ઇતિની નિતાંત શૂન્યતા
‘ઇતિ પ્લીઝ, મારે કોઈ ખુલાસા નથી કરવા, હું ગુનેગાર છું, તારો અને અનિકેતનો, હું અનિકેતની ઇષ્ર્યા કરતો હતો...
વાતાવરણમાં મૌનનો ભયાનક ઓથાર, સમયક્ષણો સરતી હતી. ઇતિ પરિસ્થિતિને હજુ પૂરી સમજી કે સ્વીકારી નહોતી શકતી કે શું? પોતે આ બધું શું વાંચ્યું કે શું સાંભળ્યું એ સમજણ નહોતી પડતી કે પછી જે વાંચ્યું, સાંભળ્યું એમાં વિશ્વાસ નહોતો આવતો?
શું બોલવું તે અરૂપને સમજાતું નહોતું અને શું પૂછવું. શું કહેવું તેની ઇતિને ખબર નહોતી પડતી. બીજી થોડી ક્ષણો આમ જ વીતી. વાતાવરણમાં એક અસહ્ય મૌન ગૂંગળાટ, ભયંકર સ્તબ્ધતા, એક અસહ્ય ગૂંગળામણ, સન્નાટો, પવન પણ એકદમ ચૂપ. બહાર બગીચામાં ટપાક દઈને ખરતાં પાંદડાંનો એક માત્ર અવાજ, કોરી આંખોમાંથી અશ્રુઓ તો ન ખર્યા, પરંતુ મનમાંથી કશું જરૂર ખરી રહ્યું હતું. સમયના વાયરાની એક જોરદાર કૂંક કે ઝંઝાવાત અને શ્રદ્ધાની ઝળહળ જયોત બૂઝાઈ ગઈ.
અરૂપ નીચું જોઈ બેસી રહ્યો અને ઇતિ એકીટશે ત્રાટક કરતી હોય તેમ અરૂપ સામે, બિલકુલ અજાણ્યા અરૂપ સામે જોતી રહી. વરસોનો આ સાથીદાર આજે પરાયો બની ગયો હતો. આ અરૂપને તે ક્યાં ઓળખતી હતી? એક પળ અને ઇતિનું આખું વિશ્ચ અલોપ. વિશ્વાસના અગણિત પંખીઓ એકી સાથે ઊડી ગયાં હતાં. કોઈ કલરવ વિના. એક ઘેરી સ્તબ્ધતા, મૌનના આ અસહ્ય ઓથાર હેઠળ અરૂપ શું બોલે? શું સફાઈ આપે? આરોપી હાજર હતા. પિંજર હતું, પણ કોઈ ફરિયાદી નહોતું. ઇતિની આંખ સામે અરૂપ કઈ રીતે નજર મિલાવે? શું જવાબ આપે ઇતિની આંખના મૂક પ્રશ્નો?
ઇતિ સોફા પર ફસડાઈ પડી. અનિ, તેનો અનિ હંમેશ માટે અલવિદા કરી ગયો હતો. અંતિમ ક્ષણો સુધી તે ઇતિને ઝંખતો રહ્યો હતો. ઇતિની આંખો સમક્ષ ગાઢ અંધકાર છવાતો હતો. તેની આંખો કોરીધાકોર, બિલકુલ કોરી, કોઈ દર્દીને એનેસ્થેશિયાનો મોટો ડોઝ અપાઈ જતાં તેનું ચેતાતંત્ર નિષ્ક્રિય... સંવેદનાહીન બની જાય. તેવી રીતે ઇતિનું ચેતાતંત્ર સાવ જ ભાનશૂન્ય... વેદના અનુભવવા જેટલી સભાનતાય અલોપ. કોઈ સંવેદના નહિ. નિતાંત શૂન્યતા. દૂર દૂર સુધી નિબીડ અંધકાર, પ્રકાશનું જાણે કદી અસ્તિત્વ હતું જ નહિ. આ વેદના અનિકેતની વિદાયની હતી કે અરૂપની આ પરિચિત ઓળખાણની?
