Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

દોસ્ત મને માફ કરીશને? પ્રકરણ-૨૮

 
Source: Neelam Doshi   |   Last Updated 8:31 AM [IST](28/08/2010)
 
 
 
 
 

અરૂપે ઓફિસમાં ફોન કરી પોતે હમણાં થોડા દિવસો નથી આવવાનો એવી સૂચના આપી દીધી, હવે? હવે શું કરવું? શું બોલવું? આ વેદના અને આઘાતમાંથી તેને બહાર કેમ લાવવી? શું કરવું જોઈએ તે તેને સમજાતું નહોતું. અચાનક તેની આંખ ખૂલી ગઈ.


ઘડિયાળમાં જોયું તો આઠ વાગતા હતા. તેની નજર બાજુમાં ગઈ. ઇતિ ક્યાં? હંમેશની માફક ગાર્ડનમાં છે? તેણે બારીમાંથી નીચે નજર કરી. રોજ આ સમયે રણકતો હીંચકો સ્થિર, ખાલીખમ્મ હતો. અરૂપ સફાળો ઊભો થઈ ગયો. ગભરાઈને જલ્દી જલ્દી પલંગમાંથી નીચે ઊતર્યો. કદાચ બાથરૂમમાં હશે તેમ માની દોડ્યો, પણ બાથરૂમ ખાલી હતું. તેનો શ્ચાસ અધ્ધર ચડી ગયો. એક ક્ષણમાં તો કેટકેટલા અમંગળ વિચારો મનમાં દોડી આવ્યા. હાંફળોફાંફળો તે ગાંડાની માફક બધે દોડ્યો. ત્યાં તેની નજર બાલ્કનીમાં ગઈ. હાશ...!


ઇતિ બાલ્કનીમાં રાખેલા હીંચકા પર બેઠી હતી. આંખોમાં શૂન્યતા અને શરીરમાં નિર્જીવતા, જડતાના કોચલામાં પૂરાયેલી ઇતિ જાણે પથ્થરની મૂર્તિ. બધાથી સાવ નિલિgપ્ત. નજર ક્યાંય દૂર દૂર સુધી કોઈને શોધતી હતી કે શું? પણ, ના એ આંખોમાં એવો કોઈ ભાવ પણ ક્યાં હતો? ક્યાંય કોઈ અનુસંધાન નહિ, કોઈ સંવેદનનું દૂર દૂર સુધી નામોનિશાન નહિ. અરૂપે તેની પાસે જઈ મૃદુતાથી ઉચ્ચાર્યું.‘ઇતિ.’


ઇતિ પર કોઈ અસર નહિ. તે એમ જ ચિત્રવત્ બેસી રહી. શબ્દો તો સંભળાતા હતા. અર્થ ખોવાઈ ગયો હતો. અરૂપ હળવેથી ઇતિ પાસે બેઠો. તેના વાળમાં સ્નેહથી હાથ ફેરવતો રહ્યો. ઇતિની આંખો નિર્જીવ, સાવ કોરીકટ્ટ, પણ અરૂપની આંખો આજે કોઈ શરમ વિના છલકતી રહી. તે ઇતિને પ્રેમ કરતો હતો. ખરેખર સાચા દિલથી પ્રેમ કરતો હતો. ફક્ત પ્રેમનો મર્મ સમજી નહોતો શક્યો. પ્રેમ એટલે બંધન નહિ. એ સત્યથી તે કદાચ અજાણ હતો. ઇતિને ખોઈ બેસવાના ડરે ઇતિની દુનિયામાંથી અનિકેતનું નામોનિશાન મિટાવવાના પ્રયત્નો તે કરતો રહ્યો. ઇતિની સામાન્ય વાતને, સામાન્ય ઇચ્છાને પણ તે અનિકેત સાથે જોડતો રહ્યો. હવે? હવે ઇતિની આ નિર્જીવતા, આ મૌન તેને દઝાડી રહ્યું હતું. શું બોલવું તે તેને સમજાતું નહોતું. ઘણું કહેવું હતું, માફી માગવી હતી, પણ અરૂપની વિચારમાળા આગળ ચાલે તે પહેલાં નીચે બેલ વાગી.


અરૂપ નીચે ગયો. કામ કરવા માટે તારાબહેન આવ્યાં હતાં. વરસોથી અહીં તે જ બધું કરતાં હતાં. અરૂપે તારાબહેન સાથે વાત કરી લીધી. ઇતિની તબિયત સારી નથી કહી રસોઈની અને ઘરની બધી જવાબદારી તેમને સોંપી દીધી. તારાબહેન ઓછાબોલાં હતાં. સાહેબને વધારે પૂછપરછ કર્યા સિવાય તે કામે વળગ્યાં.


અરૂપે પોતાને હાથે બંને માટે ચા બનાવી. ઇતિને ચામાં હંમેશાં ખૂબ આદુ અને એલચી નાખવાં જોઈએ. જ્યારે અરૂપને આદુ વિનાની ચા પસંદ હતી. આજે તેણે પોતાને માટે પણ આદુવાળી ચા બનાવી અને હાથમાં બંનેના ચાના કપ લઈ ઉપર આવ્યો. કશું બોલ્યા સિવાય ઇતિના હાથમાં ચાનો કપ આપ્યો. મેન્ટલી રિટાયર્ડ બાળક જોઈ રહે, બરાબર તેની માફક ઇતિ ઘડીકમાં ચા સામે તો ઘડીકમાં અરૂપ સામે જોઈ રહી. હાથમાં પકડેલા ચાના કપનું શું કરવાનું હોય તે સમજાતું ન હોય તેમ. અરૂપે ધીમેથી કપ ઇતિના હોઠે લગાડ્યો. ઇતિને ઘૂંટડો ભરાવ્યો.


થોડી વારે અરૂપે ખાલી કપ ધીમેથી નીચે મૂક્યો. નેપકિનથી ઇતિનું મોં લૂંછ્યું. પોતે પણ ચા પીધી. સવારે દસ વાગ્યે બંને સાથે જમી જ લેતાં. તેથી નાસ્તો કરવાની બેમાંથી કોઈને આદત નહોતી. પછી અરૂપ ઓફિસે જાય અને ઇતિ હાથમાં છાપાં અને મેગેઝિનો લઈને બેસે, પરંતુ આજે અરૂપને ઓફિસે જવું નહોતું. ઇતિને આમ એકલી મૂકીને તે ક્યાંય જઈ જ ન શકે. અરૂપે ઓફિસમાં ફોન કરી પોતે હમણાં થોડા દિવસો નથી આવવાનો એવી સૂચના આપી દીધી. હવે? હવે શું કરવું? શું બોલવું? તે હળવેથી ઇતિની બાજુમાં બેઠો. ‘ઇતિ, મને માફ નહિ કરે? ના, ના. મારે માફી નથી જોઈતી. તું કહે એ સજા મને મંજુર છે. હંુ જાણું છું કે મારી ભૂલ માફીને પાત્ર નથી જ. અરે? સજાને લાયક પણ હું નથી.


ઇતિ, હું તને સમજી ન શક્યો. તને ખોવાના ડરમાં હું ભાન ભૂલી ગયો. ઇતિ પ્લીઝ, અરૂપ આગળ બોલી ન શક્યો. તે ફરી એકવાર ધ્રૂસકે ધ્રૂસકે રડી ઊઠ્યો. ઇતિની આ હાલત તેનાથી જોઈ નહોતી શકાતી. પોતે કેટલો લાચાર બની ગયો હતો એનો અફસોસ તે દરેક પળે કરી રહ્યો હતો. દોષ પણ કોને આપે? પોતે જ આ માટે જવાબદાર હતો અને હવે.


ક્રમશ:


દોસ્ત મને માફ કરીશને? નીલમ દોશી






 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.