અનિકેતનું કવર મળ્યું
પહેલા ચૂકી ગયેલી ઇતિનું ધ્યાન અચાનક હાથમાંના કવર પર પડ્યું અને નજર અક્ષરો પર, ‘આ તો અનિના અક્ષર...’ ઇતિ બોલી ઊઠી
પોતે દૂર પાણીમાં, મોજાંના પ્રવાહ ઉપર સવાર અને થોડી ક્ષણોમાં તો આંખોથી ઓઝલ, ઇતિ ફાટી આંખે નીરખી કેમ રહી? તે અનિકેતની પાછળ દોડી કેમ ન શકી? તેને દોડવું છે. અનિકેતને રોકવો છે, પણ આ કોણે તેને પકડી રાખી છે?
દૂર દૂર પાણીનાં તરંગો પર સરતા અનિકેતનો મૌન સાદ ક્યાંથી આવીને ઇતિના મનમાં પડઘાઈ રહ્યો? ક્યારેય નહિ ને આજે અનિકેત આવું વિચિત્ર વર્તન કેમ કરે છે? ઇતિનો હાથ પરાણે છોડાવીને તે એકલો એકલો ક્યાં જઈ રહ્યો છે? અરે, રોકો, કોઈ અનિને રોકો, મારો હાથ છોડાવીને તે ક્યાં જાય છે?
ઇતિનો હાથ અરૂપના કાંડા પર જોરથી ભીંસાઈ રહ્યો. ઇતિ પરસેવે રેબઝેબ. પોતાના હાથ પર જોરનો અનુભવ થતાં બાજુમાં બેસેલો અરૂપ સફાળો ચોંકી ઊઠ્યો.‘ઇતિ, ઇતિ, શું થાય છે તને? ડર લાગે છે? હું તારી બાજુમાં જ છું.’
એકાદ સેકન્ડ ઇતિની આંખો ખૂલી ન ખૂલી અને તેની નજર અરૂપ સામે પડી, પરંતુ તેની આંખોમાં ઓળખાણનો કોઈ અણસાર ન દેખાયો. તેની આંખ ફરીથી જોરથી મીંચાઈ રહી.
‘અનિ, તને કંઈ ભાન પડે છે કે નહિ? ક્યારની વિનંતી કરું છું કે આગળ ન જવાય, પણ આજે તું મારું કેમ માનતો નથી? તું તો ક્યારેય આવો નહોતો. આજે મારું કેમ સાંભળતો નથી? જા તારી કીટ્ટા, હવે તું લાખ વાર બોલાવીશને તો પણ હું નહિ બોલું.’અને ઇતિ ખરેખર પડખું ફરીને સૂઈ ગઈ, પણ એમ ચેન ક્યાં મળવાનું હતું? હવે અનિકેત દેખાતો કેમ નથી? ક્યાં અર્દશ્ય થઈ ગયો?‘ના, ના, અનિ, એમ રિસાઈ ન જવાય. આપણા કીટ્ટા-બુચ્ચા તો અનંતકાળના, આપણા રિસામણાં, મનામણાં તો ક્ષિતજિને પેલે પાર પણ ચાલ્યે રાખવાનાં.’
અને ઇતિ ન જાણે શુંય બબડતી રહી. અરૂપ તેનો અસ્કૂટ અવાજ સાંભળી રહ્યો, કશું સમજાતું નહોતું. તેના મનમાં પણ કોઈ વિચારોનું ધમસાણ મચ્યું હતું. તેની અંદર પણ દ્વંદ્વ ચાલી રહ્યું હતું કે શું?
પૂરા દસ દિવસ ઇતિની આ હાલત ચાલુ રહી. ડોક્ટરો અને અરૂપ ઇતિની કાળજી લેતા રહ્યા. અંતે દવાઓની અસર થઈ. ધીમે ધીમે ઇતિને થોડું સારું થયું. તાવ તો ઊતર્યો, પણ નબળાઈ તો હતી જ. ‘અરૂપ ખબર નહિ કેમ, પણ મને કોઈ અશુભના ભણકારા કેમ વાગે છે? ચાલને પાછા જઈએ.’
અરૂપ ખડખડાટ હસી પડતો, ‘અરે, એ તો તું થોડી બીમાર પડી ગઈ ને તેથી તારું મન આળું થઈ ગયું છે અને આમ પણ આ દસ દિવસોમાં તારું શરીર કેવું નબળું પડી ગયું છે? તું કેટલી ફિક્કી પડી ગઈ છે? થોડી તાકાત આવે પછી જ હવે તો અહીંથી હટી શકાય.વરસો પહેલાં જ્યારે અનિકેતથી કોઈ વાત છુપાવવી હોય ત્યારે તે આંખો બંધ કરી દેતી અને તો પણ અનિ જાણી જ જતો. આજે ખુલ્લી આંખોમાં, તેના અસ્તિત્વના એક એક અણુમાં જાગેલા આ ઘેરા વિષાદને અરૂપ જોઈ, જાણી કે અનુભવી નથી શકતો? ઇતિની પરમ વેદનાની આ પળે તે ક્યા સુખની વાતો કરે છે?
અંતે પંદર યુગ જેવા પંદર દિવસ પૂરા તો થયા. ઇતિની અધીરતા પરાકાષ્ઠાએ પહોંચી. બસ હવે ઘર ક્યાં દૂર હતું? મંજિલ સામે જ હતી. જઈને પહેલું કામ ફોન અને તરત અનિને મળવા જવાનું. હવે તે અરૂપની કોઈ વાત નથી સાંભળવાની. એક ક્ષણનો પણ વિલંબ નથી કરવાની, પણ વિલંબ થઈ ચૂકયો હતો કે શું? એક એક પગલામાં પહાડ જેવો ભાર ઊંચકતી ઇતિનો સિમલાનો દરેક દિવસ એક આખા યુગનો ઓથાર લઈને વીતતો હતો. આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો.‘ઇતિ, ચાલ, નીકળવાનો સમય થવા આવ્યો છે.’
પંદર વરસ જેવા પંદર દિવસોને ફગાવી અંતે ઇતિ ઘરના બારણા પાસે આવી પહોંચી. ઇતિના આવવાની અધીરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હોય તેમ પંખીઓએ ક્લબલાટ કરી મૂક્યો. ઇતિ અધીરતાથી, વહિવળતાથી, ટેક્સીમાંથી ઊતરી, અરૂપની રાહ જોયા સિવાય દોડી. ઘરનું તાળું ખોલ્યું. આ પંદર દિવસ જે ઘૂટન વેઠી હતી તે હવે અસહ્ય બની હતી. ગાંડાની માફક તે ફોન તરફ દોડી. ત્યાં પગમાં કોઈ કવર આવ્યું. તેણે કવર ઊંચકર્યું તો ખરું, પણ તેની પર નજર નાખવા જેટલી ધીરજ ક્યાં બચી હતી? તેની ધ્રૂજતી આંગળીઓ ફોનના નંબર દબાવતી હતી. ફોન સતત એન્ગેજ આવતો હતો. અચાનક ઇતિનું ધ્યાન હાથમાંના કવર પર પડ્યું અને નજર અક્ષરો પર.‘આ તો અનિના અક્ષર...’
ક્રમશ:
દોસ્ત મને માફ કરીશને?, નીલમ દોશી