Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

દોસ્ત મને માફ કરીશને? પ્રકરણ-૩૦

 
Source: Neelam Doshi   |   Last Updated 12:20 AM [IST](30/08/2010)
 
 
 
 
 
અરૂપનું એકરારનામું

ઇતિની હાલત જોઈ તારાબહેનની આંખો ભીની બની. સાહેબનો તેને ખાસ પરિચય નહોતો થયો, પરંતુ હવે સાહેબ ઓફિસે પણ નથી જતા અને બહેનનું કેટલું ધ્યાન રાખે છે તે જોઈ સાહેબ માટે પણ તેને આદર જન્મ્યો હતો. નહિતર આમ કામકાજ છોડીને કયો પુરુષ પત્નીની આવી સેવા કરે? પોતે તો કદી આવું જોવા નહોતા પામ્યા. એમના સમાજના પત્નીની આવક પર જીવતા. પત્નીને ઝૂડતા રહેતા. સ્ત્રીનો એક વસ્તુની જેમ ઉપયોગ કરતા; દારૂડિયા પુરુષનું તેમને આશ્ચર્ય નહોતું થયું. એક દિવસ તેણે અરૂપને કહ્યું,‘સાહેબ, મને ખબર છે તેમ લોકો આવું બધું ન માનો, પણ...’

‘પણ શું તારાબહેન?’

‘સાહેબ, મને લાગે છે કે બહેનનો પગ કોઈના છાયામાં આવી ગયો લાગે છે અથવા કંઈ નડતર જેવું હોય. એ વિના સાજાંસારાં બહેન સાવ આમ મૂંગામંતર થોડાં થઈ જાય? સાહેબ, અમારાં જાણીતાં બહેન છે, જેને માતાજી હાજરાહજૂર છે અને આવા કેટલાયને તેણે સાજા કર્યા છે. સાહેબ, એક વાર આપણે બહેનને તેની પાસે લઈ જઈએ તો? તે દાણા આપશે અને જે હશે તે સાચેસાચું કહી દેશે.’

ઇતિની આ હાલતના કારણની ખબર તારાબહેનને નહોતી, પરંતુ અરૂપ કારણોથી ક્યાં અજાણ હતો? શું કહે તે તારાબહેનને?છતાં તારાબહેનની લાગણી તેને સ્પર્શી ગઈ.

‘તારાબહેન, તમે એક કામ કરી શકો?’

તારાબહેન અરૂપ સામે જોઈ રહ્યાં.

‘તારાબહેન, ઇતિને તો આપણે ત્યાં લઈ જઈ શકીએ તેમ નથી, પરંતુ તે બધી વાત કરી જુઓ. તે કોઈ રસ્તો બતાવશે તો આપણે તે મુજબ જરૂર કરીશું.’

‘ઠીક છે સાહેબ, હું વાત કરી જોઈશ.’

કંઈક મૂંઝાતાં તારાબહેન બોલ્યાં અને નીચે ગયાં. અરૂપને એક જ આશ્ચાસન હતું કે ઇતિ પોતાની કોઈ પણ વાતનો વિરોધ કર્યા સિવાય તે જેમ કહે તેમ ભલે યાંત્રિકતાથી, પણ કરતી રહેતી. એક સવારે ચા પી લીધા બાદ ઇતિ રોજની માફક હીંચકે બેઠી હતી. અરૂપ પણ આવીને તેની પાસે બેઠો.

‘ઇતિ, તને ખબર છે? મારી ઓળખાણ અમેરિકામાં અનિકેત સાથે અચાનક જ થઈ હતી અને તેમાંય નિમિત્ત તો તું જ હતી. તારા અનિકેત પાસે ઇતિની વાત સિવાય બીજું શું હોય? તે દિવસે રવિવાર હતો. અમે પાંચ-છ મિત્રો મિશગિન લેઇકમાં બોટિંગ માટે ગયેલા. અનિકેત મારા મિત્ર સંકેતનો મિત્ર હતો અને સંકેત તેને પોતાની સાથે લાવ્યો હતો. અમારી એ પહેલી મુલાકાત. ત્યાં બોટમાં બધા પોતપોતાની ગર્લફ્રેન્ડની વાતો કરતા હતા. અનિકેત મૌન હતો. તેના ચહેરા પર એક ચમક હતી.

બીજા બધા કહે આ શાંત, ઘરકૂકડા છોકરાને વળી ગર્લફ્રેન્ડ જ ન હોય તે બિચારો શી વાત કરે? દોસ્તોની આ મજાક સામે પણ અનિકેત મૌન જ રહ્યો અને કબૂલ કર્યું કે તેને કોઈ ગર્લફ્રેન્ડ નહોતી, પરંતુ તેના ચહેરા પરની ચમક હું પારખી ગયો હતો. છોકરીની વાત નીકળતાં જ તેની આંખોમાં ઊઘડેલા ઉજાસમાં મને કોઈનું વણદીઠું પ્રતિબિંબ દેખાયું હતું. ન જાણે કેમ પણ હું તેની પાસેથી વાત કઢાવવા આતુર બની ગયો. મેં તેનો પરિચય વધાર્યો. દોસ્તી કેળવી. વિશ્વાસ હાંસિલ કર્યો અને અંતે તેને બોલતો કર્યો.

શરૂઆતમાં મને હતું કે કદાચ કોઈ છોકરીની બે-ચાર વાતો હશે. સાંભળવાની, મસ્તી કરવાની મજા આવશે. તેને હેરાન કરીશું અને બે ઘડી મોજ માણીશું, પણ ના ત્યાં બે-ચાર વાતો નહિ.

અનિકેતનું સમગ્ર અસ્તિત્વ, આખું જીવન હતું. તેની દરેક ક્ષણમાં તું સચવાયેલી હતી. ઇતિ, માત્ર તું. એક છોકરો આટલી હદે કોઈને ચાહી શકે એ મારે માટે નર્યું આશ્ચર્ય હતું. અમે બધા તો અત્યાર સુધી...’

અરૂપ પાણી પીવા બે ઘડી થોભ્યો. તેણે ઇતિ સામે નજર નાખી, પણ ત્યાં કોઈ ભાવ દેખાયા નહિ, પણ આજે અરૂપને કહ્યા સિવાય છુટકો નહોતો. ક્યાંય આ વલોપાતના વમળો તે જ... અનિકેતની વાત આવતાં કદાચ ઇતિ તરફથી એકાદ શબ્દ, એકાદ પ્રશ્ન આવશે એવી પાંગળી શંકા, અર્થહીન આશા અરૂપના મનમાં ઊગી આવી. ડૂબતો માણસ તરણું પણ ઝાલે એવી એવી એ ઠગારી આશા પણ આ ક્ષણે તેને આશ્ચાસન આપતી હતી, પણ...

એકાદ મિનિટના મૌન પછી ઇતિ તરફથી કોઈ પ્રશ્ન, કોઈ હોંકારો ન આવતાં તેણે આગળ વાત ચાલુ રાખી. ક્રમશ:

નવલકથા,નિલમ દોશી





 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.