ઇદ એટલે પુન: પાછી ફરતી ખુશી. ઇદ મુબારક એટલે પુન:પ્રાપ્ત થયેલ ખુશીની શુભેચ્છા. ઇદના પ્રસંગે દરેક મુસ્લિમને ત્યાં સવારે ખીર બને છે. ખીર એ પવિત્ર ભોજન છે. આ વાનગી જીવનમાં પુન:મીઠાશ પ્રસરાવવાનો સંદેશ આપે છે. ઇદની નમાજ બાદ એકબીજાને ભેટીને વીતેલા વર્ષમાં વ્યાપેલ કડવાશને ભૂલી જઇ મન સ્વચ્છ કરી પુન: પ્રેમ અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે. ઇદનો એક ગર્ભિત ઉદ્દેશ પણ સમજવા જેવો છે.
અમદાવાદના મારા મિત્રો સાથે અંતિમ રોજાના રાત્રિની નમાજ પછી જ્યારે થોડીવાર મિસ્જદ બહાર અમે બધા ઊભા હોઇએ છીએ ત્યારે અહેમદ અચૂક બોલી ઊઠે છે,
‘બસ દો દિન બાદ શૈતાન છુટ જાયેંગે’
તેના આ વિધાન પાછળનો ભાવ સમજવા જેવો છે. શૈતાન એટલે એવું પ્રેરક બળ જે માનવીને ઇબાદત અને મૂલ્યનિષ્ઠ જીવનથી દૂર રાખવા પ્રયાસ કરે છે અને મોટે ભાગે તે સફળ પણ થાય છે, પણ રમજાન માસમાં અલ્લાહ એવા શેતાનોને બાંધી દે છે. જેથી દરેક મુસ્લિમ આ માસમાં સમ્યક આહાર, સમ્યક વાણી, સમ્યક વ્યવહાર અને સમ્યક દ્રષ્ટિને ફરજિયાત અનુસરે છે. એક માસની આવી સંયમિત જિંદગીને કારણે દરેક મુસ્લિમના જીવનમાં પ્રવેશેલ ઇબાદત અને મૂલ્યનિષ્ઠ જીવનને ક્ષીણ કરવા રમજાન માસ પછી શેતાન પુન: સક્રિય બને છે.
શેતાનની એ સક્રિયતાને સમગ્ર વર્ષ દરમિયાન નાથવાની પ્રતજિ્ઞા ઇદની ખુશીના મૂળમાં છે. અન્યથા આખું વર્ષ ગુનાહો કર્યે જાવ અને રમજાન માસમાં તેની માફી માંગી ઇદના દિવસથી ગુનાહોનું નવું ખાતું ખોલાવો, રમજાન માસ કે ઇદનો એ સાચો ઉદ્દેશ નથી. એટલે જ ઇદની ખુશી સાથે દરેક મુસ્લિમે પ્રતિજ્ઞા કરવી જોઇએ કે પોતે વર્ષ દરમિયાન ઇબાદત અને મૂલ્યનિષ્ઠ જીવનને મજબૂતીથી વળગી રહેશે. માનવી માન-મરતબો, ધન-સંપત્તિ, સામાજિક-આર્થિક વ્યવહારમાં ક્યારેક પોતાના ઇમાનને ભૂલી જાય છે. એવા સમયે ઇદના દિવસે ખુદાની સાક્ષીમાં લીધેલી પ્રતજિ્ઞા તેને સત્યના માર્ગે ચાલવા પ્રેરશે અને એવી એકાદી પળે પણ એ પોતાના ઇમાનને જાળવી લેશે તો ઇદના દિવસે લીધેલ એ પ્રતજિ્ઞા સાર્થક ગણાશે.
રમજાન માસની આપણી દુઆઓ ઇબાદતની એકાગ્રતા પછી માંગવામાં આવે છે જેથી તેની અસરકારતા વધુ હોય છે અને એટલે જ માનવામાં આવે છે કે રમજાન માસમાં કરેલી દુઆઓ કબૂલ થાય છે. જો આવી જ અસરકારક ઇબાદત પણ આખું વર્ષ કરવામાં આવે અને એ પછી વર્ષ દરમિયાન દુઆઓ માંગવામાં આવે તો ખુદાનો એક પણ બંદો જીવનના સંઘર્ષમાં ક્યારેય પાછો નહીં પડે, પણ એ માટે જરૂર છે રમજાન માસ જેવી જ એકાગ્ર ચિત્ત ઇબ્રાદત અને દુઆની.
રમજાન માસની ઇબાદત મન-હૃદયને શુદ્ધ કરે છે. જ્યારે રોજા શરીરની શુદ્ધિનો માર્ગ છે. સમ્યક આહાર શરીરને નવજીવન આર્પે છે. નવી તાજગી બક્ષી છે. પણ રોજાની સમાપ્તિ પછી પુન: આપણે શરીરને ખાદ્ય પદાર્થોનું ગોદામ બનાવી દઇએ છીએ. પરિણામે શરીર વ્યાધિઓનું કેન્દ્ર બને છે. એ દ્રષ્ટિએ રમજાન માસ આધ્યાત્મિક અને ભૌતિક જીવનની પાઠશાળા છે. એ મુજબ આખું વર્ષ જીવવાથી શારીરિક કે માનસિક વ્યાધિઓ શરીરને સ્પર્શતી નથી. ઇદના દિવસે આનંદથી ભરપેટ જમો, પણ તેમાં અતિરેક ન કરો. સમગ્ર વર્ષ આહારમાં નિયમિતતા અને સંયમ રાખવાનું શિક્ષણ રમજાનની આગવી દેન છે.
આવું સંયમિત જીવન ઇસ્લામના બંદાની સાચી ઓળખ છે. માત્ર દાઢી રાખવી અને પરમાટી (બિન શાકાહારી ભોજન) સેવન એ મુસ્લિમની સાચી ઓળખ નથી, પણ રમજાન માસ જેવું જ શુદ્ધ મૂલ્યનિષ્ઠ અને ઇબાદતથી ભરપૂર જીવન જ સાચા મુસ્લિમની સામાજિક પહેચાન છે. એ જ્યારે આખી કોમમાં પ્રસરશે ત્યારે મુસ્લિમ અને ઇસ્લામ પ્રત્યેની અનેક ગેરસમજો આપોઆપ દૂર થઇ જશે અને ત્યારે દરેક મુસ્લિમ સમાજ માટે એક આદર્શ બની જશે.
એ દિવસ દૂર નથી, પણ એ માટે રમજાન માસ જેવી અને જેટલી જ ઇબાદતમાં એકાગ્રતા અનિવાર્ય છે. ખુદા એ તરફ દરેક મોમીનને સક્રિય બનાવે એ જ ઇદના ખુત્બના અંતે મારી દિલી દુઆ છે : આમીન સાથે દરેક હિંદુ-મુસ્લિમ વાચકોને ઇદ મુબારક.