‘ઇતિ અનિકેતની વાતોમાં તારું પ્રતિબિંબ ઊભરતું રહ્યા. એ ઇતિમય બનીને કહેતો રહ્યો અને હું ઇતિમય બનીને સાંભળતો રહ્યો. તમારા શૈશવની એક એક ક્ષણ તેની અંદર કેટલી હદે જીવંત હતી. ઇતિ, તું મને તારા શૈશવની વાતો કરતી અને હું અકળાતો. શા માટે? મને બધી જાણ હતી જ અને મારે તેનાથી દૂર જવું હતું. છુટવું હતું. મારો અહમ્ ઘવાતો અને હું તને રોકતો. તું રોકાઈ જતી. તારો ઉત્સાહ રોકાઈ જતો, પણ બસ એ પળની પેલે પારનું સત્ય હું ક્યારેય સમજી ન શક્યો.
‘ઇતિ, અનિકેતની વાતો હું કલાકો સુધી થાક્યા, કંટાળ્યા વિના સાંભળતો રહેતો. અનિની એ સાથીદારમાં, તારામાં અભાનપણે હું ખોવાતો રહ્યો. અનિકેતની વાતોમાંથી ઊભરતા તારા પ્રતિબિંબને હું મારા મનમાં અંકિત કરતો રહ્યો. તારી છબિ અનાયાસે મારી અંદર ઊતરતી રહી. શ્રીમંતનું લાડકું, હઠીલું બાળક જેમ કોઈ વસ્તુ માટે જિદ્દ કરે તેમ મારા મનમાં એક જિદ્દ પ્રગટી હતી. ઇતિને હવે હું મારી જ બનાવીને જંપીશ. હવે એ મારે જ જોઈએ. અનિકેત પાસેથી હું ઇતિને છીનવીને જ રહીશ. એવો નિર્ણય મેં મૂરખે કર્યો હતો. કેવા ભ્રમમાં હતો હું.’ બોલતાં બોલતાં અરૂપનું ગળું ભરાઈ આવ્યું.
છલકતી આંખે અરૂપ બોલતો રહ્યો. તેની એક એક વાતમાં આજે દિલની પૂરી સચ્ચાઈ હતી. ઇતિ સાંભળે કે નહિ. સમજે કે નહિ. આજે તે ઠલવાઈ જશે. પૂરેપૂરો ઠલવાઈ જશે. ઇતિને જે માનવું હોય તે માને, પણ હવે અંતરના આગિળયા ભીડેલા રાખવા અશક્ય હતા.
‘ઇતિ, તું અહીં જે વાતો કરતી તે બધી વાતો મેં અનિકેત પાસેથી સાંભળી હતી. વારંવાર સાંભળી હતી અને એ એક એક વાતે મારા મનની બાળહઠ વધુ ને વધુ ઘેરી બનતી જતી હતી. તેની અનિકેતને ક્યાં જાણ હતી? તે તો તદ્દન નિખાલસતાથી એક સાચા મિત્ર આગળ પોતાનું હૈયું ખોલી રહ્યો હતો, જેના પ્રત્યેક અણુમાં ઇતિ અને ફક્ત ઇતિ જ હતી. અંદરથી હું એના પ્રેમની ઇર્ષ્યા કરતો. સખત ઇર્ષ્યા કરતો અને બહારથી તેના સાચા મિત્ર હોવાનો દંભ કરતો રહેતો. કેવી મોટી ભૂલ હું કરતો હતો તેનું મને ક્યાં ભાન હતું?
અનિકેત દેશમાં પાછો ફરે તે પહેલાં તને મળી, તને પામી લેવાની. તીવ્ર ઝંખનામાં, હરીફાઈમાં જિદ્દે ભરાયેલા બાળકની જેમ જ હું યુએસ છોડી ભારત પાછો આવ્યો. અનિકેતે મને ઢીંગલી આપી હતી. તને આપવા માટે અને તારું સરનામું આપ્યું હતું. મેં તેને મારી કોઈ વાત તને કરવાની ના પાડી હતી.’
આપણે ઇતિને સરપ્રાઇઝ આપીશું. આ ભેટની પણ કોઈ વાત કરીશ નહિ. એને અચાનક આ મળશે ત્યારે એ કેવી ખુશ થઈ જશે અને તને શું કહેશે એ માણવાની ઇંતેજારી કર દોસ્ત.’ભોળા અનિકેતને મારા મનના કપટની કલ્પના સુધ્ધાં ક્યાંથી હોય? તેણે તો મારી દરેક વાતો બિલકુલ સરળતા, સહજતાથી પૂરા વિશ્વાસથી માની લીધી હતી. તારી જેમ જ. આંખો બંધ કરીને તેણે એક મિત્ર પર વિશ્વાસ રાખ્યો હતો. ઇતિ, બિલકુલ તારી જેમ જ. હું કોઈના વિશ્વાસને લાયક નથી. ઇતિ, કોઈના વિશ્વાસને તોડવાનું મહાપાપ મેં કર્યું છે. ઇતિ, ઇતિ આજે મને સમજાય છે કે હું કેવડો મોટો ગુનેગાર છું.
કુદરતે જોડાલા બે દિલને છુટાં પાડવાનું પાપ હરખાતે હૈયે અને પૂરી સભાનતાથી હું કરી રહ્યો હતો. નાના બાળકની જેમ હું કોઈની ગમતી વસ્તુ ઝૂંટવી લેવાની જિદ્દે ભરાયો હતો. ઇતિ, હું સાચું કહું છું. હું ખરાબ નહોતો. ક્યારેય આવો નહોતો. ખબર નહિ ક્યા ઓથાર હેઠળ હું આ પાપ આચરી બેઠો. તને મેળવવાની એક ઘેલછામાં હું સારાસારનું ભાન કે વિવેકબુદ્ધિ ખોઈ બેઠો હતો. મારી અંદર એક શેતાન જાગ્યો હતો. ‘એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર.’ બસ એ વાક્ય જાણે મારે માટે બ્રહ્નજ્ઞાન બની ગયું ગતું. હું મરણિયો બની ગયો હતો. ઇતિ, હું મૂરખ, પ્રેમ એટલે શું? એ સમજી ન શક્યો. હું બહુ ખરાબ છું ઇતિ, બહુ ખરાબ.’
એકીશ્ચાસે હાંફતા, ત્રૂટક અવાજે બોલતા અરૂપની બંને આંખોમાંથી ગંગાજમના વહી રહી હતી. એના એક એક શબ્દમાં સચ્ચાઈનો, પશ્વાત્તાપનો, અહેસાસનો રણકો હતો. અરૂપ ઇચ્છતો હતો. અનિકેતની વાત સાંભળી ઇતિ રડે, ખૂબ રડે.પોતાને ખરું-ખોટું ખૂબ સંભળાવે. ગમે તે રીતે ઇતિ ઠલવાય, પરંતુ ઇતિના મૌનના ખડકને અરૂપની આંખોનાં ખારાં જળ ન તોડી શક્યા કે ન અંદર સ્પર્શી શક્યા. જીવનના રંગમંચ પર ઇતિને ભાગે હવે આ કયો રોલ ભજવવાનો આવ્યો હતો? ક્રમશ: