અરૂપ ઇતિમય બની ગયો હતો, પ્રેમનો સાચો અર્થ, મર્મ તે હવે સમજયો હતો, અરૂપ, હવે અનિકેતની વાતો કરતા થાકતો નહોતો
કેલેન્ડરનાં પાનાં એક પછી એક ફાટતાં રહ્યાં. ઇતિ સૂતી હોય ત્યારે અરૂપના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું રહેતું. આજે પણ તે આવા જ કોઈ વિચારોમાં ખોવાયેલો હતો. ત્યાં તારાબહેન આવ્યાં. આજે તે ખુશ દેખાતાં હતાં. આવીને તેણે અરૂપના હાથમાં કાગળની એક નાની પડીકી આપી.
‘આ શું છે તારાબહેન?’‘સાહેબ માતાજી માની ગયાં. મેં તેમને બહેનની બધી વાત કરી. પહેલા તો તેમણે બહેનને લઈને જ આવવાનું કહ્યું, પરંતુ મેં તેમને સમજાવ્યાં અને ખોળો પાથરી આજીજી કરી ત્યારે કહ્યું,‘ઠીક છે, તું આટલું કહે છે તો મારે કરવું જ રહ્યું.’
‘આ દાણા તેણે આપ્યા છે અને બહેનને ખવડાવવાના છે. સાહેબ, ગમે તેમ કરીને બહેનને ખવડાવી દેજો અને હા, સાહેબ દસ મંગળવાર કરવાના તેમણે ખાસ કહ્યું છે. બહેન તો કેમ કરી શકશે? પણ મેં માતાજીને પૂછી લીધું છે કે તેને બદલે કોઈ પણ કરે તો ચાલે. બહેનને બદલે હું કરીશ. તમે ચિંતા ન કરો. બહેનને જરૂર સારું થઈ જશે.’
તારાબહેનની લાગણી જોઈ અરૂપ ગળગળો થઈ ગયો. તેણે કહ્યું,‘તારાબહેન, તમારે મંગળવાર કરવાની જરૂર નથી. હું જ કરીશ. શું કરવાનું છે, કેમ કરવાનું છે તે મને સમજાવજો.’એક ડૂબતા માણસે તરણું પકડી લીધું અને આમ પણ અરૂપ તારાબહેનની શ્રદ્ધા તોડવા નહોતો માગતો. તારાબહેન ખુશ થતાં પોતાના કામમાં પરોવાયાં. હવે ઇતિને જરૂર સારું થઈ જશે. તેમ તેનું મન કહેતું હતું. અરૂપ સંપૂર્ણપણે ઇતિમય બની ગયો હતો. પ્રેમનો સાચો અર્થ, મર્મ તે હવે સમજ્યો હતો.
કાળને તો તે રિવર્સ ગિયરમાં ફેરવી શકે તેમ નહોતો કે અનિકેતને પાછો લાવી શકે તેમ નહોતો, પરંતુ જે કંઈ તે કરી શકશે તેમાં હવે કોઈ કચાશ નહિ જ હોય. અરૂપ ડોક્ટરો, સાયકોલોજિસ્ટ પાસેથી પણ માર્ગદર્શન મેળવતો રહ્યો. ઇતિને ગમે તેમ કરીને હસાવવી કે રડાવવી તે જરૂરી હતું. અરૂપ, જે ક્યારેય અનિકેતની વાત ભૂલથી પણ ઉચ્ચારતો નહિ, તે હવે અનિકેતની વાતો કરતા થાકતો નહિ. અરૂપે ફોન કરી તેની મમ્મીને થોડો સમય અહીં સાથે રહેવા બોલાવ્યાં.
‘ઇતિ, જો તો ખરી, કોણ આવ્યું છે?’ અરૂપે ઉત્સાહથી બૂમ પાડી.ઇતિ એમ જ હીંચકા પર બેસી રહી. કુતૂહલથી તેની આંખો ફરી
નહિ. ‘ઇતિ.’ઇતિ તરફથી કોઈ જવાબ ન મળતા અરૂપ ઇતિની મમ્મીને આવકારવા ઊભો થયો.‘ઇતિ, બેટા.’અવાજ સાંભળી ઇતિની આંખોમાં એકાદ સેકન્ડ આછો ચમકારો દેખાયો અને ફરીને પાછી એ જ સ્થિરતા. તે એકીટશે મમ્મી સામે જોઈ રહી. જાણે તેને ઓળખવા મથી રહી.
‘બેટા, તને જોવાનું બહુ મન થયું હતું. તું ન આવી એટલે હું જ આવી ગઈ. તું મમ્મીનેય ભૂલી ગઈ?’ કહેતાં નીતાબહેન ઇતિને ભેટી પડ્યાં. દીકરીની પરિસ્થિતિની વાત તો અરૂપે તેમને કરી જ હતી. આજે નજરે જોઈ તેમની આંખો છલકી રહી.ઇતિ જાણે ગૂંગળાઈ ગઈ હોય તેમ અસ્વસ્થ બની ગઈ. અરૂપ ધ્યાનથી ઇતિના વર્તનનો ફેરફાર જોતો રહ્યો. ઇતિની થોડી અસ્વસ્થતા પણ તેને ખુશ કરી ગઈ. જમાઈ ધંધાપાણી છોડી ઇતિની પાછળ, તેને સાજી કરવા માટે આટલું કરી રહ્યો છે એ જોઈ નીતાબહેનને અરૂપ માટે માન વધી ગયું.
‘બેટા, તું વધુ પડતી ચિંતા ન કરીશ. હું ધીમે ધીમે અનિકેતની વાતો કરી તેને બોલતી કરી દઈશ. બહુ નાનપણથી બંને સાથે રમીને મોટાં થયાં છે તેથી થોડું વધારે થાય અને તેમાં છેલ્લે તમારે અચાનક બહારગામ જવાનું થયું અને મળી ન શકાયું તેથી તેને કદાચ વધુ આઘાત લાગ્યો લાગે છે. બચપણથી માયા જ એવી હોય, પણ બધું બરાબર થઈ જશે. બેટા, તું ટેન્શન ન લેતો.’
નીતાબહેન જમાઈને સધિયારો આપતાં રહ્યાં. અરૂપ ફિક્કું હસ્યો. શું બોલે તે? ડોક્ટરોએ તેને કહેલું કે આઘાતના અંતિમ બિંદુએ, પરાકાષ્ઠાએ પહોંચેલા માનવીને એક નાનો સરખો ધક્કો પણ ગાંડપણની કક્ષાએ પહોંચાડી શકે. મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવી ન બેસાય તે માટે કોઈ પણ પ્રકારની સંવેદના અનુભવવી, કોઈ પણ રીતે બહાર આવવી, વ્યક્ત થવી જરૂરી હતી. હસવું-રડવું, ગુસ્સો, નફરત, કંઈ પણ આ બધિરતા વધુ ચાલી તો? ક્રમશ: