જીવનના અંતિમ દિવસો
‘ના બેટા, હવે તું નિરાંતે આવજે, બહુ મોડું કર્યું ઇતિ, બહુ મોડું, અનિકેત હવે આ દુનિયામાં...’ છેડેથી ધ્રૂજતો અવાજ ઇતિએ સાંભળ્યો...
હું પણ એક જુદી દુનિયામાં ખોવાઈ ગયો. તારી યાદ મારા અસ્તિત્વની અંદર ઓગળી ગઈ હતી અને હું ઓગળી ગયો હતો. નાનાં નાનાં અનાથ ભૂલકાંઓની દુનિયા ક્યાં, ક્યારે, કેમ એ બધું લખવાની આ ક્ષણે તાકાત નથી. જોકે હવે તારી મમ્મીને બધી જાણ છે. તને મન થાય તો તેની પાસેથી જાણી શકીશ. આ ક્ષણે તો એટલી જ ખબર છે. હવે મારી પાસે બહુ ઓછો સમય બચ્યો છે. કેમ શું થયું...
એ બધી વાતો અહીં આવીશ ત્યારે તને જાણ થવાની જ છે. અત્યારે એટલું બધું લખવાની તાકાત નથી, પરંતુ જિંદગીના કદાચ છેલ્લા દસ-બાર દિવસ મારી પાસે બચ્યા છે. વતનના એ જ ઘરમાં અંતિમ શ્ચાસ લેવાની અદમ્ય ઝંખના મને અહીં ખેંચી લાવી છે. આ ઓરડાની દીવાલોમાં તારી હાજરીની સુગંધ હજુ ઓસરી નથી. અહીંની દીવાલોમાંથી આપણું આખું શૈશવ ટહુકે છે. અહીં હું તને પ્રત્યક્ષ અનુભવી શકું છું. રોજ તારી સાથે વાતો કરતો રહું છું. છતાં માનવનું મન લાલચુ, લોભી છે. મોહ છુટતો નથી. એક વાર, અંતિમ વાર તને પ્રત્યક્ષ જોવાની ઝંખના છુટતી નથી. અરૂપ સાથે પણ મનભરીને ઝઘડો કરવો છે. મને ભૂલી ખેર...! બસ એક વાર છેલ્લી વાર તને...
મમ્મીએ કહ્યું છે. તેણે તને ફોન કર્યો છે અને મને જાણ છે. હવે કોઈ પળે અચાનક તું આવી ચડીશ. આવીશને? એવો પ્રશ્ન અસ્થાને છે. કેમ કે, હું જાણું છું તું આવીશ. એક પળના પણ વિલંબ વિના આવીશ, પણ કદાચ તું આવ અને હું ત્યારે બોલી શકું તેમ ન હોઉં તો? હવે નિયતિ પર ભરોસો નથી રહ્યો. તેથી અંતિમ વાર મન ભરીને તારી સાથે વાત કરી રહ્યો છું. ઇતિ, સાચ્ચે જ મેં ક્યારેય અરૂપના ભાગ્યની ઇષ્ર્યા નથી કરી, નહિ કરું, પરંતુ આ અંતિમ ક્ષણે ખોટું કેમ બોલું? ઇતિ, આ ક્ષણે તો મને તેની ઇષ્ર્યા આવે જ છે. પહેલી ને છેલ્લી વાર.
મને માફ કરી દેજે. ઇતિ,અરૂપ સાથે પણ ઘણી વાતો કરવી છે. તારી સાથે તો ફરી એક વાર લડવું છે, ઝઘડવું છે, રિસાવું છે, મનાવું છે, મારી આંખોને, મારા પ્રાણને તારી પ્રતીક્ષા છે. કાલે આંખો બંધ કરી ત્યાં તું મારી સમક્ષ હાજર... આપણે બંને દરિયાના પાણીમાં ઊભાં હતાં અને હું આગળ જતો હતો. તું પાણીમાં આગળ ન જવા મને વીનવતી હતી કે શું? પરંતુ તારો હાથ છોડીને જવાનું હતું. અંતિમ સફર પર તો એકલા જ જવાનું હોયને? સ્વપ્ન હતું કે સત્ય?
ઇતિ, મને અંતિમ અલવિદા કરવા ક્યારે આવે છે? મને ખીજાઇશ નહિને? ના, ના, મન ભરીને ગુસ્સે થજે. તારા ગુસ્સાની પ્રતીક્ષા મને ટકી રહેવાનું બળ આપે છે. ઇતિ, મોડું નહિ કરેને? નહિ કરેને? ના, મને વિશ્વાસ છે, મારો સાદ આવે ને તું મોડી ન જ પડે.’ઇતિના હાથમાંથી પત્ર ક્યારે નીચે સરકી ગયો તેની જાણ ઇતિને થઈ નહિ. આંખોમાં બારે મેઘ ખાંગા થયા હતા. તેના હાથમાંથી નીચે પડેલો પત્ર અરૂપે ઉપાડ્યો. અરૂપની આંખો પત્રના અક્ષરો પર એકીશ્ચાસે ફરી રહી. ત્યાં ફોન રણકયો. સામેથી કોઈ કશું બોલે તે પહેલાં જ, ઇતિએ ફોન ઉપર તરાપ મારી અને બોલી ઊઠી.
‘હા, મમ્મી હું આવું છું. આ ક્ષણે જ નીકળું છું, મમ્મી.’ડૂસકાંની વચ્ચે ઇતિનો અવાજ તૂટતો જતો હતો.‘ના, બેટા, હવે તું તારે નિરાંતે આવીશ તો પણ ચાલશે. બહુ મોડું કરી નાખ્યું. ઇતિ, બહુ મોડું, અનિકેત હવે આ દુનિયામાં...’સામે છેડેથી ધ્રૂજતો અવાજ ઇતિના કાનમાં પડઘાઈ રહ્યો.‘અને બેટા, અરૂપને બધી વાત કરી તો હતી... છતાં...છેલ્લી મિનિટ સુધી અનિકેતની આંખો દરવાજા પર.’
નીતાબહેન આગળ કેટલુંય બોલતાં રહ્યાં. ઇતિ અવાચક... બસ, નથી સાંભળવું... કશું જ નથી જાણવું... ઇતિના હાથમાંથી રિસિવર છટકી ગયું. મૂઢ ઇતિની આંખો અરૂપને તાકી રહી. તેમાં ઊઠતા અગણિત અનુત્તર પ્રશ્નો. અરૂપના હાથમાં રહેલો પત્ર ધ્રૂજી રહ્યો હતો કે અરૂપ આખો ધ્રૂજી ઊઠ્યો હતો? ઇતિની આંખો જવાબ માગતી હોય તેમ અરૂપ સામે ત્રાટક કરતી રહી, પણ... અરૂપ શું બોલે?
એક એક ક્ષણ એક યુગ જેવડી બની હતી. ઇતિ મૌન હતી અને અરૂપ પાસે બોલવા જેવું કશું બચ્યું નહોતું. એક ક્ષણમાં તે આખ્ખો ઉઘાડો પડી ગયો હતો. ક્યા ખુલાસાઓ આપે? કેટકેટલા ખુલાસાઓ આપે? છેલ્લાં દસ વરસની નીચી નજર હવે અરૂપ સામે જોઈ રહી. એ નજરનો અસહ્ય તાપ અરૂપને દઝાડી રહ્યો. બે પાંચ મિનિટ વીતી કે બે પાંચ યુગો?
ક્રમશ:
દોસ્ત મને માફ કરીશને?, નીલમ દોશી