પવનની એક લહેરખીની સાથે અંગારા પરથી રાખ ઊડી જાય અને એક કારમું સત્ય સાવ અનાવૃત થઈ ઊઠે. એ જ રીતે એક જ પળમાં સહન ન થઈ શકે તેવાં બે સત્યો અતિ ભાવુક ઇતિ સામે ઊઘડ્યાં હતાં, જેનો તાપ ઝીલવો ઇતિ માટે આસાન કેમ બની શકે? કર્યું સત્ય વધારે ગૂંગળાવી રહ્યું હતું? તે વિચાર કરવાની ક્ષમતા ક્યાં? અનિકેતને તો કુદરતે છીનવી લીધો હતો, પરંતુ અરૂપ? અરૂપનું આ સ્વરૂપ? તેનો આ પરિચય? અત્યાર સુધી તે અંધારાને અજવાસ માની અટવાતી રહી હતી?
તેણે ક્યાં ભૂલ કરી હતી? સપનામાંય અરૂપનું આ સ્વરૂપ તે વિચારી શકે તેમ નહોતી. ક્યારેક અરૂપની કોઈ વાત ન ગમતી ત્યારે પણ એક ક્ષણ માટેય અરૂપમાં કોઈ અવિશ્વાસ, કોઈ શંકા નહોતી ઊઠી. આમ પણ કોઈ માટે શંકા કરવાનું ઇતિ માટે શક્ય જ નહોતું. આંખો બંધ કરી તે વિશ્વાસ મૂકી શકતી અને આજે? એક ક્ષણમાં બધું કડડભૂસ? સઘળા દરવાજાઓ બંધ, દિશાઓ મૂંગીમંતર.ઇતિ હમણાં આક્રન્દ કરી ઊઠશે. એવું માનતો અરૂપ તેની આ સ્થિતિ જોઈ ડરી ગયો. તેના મનમાં ભયનાં ભીનાં ભીનાં વાદળ ઘેરાયાં.ઇતિની આંખોમાં તો અઢળક વાદળ, કોરાકટ્ટ વાદળ... ઇતિની કોરીધાકોર આંખો સામે જોતાં અરૂપે બે ચાર વાર ઇતિને બોલાવવાનો પ્રયત્નો કરી જોયા, પણ કોઈ પ્રત્યાઘાત ન સાંપડતા અરૂપ હવે ખરેખર ડરી ગયો.
‘ઇતિ, ઇતિ પ્લીઝ, મારે કોઈ ખુલાસાઓ નથી કરવા. હું ગુનેગાર છું. તારો અને અનિકેત બંનેનો ગુનેગાર. હું અનિકેતની ઇષ્ર્યા કરતો હતો. કોઈ કારણ વિનાની ઇરેષ્યા. અનિ પાસેથી મેં તને ઝૂંટવી લીધી હતી. અનિકેત તારી વાતો કરતો રહ્યો અને હું તને તેની પાસેથી ખૂંચવી લેવાના મનસૂબા મનોમન ઘડતો રહ્યો હતો, જેની અનિકેતને કલપના સુધ્ધાં નહોતી. અનિએ મોકલેલો સંદેશ કે તેણે તારા માટે મોકલેલી ગિફ્ટને, પેલી ઢીંગલીને મેં મારી બનાવી દીધી. એક અનધિકાર ચેષ્ટાથી, દગાથી કોઈના વિશ્વાસનો ભંગ કરીને, મિત્રતા શબ્દને કલંક લગાડીને હું તારી અને અનિકેત વચ્ચે આવી ગયો. તારા જીવનમાં દાખલ થઈ ગયો અને આટલાં વરસો અનિકેતને હટાવવાના સભાન પ્રયત્નો કરતો રહ્યો.
ક્રમશ:
દોસ્ત મને માફ કરીશને?, નીલમ દોશી