અરૂપનો વલોપાત ઇતિને કાને કદાચ અથડાતો હશે, પરંતુ સ્અંદર સુધી સ્પર્શતો નહોતો. તારાબહેન ઉપર આવ્યાં. અરૂપે જલ્દીથી આંખો લૂંછી. તારાબહેને ઇતિ સામે પૂછ્યું,‘બહેન, આજે જમવાનું શું બનાવું?’ ઇતિને મૌન જોઈ તેને થયું કે બહેનને સંભળાયં નથી. તેથી તેણે પોતાનો પ્રશ્ન ફરીથી રિપીટ કર્યો. ઇતિની આવી હાલતની તેને કલ્પના કેમ આવે?ઇતિ તારાબહેનને ઓળખતી ન હોય તેમ ચૂપચાપ તેની સામે જોઈ રહી. અરૂપે જવાબ આપ્યો,‘બહેનની તબિયત હમણાં સારી નથી. તમને જે ઠીક લાગે તે બનાવી લેવાનું. પહેલાં તમે બનાવતાં જ હતાંને? બહેનને શું ભાવે છે તેનો ખ્યાલ તમને છે જ. બરાબરને?’
તારાબહેને માથું હલાવી હા પાડી. ઇતિને શું થયું છે તે તેને સમજાયું નહિ, પરંતુ વધારે પૂછપરછ કર્યા સિવાય તે નીચે ગયાં. તેને સમજાયું હતું કે અનિકેતની વિદાય કરતાં પણ પતિની આ પરિચિત ઓળખાણનો, કદી ન કલ્પેલો આ સ્વરૂપનો આઘાત ઇતિને વધારે લાગ્યો હતો. આ કંઈ ફક્ત અનિકેતની વિદાયનો આઘાત જ નહોતો. એ તે સમજી શક્યો હતો અને તેથી જ...
અઠવાડિયું આમ જ પસાર થયું. અરૂપની આંખોમાં સમુદ્રની છલોછલ ભરતી આવી હતી, જેને તે પોતાની જીત માનતો હતો તે કેવડી મોટી હાર હતી એ તેને સમજાયું હતું, પરંતુ ક્યારે? સર્વસ્વ ગુમાવી બેઠા પછી.
ઇતિની વેદના તેને કોરી ખાતી હતી. શું કરે તે? શું કરી શકે કે હવે શું કરવું જોઈએ તે સમજાતું નહોતું. ઇતિ માટે તે ગમે તે કરવા તૈયાર હતો. પોતે કરેલા પાપનું પ્રાયશ્વિત કેમ કરી શકાય તે સમજાતું નહોતું અને ઇતિ કશું સાંભળી કે સમજી શકવાની સ્થિતિમાં ક્યાં રહી હતી? જો આમ જ લાંબું ચાલ્યું તો? અરૂપ ધ્રૂજી ઊઠ્યો. કોઈ સાનભાન વિના ચાવી દીધેલી પૂતળીની માફક એપૂ કહે તેમ ઇતિ કર્યા કરતી. અરૂપ ખાવાનું આપે અને કહે ત્યારે ચૂપચાપ ખાઈ લેતી. અરૂપ પાણી આપે ત્યારે પાણી પી લેતી. અરૂપ કહે ત્યારે બેસતી, તે કહે ત્યારે સૂઈ જતી. આખો દિવસ બાલ્કનીમાં બેસી દૂર દૂર સુધી નિર્જીવ આંખે ન જાણે તે શું તાકી રહેતી.
‘ઇતિ, ચાલ આપણે દરિયે જઈશું? ભીની રેતીમાં સરસ મજાનું ઘર બનાવીશું.’ કે ‘ઇતિ તારે ડાન્સિંગ કલાસ જોઇન કરવા છે?’
‘ઇતિ તારે નોકરી કરવી છે?’ પણ કોણ જવાબ આપે તેને? અરૂપ શું કહે છે તે ઇતિને પૂરું સમજાતું જ ક્યાં હતું? બધિર ઇન્દ્રિય ઓ લઈ તે ફક્ત શ્ચાસ લઈ રહી હતી. અરૂપ, જે ક્યારેય અનિકેતની વાત ભૂલથી પણ ન નીકળે તેનું સતત ધ્યાન રાખતો હતો. તે હવે અનિકેતની વાતો કરતાં થાકતો નહોતો.
તેને આશા હતી ક્યારેક અનિકેતની વાતો ઇતિના કાનમાં અથડાશે અને તેની ચેતના જાગ્રત થશે. ઇતિ રડશે, તેની પર ગુસ્સો કરશે, કંઈક પ્રતિભાવ મળશે એ આશાએ તે અનિકેતની યાદ અપાવવા મથતો રહેતો. સમય માનવીને કેટલી હદે બદલાવી દે છે, પરંતુ કેટલાંક સત્યો માટે બહુ મોડું થઈ જતું હોય છે.‘પોઇન્ટ ઓફ નો રિટર્ન’ પર પહોંચ્યા પછી કોઈ વાતનો અર્થ નથી રહેતો. એનો અહેસાસ અરૂપ કરી રહ્યો હતો. આગળ જવાતું નહોતું અને પાછળ જવાની કોઈ ગુંજાઈશ નહોતી રહી. શું કરવું? હથોડાની જેમ અરૂપના મગજમાં આ એક જ વિચાર અથડાતો રહેતો.
જે થઈ રહ્યું હતું તે ન થયું કેમ કરી શકાય? અનિકેત, મારો દોસ્ત, એકવાર એકવાર આવ, હું તારો ગુનેગાર છું. હું હારી ગયો છું અનિકેત, હારી ગયો છું. કોઈ વ્યક્તિને ઝૂંટવીને મેળવી તો શકાય, પણ પામી ન શકાય. દોસ્ત, સમજાય છે આજે મને સમજાય છે. અરૂપ પશ્વાતાપના પાવક અગ્નિમાં જલતો રહેતો, પણ નકામું હતું. બધું નકામું, સાવ અર્થહીન, પણ એમ હિંમત હાર્યે પણ કામ ચાલે તેમ નહોતું. ઇતિની હાલત માટે તે જ જવાબદાર હતો અને ઇતિની આ હાલત તે જોઈ શકતો નહોતો. શું કરે તે? શું કરી શકે? પ્રશ્નનો ઉત્તર કોણ આપે તેને? શું હંમેશાં આમ જ?
તેના પાપનું કોઈ પ્રાયશ્વિત નહિ હોય? સર્પ જેવો સમય પોતાનો રોલ ભજવી સરી ગયો હતો, પરંતુ તેના લિસોટા રહી ગયા હતા. કામવાળાં તારાબહેન સાથે ઇતિને માયા બંધાઈ હતી. બહેનને અચાનક આ શું થઈ ગયું તે તેને સમજાતું નહોતું, તેમને ઇતિ માટે મમતા હતી. ઇતિ તેનો કેટલો ખ્યાલ રાખતી હતી. તેની જરૂરિયાતના સમયે ઇતિએ તેને ક્યારેય ના પાડી નથી. ઇતિ તારાબહેનને વિના માગ્યે તેમનાં બાળકો માટે કે તેમના માટે પગાર ઉપરાંત અનેક વસ્તુઓ આપતી. ક્રમશ: