Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

દોસ્ત મને માફ કરીશને? પ્રકરણ-૨૭

 
Source: Neelam Doshi   |   Last Updated 12:02 AM [IST](27/08/2010)
 
 
 
 
 
લગ્નજીવનની ખાલીખમ ક્ષણો

અરૂપના મનમાં વિચારોની ઊથલપાથલ મચી, કેટલો પાપી હતો પોતે? મરતાં અનિકેતને ઇતિ ન મળે તે માટે તેને દૂર લઈ ગયો...

મારા સબકોન્શિયસ માઇન્ડમાં તને ગુમાવી બેસવાનો એક ભય, સતત ડર અને તેના પરિણામરૂપે તને અનિકેતથી દૂર રાખવાના વામણા પ્રયત્નો. ઇતિ, તારા વિના હું જીવી શકું તેમ નહોતો અને તેથી તને ગુમાવી બેસવાના સતત ડર, ખોટા ડરના ઓથાર નીચે હું અનેક ભૂલો કરતો રહ્યો. કદાચ અનિકેતની સાથે રાખીને હું તને પૂર્ણપણે પામી શક્યો હોત. સમજાય છે ઇતિ, એ અત્યારે સમજાય છે. આ ક્ષણે એ સત્ય મારી સમક્ષ ઊઘડી રહ્યું છે. હું જાણું છું કે હવે આ બધાનો કોઈ અર્થ નથી, ઇતિ, તારી માફી માગવાને પણ હું લાયક નથી, પણ ઇતિ તને હું ખરેખર પ્રેમ કરું છું. ખૂબ પ્રેમ કરું છું. કદાચ પ્રેમનો સાચો અર્થ સમજયા વિનાનો પ્રેમ.’

અરૂપ ધ્રૂસકે ધ્રૂસક રડી પડ્યો. તે વલોપાત કરતો રહ્યો. પાગલની જેમ એકલો એકલો હૈયું ઠાલવતો રહ્યો. શું બોલતો હતો તેનું પણ તેને ભાન રહ્યું નહોતું. વરસોથી અંદર સંઘરેલો ઊભરો આજે અચાનક ઊછળી ઊછળીને પોતાની જાતે જ બહાર આવવા મથી રહ્યો હતો. વારંવાર તે માફી માગતો રહ્યો. સજા માગતો રહ્યો, પણ તે કોને કહેતો હતો? ઇતિને તો ક્યાં કશું સ્પર્શી શકતું હતું? બધિર પંચેદ્રિયો સુધી અરૂપનો વલોપાત કેમ પહોંચે? ઇતિ જાણે પથ્થરની મૂર્તિ, નિર્જીવ, પ્રાણવિહીન...

અરૂપની આંખો અનરાધાર વહેતી રહી. અંતે તે થાકયો. તેણે આંસુ લૂંછ્યા. આ પાપનું પ્રાયશ્વિત ફક્ત આંસુથી નહિ થાય. તેણે હોમાવું પડશે. આહુતિ આપવી પડશે. જે કંઈ કરવું પડશે તે કરશે. એક દ્રઢ નિર્ધારતેના પ્રાણમાં ઊગ્યો. તે ઊઠ્યો. એકાદ ક્ષણ ઇતિ સામે જોયું. ધીમેથી ઇતિનો હાથ પકડી ઊભી કરી અને ઉપર લઈ ગયો. ઇતિ તો જાણે ચાવી દીધેલી પૂતળી અને પૂતળીને કોઈ વિરોધ થોડો હોઈ શકે? ઇતિ ઊભી થઈ. અરૂપ હાથમાં પાણીનો ગ્લાસ લાવ્યો. એકાદ ક્ષણ ઇતિ ગ્લાસ સામે જોઈ રહી.

અરૂપે નાના બાળકની માફક તેને પાણી પીવડાવ્યું. પછી તેને હળવેથી પલંગમાં સૂવડાવીને ચાદર ઓઢાડી. ઇતિની નિર્જીવતાથી તે અંદર સુધી હલબલિ ગયો હતો. બહાર ખરતાં પણોgનો સરસર અવાજ રાત્રિની નીરવતાને ભેંકાર બનાવી રહ્યો હતો. અરૂપ ખુલ્લી આંખે, વ્યથિત હૃદયે બારી બહાર જોતો રહ્યો. કદાચ આજે આ ક્ષણે તે પ્રેમનો અર્થ પામ્યો હતો, પણ મોડો, ખૂબ મોડૉ. સઘળું ગુમાવી દીધા પછી જ અમુક સત્યો માનવી સમક્ષ ઉજાગર થતા હશે? ક્યાંક દૂરથી રેડિયાનો અવાજ અરૂપના કાને અથડાઈ રહ્યો હતો.

ઇતિ માટે તેને ખૂબ પ્રેમ હતો અને રખે એ પ્રેમ ઝૂંટવાઈ જાય તો? અંદરના એ અજ્ઞાત ભયની સામે તે અભાનપણે ઝઝૂમી રહ્યો હતો કે શું? પ્રેમનો સાચો અર્થ બંધન નહિ મુક્તિ છે. એ સત્ય વીસરાઈ ગયું હતું અને આજે એ ભાન થયું ત્યારે? ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.
અરૂપના મનમાં વિચારોની ઊથલપાથલ મચી રહી. કેટલો પાપી હતો પોતે? મરતાં અનિકેતને પણ એકવાર ઇતિ મળી ન શકે માટે તેને અંધારામાં રાખી દૂર લઈ ગયો. પોતે આ શું કરી બેઠો? આટલો ડરપોક હતો પોતે? એક મરતા માનવીનો પણ ડર લાગ્યો? મૃત્યુને આરે ઊભેલા માનવીની નાનકડી અંતિમ ઇચ્છા સુધ્ધાં પૂરી ન કરી શક્યો? આવો ક્રૂર તો તે ક્યારેય નહોતો. અરૂપ પોતાની જાતને કોસતો બેસી રહ્યો.

આજે બધું નજર સામે ઊઘડતું જતું હતું. એક પછી એક દ્રશ્યો નજર સમક્ષ આવતાં જતાં હતાં. પોતે કેટલો વામણો નીકળ્યો હતો તેનું ભાન આ ક્ષણે થતું હતું. ઇતિની નાની નાની ઇચ્છાઓને અનિકેત સાથે સાંકળીને તેની કરેલી અવગણનાઓ અને ઇતિનું સમર્પણ. આ બધા પાપનું પ્રાયશ્વિત હવે કેમેય થઈ શકે તેમ નહોતું. અનિકેત આ દુનિયા છોડીને ચાલી ગયો હતો. નહિતર પોતે જાતે ઇતિને...
કાશ, કાળને રિવર્સ ગિયર હોત તો? અરૂપની નજર બાજુમાં સૂતેલી ઇતિના ચહેરા પર મંડરાતી રહી. ઇતિ જાગતી હતી કે સૂતી હતી?

એ સમજાય તેમ નહોતું. ઇતિ ચૂપ હતી. બસ, એટલું જ સમજાયું હતું. અસહ્ય આઘાતની, વેદનાની લિપિ તેના અણુ અણુમાં કોતરાયેલી તે જોઈ શકતો હતો. બહાર રાત્રિનો અંધકાર ઘેરો બનતો જતો હતો. કાલે ભાવિના ગર્ભમાંથી કઈ અજ્ઞાત ક્ષણોનો પ્રસવ થશે? રાત આખી ખરતી રહી. રંગ ઊડી જતાં ઝાંખા પડી ગયેલાં કપડાં જેવી સાવ નિસ્તેજ, ઝાંખીપાંખી સવાર ઊગી હતી. વિચારોના વમળમાં ફસાયેલી, થાકેલી અરૂપની આંખો છેક વહેલી સવારે જરાવાર માટે મીંચાઈ હતી. અર્ધ ઊંઘમાંય તેને ઇતિની ચિંતા થઈ રહી હતી.

ક્રમશ:

દોસ્ત મને માફ કરીશને?, નીલમ દોશી





 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.