અરૂપની ઓળખાણ મને અહીં અમેરિકામાં થઈ હતી, તારી કેટકેટલી વાતો હું તેને કરતો, તે મારો મિત્ર બની ગયો હતો અને એટલે જ...
ધ્રૂજતા હાથે અધીરતાથી કવર ફાડવા જતાં અંદરનો કાગળ પણ થોડો ફાટ્યો. ઇતિની બહાવરી નજર કાગળના લખાણ પણ સરકી રહી.
ઇતિ, ‘જીવનમાં ક્યારેય તને કાગળ લખીશ એવી કલ્પના પણ ક્યાં કરી હતી? આ પળે મને પણ આશ્ચર્ય થાય છે. હું ઇતિને કાગળ લખું છું? કાગળ લખવો પડે એટલા દૂર છીએ આપણે? આટલાં વરસો કાગળ લખવાની જરૂર નથી લાગી. તું દૂર ક્યાં હતી મારાથી? રોજ સવારે ખીજાઈને તું મને ઉઠાડતી જ રહી છેને? મારી કઈ ક્ષણ તારા વિનાની હતી? છે? છતાં આજે પણ ન લખત, પરંતુ હવે કાળદેવતા ઉપરનો વિશ્વાસ કદાચ ખોઈ ચૂકયો છું. કદાચ ન મળાય તો? સમય એટલો સાથ પણ ન આપે તો? જોકે આવી શંકાનો કોઈ અર્થ નથી જ. તું આવીશ જ. એ હું જાણું છું. બસ, એ પળની પ્રતીક્ષામાં બારણાં સામે મીટ માંડી રહ્યો છું. તું આવે એ ક્ષણને મારી કીકીઓમાં કેદ કરીને પછી જ આંખ મીંચવી છે. ઇતિ, તું પુનર્જનમમાં માને છે? આ ક્ષણે બધી શંકાઓ, તર્કવિતર્કો ફગાવી દઈને પૂર્ણ શ્રદ્ધાથી હું કહું છું કે, હા ઇતિ હું પુનર્જન્મમાં માનું છું અને તેથી જ... મારી કીકીઓમાં કેદ થયેલી એ ક્ષણને ફરીથી જ્યારે પણ આંખ ખૂલે ત્યારે...
ઇતિ એક વાર તને અલવિદા કહ્યા સિવાય જવાનું મને ગમશે નહિ. એક છેલ્લી વાર તને જોઈ લેવાની. મન ભરીને નીરખી લેવાની આ કઈ તડપન. કઈ વ્યાકુળતા પ્રાણમાં જાગી છે? છેલ્લી ક્ષણોમાં આ લોભ કેમ છુટતો નથી? તારા સમાચાર તો મને હંમેશ મળતા રહ્યા છે. તું ખુશ છે. અરૂપ તને ખૂબ સાચવે છે. તારી મમ્મી પાસેથી એવું બધું સાંભળીનું ખુશ થતો રહું છું. ઇતિ એક વાર તારા મોઢેથી તારી ખુશીની વાતો સાંભળી, તેમાં તરબોળ થવું છે. ભીંજાવું છે. આ દિવસોમાં દરેક ક્ષણે મારા ચિત્તમાં કર્યું ર્દશ્ય સતત રમી રહ્યું છે કહું? તને યાદ છે? આપણે નાનાં હતાં અને તેં એક વાર વ્રત રાખેલું. પહેલી વાર સાડી પહેરી હતી. શણગાર સજયા હતા અને સાડી સાચવતી તું ધીમાં પગલાં ભરતી હતી. મંદિરમાં નાનકડા બે બાધ જોડી ઊભેલી દુલ્હન ઇતિ મારી કીકીઓમાં હંમેશ માટે કેદ થઈ ગઈ છે.
અરૂપની ઓળખાણ મને અહીં અમેરિકામાં થઈ હતી. તારી કેટકેટલી વાતો હું તેને કરતો. તે મારો મિત્ર બની ગયો હતો અને એટલે જ તો તે ત્યાં આવતો હતો ત્યારે તને ખાસ મળવાનું કહ્યું હતું. હું અરૂપને તારી કેટલી વાતો કરતો એ તો અરૂપે તને કહ્યું જ હશે. તું અરૂપને મારી વાત કરે છે કે નહિ? તારા પતિદેવ પાસે આખો દિવસ મારી વાતો કરીને બોર તો નથી કરતીને?
અરૂપને તારું એડ્રેસ આપી તેની સાથે તારા માટે દુલ્હનના ડ્રેસમાં ઢીંગલી મોકલી હતી. તને ગમી હતી કે નહિ? એ તો તેં કોઈ દિવસ કહ્યું જ નહિ. અરૂપનો પણ પછી કોઈ જવાબ આવ્યો જ નહિ. અહીંની મારી વાતો અરૂપે તને કહી જ હશે અને અરૂપના ગયા પછી એક એક્સિડેન્ટ થતાં ચાર મહિના હું હોસ્પિટલમાં, જીવનમરણ વચ્ચે ઝઝૂમતો રહ્યો. ઇતિ, યાદ છે? નાનો હતો ત્યારે મને એકવાર થોડો તાવ આવેલો અને તું મને પોતાં મૂકતી, મારી પાસે બેસી પ્રાર્થના ગાતી. દવા પીવડાવવા માટે કેટલું ખીજાતી અને આજે આટલો માંદો છું ત્યારે? અને ઇતિ તને ખબર છે? એ અકસ્માતમાં મમ્મી, પપ્પા બંને... ઇતિ, તારો અનિ, એકલો સાવ એકલો... જોકે મારી પળેપળમાં તું હતી અને છતાં હું તને ઝંખતો હતો. જ્યારે તને ફોન કરવાનું ભાન આવ્યું અને ફોન કર્યો ત્યારે સમાચાર મળ્યા કે તારા લગ્ન થઈ ગયા છે અરૂપ સાથે. મારા જ મિત્ર સાથે, જેની પાસે હું તારા વખાણ કરતો. તારા લગ્ન થાય અને હું ખુશ ન થાઉં એ તો કેમ બને? યાદ છે હું તને કહેતો,
‘છોકરીઓએ સાસરે જવું પડે, જો તારે જવું પડ્યુંને? સાસરું એટલે શું? એવો પ્રશ્ન હવે નહિ પૂછેને? તને દુલ્હનના સ્વરૂપમાં જોવાની ઇચ્છા હતી, પણ અરૂપનો સંપર્ક સાધવાની બે-ચાર વાર કોશિશ કરી, પણ ખેર પછી મન મનાવ્યું. તું તારી દુનિયામાં ખુશ છે. તારી મમ્મી પાસેથી તારા સમાચાર મળતા રહેતા. લગ્નના અભિનંદન આપવા ફોન કરેલો, પણ અરૂપે કહેલું કે તું બહારગામ ગઈ છે. તેથી વાત ન થઈ શકી અને પછી ક્યારેય તને ફોન કર્યો નહિ, તારી ખુશી મારા માટે પૂરતી જ હોયને?