે, ત્યારે એને ગુસ્સો આવે ખરો, પણ રેવા પોતાનો ગુસ્સો બીજા કોના પર ઉતારે? દીકરા છે ખરા, પણ કહેવા પૂરતાં અને દીકરી પલ્લવી, એ તો બધું ભેગું કરવામાં જ માને છે.
રેવા પર ગુસ્સો એટલે પણ આવે છે કે એને કેટલી વાર કહ્યું કે આવા સંતાનનો મોહ છોડ, પણ એ કાયમ એક જ જવાબ આપે છે, લાકડી માર્યે પાણી જુદાં ન પડે. ક્યારેક મનને ઠેસ પહોંચે ત્યારે રૂમમાં ભરાઇને કલાકો સુધી રડ્યા કરે. હવે રડશે એકલી, પોતાને શું. પોતે તો દૂર જઇ રહ્યો છે. આ તે કંઇ જિંદગી છે, જેને જે મનમાં આવે તે સંભળાવી જાય. પોતાનું કંઇ મહત્વ જ નહીં.
સ્ટેશન દેખાવા લાગ્યું હતું. એક ઘોડાગાડી પસાર થઇ, તો એ સંતાઇ ગયો. કોઇ જાણીતું જોઇ ન જાય. આ વિસ્તારમાં એ સિત્તેર વર્ષથી રહે છે. સૌ એનું માન જાળવે છે. કાલે એની લાશ કપાયેલી પડી હશે ત્યારે ગામલોકો કહેશે, ‘અરે! રમેશસાહેબે આત્મહત્યા કરી લીધી. આટલા સુખી માણસનો આવો અંજામ!’ કલ્પનામાં જ પોતાની લાશ જોઇને એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
રેવાને એકલી છોડીને એ જે કરી રહ્યો છે તે યોગ્ય છે? પણ રેવા એને ક્યાં સમજે છે. પાટા નજીક આવી ગયા હતા. રાતના સમયે સ્ટેશન પર ખાસ ભીડ ન હોય, પણ કોણ જાણે કેમ એ ડરતો હતો. આવા કામમાં મન ઢીલું પડી જાય છે. આજે કેટલા વિચાર પછી એ નિર્ણય લઇ શક્યો છે. જીવન ત્યાં સુધી જ સારું લાગે છે, જ્યાં સુધી લોકોને જરૂર હોય. જ્યારે જીવિત લાશ માની લેવામાં આવે, તો શ્વાસ લેવાની જરૂર શી છે?
અચાનક પગ પાટા સાથે અથડાયો. એણે ટોર્ચ ચાલુ કરી. અરે! આ શું? પાટાનો એક ટુકડો જ ત્યાં નહોતો. એણે દૂર નજર કરી. સિગ્નલ અપાઇ ગયો હતો, ટ્રેન આવવાની તૈયારી હતી. હે પ્રભુ! હવે પોતે શું કરે? પોતાનો નિર્ણય કે લાખો લોકોની જિંદગી? થોડી વારમાં જ આ જગ્યાએ રોક્કળભર્યું વાતાવરણ છવાઇ જશે. ગામ સ્મશાનમાં ફેરવાઇ જશે. લોકો મનમાં કંઇકેટલાય સમણાં સંગ્રહીને બેઠાં હશે, પળવારમાં બધું હતું-નહોતું થઇ જશે. ના, પોતે એમ નહીં થવા દે. આ નિર્ણાયક ઘડી હતી.
એણે કેબિનમાં બેઠેલા માણસને સૂચના આપી. એ તરત જ કામે લાગી ગયો હતો. બીજી જ પળે એણે જોખમી નિર્ણય લઇ લીધો. એ સામેથી આવતી ટ્રેન તરફ દોડવા લાગ્યો. વૃદ્ધાવસ્થાના થાકેલા પગમાં કોણ જાણે ક્યાંથી એટલી શક્તિ આવી ગઇ. ટ્રેન નજીક આવી ગઇ હતી. એન્જિનની ડેડ લાઇટ્સ, ધ્રૂજારી અને અવાજ એના મગજને શૂન્યમનસ્ક કરી રહ્યા હતા. કંઇ યાદ નહોતું એને, એ તો માત્ર દોડ્યે જતો હતો... મોં પર કોઇએ પાણી છાંટ્યું અને એ ભાનમાં આવ્યો. એન્જિન ડ્રાઇવર અને બીજા લોકો એની આસપાસ ઊભા હતા. એણે માંડ માંડ કહ્યું, ‘પાટા તૂટેલા છે. ટ્રેન આગળ ન લઇ જશો.’
એને હોસ્પિટલે લઇ જવામાં આવ્યો. પાટા પાસે પડવાથી અને બાજુમાં પડેલા પથ્થરોને લીધે એને વાગ્યું હતું. બીજા દિવસે ટીવીના સ્થાનિક સમાચારથી લઇને છાપાંમાં પણ એના વિશે જ ચર્ચા થઇ રહી હતી. સૌકોઇની આંખમાં એના માટે પ્રશંસા હતી, પણ હોસ્પિટલે આવેલી રેવાની નજરમાં એક સવાલ હતો, ‘તમે આટલી મોડી રાતે સ્ટેશને કેમ ગયા હતા?’ એ આ સવાલ વાંચી શકતો હતો.